સ્થાનિક સંસ્થાઓના નવા હોદ્દેદારો જ્ઞાતિવાદ, લોકસભા ચૂંટણી કેન્દ્રમાં રહ્યા

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

અઢી વર્ષ બાદ રાજ્યની મહાપાલિકાઓ અને પંચાયતોમાં નવા સુકાનીઓની વરણીનો દોર શરૃ થઈ ગયો છે. આઠ – દસ દિવસમાં રાજ્યની છ મહાપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિતની મોટા ભાગની લોકલ બોડીમાં નવા સુકાનીઓએ સત્તા સંભાળી લીધી હશે. નવા શાસકોની પસંદગીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, લોકસભાની ચૂંટણી અને જ્ઞાતિવાદનો મુદ્દો જ કેન્દ્રમાં રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એક વાર રાજ્યમાં ભાજપ – કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યની મહાપાલિકાઓ, પાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં વર્તમાન શાસકોની અઢી વર્ષના શાસનની સમય મર્યાદા પૂરી થતાં હવે નવા સુકાનીઓની વરણીની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. પહેલી ટર્મમાં જે સભ્યોને સત્તામાં બેસવાનો વારો નથી આવ્યો તેઓ સત્તાની ખુરશીમાં બેસવા તલપાપડ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકામાં પણ નવા સુકાનીઓ આવી રહ્યા છે. મહાપાલિકાઓમાં ભાજપનું શાસન છે જ્યારે રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાંથી રપમાં કોંગ્રેસનું શાસન છે.

ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષના પ્રદેશ નેતાઓ પંચાયતો – પાલિકામાં નવા શાસકોની પસંદગીની આખરી કવાયતમાં વ્યસ્ત છે. અમદાવાદ કોર્પોરેશનને તા. ૧૪મીએ, રાજકોટને તા. ૧પમીએ તબક્કાવાર છ મહાપાલિકામાં ર૦ તારીખ સુધીમાં નવા નેતાઓ શાસન ધુરા સંભાળી લેશે. જિલ્લા પંચાયતોમાં પણ  ર૦ જૂનની આસપાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આમ જૂનનો મહિનો સ્થાનિક નેતાઓ રાજકીય કાવાદાવાઓમાં વ્યસ્ત રહ્યો છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ સોમવારે તા.૧૧મીએ પદાધિકારીઓનાં નામ નક્કી કરવા નવ કલાક સુધી ચાલી હતી. ભાજપ- કોંગ્રેસે તોડફોડ કરીને કેટલીક પાલિકાઓમાં શાસન કબજે કર્યું છે.

ગોંડલ, ઊંઝા, વઢવાણ, કલોલ સહિની કેટલીક પાલિકાઓમાં પ્રમુખ – ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી થઈ ચૂકી છે. રાજ્યની પાલિકા – પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીના ચૅરમેન બનવા માટે સ્થાનિક નેતાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી લોબિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના છ મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગીમાં ભાજપ અને કોંગ્રેસની નેતાગીરી ખાસ રસ લઈ રહી છે. રાજ્યનાં કોર્પોરેશનો ભાજપનાં કબજામાં છે. શહેરી વિસ્તારો પર પ્રભુત્વ જાળવી રાખવા માટે ભાજપની કવાયત છે તો બીજી તરફ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાઓ તરીકે યુવા અને આક્રમક નેતાની પસંદગી કરવાના મૂડમાં છે. આનાથી ઊલટું દૃશ્ય જિલ્લા પંચાયતોમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની વોટબેંક જાળવી રાખે તેવા નેતાઓને સુકાન સોંપવા માટે કોંગ્રેસે પ્રયાસો કર્યા છે.

રાજકીય નેતાઓ સાથેની વાતચીતમાં એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે પાલિકાઓ અને પંચાયતોમાં નવા સુકાનીઓની પસંદગીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણીના મુદ્દાને ધ્યાનમાં રાખ્યો છે. લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તેના સોગઠા અત્યારથી ગોઠવવામાં આવી રહ્યા છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક નેટવર્ક ગોઠવવામાં આ નવા સુકાનીઓની જ મદદ લેવી પડતી હોય છે.

પાલિકા અને પંચાયતોમાં નવા સુકાનીઓની પસંદગીમાં બીજો મુદ્દો સ્થાનિક જ્ઞાતિવાદનો હાવી રહ્યો છે. સારા આગેવાનોને મેયર – ડે.મેયર કે સ્ટેન્ડિંગ ચૅરમેન બનાવવાના બદલે સ્થાનિક જ્ઞાતિવાદના પરિબળને ધ્યાને લઈને પસંદગી કરવામાં આવી રહી છે. અગાઉની ટર્મમાં જે જ્ઞાતિને મોટું પદ અપાયું હોય તો બીજી ટર્મમાં અન્ય જ્ઞાતિને મોટું પદ આપી જ્ઞાતિઓને રાજી રાખવાની ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવી રહી છે.

પાલિકા અને પંચાયતોમાં નવા સુકાનીઓ તો આવી રહ્યા છે, પણ સવાલ એ છે કે તેઓ રાજકીય ગોલ  સેટ કરવાના કામને જ પ્રાથમિકતા આપશે કે ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કામ કરશે? શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, સ્થાનિક લોકો આજે પણ રોડ, રસ્તા, પાણી, સફાઈ જેવા પાયાના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. મતદારોની પણ અપેક્ષાઓ નવા સુકાનીઓ પાસે હોય તે સ્વાભાવિક છે.
————————–

ગુજરાતકારણદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment