મા એટલે કે શક્તિ તત્ત્વમાં બધાં પ્રાણીઓની શક્તિ સમાયેલી છે. શક્તિ તત્ત્વ બે પ્રમુખ શક્તિઓને રેખાંકિત કરે છે. એક ઋત્ અને બીજી ઋતુ. એટલે કે પ્રકૃતિ અને પ્રવૃત્તિ તેનાં મૂળ તત્ત્વ છે. આચાર-વિચાર તેના પ્રાણ છે. દેવી ભગવતીની આરાધના પણ તેના પર જ કેન્દ્રિત છે. ફક્ત મૂર્તિ પૂજા કરવાનું નામ દેવી આરાધના નથી. આપણેે આપણા લોકજીવનમાં જે-જે શક્તિઓને અભિવ્યક્ત કરીએ છીએ અને જેમની કામના કરીએ છીએ એ જ શક્તિ છે. દેવી કહે છે કે શક્તિ દરેક પ્રાણીમાં હોય છે. કેટલાક તેનો સદુપયોગ કરે છે અને કેટલાક નથી કરતા. જીવ-જંતુઓમાં પણ આ શક્તિ સમાનરૃપે હોય છે, પણ વિવેકના અભાવે તેઓ સુનિશ્ચિત નથી કરી શકતા કે તેનો પ્રયોગ ક્યાં કરવાનો છે. શ્રી દુર્ગા સપ્તશતીમાં દેવીએ આ દૃષ્ટિએ જ માનવને શ્રેષ્ઠ કહ્યો છે, કારણ કે તેની પાસે બુદ્ધિ અને વિવેક છે. નવરાત્રિ પૂજા પણ આ જ શક્તિનું પર્વ છે.
શક્તિ પણ બે પ્રકારની હોય છે – એક આંતરિક શક્તિ અને બીજી બાહ્ય શક્તિ. આંતરિક શક્તિનો સીધો સંબંધ વ્યક્તિના ચારિત્રિક ગુણો સાથે હોય છે. કહેવાય છે કે આપણે શું છીએ, એ આપણે જ જાણીએ છીએ. બીજું સ્વરૃપ એ છે જે બધાની સામે છે. આપણે જેવું બતાવીએ છીએ, જેવું
કરીએ છીએ, જેવું વિચારીએ છીએ અને જેવું વ્યવહારમાં દેખાડીએ છીએ, એ સર્વવિદિત અને સર્વદૃષ્ટિગત હોય છે, પણ આપણી આંતરિક શક્તિ અને ઊર્જા વિશે માત્ર આપણે જ જાણીએ છીએ. આંતરિક ઊર્જા અથવા શક્તિ દસ સ્વરૃપોમાં છે. સામાન્ય શબ્દોમાં તેમને ધર્મ, અર્થ, પ્રબંધન, પ્રશાસન, મન, મસ્તિષ્ક, આંતરિક શક્તિ અથવા સ્વાસ્થ્ય, યોજના, કામ અને સ્મરણના રૃપમાં વર્ણવવામાં આવે છે. આપણા લોકવ્યવહારમાં ઘણી વાતો ગુપ્ત હોય છે અને કેટલીક પ્રકટ કરવાવાળી. જે પ્રકટ થઈ જાય એ દેવી અને જે પ્રકટ ન થાય એ શક્તિ. અર્થાત્ આંતરિક અને બાહ્ય શક્તિ. આ બંને શક્તિઓનું એકાકાર સ્વરૃપ છે મા. આ શબ્દ દેવી ભગવતીને પ્રિય છે. આ શબ્દ જગતનો મૂલાધાર છે. આ શબ્દ જ
પ્રકૃતિ છે. આ શબ્દ જ પ્રવૃત્તિ છે. આ શબ્દની આગળ જ દેવી ભગવતીનાં નવ અવતાર, દસ મહાવિદ્યા, ષોડશ માતા સમર્પિત છે.
મા જ કેમ…
નવરાત્રિની પાંચમી શક્તિ સ્કંદમાતા છે. સ્કંદમાતા અર્થાત્ પાર્વતીજીનું સ્વરૃપ. સ્કંદમાતા પ્રથમ પ્રસૂતા અને ગર્ભની અધિષ્ઠાત્રી કહેવાઈ. દેવીને અજન્મા કહેવામાં આવી. દેવીએ લોકહિત માટે ભગવાન શંકર સાથે વિવાહ કર્યાં. ત્યાર બાદ કાર્તિકેયજીનો જન્મ થયો. કાર્તિકેયના જન્મ બાદ જ તાડકાસુર નામના દૈત્યનો અંત થયો. આ રીતે લગ્ન દ્વારા ગર્ભધારણ કરવાનો અને સંતાનની ઉત્પત્તિના બધા જ કારક દેવીની આરાધના સાથે જોડાયેલા છે. તેથી એ નારી શક્તિ કહેવામાં આવી. તે સૃષ્ટિ અને સમષ્ટિનો આધાર બની. બીજ, જન્મ અને વિકાસ એ ત્રણેય તત્ત્વ દેવી સાથે જોડાયા. શક્તિ (સ્ત્રી તત્ત્વ) અને શક્તિમાન
(પુરુષ તત્ત્વ) જ શક્તિનું શાસ્ત્ર છે. ગણપતિ દેવી ભગવતીના માનસપુત્ર છે. દેવોના દેવ. પ્રથમ પૂજ્ય ગણપતિ. એક સમસ્ત અને સુખી પરિવારની કલ્પના અને તેનું સાકાર રૃપ શિવ પરિવારમાં જોવા મળે છે. આ પરિવારની શક્તિ છે.
શક્તિનાં વિભિન્ન રૃપ
દેવી શાસ્ત્રમાં શક્તિના ઘણા બધાં રૃપ છે. દેવી ભગવતી પ્રકૃતિની શક્તિ છે. તે પુત્ર અથવા પુત્રીની શક્તિ છે. તે પતિની શક્તિ છે. તે જળની શક્તિ છે. તે નભની શક્તિ છે. તે થળ (જમીન)ની શક્તિ છે. તે વિદ્યોત્તમા છે. તે જળોધરી છે. તે શાકંભરી છે. તે જ્વાળા છે. તે વૈષ્ણો છે. તે કાત્યાયની છે. કુષ્માંડા છે. તે બ્રહ્મચારિણી છે. તે શૈલપુત્રી છે. એ કાલરાત્રિ છે. તે સૌંદર્યની શક્તિ છે. તે ગુણોની શક્તિ છે. તે ગુણાતીત શક્તિ છે. એ આપણા મનની શક્તિ છે. આપણા તનની શક્તિ છે. એ આપણા અધ્યાત્મની શક્તિ છે. એ આપણા બુદ્ધિ, વિવેક અને ચિત્તની કારક શક્તિ છે. એ માત્ર કેવળ પુસ્તકમાં કહેવાયેલી છે એવું નથી. સંતાનમાં સર્વાધિક ગુણ માના જ હોય છે. મા જ બાળકમાં સંસ્કારના બીજારોપણ કરે છે. મા જ બાળકની દિશા અને દશા નક્કી કરે છે. તેથી દેવી ભગવતી એ દરેક તત્ત્વના કારકની શક્તિ છે, જે જીવાત્મ સાથે જોડાયેલા છે. મા માટે બાળકનો અને બાળક માટે માનો લગાવ જ મોહ શક્તિ છે. એ સ્વાભાવિક પ્રકૃતિજન્ય ગુણ છે. તેથી દેવી ભગવતીનાં શાસ્ત્રોમાં તેમને સૌથી મોટું સંબોધન માનું જ આપવામાં આવ્યું છે.
સામરિક શક્તિ
શ્રી દુર્ગા સપ્તશતીમાં દેવીના વિવિધ સંગ્રામના ઉલ્લેખ છે. ધ્યાનપૂર્વક જોઈએ તો પહેલું યુદ્ધ પોતાની જાત સાથે છે. રાજા સુરથ અને સમાધિ નામના વૈશ્ય પોતાના મનથી હારી ગયેલા વ્યક્તિઓ છે. રાજા સુરથનું રાજપાટ છીનવાઈ ગયું. સમાધિ નામનો વૈશ્ય ધન, પત્ની અને પુત્રથી વંચિત થઈ ગયો. જે હતું તે આજે તેમની પાસે નથી. આ યુદ્ધ આજે ચારે બાજુ છે. મધુ-કૈટભ, મહિષાસુર, ચંડ-મુંડ, ધુમ્રલોચન, રક્તબીજ અને શુમ્ભ-નિશુમ્ભ સાથેના સંગ્રામમાં દેવી ભગવતી સામરિક શક્તિની દ્યોતક છે. આ કેવળ યુદ્ધ નથી. આ કેવળ અસુરોનું દમન નથી. આ આપણા માનસિક-શારીરિક વિકારોનું દમન છે. દેવાસુર સંગ્રામમાં દેવી ભગવતી એકથી અનેક અને અનેકમાંથી એકના રણ કૌશલ બતાવે છે. આ જ તો આપણી સામરિક શક્તિ છે. આપણે ભલે અનેક દેખાઈએ, પણ છીએ તો એક જ.
શક્તિ જ છે જેને કારણે સમગ્ર બ્રહ્માંડ કાર્યરત છે. જીવંત છે. શક્તિ પ્રેરણાસ્ત્રોત છે એવું આપણે કહી શકીએ. દિવ્ય અને દૈદીપ્યમાન શક્તિ સૌની અંદર સમાયેલી છે. શક્તિના જુદા જુદા રુપો આપણને સંદેશો આપે છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે મનુષ્યો અને પ્રાણીઓને કાર્ય કરવા માટે પ્રેરિત કરનારી વસ્તુ શક્તિ છે.