પાકિસ્તાનના સાંસ્કૃતિક આક્રમણના જવાબ સ્વરૃપે ૧૯૬૫માં ભુજનું રેડિયો સ્ટેશન શરૃ કરાયું હતું. સમયની સાથે તેનો વિકાસ કરવાના બદલે આજે આ સ્ટેશન બંધ થશે તેવા ભણકારા વાગે છે. જો ભુજના સ્ટેશનને અપગ્રેડ કરવાના બદલે માત્ર કોન્ટ્રિબ્યુટિંગ સ્ટેશન બનાવી દેવાશે તો આ સરહદી વિસ્તારના લોકોને પાકિસ્તાનના રેડિયો સ્ટેશન સાંભળવા પડશે અને ફરી સાંસ્કૃતિક આક્રમણ તોળાશે.
કચ્છના સરહદી વિસ્તારમાં વસતા લોકોની જીવનશૈલી, ભાષા, પ્રણાલીઓ વગેરે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વસતા લોકોને બહુ મળતી આવે છે. તેથી પાકિસ્તાન આ વિસ્તારમાં પોતાના ટી.વી. અને રેડિયો કાર્યક્રમોનું પ્રસારણ કરીને સાંસ્કૃતિક આક્રમણ કરે છે. આકાશવાણી, વિવિધભારતી અહીં સ્પષ્ટ રીતે સાંભળી શકાતું નથી. જ્યારે પાકિસ્તાનના રેડિયો કાર્યક્રમ બહુ સારી રીતે સંભળાય છે. ભુજ આકાશવાણીનું પ્રસારણ વધુ સારી રીતે થાય તે માટે ૨૦ કિલો વૉટનું ટ્રાન્સમીટર લગાવ્યું હોવા છતાં લોકો સારી રીતે રેડિયો સાંભળી શકતા નથી. આ સમસ્યા નિવારવા માટે રેડિયો સ્ટેશનને અપગ્રેડ કરવાની જરૃર છે, તે કામ કરવાના બદલે તેને ડિગ્રેડ કરવાની હિલચાલ ચાલી રહી છે. ભલે આ વાતને સત્તાવાર રીતે રદિયો અપાયો છે, પરંતુ અત્યારે જે રીતે દેશનાં અન્ય સ્ટેશનો બંધ કરવાની હિલચાલ ચાલે છે તે જોતા કચ્છનો વારો વહેલા મોડા આવ્યા વગર રહેવાનો નથી.
આજે ટી.વી., ઇન્ટરનેટના જમાનામાં રેડિયો બહુ ઓછા સાંભળે છે. આથી ભલેને કમાણી ન કરતું ભુજનું રેડિયો સ્ટેશન બંધ થાય તેવું અમુક લોકો માને છે, પરંતુ દરેક વાત, વસ્તુને કમાણીથી મૂલવી ન શકાય. આજે પણ કચ્છનાં ગામડાંમાં મોટી સંખ્યામાં લોકો રેડિયો સાથે જોડાયેલા છે. મોબાઇલમાં પણ રેડિયોનાં સિગ્નલો ઝીલીને હરતાં- ફરતાં રેડિયો સાંભળનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. તેમાં પણ કચ્છ સરહદી વિસ્તાર હોવાથી રેડિયો સ્ટેશનનું આગવું મહત્ત્વ છે. માલધારીઓ કે વિચરતી જાતિના લોકો, દરિયો ખેડતા માછીમારો સાથે મુશ્કેલીના સમયમાં મહત્ત્વના સંદેશા પહોંચાડવાનું એક સબળ માધ્યમ રેડિયો છે. ભૂતકાળમાં આકાશવાણીના ભુજ સ્ટેશને પાકિસ્તાન તરફથી થતાં સાંસ્કૃતિક આક્રમણનો યોગ્ય જવાબ આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો ભુજનું રેડિયો સ્ટેશન ડિગ્રેડ થાય કે માત્ર કોન્ટ્રિબ્યુટિંગ સેન્ટર બની રહે તો ફરી સાંસ્કૃતિક આક્રમણનો ખતરો તોળાઈ શકે છે.
થોડા સમય પહેલાં જે વાત સમાચાર માધ્યમોમાં ફેલાઈ હતી તે મુજબ, પ્રસારભારતી દ્વારા દેશભરનાં ૯૦ જેટલાં આકાશવાણી કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે કેન્દ્રોમાં ભુજના કેન્દ્રનો સમાવેશ પણ થતો હતો. ભુજનું વ્યૂહાત્મક મહત્ત્વ જોઈને આકાશવાણીનું કેન્દ્ર ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી શરૃ કરાયું હતું. આ કેન્દ્રએ યુદ્ધ પછી ૨૦૦૧ના ભૂકંપમાં, ૧૯૯૮ના વાવાઝોડામાં, ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં પણ ખૂબ સરાહનીય કામગીરી બજાવી હતી. જોકે પાછળથી ૯૦ કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
૧૯૬૫ની આસપાસના સમયમાં પાકિસ્તાને ભારત સાથેની બોર્ડર પર કરાચી સહિતની અનેક જગ્યાએ ખૂબ શક્તિશાળી રેડિયો સ્ટેશન શરૃ કર્યાં હતાં. તેનાં પ્રસારણો કચ્છના અબડાસાથી બનાસકાંઠા સુધીના વિસ્તારમાં ખૂબ સારી રીતે સાંભળી શકાતા હતા. તેનો ફાયદો લઈને પાકિસ્તાને ભારત પર સાંસ્કૃતિક આક્રમણ શરૃ કર્યું હતું. બંને દેશોની આ વિસ્તારની વસતી પણ સરખી હોવાનો તેને ફાયદો મળતો હતો. તેનો ભારત વિરોધી અપપ્રચાર અટકાવવાની તાતી જરૃર હતી, પરંતુ તે સમયે ભારતના રેડિયો સ્ટેશનોના કાર્યક્રમો કચ્છમાં સાંભળવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આથી જ ભુજમાં રેડિયો સ્ટેશન શરૃ કરાયું હતું.
જોકે આજે તેની સ્થાપનના ૫૫ વર્ષ પછી પણ પ્રસારણની ગુણવત્તામાં બહુ વધુ ફરક પડ્યો નથી. ક્યારેક તો ભુજમાં જ કાર્યક્રમો સાંભળવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. આવી સ્થિતિમાં અંદાજે ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલા સરહદી વિસ્તારનાં ગામોમાં ભારતના કાર્યક્રમો સ્પષ્ટ રીતે સંભળાતા નથી. જો આકાશવાણી, ભુજના કેન્દ્રનો સ્થાપનાનો મૂળ હેતુ સિદ્ધ કરવો હોય તો આ સ્ટેશનને વધુ કાર્યક્ષમ, વધુ શક્તિશાળી બનાવવાની જરૃર છે. શરૃ થયું ત્યારે આ કેન્દ્ર ૧૦ કિલો વૉટની ક્ષમતાનું હતું. ત્યાર પછી તેની ક્ષમતા વધારીને ૨૦ કિલો વૉટની કરાઈ, પરંતુ ક્યારેય પૂરી ક્ષમતાનો ઉપયોગ થયો નથી. માંડ ૧૨-૧૪ કિલો વૉટની ક્ષમતા મુજબ જ પ્રસારણ કરવામાં આવે છે. આ ક્ષતિઓ નિવારીને તેની ક્ષમતા વધારીને ૨૦૦ કિલો વૉટ કરાય તો ભુજ કેન્દ્ર છેક પાકિસ્તાન અને છેક અફઘાનિસ્તાન સુધી સાંભળી શકાય.
જો માત્ર કોન્ટ્રિબ્યુટિંગ સેન્ટર બને તો આકાશવાણી, ભુજનું કેન્દ્ર પોતાની રીતે એક પણ કાર્યક્રમનું પ્રસારણ કરી ન શકે. રોજના અડધો કે એક કલાકના કાર્યક્રમો બનાવીને ઇન્ટરનેટના માધ્યમથી અમદાવાદના સ્ટેશનને પહોંચાડવા પડશે. અત્યારે જ રોજના અંદાજે ૧૫ કલાક જેટલું પ્રસારણ સ્થાનિક કાર્યક્રમોનું થાય છે તેમાં મોટો કાપ આવી જશે.
આકાશવાણી, ભુજના માજી વડા ડૉ. ઉમર સમા સાથે વાત કરતાં તેમણે આકાશવાણીના કેન્દ્રને વધુ કાર્યક્ષમ બનાવવાના બદલે તેની જે છે તે ક્ષમતા પણ ઓછી કરવાની વાત પર ખેદ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ‘આજે ભુજનું રેડિયો સ્ટેશન ડિગ્રેડ કરવાની વાતો થાય છે, પરંતુ તેથી સ્થાનિક કલાકારોને, ગામડાંના સામાન્ય લોકોને નુકસાન થશે. કચ્છ પર સાંસ્કૃતિક આક્રમણનો ભય વધી શકે છે.
જોકે ભુજ જેવા અનેક રેડિયો સ્ટેશનો ધોળા હાથી સાબિત થઈ રહ્યાં છે. ખર્ચની સરખામણીએ આવક નહીંવત માત્ર ૨-૩ ટકા જ છે. પ્રસારભારતીની રચના થઈ ત્યારે કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી બધાં કેન્દ્રો સ્વનિર્ભર બને તે માટે ફન્ડિંગ આપવાનું હતું, પરંતુ આવક ઊભી કરવા માટે કોઈ નવા વિભાગની રચના કરાઈ ન હતી. તેની જવાબદારી પ્રોગ્રામ ઓફિસરોને સોંપાઈ હતી, પરંતુ આ કામ ક્યારેય વ્યવસ્થિત રીતે થઈ ન શક્યું, તેના કારણે ભુજ જેવા નાના સ્ટેશનો પૂરતી આવક ઊભી કરી ન શક્યા. આજે પણ આકાશવાણી કેન્દ્રના ફન્ડિંગ પર જ આધાર રાખે છે. આની સીધી અસરરૃપે આજે સ્ટેશનો બંધ કરવાની કે ડિગ્રેડ કરવાની ફરજ પડી રહી છે. દૂર દૂરનાં ગામડાંમાં વસતા લોકો સુધી પહોંચવાનું આ એક માત્ર માધ્યમ હતું. અત્યારે પણ જો પાકિસ્તાનના
સાંસ્કૃતિક આક્રમણને ફરી વખત ફેલાતા અટકાવવું હોય તો આકાશવાણીના ભુજ કેન્દ્રને અદ્યતન બનાવ્યે જ છૂટકો.’
આકાશવાણીના ભુજ કેન્દ્ર અંગે વાત કરતા ઇન્ચાર્જ સ્ટેશન ડાયરેક્ટર જયેશ રાવલ જણાવે છે કે, ‘આ કેન્દ્રનું આગવું મહત્ત્વ છે તે વાત સાચી, પરંતુ આજે જ્યારે ટૅક્નોલોજી ઝડપથી હરણફાળ ભરી રહી છે ત્યારે આકાશવાણીએ પણ નવી ટૅક્નોલોજી અપનાવવી પડશે. દુનિયા ફાઈવ-જી તરફ આગળ વધી રહી છે, તેની સાથે કદમ મિલાવવા જ અમે વૉટ્સઍપ, ફેસબુક, યુ-ટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ બન્યા છીએ. અત્યાર સુધી અમે માત્ર ઓડિયોની પ્રસ્તુતિ કરતા હતા, પરંતુ હવે ફોટા અને વીડિયો પણ શ્રોતાઓ સુધી પહોંચાડી શકીએ છીએ. ઇન્ટરનેટ રેડિયોને નવી પેઢી હરખભેર આવકારી રહી છે. અનેક રિજિયોનલ રેડિયો સ્ટેશન ગ્લોબલ સ્ટેશન બની ગયા છે. હવે નવા મિડિયમ વૅવ કે એફ.એમ. સ્ટેશન બનવા બંધ થઈ ગયા છે. અત્યારે અમારી પાસે ૨૦ કિલો વૉટની ક્ષમતાનું સ્ટેશન છે, પરંતુ તેટલી ક્ષમતા મુજબ ચાલતું નથી. આ સ્ટેશનને અપગ્રેડેશનની જરૃર તો છે જ, પરંતુ હાલની પ્રણાલી મુજબના પ્રસારણનું ભવિષ્ય બહુ ટૂકું છે. અમારી પાસે સ્ટાફ પણ બહુ ઓછો છે. જ્યારે ફૂલફ્લેજમાં સ્ટેશન ચાલતું હતું ત્યારે બધા મળીને ૧૩૦ જેટલા લોકો અહીં કામ કરતા હતા, પરંતુ અત્યારે માત્ર ૨૮ છે.’
આ યુગ ઇન્ટરનેટનો યુગ છે, લોકો મોટા પ્રમાણમાં ઓનલાઇન કાર્યક્રમો જોતા હોવા છતાં આકાશવાણી, ભુજના કાર્યક્રમો માટે મોંઘામૂલો ‘ડેટા’ વાપરે તેવું લાગતું નથી. અત્યારે આકાશવાણી ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ માધ્યમો પર છે, મોટી સંખ્યામાં લોકો તેને ફોલો પણ કરે છે. આમ છતાં આકાશવાણીનું પરંપરાગત પ્રસારણ અટકે તે શક્ય નથી. બીબીસી કે વોઇસ ઓફ અમેરિકા આજે પણ મોટી સંખ્યામાં શ્રોતાઓ સાંભળે છે. તેથી આકાશવાણીનું ભવિષ્ય પણ ઊજળું બની શકે છે. અનેક ખાનગી કંપનીઓ પણ રેડિયો સ્ટેશન શરૃ કરી રહી છે. ત્યારે માત્ર ઓનલાઇન રેડિયોને બદલે પરંપરાગત પ્રસારણ કરતા રેડિયો સ્ટેશન માટે પણ ઊજળી તકો હોવાની પૂરી શક્યતા છે.
આકાશવાણી ભુજ પરથી ગુજરાતી, કચ્છી, સિંધી અને સંસ્કૃત ભાષામાં કાર્યક્રમોનું પ્રસારણ થતું હતું. અત્યારે સિંધી અને
સંસ્કૃત ભાષાના કાર્યક્રમોનું પ્રસારણ થતું જ નથી. પહેલા મહિનામાં એકાદ-બે વખત સંસ્કૃત નાટકો રેડિયો પરથી પ્રસારિત થતાં. દિલ્હીથી આવતા સંસ્કૃત સમાચારોનું પણ નિયમિત પ્રસારણ થતું, પરંતુ અત્યારે તે બંધ છે. તેવી જ રીતે સિંધીના કાર્યક્રમો પણ બંધ છે. ભુજ આકાશવાણીનું ડિગ્રેડેશન કરવાના બદલે જો બધી જ ભાષાના કાર્યક્રમોનું નિયમિત પ્રસારણ થાય, આકાશવાણી કેન્દ્રની ક્ષમતા વધે તો સરહદી જિલ્લાના છેવાડે રહેતા લોકો પર પાકિસ્તાનના સાંસ્કૃતિક આક્રમણનો ખતરો ટાળી શકાય અને લોકોને કચ્છના પોતાના કેન્દ્ર સાથે જોડી શકાય.
ધ્વનિ પ્રસારણ કેન્દ્ર
આકાશવાણી ભુજનું નિયમિત કેન્દ્ર શરૃ થયું તે પહેલાં ભુજમાં એક નવતર પ્રયોગ કરાયો હતો. ૧૯૬૪માં ભુજના ખેંગારપાર્કમાં કચ્છના જાણીતા લેખકો, કલાકારોએ નગરપાલિકાના સહયોગથી ધ્વનિ પ્રસારણ કેન્દ્ર શરૃ કર્યું હતું. આકાશવાણીની જેમ જ તેમાં સંગીતના કાર્યક્રમો, નાટકો, લોકસંગીતના કાર્યક્રમો, વાર્તાલાપ, ચર્ચાઓ, બાળકો માટેના કાર્યક્રમો વગેરે હંગામી સ્ટુડિયોમાંથી લાઉડસ્પીકર વડે પ્રસ્તુત કરવામાં આવતા હતા. આ ધ્વનિ પ્રસારણ કેન્દ્ર સંભવતઃ ગુજરાતનો પહેલો પ્રયોગ હતો. આ કેન્દ્રએ લોકોમાં ખાસ્સું આકર્ષણ પેદા કર્યું હતું. તેના થકી આકાશવાણીના નિયમિત પ્રસારણ માટે નક્કર પ્લેટફોર્મ મળ્યું હતું.