મૂવીટીવીઃ આલિયા ભટ્ટની સ્પષ્ટતા । બોલિવૂડમાં લગ્નની મોસમ

સોનમ કપૂરનાં લગ્નમાં રણબીર અને આલિયા સાથે જોવા મળ્યા

આલિયા ભટ્ટની સ્પષ્ટતા
રણબીર કપૂરની લવલાઇફને લઈને ઘણી રોમાંચક વાતો દિનપ્રતિદિન સાંભળવા મળે છે. ચોકલેટી હીરોના અફેરને લઈને પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળે છે. દીપિકા પદુકોણ, કેટરીના કૈફ અને હવે આલિયા ભટ્ટના નામને લઈને રણબીર કપૂર સમાચારમાં છે. સ્વાભાવિક છે કે કેટરીના કૈફથી અલગ થયા બાદ રણબીરનું નામ કોની સાથે જોડાઈ રહ્યું છે તે જાણવાની તાલાવેલીમાં સૌ હતા. હવે વળી પાછો આ કિસ્સામાં ટ્વિસ્ટ છે. હવે રણબીર અને આલિયા ભટ્ટ વચ્ચે લિંકઅપ હોવાની વાતે બોલિવૂડમાં જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મનું સ્ક્રીનિંગ હોય કે આઉટિંગ હોય કે સોનમ કપૂરનાં લગ્નમાં પણ રણબીર અને આલિયા સાથે જોવા મળી રહ્યાં છે. જોકે, આલિયાનું કહેવું છે કે તે અને રણબીર ‘બ્રહ્માસ્ત્ર’ નામની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે તેથી તેઓ સાથે જોવા મળી રહ્યાં છે. હવે રણબીર અને આલિયાને એકબીજાનો સાથ ગમવા લાગ્યો હોય તો નવાઈ નહીં.
————————–.

બોલિવૂડમાં લગ્નની મોસમ
સોનમ કપૂર અને ઉદ્યોગપતિ આનંદ આહુજાના હાઈપ્રોફાઇલ લગ્નને લઈને એવી બીજી કેટલીય જોડીઓ છે, જેમને પોતાનાં લગ્નને લો પ્રોફાઇલ બનાવવા મજબૂર બનવું પડ્યું. અભિનેત્રી નેહા ધૂપિયાએ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કરી લીધાં તેના સમાચારો તેણે પોતે સોશિયલ મીડિયામાં ફોટો શૅર કરીને આપવા પડ્યા. જે સેલિબ્રિટીઓ મીડિયા અને પબ્લિક અટેન્શનના ભૂખ્યા હોય તેમને પણ એવું કહેવાનો વારો આવે કે અમે બહુ લો પ્રોફાઇલ મેરેજ પ્લાન કર્યાં હતાં અને તેથી કોઈને જાણ થવા ન દીધી. હકીકત તો એ હોય છે કે સ્ટાર સેલિબ્રિટીનાં લગ્ન હોય ત્યાં બીજું કોણ શું કરી રહ્યું છે તેની ભાગ્યે જ નોંધ લેવાતી હોય છે. તેથી આ સાઇડ લાઇટ સેલિબ્રિટીઓ પોતે લાઇમ લાઇટ નથી મેળવી શક્યા એનાં દુઃખડા રડ્યા વિના પોતે જ લો પ્રોફાઇલ મેરેજ પ્લાન કર્યાં હતાં, તેવા સ્ટેટમેન્ટ આપીને પોતાનું નાક ઊંચું રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. ખેર, તમને જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજા ઉપરાંત નેહા ધૂપિયા અને અંગદ બેદી, હિમેશ રેશમિયા અને સોનિયા કપૂર, મિલિંદ સોમણ અને અંકિતાનાં લગ્ન યોજાઈ ગયાં, પણ સોનમ અને આનંદનાં લગ્નને બાદ કરતાં કોઈનાં પણ લગ્નને લાઇમ લાઇટમાં રહેવાનો મોકો ન મળ્યો.
————————–.

પરમાણુની પરેશાની
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને હંમેશાં તણાવ જોવા મળતો રહે છે. ઘણીવાર ઘણી બિગ બજેટ ફિલ્મો વચ્ચે રિલીઝ ડેટને લઈને ઘર્ષણ સર્જાતું જોવા મળે છે. દરેક નિર્દેશક એવું ઇચ્છે છે કે બોક્સ-ઓફિસ પર તેની સોલો ફિલ્મ જ રિલીઝ થાય, પણ અફસોસ, દરેક વખતે નિર્દેશકની આ ઇચ્છા બર આવે એવું નથી બનતું. આ પરમાણુ અને ભાવેશ જોશી સુપરહીરોની જ વાત લઈ લો ને. પરમાણુ ફિલ્મે તો રિલીઝ ડેટની બાબતમાં રેકોર્ડ બનાવ્યો છે એમ કહેવાઈ રહ્યું છે. એટલે કે આ ફિલ્મની રિલીઝની તારીખ એટલીબધી વાર પાછી ઠેલાઈ છે કે ન પૂછો વાત. હવે જ્યારે ૨૫ મેના રોજ પરમાણુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે બોક્સ- ઓફિસ પર તેની ટક્કર ભાવેશ જોશી સુપરહીરો નામની ફિલ્મ સાથે થઈ રહી છે. જ્હોન અબ્રાહમ પરમાણુમાં મુખ્ય કિરદાર નિભાવી રહ્યો છે તો ભાવેશ જોશી સુપરહીરોમાં હર્ષવર્ધન કપૂર જોવા મળશે. પરમાણુ ફિલ્મ પોખરણ પરીક્ષણ પર આધારિત છે જ્યારે ભાવેશ જોશી સુપરહીરો એક એવા યુવાનની વાત છે, જે મુંબઈ શહેરને વિનાશથી બચાવવા માટે સુપરહીરોનું રૃપ લે છે.
————————–.

મૂવીટીવી
Comments (0)
Add Comment