ભાજપમાં ચિંતન, કોંગ્રેસમાં ચિંતા

કુંવરજીભાઈએ આવી ચીમકી પક્ષને આપી હતી

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

ગુજરાતમાં ભાજપની ટોચની નેતાગીરી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ર૬ સીટો જાળવી રાખવા ચિંતન શિબિર યોજે છે. નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના કેમ્પમાં સિનિયર નેતાઓની નારાજગી દૂર કરવાની કવાયત ચાલી રહી છે. પક્ષના નેતૃત્વને તેની ચિંતા સતાવી રહી છે.

રાજ્યમાં મહાનગરપાલિકા અને પંચાયતોમાં પદાધિકારીઓની નિમણૂકોનો દોર ખત્મ થતાની સાથે જ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૃ કરી દીધી છે. ગુજરાતની તમામ ર૬ બેઠકો હાલ ભાજપ પાસે છે. તે જાળવી રાખવા માટેનો રોડ મેપ તૈયાર કરવા બે દિવસની ચિંતન શિબિર અમદાવાદ છારોડી ગુરુકુલ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આ બેઠકના એક સત્રમાં હાજરી આપી હતી. આ બેઠકમાં વિસ્તારની તમામ બેઠકોના રાજકીય ગણિતની ચર્ચાઓ થઈ હતી. ગુજરાતના વરિષ્ઠ આગેવાનો, પ્રભારી મળી આશરે ૩પ જેટલા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાઓમાં લોકસભાની ચૂંટણીને લઈને બેઠકો વાઇઝ આકલન કરવાનો દોર શરૃ થઈ ગયો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે રાજ્યની ર૬ બેઠકો જાળવી રાખવાનો એક પડકાર છે ત્યારે આ પડકારને પહોંચી વળવા માટે ભાજપની નેતાગીરીએ તૈયારીઓ શરૃ કરી દીધી છે. કેટલીક બેઠકોના ઉમેદવારો બદલશે તે અંગેની ચર્ચાઓ પણ ભાજપમાં શરૃ થઈ ગઈ છે. ભાજપ આઠથી દસ બેઠકોના ઉમેદવાર બદલવાની તૈયારી કરે છે ત્યારે નવા ઉમેદવારો કોણ હશે તેની અટકળો પણ કેસરિયા કેમ્પમાં તેજ બની રહી છે. ભાજપ પક્ષ ધીરે-ધીરે લોકસભાની ચૂંટણીના મોડમાં આવી રહ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ આ સપ્તાહમાં કમલમ અને તેમના અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને સ્થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતોે. ભાજપની નેતાગીરીએ હવે સંપૂર્ણ રીતે ર૦૧૯ની ચૂંટણીને ફોકસ કરીને કવાયત હાથ ધરી છે. રાજ્ય સરકાર પણ આઈપીએસ અને આઈએએસની બદલીઓ સહિતના એક પછી એક પગલાંઓ લઈ રહી છે તે પણ લોકસભાને ધ્યાનમાં રાખીને લઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ કોંગ્રેસના કેમ્પ પર નજર કરીએ તો પંચાયતોની ચૂંટણીમાં પદાધિકારીઓની નિમણૂકને લઈને સિનિયર નેતાઓમાં નારાજગી ઊભી થઈ રહી છે. મહેસાણાના જીવાભાઈ પટેલ, સૌરાષ્ટ્રના સિનિયર નેતા કુંવરજીભાઈ બાવળિયા, વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદાની નારાજગી બહાર આવી તેનું ડેમેજ કંટ્રોલ પ્રદેશના નેતાઓ અને પ્રભારી કરી રહ્યા હતા ત્યાં સોમવારે સાંજે રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૃપાણીની સામે ચૂંટણી લડનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માત્ર શહેર કોંગ્રેસ પ્રમુખપદેથી જ નહીં, કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા પક્ષને મોટો ઝટકો લાગ્યો હતોે. રાજકોટ કોંગ્રેસમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ સક્ષમ નેતા છે. તેમના રાજીનામાથી કોંગ્રેસને નુકસાન થાય તેમ છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રદેશ નેતાગીરીની નીતિ-રીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના એક પછી એક સિનિયર નેતાઓમાં નારાજગી બહાર આવતા મામલો ખુદ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હતો. રાહુલ ગાંધીએ કોળી નેતા કુંવરજીભાઈ બાવળિયાને દિલ્હી બોલાવીને બેઠક કરી હતી. કુંવરજીભાઈએ તો તેમના મતવિસ્તારમાં સમર્થકોનું સંમેલન બોલાવ્યું હતું અને તેમાં ભાજપમાં ભળવા માટેનો સંકેત પણ આપ્યો છે. જોકે અગાઉ પણ ત્રણથી ચાર વખત કુંવરજીભાઈએ આવી ચીમકી પક્ષને આપી હતી, પણ આ વખતે સ્થિતિ થોડી જુદી હોવાનું તેમના સમર્થકો કહી રહ્યા છે. કુંવરજીભાઈ લગભગ ત્રણ દાયકાથી રાજકારણમાં છે, પણ ક્યારેય રાજ્ય કે કેન્દ્રમાં પ્રધાન બન્યા નથી, તેમના હાથમાં સત્તા આવી નથી. કુંવરજીભાઈ હવે પોતાના હાથમાં સત્તા આવે તેવા રાજકીય ગણિતમાં હોવાનું કહેવામાં આવે છે. બીજી તરફ ભાજપ પાસે સૌરાષ્ટ્રમાં કોળી નેતાગીરી નબળી છે એટલે ભાજપ પણ મજબૂત કોળી નેતાની શોધમાં છે. આ રાજકીય સમીકરણો વચ્ચે કુંવરજીભાઈ કેવું પગલંુ ભરે છે, તેઓ વિઠ્ઠલભાઈ રાદડિયાવાળી કરે છે કે કેમ? તે તો સમય જ કહેશે, પણ હાલ તો પ્રદેશ કોંગ્રેસમાં ચિંતા સિનિયર નેતાઓની નારાજગી દૂર કરવાની છે.

—————–

ગુજરાતકારણદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment