હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
jagdishtrivedi1967
એક સવારે હું ચા પીધા પછી હાજતે જવાની ઇચ્છા થાય તેવી ઇચ્છા સાથે છાપું વાંચતો હતો ત્યાં ઓચિંતો ચુનીલાલ આવી ચડ્યો. મેં અખબારમાં મોઢું રાખીને કહ્યું ઃ ‘બહુ વહેલો ટપકી પડ્યો.’
‘માણસના આવવાની ક્રિયા માટે આ ટપકી પડ્યો જેવું ક્રિયાપદ કેમ વપરાતું હશે?’ ચુનીલાલે પ્રશ્ન સાથે સોફામાં પડતું મૂક્યું.
મેં ન્યૂઝ પેપર હટાવીને કહ્યું ઃ ‘જો ચુનીયા. આપણે વરસો પહેલાં શાહીથી ચાલતી ઇન્ડીપેન વાપરતા હતા જેમાં ટાંક અને જીભ આવતી હતી. એ પેનમાં ઘણીવાર લખતાં લખતાં શાહીનું ટપકું કાગળ ઉપર ટપકી પડતું હતું.
‘હા… યાદ આવ્યું.’
‘એ ટીપું લખનારને ગમે કે ન ગમે, પરંતુ ટપકી પડતું અને આ રીતે ટપકી પડતું ટીપું લખનારને જાણ કર્યા વગર જ ટપકી પડતું હતું. એ રીતે કોઈ માણસ ઘરધણીને જાણ કર્યા વગર ટાણે-કટાણે આવી ચડે ત્યારે એને પણ પેલા ટીપાની માફક ટપકી પડ્યો કહેવાય. જે રીતે અત્યારે તું ટપકી પડ્યો છે’ મેં સ્પષ્ટતા કરી.
મારો ખુલાસો સાંભળીને ચુનીલાલને તમ્મર ચડી ગઈ. એ એવી રીતે ઊભો થયો કે સોફાસેટમાં કરંટ લાગ્યો હોય. ત્યાર બાદ ચુની બોલ્યો ઃ ‘તને હું આવ્યો તે ન ગમ્યું હોય તો હું જતો રહું છું.’
‘મેં હજુ નિત્યકર્મ પણ પતાવ્યું નથી ત્યાં તું આવી ચડ્યો. તે મને ખરેખર ગમ્યું નથી, પરંતુ તું ચા પીધા વગર જશે તો જરા પણ ગમશે નહીં માટે ચા પીને જજે.’ મેં કહ્યું.
‘તને ન ગમે એવું એક કામ કર્યું. હવે બીજું કરવું નથી… ભાભી… ચા બનાવજો ત્યારે.’ આટલું બોલીને ચુનીલાલ ધડામ કરતો ફરી સોફામાં બેસી ગયો.
મિત્ર માણસના જીવનની ડાયરીનું એક એવું પાનું છે કે જેના ઉપર તમે ધારો તે લખી શકો અને ધારો તે વાંચી શકો. મેં અખબારમાં રહેલા સમાચાર વાંચીને કહ્યું કે આ નીરવ મોદીએ તો ભારે કરી.
‘ભારે કરી નહીં ભૂંડી કરી.’ ચુનીલાલે સુધારો સૂચવ્યો.
‘આજના છાપામાં લખે છે કે મોદીનો બીજો ગોટાળો પણ જાહેર થયો અને હવે કુલ ૧ર,૬૦૦ કરોડનો ચૂનો ચોપડી ગયો છે.’
‘ભારતની વસતી કેટલી હશે?’ ચુની બોલ્યો.
‘આશરે સવાસો કરોડ…’
‘જો નીરવ મોદીએ કરેલા કૌભાંડની રકમની વહેંચણી કરીએ તો ભારતના દરેક નાગરિકને હજાર રૃપિયા આપી શકાય.’
‘ચુનીલાલ… તારી વાત સાવ સાચી છે. મારા દીકરાને પરદેશ ભણવા જવું હતું ત્યારે હું પંજાબ નેશનલ બેંકમાં લોન લેવા ગયો ત્યારે મને એટલા ધક્કા ખવડાવ્યા કે મેં લોન લેવાનો વિચાર માંડી વાળ્યો હતો. એ બેંકના ભ્રષ્ટાચારી અધિકારીઓની મિલીભગતથી મોદી ૧ર,૬૦૦ કરોડનું ફુલેકું ફેરવીને ભાગી ગયો.’ મેં બળાપો કાઢ્યો.
‘જો, જગદીશ. બે જણા બેંક લૂંટવા ગયા. એ બંનેને અમીર થવાની એટલી બધી ઉતાવળ હતી તે રિવોલ્વર ઘેર ભૂલીને બેંકમાં પહોંચી ગયા. બેંક કદાચ પંજાબ નેશનલ બેંક હશે અને મેનેજર પણ પીએનબીના કૌભાંડી અધિકારી જેવો જ હશે. એ મેનેજરે ધાડપાડુને કહ્યું કે તમે આવ્યા છો તો બેંક લૂંટતા જાવ, પરંતુ રિવોલ્વર કાલે બતાવી જજો.’ ચુનીલાલે ચોંટદાર વ્યંગ કર્યો.
ચુનીલાલની વાત સાંભળીને હું ખડખડાટ હસી પડ્યો. અમે હસી પડ્યા ત્યાં પત્ની ધસી પડ્યાં. મારા પત્ની ચા લઈને આવ્યાં. અમે ચાય પે ચર્ચા શરૃ કરી. મેં કહ્યું ઃ ‘ચુનીલાલ, બીજો એક યોગાનુયોગ થયો છે જે કોઈના ધ્યાનમાં આવ્યો નથી.’
શું…?
‘નીરવની અટક ‘મોદી’ છે અને વિજયની અટક ‘માલ્યા’ છે બંને અટક એક જ રાશિની છે.’
‘એમ તો વરસો પહેલાં આ બંને રાષ્ટ્રભક્ત સાથે મૂકી શકાય એવો એક દેશપ્રેમી જન્મ્યો હતો અને એની અટક પણ સિંહ રાશિની હતી.’
‘એ કોણ…?’ મને આશ્ચર્ય થયું.
‘હર્ષદ મહેતા…’
મને ચુનીલાલના ‘પ્રેઝન્સ ઓફ માઈન્ડ’ ઉપર માન થયું. મને આવા બુદ્ધિશાળી માણસનો મિત્ર હોવાનું ગૌરવ થયું. આપણી ભાષામાં એક કહેવત ખૂબ જાણીતી છે ઃ આલ્યાની ટોપી માલ્યાને. આ કહેવત બનાવનારને ખબર હશે કે વરસો પછી એક વિજય માલ્યા નામનો ભડવીર જનમવાનો છે અને તે આ કહેવતને સત્ય સાબિત કરશે. માલ્યાની માફક જ મોદી પણ ભાગી ગયો. આ બંને ભાગેડુને ભારત લાવીને આજીવન જેલની ચક્કીનો લોટ ખવડાવીએ તો પણ ખીજ ઓછી થાય તેમ નથી.
‘આ બેંકવાળા નાના માણસોને એટલી હદે હેરાન કરે છે કે વાત જવા દો…’ ચુનીલાલે કહ્યું.
‘કેવી રીતે હેરાન કરે છે?’ મેં પૂછ્યું.
‘એક તો મોટા ભાગની બેંકોમાં હિન્દી ભાષી કર્મચારીઓ આવી ગયા છે. ગુજરાતમાં પુષ્કળ માણસો એવા છે કે જે સાચું હિન્દી પણ બોલી શકતા નથી. એ લોકો આ કર્મચારીઓ સાથે હિન્દીમાં વાત કરે ત્યાંથી કઠણાઈ શરૃ થાય છે. ગામડાના માણસને હિન્દીમાં બે વાક્ય બોલવામાં શર્ટ પલળી જાય એટલો પરસેવો છૂટી જાય છે.’
‘તારી વાત વિચારવા જેવી ખરી…’ મેં ટેકો આપ્યો.
‘આપણો ગુજરાતી કર્મચારી ગુજરાત બહાર નોકરી કરવા જાય તો એ લોકો ગુજરાતીમાં વાત કરતાં નથી, પરંતુ આપણે ગુજરાતીઓ એટલા ભલા છીએ કે હિન્દી આવડે કે ના આવડે, પણ હિન્દીભાષી સાથે હિન્દીમાં જ વાત કરીશું.’
આપણાં ગુજરાતી બહેનો પાણીપૂરીવાળા ભૈયાજી સાથે પણ હિન્દીમાં વાત કરે છેઃ ભૈયાજી… જરા મોટી પૂરી લેના, નાની પૂરી લેતે હો તો ઉસમે કમ પાની સમાતા હૈ. દેખો ભૈયાજી કાણાવાળી પૂરી મત લેના, રેગડા ઉતરતા હૈ વો કોણી લગી આતા હૈ.
‘આપણું હિન્દી આ કક્ષાનું હોય તો અંગ્રેજીની વાત કરવી ખૂબ વહેલી પડે એવું છે.’ ચુની ઉવાચ. એકવાર એક અભણ ગામડિયો બિચારો શહેરની બેંકમાં લોન લેવા માટે આવ્યો. ગામડામાં છાણા છે અને શહેરમાં સિલિન્ડર છે તેમ ગામડાના લોકો શાણા છે અને શહેરમાં ગિલિન્ડર છે. પેલા ગામડાના માણસને મેનેજર સુધી પહોંચતા એક કલાક નીકળી ગયો. હિન્દીભાષી મેનેજરના હિન્દીમાં પૂછાયેલા સવાલોના હિન્દીમાં જવાબ આપવામાં બિચારાનો શર્ટ પલળી ગયો.
પછી? મને રસ પડ્યો.
મેનેજરે કહ્યું કે તારી પાસે મોર્ગેજ કરવા માટે જમીન, મકાન, સોનું વગેરે છે? જે પેલા માણસ પાસે નહોતું. છેલ્લે મેનેજરે પૂછ્યંુ કે તારી પાસે કેટલી ભેંસ છે? તારી ભેંસને મોર્ગેજ તરીકે રાખીને લોન આપી શકાય તો મારા ઉપરી અધિકારીને પૂછીને જણાવું. પેલો ગામડિયો નિરાશ થઈને ગામડે પાછો જતો હતો. કહાનીમાં હવે ટ્વિસ્ટ આવે છે.
શું…? જલ્દી બોલ… મને વધુ રસ પડ્યો.
એ ગામડિયાએ ભજિયાનું લંચ લીધું. બસ પકડતાં પહેલાં ફેરિયા પાસેથી લોટરીની ટિકિટ લીધી અને નસીબદાર એવો કે પાંચ લાખની લોન માટે બેંક-બેંક ફરતો હતો એને બીજા દિવસે એક કરોડની લોટરી લાગી ગઈ.
વાહ.. જય હો… હું એવી રીતે રાજી થયો જાણે મને લોટરી લાગી હોય. આ મારી સહાનુભૂતિ હતી જે કાયમ ગરીબ માટે જ હોય છે.
પેલા હિન્દીભાષી બેંક મેનેજરે બીજા દિવસે છાપામાં ફોટો જોયો અને ઓળખી ગયો. જે મેનેજર આગલા દિવસે પાંચ લાખની લોન આપવાની ના પાડતો હતો એ બીજા દિવસે છેક ગામડે ગયો અને પેલા લોનવાંછુને પોતાની બેંકમાં રૃપિયા ડિપોઝિટ કરવા કરગરવા લાગ્યો. ત્યારે પેલા અભણ ગામડિયાએ મેેનેજરને શું કહ્યું તે ખબર છે?
ના… મારી ઉત્સુકતા વધી ગઈ.
ગામડિયાએ મેનેજરને કહ્યું કે હું તમારી બેંકમાં રૃપિયા મૂકું, પણ તમે કહો કે તમારી પાસે કેટલી ભેંસ છે? ચુનીલાલે ધડાકો કર્યો.
ચુનીલાલની વાત સાંભળીને હું અને મારા પત્ની ખૂબ રાજી થયાં. મને ગરીબ અને ગામડિયા સાથે પક્ષપાત હોવાથી હું ગામડિયાનો જવાબ સાંભળી રાજી-રાજી થઈ ગયો. મને થયું કે ચુનીલાલ ભલે ટપકી પડ્યો, પણ તેના આવવાથી મારી સવાર સુધરી ગઈ હતી. મને ચુનીયાની વાત સાંભળીને એટલો આનંદ થયો હતો કે હવે કદાચ મને જે કામની પ્રતીક્ષા હતી એ ન થઈ શકે તો પણ મારી તબિયતમાં એક ટકાનું નુકસાન થાય તેમ નહોતું. લાફટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન.
‘ચુનીલાલ દોસ્ત… મઝા કરાવી દીધી.’ મેં અનુમોદના કરી.
‘થેંકયુ.’
‘તું ટપકી પડ્યો નથી, પરંતુ પ્રગટી ગયો છે.’
ખૂબ આભાર… ચુની ગળગળો થઈ ગયો.
નીરવ મોદી જેવા લાલચી લોકો અને પંજાબ નેશનલ બેંકના પેલા ભ્રષ્ટ કર્મચારીઓ જેવા સ્વાર્થી લોકો માટે તારી આ વાત તમાચો બની રહેશે.
નીરવ મોદી ૧ર,૬૦૦ કરોડનું કરી ગયો, વિજય માલ્યા કરોડોનું ફુલેકું ફેરવીને લંડનમાં જલસા કરે છે અને ભારતનો મધ્યમવર્ગી માણસ બિચારો બે-પાંચ લાખની લોન માટે દરદરની ઠોકરો ખાય છે. અમુક દયાહીન કર્મચારીઓની ન સમજાય તેવી ભાષા સાંભળીને તેમના ચહેરા સામે તાકી રહે છે.
આપણા દેશનો નાનો માણસ પોતાના ખાતામાંથી કોઈને ચેક આપે અને હસ્તાક્ષરમાં થોડો ઘણો ફરક હોય તો ખાતામાં બેલેન્સ હોય છતાં ચેક રિટર્ન થાય અને એના રૃપિયા કપાય છે જે ખોટંુ નથી, પરંતુ ૧ર,૬૦૦ કરોડનું ફુલેકું ફેરવીને પરદેશ ભાગી જનારા ભાગેડુ મહેલોમાં મઝા કરે તે સાચું છે?
‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહ્યલુંને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે.’
——————————–.