બહુ થયું કોરોના…કોરોના…હવે દુનિયા તંદુરસ્તી સાથે જીવનમાં આગળ વધવાની ઇચ્છા રાખી રહી છે. રસીની ઉપલબ્ધિએ નવી આશા જગાવી છે, પણ બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે સુરક્ષા કવચ તો આપણે જ બનાવવું પડશે. આ સુરક્ષા કવચ એટલે પર્યાપ્ત માત્રામાં રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી. આપણે પાસે પહેલેથી જ યોગ, પ્રાણાયામ, આયુર્વેદ અને શાકાહારના રૃપમાં સ્વસ્થ જીવનની ચાવી છે. પ્રફુલ્લિત મન અને સ્વસ્થ તન જ અસલી ઇમ્યુનિટી છે. હવે નવા વર્ષમાં કેવી રીતે તંદુરસ્ત રહેવું એ દરેક વ્યક્તિ માટે જીવનનો કેન્દ્રવર્તી વિચાર હશે.
કોરોના મહામારી વચ્ચે દેશ જ નહીં, વિદેશોમાં પણ યોગ અને પ્રાણાયામે ચર્ચા જગાવી. યોગ અને પ્રાણાયામ અંગે અગાઉ જેટલી
જાગૃતિ નહોતી કેળવાઈ એટલી જાગૃતિ કોરોના કાળ દરમિયાન આવી. ગૂગલ અને યુ-ટ્યૂબ પર યોગ અને પ્રાણાયામ અંગે સૌથી વધુ સર્ચ થયું, વીડિયો જોઈને લોકો ઘરે યોગાભ્યાસ કરતા થયા. આ ઉપરાંત ફેફસાંની મજબૂતી માટે પણ લોકોએ પ્રાણાયામ કરવામાં રસ બતાવ્યો. મહામારી દરમિયાન ખાન-પાનમાં પણ પરિવર્તન આવ્યું છે. પ્રતિરોધકક્ષમતા વધારવા માટે સારો વિકલ્પ સાબિત થવાને કારણે હવે લોકો માંસાહાર ત્યજીને શાકાહાર તરફ વળ્યા છે. આવનારાં વર્ષોમાં દુનિયાની મોટા ભાગની વસતી શાકાહારી બની જશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વિગન ફૂડ અને ઓર્ગેનિક ફૂડ લોકોની પસંદ બની રહ્યા છે. ડાયેટિશિયન પણ હવે પોતાના મેનુને અપડેટ કરી રહ્યા છે.
જરૃરિયાતો પ્રમાણે દરેક વસ્તુમાં સુધાર થવો પણ જરૃરી બની જાય છે. નવી જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને હાલમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનએ ઇએનટી સાથે જોડાયેલી ૧૯ પ્રકારની સર્જરીને મંજૂરી આપી છે. આ બધામાં ૩૯ જેટલી સામાન્ય સર્જરીઓ તો પહેલેથી જ સામેલ હતી. આ સર્જરીઓને મિક્સોપેથી નામ આપવામાં આવ્યું છે. સીસીઆઇએમનું કહેવું છે કે આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથીના સમન્વયથી બનેલી આ પેથી ભવિષ્યમાં વૈકલ્પિક ચિકિત્સા જરૃરતોને પૂરી કરશે. આયુર્વેદ ભારતને મળેલી અમૂલ્ય ભેટ છે. ભારત જ નહીં, વિદેશના લોકો પણ હવે આયુર્વેદ પર ભાર મૂકતા થયા છે. આયુર્વેદિક ઉત્પાદનોની માગમાં વધારો નોંધાવા લાગ્યો છે. વર્ષ ૨૦૧૭માં આયુર્વેદનું વૈશ્વિક બજાર ૪.૫ અબજ ડૉલર હતું. હવે આવનારા
૫ાંચ વર્ષમાં આ બજાર વધીને ૧૫ અબજ ડૉલર પર પહોંચવાનું અનુમાન છે. આવું જ કંઈક પરિદૃશ્ય ઓર્ગેનિક ફૂડના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં ઓર્ગેનિક ફૂડનું બજાર ૧૨૦૦ કરોડ રૃપિયાનું હતું, જે આવનારા થોડા દિવસોમાં ૨૦૦૦ કરોડ રૃપિયાને આંબશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત મેડિકલ ટૂરિઝમમાં પણ આમૂલ પરિવર્તનના આસાર નવા વર્ષે જોવા મળશે. હવે લોકો એવા સ્થળે જવાનું પસંદ કરશે જ્યાં હવા-પાણી શુદ્ધ હોય, જ્યાં સ્વાસ્થ્ય બગડે નહીં. દેશી-પ્રાકૃતિક ચિકિત્સાને પ્રાધાન્ય મળવા લાગશે. સ્વાભાવિક છે કે આવનારાં વર્ષોમાં ભારત મેડિકલ ટૂરિઝમ માટે લોકપ્રિય ડેસ્ટિનેશન સાબિત થઈ શકે એમ છે.
વિવિધ દેશોએ રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. ભારતમાં પણ ટ્રાયલ રનને સફળતા સાંપડી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. બે કંપનીઓની કોરોના વેક્સિનને ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે, પણ આ બધાની વચ્ચે આપણી સુરક્ષા આપણા હાથમાં જ છે. લોકો પણ હવે ધીરે સ્વાસ્થ્યને લઈને જાગૃત થઈ રહ્યા છે. આવનારાં વર્ષોમાં હેલ્થ સાચવવા પર ભાર રહેશે.
કોવિડ કાળે આપણને ટૅક્નોલોજી, આત્મનિર્ભરતા અને મહામારી સામે લડવાના ઘણા સબક શીખવાડ્યા. કોઈ પણ વ્યક્તિએ આવા સમયની કલ્પના નહોતી કરી, પણ હવે રસીની શોધ અને ઉપલબ્ધતાને કારણે લોકો રાહતનો શ્વાસ લેવા લાગ્યા છે. કોવિડ-૧૯એ શીખવાડ્યું કે દેશમાં ઉપલબ્ધ સંસાધનોની મદદથી સંકટકાળમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અપનાવીને જમ્બો ફેસિલિટી આપી શકાય છે. બીમારી નવી હતી, તેથી એકદમ બધું સમુંસુતરું પાર પાડવું મુશ્કેલ હતું. જોકે, હેલ્થકૅર ઇન્ડસ્ટ્રી અને સરકારની ભાગીદારીએ સામાન્ય લોકોને સુચારુ સ્વાસ્થ્ય સેવા આપવાના પ્રયાસો કર્યા, જે પ્રશંસનીય છે. આવનારાં વર્ષોમાં રસીકરણ અભિયાનને કારણે બીમારી સામે લડવા માટેની ક્ષમતામાં વધારો થશે. એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી વગેરે પેથીની પોતાની ભૂમિકા છે. દરેક પેથી સારી છે. શરીરને જે માફક આવે તે અજમાવવું જોઈએ. જોકે, ફોકસ સ્વસ્થ ‘ને તંદુરસ્ત રહેવા પર રહેશે અને આ માટે ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું પડશે. નવા વર્ષમાં એટલું તો નક્કી છે કે ટૅક્નોલોજી, સાયન્સ અને મેડિકલ ભલે નવા સોપાનો સર કરતા રહે, આપણે કોરોના કાળ દરમિયાન જે ગુડ હેલ્થ પ્રેક્ટિસ પર ધ્યાન આપવાનું શરૃ કર્યું છે, તેમાં ચૂક ન આવે.