શ્રદ્ધાંજલિ – જગદીશ ત્રિવેદી
મારા પ્રથમ ત્રણ પુસ્તકોની પ્રસ્તાવના અનુક્રમે વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી અને તારક મહેતાએ લખી હતી. મને આ ત્રણે મહાન હાસ્યલેખકોની નજીક રહેવા મળ્યું એને હું મારું સૌભાગ્ય માનું છું. મારા પુસ્તકની પ્રસ્તાવનામાં વિનોદભાઈએ લખ્યું હતું કે, મારું એવું દૃઢપણે માનવું છે કે, સૌરાષ્ટ્રની પ્રજાને ઈશ્વરે ખોબલે-ખોબલે હાસ્યવૃત્તિ વરદાની છે. સૌરાષ્ટ્રમાં સાવ છેવાડાના ગામનો અભણ માણસ પણ હાસ્યને માણવાની સૂઝ ધરાવતો હોય છે. જીવન જરૃરિયાતની ચીજોના અભાવમાં જીવતા હોવા છતાં આ લોકો મુક્ત મનથી હસી શકે છે અને હસાવી શકે છે. હાસ્યને ગરીબી અને વેદના સાથે ઘરવટ હોવાની મારી સમજ છે. કદાચ ગરીબીએ જ આપણને ચાર્લ્સ ડિકન્સ જેવો હાસ્યકાર અને ચાર્લી ચેપ્લિન જેવો હાસ્યકલાકાર આપ્યો. ચાર્લ્સે પોતાનો ડૂમો કાગળ પર ઠાલવ્યો અને ચાર્લીએ કચકડા પર ઉતાર્યો.
વિનોદ ભટ્ટનું બાળપણ ગરીબીમાં વિત્યું હતું. એ કહેતા કે ગરીબી જીવવા માટેનું બળ આપે છે. વિનોદભાઈના શબ્દોમાં જ એમની વાત વાંચો ઃ હું જ્યારે નાનો હતો ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી. મહિનાના છેલ્લા દિવસોમાં તો પૂરતું ખાવા પણ મળે નહીં. અમે બાને કહીએ કે બા, બહુ ભૂખ લાગી છે એટલે એ પાપડ તળીને આપતી હતી. એ ચા સાથે પાપડના ટુકડા કરીને આપે. અમે એ ખાઈને પેટમાં પગ નાખીને સૂઈ જતા હતા. અમે એટલા નાના કે એવો વિચાર આવતો નહીં કે મા-બાપે શું ખાધું હશે?
દૂરદર્શન કેન્દ્ર – અમદાવાદની લોકપ્રિય શ્રેણી ‘હસે તે હેપ્પી’માં મેં વિનોદભાઈ ભટ્ટ સાથે એક કલાક ગુફતેગુ કરી હતી ત્યારે આવી ઘણી અંતરંગ વાતો જાણવા-માણવાનો અવસર મળ્યો હતો. વિનોદભાઈ નાના હતા ત્યારે તેમના પરિવારમાં ચંપલ પહેરવા એ લક્ઝરી ગણાતી હતી. એમના પિતા જશવંતલાલ એક આ લક્ઝરી ભોગવતા હતા. વિનોદ ભટ્ટ નાના હતા ત્યારે ખૂબ શરારતી હતા. એક દિવસ એ નિશાળે જતા હતા અને અચાનક એમની નજર પિતાજીના ચંપલ પર પડી. એમના મનમાં વિચાર આવ્યો કે ચલો, આજ કુછ તુફાની હો જાય. વિનોદભાઈ પિતાજીનાં પગરખાં પહેરીને ચાલ્યા ગયા.
તે દિવસે પિતાજીને કોઈના ચાંદલામાં જવાનું હતું. એ નવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળવા ગયા તો ચંપલ મળે નહીં. પહેલાં એવો વિચાર આવ્યો કે કૂતરું લઈ ગયું હશે, પરંતુ કૂતરું લઈ જાય તો એક ચંપલ લઈ જાય. કારણ, કોઈનું સર્વસ્વ લૂંટી ન લેવાય એવી કૂતરાને પણ ખબર પડે છે. ખૂબ શોધખોળ બાદ બાએ કહ્યું કે, કદાચ વિનિયો પહેરી ગયો હશે.
પિતાજી ઉઘાડા પગે નિશાળ આવ્યા. પોતાના સુપુત્રને કલાસરૃમમાંથી બહાર બોલાવ્યો અને એના પગમાં પોતાના ચંપલ જોઈને હાશકારો થયો. ત્યાર બાદ પિતાજીએ કહ્યું કે વિનુ, આજે મારે ચાંદલામાં જવાનું છે અને ત્યાં ઉઘાડા પગે જઈશ તો સારું નહીં લાગે એટલે મારે ચંપલ પહેરી જવા પડશે.
વિનોદભાઈએ એંસી વરસની ઉંમરે આ પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે, મારા પગમાંથી ચંપલ કઢાવતી વખતે મેં બરાબર જોયું હતું કે પિતાજીની આંખના ખૂણા ભીના થયા હતા. મને વિનોદભાઈએ આ પ્રસંગ કહ્યો ત્યારે મેં પણ બરાબર જોયું હતું કે એમની આંખના ખૂણા પણ ભીના થયા હતા.
‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી,
એમને શું છે જગત એની ખબર હોતી નથી.’
વિનોદભાઈનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ગુજરાતના નાંદોલ ગામમાં થયો હતો. એ રમૂજમાં કહેતા કે, જે દિવસે ભીષ્મ પિતામહ ઉપર ગયા તે દિવસે હું નીચે આવ્યો જેથી પૃથ્વી ઉપર વજન બરાબર જળવાઈ રહે. આ સાંભળીને હું પણ રમૂજ કરતો કે દાદા, ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન હતું અને એમણે ઉત્તરાયણ સુધી મૃત્યુને રોકી રાખ્યું હતું. એમણે કદાચ તમારા જન્મની પ્રતીક્ષામાં જ જીવન ટકાવી રાખ્યું હશે.
જોકે, ભીષ્મના સ્વર્ગારોહણની ઉત્તરાયણ અને વિનોદભાઈના ધરારોહણની ઉત્તરાયણ વચ્ચે હજારો વર્ષનો ગાળો હતો, પરંતુ આ પ્રકારનો વિનોદ એમને સહજ હતો.
વિનોદ ભટ્ટને નાનપણમાં નિશાળે જવાનો ખૂબ કંટાળો આવતો હતો. નિશાળનું નામ પડે અને નર્વસ થઈ જતા હતા. બા કહે કે બેટા, જમી લે પછી તારે શાળાએ જવાનું છે ત્યારે એ કહેતા કે બા, મને રમવાની ભૂખ લાગી છે. એ નિશાળે ન જાય તો પિતાજી મારતા હતા અને શાળાએ જાય તો માસ્તર મારતા હતા. વિનોદભાઈ કહેતા કે ક્યારેક અમારા ઘર પાસેથી ટીન ટીન… કરતો લાયબંબો નિશાળની દિશામાં જાય તો હું રાજી થઈ જતો. મને વિચાર આવતો કે સ્કૂલમાં આગ લાગી હશે અને હવે છ-આઠ મહિના સુધી સ્કૂલમાં રજા રહેશે, પરંતુ દરેક વખતે મારી આશા ઠગારી નીવડતી હતી. અમારી શાળાના પટાવાળાનું નામ રામગોપાલ હતું અને એ મને ગમતો હતો, કારણ એ સમયસર ઘંટ વગાડીને અમને ભણવાની પીડામાંથી મુક્ત કરાવતો હતો. અમારા વર્ગ શિક્ષક ક્યારેક મને વિનોદચંદ્ર કહેતા, જે રીતે સસરા પોતાના જમાઈને બોલાવે એમ બોલાવતા હતા. એ કહેતા ઃ વિનોદચંદ્ર, આવતીકાલે શાળાનું ઇન્સ્પેક્શન છે તેથી આવતીકાલે તમે ના આવશો.
મારા સગા મામા શિક્ષક હતા. હું એમને મામા બનાવવાની કોઈ તક છોડતો નહોતો. પરીક્ષા નજીક આવે એટલે મામા વિદ્યાર્થીઓના પ્રમોશનના નિયમો વાંચી જતા હતા. કારણ ભાણિયાને કેવી રીતે ઉપરના ધોરણમાં લઈ જવો એ મામા માટે ચિંતાનો વિષય ગણાતો. મારા પાસ થવાની ચિંતા મામા કરતા એટલે હું જરા પણ ચિંતા કરતો નહોતો.
મારા તમામ પ્રગતિપત્રોમાં ‘ઊ.ચ.’ લખેલું આવતંુ. આ ‘ઊ.ચ.’ એટલે ‘ઉપર ચડાવ્યા’ એવો અર્થ થતો હતો. મારું પરિણામ આવે એટલે પિતાજી મને અચૂક મારતા અને હું પિતાજીની મારવાની પ્રેક્ટિસ છૂટી ન જાય એટલે અચૂક નબળંુ પરિણામ લઈ આવતો હતો. એકવાર ચમત્કાર થયો. હું મેટ્રિકની પરીક્ષામાં ૩પ% સાથે પાસ થયો. મારી બાએ પિતાજીને કહ્યું કે, વિનુ મેટ્રિકમાં પાસ થઈ ગયો. એને આઇસક્રીમની પાર્ટી આપો. પિતાજીએ કહ્યું કે, હું પાર્ટી આપું તો આપણા સુપુત્રના ૬પ% અજ્ઞાનની પાર્ટી આપી ગણાશે છતાં આપીશ, પરંતુ એકાદ મહિનો રાહ જુઓ. એના પરિણામમાં કોઈ ફેરફાર ન થાય તો આપીશ. આજે એ વાતને વર્ષો વિતી ગયા, પણ હજુ છાપામાં સમાચાર વાંચુ કે ‘મેટ્રિકના પરિણામમાં છબરડો’ એટલે ફાળ પડે કે મારા પરિણામની વાત તો નહીં હોય ને? * * *
——————————.
જગદીશ ત્રિવેદીના સ્વ. વિનોદ ભટ્ટના સંસ્મરણો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…..