હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
ટાઢા પહોરનાં ગપ્પાં….
હું મારા ઘરના ફળિયામાં આવેલા હીંચકા ઉપર બેઠો હતો. ત્યાં અંબાલાલ અકારણ આવી ચડ્યો. મહાત્મા તુલસીદાસજીએ ‘રામચરિત માનસ’માં એવું લખ્યું છે કે, અમુક જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય. ૧) સાસરે વળાવેલી દીકરી પોતાના પિતાના ઘેર આમંત્રણ વગર જઈ શકે. ર) ગુરુના ઘેર શિષ્ય આમંત્રણ વગર જઈ શકે. ૩) મિત્રના ઘેર મિત્ર આમંત્રણ વગર જઈ શકે. ૪) જ્યાં કથા-પારાયણ કે સત્સંગ થતો હોય ત્યાં શ્રોતા આમંત્રણ વગર જઈ શકે.
અંબાલાલ ત્રીજા પ્રકારમાં આવતો હોવાથી એ મારા ઘેર ટાણે-કટાણે ટપકી પડે છે. મને બહાર બેેઠેલો જોઈ અંબાલાલે પૂછ્યું ઃ ‘કેમ વૉચમેનની માફક બહાર બેઠો છે?’
‘જો અંબાલાલ… મેન એટલે કે પુરુષની પાંચ અવસ્થા છે.’ મેં કહ્યું.
‘કઈ પાંચ અવસ્થા છે?’ અંબાલાલે હીંચકા ઉપર મારા વામ ભાગે સ્થાન ગ્રહણ કરતાં કહ્યું.
‘મેન જ્યારે કુંવારો હોય ત્યારે તો સુપરમેન હોય છે. ત્યાર બાદ એ પ્રેમમાં પડવા માટે હવાતિયાં મારે છે. ઘણી જગ્યાએ દાણા નાખે, પરંતુ નિરાશા મળે એટલે સ્પાઇડરમેન થયો ગણાય. કરોળિયો એટલે સ્પાઇડર પણ વારંવાર પડે છતાં વારંવાર ચડે છે. ઘણીવાર પ્રેમમાં નહીં તો લગ્ન માટે કન્યા પસંદ કરવામાં યુવાન વારંવાર નિષ્ફળ જાય છતાં કરોળિયાની માફક પ્રયત્ન છોડતો નથી.’
‘આ બે પ્રકાર તો ગળે ઊતરી ગયા, પરંતુ બીજા ત્રણ પ્રકાર કયા છે?’
‘ત્યાર બાદ જે રીતે ભૂતને પીપળો મળી રહે અથવા આંબલી મળી રહે એમ યુવાન ઠેકાણે પડે પછી જેન્ટલમેન બને છે. એ પરણવા જાય તો પણ જેન્ટલમેનની માફક વર્તે છે. ગોરબાપા કહે કે હાથ ધૂઓ એટલે હાથ ધૂએ, પાણી પી જાવ એટલે પાણી પીવે… એ જેન્ટલમેનનાં લક્ષણો છે.’ મેં કહ્યું.
‘તારી વાત સાવ સાચી છે.’ અંબાલાલે સૂર પુરાવ્યો.
‘લગ્નનાં દસ-વીસ વરસ સુધી એ વૉચમેન બની રહે છે અને જીવનના પચાસ પછી ડોબરમેન બની જાય છે.’ મેં ખુલાસો કર્યો.
‘ઠીક ત્યારે હવે ખબર પડી કે તું વૉચમેનની માફક બહાર કેમ બેઠો છે!’ અંબાલાલને જવાબ મળી ગયો.
‘જો ભાઈ, હું બહાર બેઠો છું, એનું કારણ જુદું છે.’ મેં કહ્યું.
‘શું કારણ છે?’ અંબાલાલે પૂછ્યું.
‘હું પોતાનો ભોગ બન્યો છું.’
‘પોતાનો? એ કેવી રીતે બને? તું તારો ભોગ?’ અંબાલાલે આશ્ચર્ય પ્રગટ કર્યું.
‘પોતાનો એટલે મારો નહીં યાર…’ મેં કહ્યું.
‘તો?’
‘પોતા એટલે ઘરમાં જે સંજવારી-પોતાં થાય તે પોતા-નો ભોગ બન્યો છું. ઘરમાં પત્ની પોતાં કરે છે.’ મેં ચોખવટ કરી.
‘થોડા દિવસો પહેલાં કર્ણાટકમાં ગજબ થઈ ગયો.’ અંબાલાલે વાત માંડી.
‘હા… ચૂંટણીની વાત કરેશ ને?’
‘ના, ચૂંટણીની વાત તો બધાને ખબર છે. કર્ણાટકનું નામ ‘કર નાટક’ પડી ગયું એવો મોટો ડ્રામા થયો, પરંતુ હું બીજી વાત કરું છું જે પોતાની છે.’ અંબાલાલ ઉવાચ.
‘તારી છે?’ મને આશ્ચર્ય ઉપજ્યું.
‘અરે, પોતાની છે એટલે સંજવારી- પોતા-ની છે.’ અંબાલાલે મારી સિક્સર મને આપી.
‘શું વાત છે?’ મને રસ પડ્યો.’
‘એક પત્ની પોતાં કરતી હતી અને પતિ બૂટ પહેરીને ચાલવા લાગ્યો. તાજા પોતાં ઉપર પગલાં પડ્યાં એમાં સ્ત્રીનું મગજ હટી ગયું. એણે ટિપાઈ ઉપર પડેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું અને પતિને પતાવી દીધો.’ અંબાલાલે ટાઢા કલેજે વાત પૂરી કરી.
‘હે…? પતાવી દીધો?’ મને ધ્રાસ્કો પડ્યો.
‘પતી ગયો… પતિ બિચારો પતી ગયો…’ અંબાલાલ હરખથી બોલ્યો.
‘પછી?’
‘પછી શું? ફિલ્મોમાં થાય છે એમ પોલીસની જીપ આવી. પીએસઆઈ જીપમાં બેઠો અને કોન્સ્ટેબલને ઘરમાં જઈને સ્ત્રીની ધરપકડ કરવાનો ઓર્ડર કર્યો.’
‘પછી? પછી શું થયું?’ મારી ઇંતેજારી વધી ગઈ.
‘કોન્સ્ટેબલ ઘરમાં જવાના બદલે ઘરની બહાર ઊભો હતો. પીએસઆઈએ ત્રાડ પાડી કે ઘરમાં જઈને ધરપકડ કરો, કોની રાહ જુઓ છો?’
‘બરાબર છે. પતિની હત્યા કરે તેની ધરપકડ થવી જ જોઈએ.’ મેં કહ્યું.
‘પીએસઆઈએ પૂછ્યું કે કોની રાહ જુઓ છો? એના જવાબમાં કોન્સ્ટેબલે કહ્યું કે, સાહેબ, ફર્શ સુકાઈ જાય એની રાહ જોઉં છું.’ અંબાલાલે વાત પૂરી કરી.
અંબાલાલની વાત સાંભળી હું ખડખડાટ હસી પડ્યો અને અંબાલાલ તો મારા કરતાં પણ વધારે હસ્યો. ઘણા લોકોને એવી આદત હોય છે કે એકાદ જોક આવડતી હોય તો તે દર વખતે કહ્યા કરે અને દરેક વખતે શ્રોતા કરતાં પોતે વધારે હસે.
‘આ હકીકત હતી કે જોક?’ મેં શંકા કરી.
‘જોક…’ અંબાલાલ સાચંુ બોલી ગયો.
‘એ હવે ઘરમાં બેસવું હોય તો છૂટ છે.’ ઘરમાંથી ગૃહમંત્રીનો હુકમ છૂટ્યો એટલે અમે બંને મિત્રો હીંચકા ઉપરથી ઊઠીને મારા ડ્રોઇંગરૃમના સોફા પર ખડકાયા.
‘અંબાલાલ… ગરમી ગજબની પડે છે.’ મેં નવો વિષય છેડ્યો.
‘આપણું ઇતિહાસ વગરનું નગર સુરેન્દ્રનગર, ક્યારેય કોઈ બાબતમાં પહેલું આવ્યું નથી. આ વરસે કુદરતને થયું કે આ નગરના લોકો જેવા સહનશીલ લોકો બીજા કોઈ નગરમાં નથી. આ નગરમાં ટાગોરબાગ છે, પણ ત્યાં બાગ નથી. કૂકડાપ્રેસમાં કૂકડા નથી. મહેતા માર્કેટમાં મહેતા નથી. અરે હમણા જ રિવરફ્રન્ટ તૈયાર થયો, પણ મજાની વાત એ છે કે રિવરફ્રન્ટ છે, પણ રિવર જ નથી. ભોગાવો નદીમાં પાણી જ નથી.’ અંબાલાલે વતન વિશે વિનોદપૂર્ણ વાસ્તવિકતા રજૂ કરી.
‘તું નંબરની વાત કરતો હતો.’ મેં ગાડી પાટે ચડાવી.
‘આવું આપણું વિચિત્રનગર સુરેન્દ્રનગર એક પણ બાબતમાં પહેલું નહોતું એટલે ગરમીમાં પહેલું આવ્યું. આ વરસે ગુજરાતની હાઈએસ્ટ ગરમી આપણા નગરમાં પડી.’ અંબાલાલે હકીકત રજૂ કરી.
‘લોકસાહિત્યકારો ઉનાળાની બળબળતી બપોરનું વર્ણન કરે ત્યારે એમ કહે કે નાળિયેરી ઉપરથી નાળિયેર પડે તો જમીન ઉપર પડે એટલી વારમાં તો ત્રોફાનું પાણી સુકાઈ જાય એવી ગરમી હતી અથવા એમ કહે કે એક મુઠ્ઠી જારના દાણાનો જમીન ઉપર ઘા કરો તો ધાણી થઈને ફૂટી જાય એવી ગરમી હતી ત્યારે એમ થયું કે આ લોકો ટાઢા પહોરનાં ગપ્પાં મારતાં લાગે છે.’
‘આ વરસે એ ગપ્પાં પણ સાચા પડે એવું થયું.’ અંબાલાલે કહ્યંુ.
‘હા… આ વરસની ગરમીએ આપણને યલો એલર્ટથી શરૃ કરી વાયા ઓરેન્જ એલર્ટ થઈને રેડ એલર્ટ સુધી પહોંચાડી દીધા.’ મેં હકીકત રજૂ કરી.
‘મારા દીકરાને નિશાળમાં માસ્તરે પૂછ્યંુ કે એવી કઈ વસ્તુ છે જે ઉનાળામાં ફૂલે અને શિયાળામાં સંકોચાય છે?’
‘રેલવેના પાટા?’ મેં જવાબ આપ્યો.’
‘ના.’
‘તો?’
‘મારા દીકરાએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એણે કહ્યું કે, વૅકેશન. શિયાળામાં ત્રણ અઠવાડિયાંનું હોય એ ઉનાળામાં ફુલાઈને પાંચ અઠવાડિયાંનું થઈ જાય છે.’
‘તારો દીકરો ઇન્ટેલિજન્ટ કહેવાય.’ મેં પ્રમાણપત્ર આપ્યંુ.
‘દીકરો કોનો?’ અંબાલાલે ગૌરવ લીધંુ.
‘તમારા એકનો નથી, એ મારા બહેનનો પણ છે.’ મારા પત્નીએ અમને પાણી આપતી વેળા અંબાલાલનાં પત્નીનો પક્ષ લીધો.
‘હું ક્યા ના પાડું છું?’ અંબાલાલ બોલ્યો.
‘બંનેનો છે એમ રાખો.’ મેં મધ્યમમાર્ગ રજૂ કર્યો.
‘એનું શરીર જાડું છે એટલે શરીરનો વારસો માતૃપક્ષેથી મળ્યો છે અને બુદ્ધિ પાતળી છે એટલે બુદ્ધિનો વારસો પિતૃપક્ષેથી મળ્યો ગણાય.’ અંબાલાલે ઘા માર્યો.
‘બુદ્ધિનું તો ભાઈ એવું છે કે એ કૂવામાં હોય તો અવાડામાં આવે.’ મેં કહ્યંુ.
‘એટલે?’ અંબાલાલ હાથમાં ગ્લાસ સાથે સ્થિર થઈ ગયો.
‘તારી અંદર હોય તો તારા દીકરામાં આવે.’ મેં ચોખવટ કરી.
‘એટલે તું શું કહેવા માગે છે?’ અંબાલાલ ગિન્નાયો.
‘હું એમ કહેવા માગું છું કે તારામાં બુદ્ધિ છે એટલે તારા દીકરામાં પણ આવી છે.’ મારે સવારના પહોરમાં હૈયાહોળી કરવી નહોતી એટલે વાતને વાળી લીધી. બાકી આખંુ ગામ જાણે છે કે મોંઘીભાભીમાં બુદ્ધિ છે એટલી અંબાલાલમાં નથી. એકવાર અંબાલાલ અને ભાભી બંને બજારમાં જતાં હતાં. સામેથી ગધેડાનું ટોળું ચાલ્યું આવતું હતું. અંબાલાલે મોંઘીભાભીની મશ્કરી કરવા માટે
કહ્યું ઃ ‘જો તારા સગાં આવે.’ પરંતુ મોંઘીભાભીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ
આપ્યો ઃ ‘સગાં સાચા, પણ સાસરિયાંનાં સગાં છે.’ ત્યાર બાદ અંબાલાલ ઘણીવાર સુધી મૌન રહ્યો હતો.
‘તમારા બેમાંથી વધારે બુદ્ધિશાળી કોણ?’ અંબાલાલે રૃબરૃમાં પ્રશ્ન કર્યો.
જો પત્ની હાજર ન હોત તો હું જરૃર જવાબ આપી શક્યો હોત, પરંતુ પત્નીની રૃબરૃમાં આ સવાલનો જવાબ આપવો અઘરો છે. પત્ની પણ મારી પાસેથી અંબાલાલના પ્રશ્નનો જવાબ સાંભળવા માગતી હોય એમ પાણીના ખાલી ગ્લાસ ટ્રેમાં મુકી દીધા છતાં સામે જ ઊભી રહી. અંબાલાલે મને સવારના પહોરમાં ધર્મસંકટમાં મુકી દીધો હતો. મેં વિચારવા માટે પૂરતો સમય લઈને જવાબ આપ્યો ઃ
‘જો અંબાલાલ, મારા કરતાં તારા ભાભીમાં બુદ્ધિ વધારે છે.’ પત્ની ખૂબ રાજી થઈ. ‘અમારા ઘરમાં એટલે તો નાના-નાના પ્રશ્નોના નિર્ણય હું લઉ છંુ. બાકી કોઈ મોટા પ્રશ્નો સર્જાય તો તારા ભાભી કહે તેમ જ થાય છે.’ મારો જવાબ સાંભળીને પત્ની હરખાતી હરખાતી રસોડામાં ગઈ.
પત્નીના ગયા પછી મેં અંબાલાલને હળવેથી કહ્યું કે નાના-નાના પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો એ ખબર છે? અમારે કેટલાં બાળકો પેદા કરવા જોઈએ? અમારે કયા એરિયામાં કેવડું મકાન લેવું જોઈએ? અમારું બધંુ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ? આ પ્રકારનાં નાના-નાના પ્રશ્નો.
‘આ પ્રશ્નો નાના છે?’ અંબાલાલ મોટેથી પૂછવા ગયો એટલે મેં નાક ઉપર આંગળી મુકી ધીમે બોલવા માટે ઇશારો કર્યો. ત્યાર બાદ અંબાલાલે ધીમેથી પૂછ્યું. આ પ્રશ્નો જો નાના હોય તો મોટા પ્રશ્નો કયા જેમાં ભાભીનો લીધેલો નિર્ણય માનવામાં આવે છે?
‘પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું કે નહીં? ચીન સાથે સંબંધો કેવા રાખવા? કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજવી? બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ક્યારે પૂરો કરવો? અને નોટબંધી કરવી કે નહીં? વગેરે વગેરે…
મારો જવાબ સાંભળી અંબાલાલ અવાચક થઈ ગયો.
——————–