મૂવીટીવી – ગરિમા રાવ
ભારતની રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત ‘ગોલ્ડ’ ફિલ્મ ઑગસ્ટ માસમાં સિનેમાઘરોમાં આવવા તૈયાર થઈ રહી છે, ત્યારે દર્શકોની મૂંઝવણ એ છે કે આ કોઈ બાયોપિક છે કે પછી સ્ટોરીબેઝ ફિલ્મ છે. ફિલ્મમાં મુખ્ય કિરદાર અક્ષયકુમાર નિભાવી રહ્યો છે અને બાયોપિક ‘પેડમેન’માં તે કામ કરી ચૂક્યો છે, ત્યારે તેના ચાહકો જરૃર જાણવા માગતા હશે કે આખરે ‘ગોલ્ડ’ ફિલ્મમાં શંુ છે.
‘હમ હોકી સે પ્યાર કરતે હૈ, અપને દેશ સે પ્યાર કરતે હૈ…’ આ ડાયલોગ છે અક્ષયકુમારની આવનારી ફિલ્મ ગોલ્ડનો. જે હોકીની રમત પર આધારિત છે. ફિલ્મ આવ્યા પહેલાં તેના આ ડાયલોગને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આમિર ખાનની સાથે તલાશ ફિલ્મ કર્યા પછી રાઇટર, ડાયરેક્ટર રીમા કાગતી સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ લઈને ફરી એકવાર બોલિવૂડમાં વાપસી કરી રહી છે. ‘ગોલ્ડ’ ફિલ્મમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં જીતેલા પહેલા ગોલ્ડ મેડલની વાર્તા છે જે ૧૯૪૮ની આસપાસ ફરે છે, જ્યારે ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો.
રિમાએ આ વિષયને લઈને ઘણુ રિસર્ચ કર્યું અને અંતે તેને લાગ્યું કે ભારતે મેડલ તો ઘણા જીત્યા છે, પરંતુ આ કંઈક ખાસ છે. એક વ્યક્તિ જે ૧૯૩૬માં બર્લિન ઓલિમ્પિક સમયે ભારતીય હોકી ટીમમાંં આસિસ્ટન્ટ મેનેજર હતો. જે બાર વર્ષ પછી લંડન ઓલિમ્પિકમાં મેનેજર બની ચૂક્યો હોય છે. જેની સ્ટોરી ઘણી પ્રેરણાદાયી છે. રીમા કહે છે કે અક્ષયકુમારનું કિરદાર પણ આ વ્યક્તિની આસપાસ ફરતું બતાવવામાં આવ્યું છે. ફિલ્મની સૌથી ખાસ ક્ષણ વિશે રીમા કહે છે કે તે સમયે જર્મનીમાં તિરંગા ઝંડા પર પ્રતિબંધ હતો, પરંતુ તેમણે શોર્ટ સમયમાં લોકરમાંથી તિરંગો કાઢી લીધો હતો અને પૂરી ટીમે તે ક્ષણે સલામી આપી હતી. ગોલ્ડ ફિલ્મ ૧૯૪૮ની ઐતિહાસિક જીતને ૭૦ વર્ષ પૂર્ણ થાય છે તે સમયે એટલે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮ રિલીઝ થશે.
પ્રથમ મોટી મેચ ૧૨ ઑગસ્ટ, ૧૮૪૮માં રમાઈ હતી, જ્યારે અન્ય એક મેચ ૧૫ ઑગસ્ટે બર્લિનમાં રમાઈ હતી. ફિલ્મમાં બે ઐતિહાસિક મેચની વાત રજૂ કરવામાં આવી છે. પહેલી વાત ૧૯૩૬માં ઉનાળામાં રમાયેલા ઓલિમ્પિક ગેમ્સની હશે. તો અંતિમ મેચ ૧૨ દિવસ ચાલેલી ઇવેન્ટના છેલ્લા દિવસની છે. જ્યારે જર્મની સામે ભારતની હોકી ટીમે ઐતિહાસિક ૮ ગોલ કર્યા હતા. ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તે સમયે દેશ બ્રિટિશ શાસનના સકંજામાં હતો. છતાં પણ લોકોમાં દેશ ભાવના અને રાષ્ટ્રપ્રેમની અદ્ભુત અનુભૂતિ તે સમયે પણ જોવા મળતી હતી. કેવી રીતે એક વ્યક્તિના માધ્યમથી ઘણા લોકો ઐતિહાસિક જીત અપાવવામાં મહત્ત્વનો રોલ અદા કરે છે તે જોવું આ ફિલ્મમાં ઘણુ રસપ્રદ રહેશે. એક બાજુ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો અને બીજી બાજુ દેશને આઝાદી અપાવાની લડત આ બંને વચ્ચે દેશ પ્રત્યેનો લોકોનો લગાવ ફિલ્મમાં સ્પષ્ટ જોવા મળે છે.
એક સમયે બોલિવૂડ અને અક્કીના ચાહકોમાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મ હોકીના દિગ્ગજ ખેલાડી બલવીર સિંહના જીવન પર આધારિત છે. જોકે ફિલ્મના પ્રોડ્યુસરે એવો ખુલાસો કર્યો છે કે આ કોઈ બાયોપિક નથી. હા, આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, પરંતુ વાસ્તવિક ઘટનામાંથી માત્ર ફિલ્મનો પ્લોટ જ ઉઠાવવામાં આવ્યો છે. બાકીની સ્ટોરી કાલ્પનિક છે. તમે તમારા અક્કીને ફિલ્મમાં હોકી રમતો પણ જોશો, તિરંગાને માન આપતો પણ જોશો અને બીજા પણ અનેક એવાં પાસાં જે-તે સમયના જોવા ગમશે.
ફિલ્મમાં પ્રથમવાર અક્ષયકુમાર પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનો સાથ જોવા મળશે.
અક્ષયકુમારની સાથે જોડી જમાવવા ટેલિવૂડની નાગીન એટલે કે મોનીરોય બોલિવૂડમાં પદાર્પણ કરી રહી છે. આ ઉપરાંત કુણાલ કપૂર, અમિત સાધ, વિનિતકુમાર સિંહ પણ જોવા મળશે. હોકી ટીમને ટ્રેનિંગ ઓસ્ટ્રેલિયાના કોચે આપી છે. ફિલ્મનું શૂટિંગ લંડન અને પટિયાલામાં કરવામાં આવ્યું છે. અક્કીનો એક આખો ચાહક વર્ગ છે જે તેને જોવા હંમેશાં આતુર હોય છે. ત્યારે હોકી રમતથી અક્કી પોતાના દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં કેટલો સફળ રહે છે તે ગોલ્ડની રિલીઝ પછી ખબર પડશે. જોકે અત્યાર સુધી આવેલી રમતો પરની ફિલ્મ લગભગ હિટ નિવડી છે. તેમાં ચક દે ઇન્ડિયા હોય કે લગામ. ફરી દર્શકો ભારતની રાષ્ટ્રીય રમતની એક અજાણી દાસ્તાનને ફિલ્મી પરદે જોશે.
———.