ન્યૂડ સ્ટડીઃ નગ્નતામાં કળાની શોધનું સત્ય

હાલ મરાઠી ફિલ્મ 'ન્યૂડ' તેના વિષયને લઈને ચર્ચામાં છે.

કવર સ્ટોરી – નરેશ મકવાણા

હાલ મરાઠી ફિલ્મ ‘ન્યૂડ’ તેના વિષયને લઈને ચર્ચામાં છે. એક આર્ટ કૉલેજમાં ન્યૂડ મૉડેલ તરીકે કામ કરતી બે મહિલાઓની વાત કરતી આ ફિલ્મ સામે મુંબઈમાં ભારે ઊહાપોહ મચેલો છે. એક બાજુ કળાના જાણકારો ન્યૂડ સ્ટડીને ચિત્રકામ માટે મહત્ત્વનો વિષય માને છે, જ્યારે સામાન્ય માણસ માટે તે કળાની આડમાં જુગુપ્સાને સંતોષવાનું સાધન છે, ત્યારે ‘અભિયાન’એ અહીં ન્યૂડ સ્ટડીની ભીતરમાં જઈને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે…

એક પ્રખ્યાત યુનિવર્સિટીના લલિત કળા વિભાગનો ક્લાસ રૃમ. ચિત્રકળાના વિદ્યાર્થીઓ પીંછી, રંગો અને કૅન્વાસ સાથે કોઈની રાહ જોઈ રહ્યાં છે. થોડી જ વારમાં એક વીસેક વર્ષની યુવતી ક્લાસમાં પ્રવેશે છે, જેને સહુ કોઈ ઊર્મિલા(નામ બદલ્યું છે) તરીકે ઓળખે છે. સામાન્ય દેખાવ, દૂબળી, પાતળી, ચોટલો વાળેલા વાળ, આંખોમાં કાજળ સાથે તે સ્વસ્થ લાગી રહી છે. તેનાં આગમન બાદ તરત મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને એક આદેશ કરે છે અને એ સાથે જ ચારેબાજુથી ક્લાસ રૃમ બંધ કરીને પડદા પાડી દેવાય છે. ચોતરફ અંધારિયા એ રૃમની વચ્ચોવચ ઝળકતી એક લાઈટના અજવાળા વચ્ચે આવીને ઊર્મિલા ઊભી રહે છે અને ધીરે રહીને એક પછી એક કપડાં શરીર પરથી દૂર કરતી અંતે નિર્વસ્ત્ર થઈ જાય છે. એ સાથે જ યુવા ચિત્રકારો, જેમાં છોકરા અને કેટલીક છોકરીઓ પણ છે, તેઓ તેને એક પોઝમાં ઊભા રહેવાનું કહે છે. ઊર્મિલા તે પ્રમાણે ઊભી રહે છે અને પછી ધીરે-ધીરે એમના કોરા કૅન્વાસ પર ઊર્મિલાના દેહની રેખાઓ ઉપસવા માંડે છે. માથું, મો, વક્ષ, પેટ, પીઠ, હાથ-પગ એમ શરીરનાં દરેક અંગોના વળાંકો, અંગભંગિમાઓ સાથે ઊર્મિલા ઝીણવટપૂર્વક કૅન્વાસ પર ઊતરતી જાય છે. પાંચેક કલાક સુધી આ કામ ચાલતું રહે છે અને ત્યાં સુધી ઊર્મિલા એ જ સ્થિતિમાં ઊભી રહે છે. હા, વચ્ચે-વચ્ચે તેને પંદર મિનિટનો બ્રેક મળતો રહે છે જેમાં તેના અકડાઈ ગયેલા શરીરને જરા આરામ મળી રહે છે. એ દરમિયાન પેલી પેઇન્ટર છોકરીઓ તેની સાથે બેસીને ચા-પાણી પણ પીએ છે. છેલ્લે તાસ પૂરો થયા પછી સૌ કોઈ તેનો આભાર માને છે અને એ રીતે ઊર્મિલાને બસો રૃપિયાની સાથે કંઈક સારું કામ કર્યાનો સંતોષ થાય છે.

‘હર ઇન્સાન મેં ખુદા હોતા હૈ ઔર ખુદા મેં ઇન્સાન, મુસવ્વિર ઇન દોનોં કે પરે જાકર કુછ ખોજને કી જુર્રત કરતા હૈ. કપડા જિસ્મ પે પહેનાયા જાતા હૈ રૃહ પે નહીં, ઔર મેં અપને કામમેં રૃહ ખોજને કી કોશિશ કરતાં હું.’  – રવિ જાધવની મરાઠી ફિલ્મ ‘ન્યૂડ’માં ચિત્રકાર નસરૃદ્દીન શાહ આ સંવાદ બોલે છે, જેમાં એક ચિત્રકારની વાતને રજૂ કરવા પ્રયત્ન કરાયો છે. આ ફિલ્મ આજકાલ ચર્ચામાં છે, જેમાં નગ્ન ચિત્રકળા અને તેની પાછળના હેતુની વાત કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ હોબાળો મચી ગયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની વાત પણ આવેલી. જોકે સેન્સર બોર્ડે તેને રિલીઝનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ ફિલ્મે આપણને ચિત્રકળામાં ન્યૂડ સ્ટડીનું મહત્ત્વ અને તેને સ્પર્શતા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો મોકો આપ્યો છે.

આર્ટ કૉલેજમાં ચિત્રકળાના પાઠ્યક્રમનો એક મહત્ત્વનો વિષય છે ન્યૂડ સ્ટડી. માનવ શરીરનું ચિત્ર કે સ્કેચ બનાવવા માટે શરીરની તમામ વિશિષ્ટતાઓને જાણવી જરૃરી છે. મહિલા અને પુરુષના શરીરના ઉતાર ચઢાવ, તેની રચના વગેરે જુદા-જુદા હોય છે. આર્ટ કૉલેજમાં શરીરની રચના અને વિશિષ્ટતાઓના અભ્યાસને લાઇફ સ્ટડી કહેવામાં આવે છે. આ સિવાય અલગ અલગ શારીરિક ભાવભંગિમાઓનો અભ્યાસ પણ તેમાં સામેલ છે. એટલા માટે સામાન્ય રીતે એક નિર્વસ્ત્ર પુરુષ અથવા નિર્વસ્ત્ર મહિલા મૉડેલની મદદ લેવામાં આવે છે. વર્ષોથી આ કામ માટે મૉડેલ, ખાસ તો મહિલા મૉડેલો મળવી મુશ્કેલ રહી છે. આજે આ વ્યવસાયમાં જે પણ છોકરીઓ કે મહિલાઓ આવે છે તે પરિવાર અને સમાજથી છુપાઈને આ કામ કરે છે. સામાન્ય રીતે તે ગરીબ પરિવારોમાંથી આવતી હોય છે અને મજબૂરીવશ આ  વ્યવસાયમાં આવે છે. વિદ્યાર્થીઓ કહે છે કે, આ પ્રકારનો તાસ તેમની કળાની તાલીમ માટે ખૂબ જરૃરી છે. જોકે, હવે દરેક કળા વિભાગો માટે ન્યૂડ મૉડેલો શોધવી ખૂબ અઘરું કામ બની રહ્યું છે. જેના કારણે ઘણી બધી સંસ્થાઓમાંથી ન્યૂડ પેઇન્ટિંગને ચિત્રના પાઠ્યક્રમમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. એનું કારણ માત્ર મૉડેલોને અપાતી નજીવી રકમ જ નથી, પણ સમાજમાં તેમના પ્રત્યેની તિરસ્કારની નજર પણ એટલી જ જવાબદાર છે.

વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં આવેલા ફાઇન આટ્ર્સ વિભાગમાં વર્ષો પહેલાં કેટલીક મહિલાઓ ન્યૂડ મૉડેલ તરીકે પોઝ આપતી હતી, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી સંસ્થામાં ન્યૂડ સ્ટડી બંધ કરી દેવાતા હવે તેમનો કોઈ અતોપતો નથી. જમના (નામ બદલ્યું છે) આવી જ એક મૉડેલ છે. મોટા ભાગે તે છૂટક મજૂરી કરે છે, પણ ક્યારેક જાણીતા ચિત્રકારો માટે મૉડેલિંગ પણ કરે છે. આ કામ તે મોટા ભાગે મજૂરી ન હોય તેવા દિવસોમાં ખાનગીમાં કરે છે. તેના માટે તેને એક સમયના બસોથી અઢીસો રૃપિયા મળે છે. અગાઉ પતિ સાથે થતાં રહેતા ઝઘડાઓથી કંટાળીને તેણે છૂટાછેડા લઈ લીધા હતા. હાલ ઘર ચલાવવા માટે તે મજૂરી કરે છે અને ક્યારેક કોઈ ચિત્રકારના આમંત્રણ પર ન્યૂડ મૉડેલિંગ કરે છે. તેના પરિવારમાં તેના સિવાય એક દીકરી છે જે સ્થાનિક શાળામાં અભ્યાસ કરે છે.

જમનાની જેમ માધુરી (નામ બદલ્યું છે) પણ એક ન્યૂડ મૉડેલ છે અને આ કામનો ઘણો લાંબો અનુભવ ધરાવે છે. ૧૯ વર્ષની ઉંમરથી તે ન્યૂડ મૉડેલિંગ કરતી આવી હોઈ આ વ્યવસાયમાં તેને બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે. ગુજરાત અને દેશના અનેક નામીઅનામી કલાકારો માટે તે નગ્ન પોઝ આપી ચૂકી છે. માધુરીનું માનવું છે કે આ કામ બહુ અઘરું છે. ઘણીવાર એક જ અવસ્થામાં બેસી રહેવાથી પગ સૂન થઈ જાય છે. સામાન્ય રીતે ચિત્રકાર મૉડેલને વચ્ચે વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક આપતાં હોય છે. પણ ઘણીવાર તેઓ પોતાના કામમાં એટલા બધાં ખોવાઈ જતા હોય છે કે, તેમને ખ્યાલ નથી રહેતો કે એક જીવતી વ્યક્તિ તેમની સામે એક જ પોઝમાં ક્યારની બેઠી છે. માણસ એક જ પોઝમાં કેટલો સમય બેસી શકે? તે એમ પણ જણાવે છે કે, જો પોઝ દેતી વખતે મૉડેલ સંકોચ અનુભવે, શરમાય, વારેઘડીએ હલનચલન કરતી રહે તો તેને ફરી કામ મળવામાં મુશ્કેલી પડે છે. ક્યારેક ચિત્રકારની અનુકૂળતા મુજબ તેણે વારંવાર પોઝ બદલવો પણ પડતો હોય છે. હવે તો કૉલગર્લ પણ ન્યૂડ પોઝ આપવા માટે તૈયાર હોય છે, પણ એના માટે તે તગડી રકમ માંગતી હોઈ સામાન્ય ન્યૂડ મૉડેલની માગ જળવાઈ રહી છે.
————-.

એક અત્યંત વિવાદાસ્પદ વિષયની મર્યાદા-લોપ વિનાની પ્રસ્તુતિની આગળની કડી સાથે જોડાવા ‘અભિયાન’ આજે જ સબસ્ક્રાઇબ કરો.

નરેશ મકવાણાન્યૂડ પેઇન્ટિંગ
Comments (0)
Add Comment