ફિલસૂફ-લેખક બર્ટ્રાન્ડ રસેલને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે દુનિયામાં સમાનતા આવશે કે નહિ આવે? રસેલે કહ્યું હતું કે, દુનિયામાં સમાનતા આવે તે સારી વાત છે. આમ તો દુનિયામાં સમાનતા આવવી જ જોઈએ તેવું દરેક ઇચ્છે, પણ સમાનતા નહિ આવે! અસમાનતાઓ એટલી બધી છે કે સમાનતા કઈ રીતે આવે તે જ એક સવાલ છે! કેટલીકવાર દયાળુ અને ન્યાયી માણસને લાગે કે બિચારા ઊંટનો શું વાંક છે તે એને હાથીદાંત નહીં? ઊંટનો કેસ આમ તો એકદમ વાજબી છે, પણ હકીકત એવી છે કે ઊંટને હાથીદાંત નથી જ મળતા! આમાં ન્યાય-અન્યાયનો મુદ્દો નકામો છે.
આવી અસમાનતાઓ બેસુમાર છે. લાંબા અનુભવે માણસે જોયું છે કે કદાચ અસમાનતા – રાજકીય, આર્થિક કે સામાજિક અસમાનતાની આ વાત નથી – વધુ ન્યાયી સમાજમાં ચોક્કસ નિવારી શકાય, ધરમૂળથી કાઢી નહીં શકાય. એક માણસ બે મજબૂત પગ લઈને જન્મે અને બીજો એક માણસ બાળપણમાં અપંગ જન્મે, તેમની વચ્ચે અસમાનતા કઈ રીતે આવી શકે? તમે અપંગને બહુ બહુ તો ઘોડી આપી શકો. જેને પગ મળ્યા છે તે તમે લઈ ના શકો, પણ એટલું બની શકે કે અપંગ માણસ કંઈક એવું કરે કે તેની અપંગતા તેને નવી પાંખો આપે! એટલે કે એક માણસ પોતાની અસમાનતાને પોતાની મહેનતથી અસામાન્યતામાં ફેરવી નાખે! અમેરિકાની એક કવયિત્રી ઇમીલી ડિકન્સન માટે એમ કહેવાય છે કે તેનું કિસ્મત ભારે કઠોર હતું, પણ આ સ્ત્રી એવી હતી કે તેણે પોતાના કિસ્મતને બરાબર બોચીથી પકડ્યું અને પોતે તેને દોરી ગઈ! કિસ્મત ધમપછાડા કરતું રહ્યું, પણ ઇમીલીએ તેને છટકવા ન દીધું!
સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને તે જ્યાં દોરી જાય ત્યાં દોરાઈ જવું પડે છે! પણ ઇતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે! સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વો કુદાવનારા નાયકોનાં રંગનીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઈ ગયા હતા! સમરસેટ મોમની સરળ અને શબ્દકોષને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઈ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી!
‘બળવાનની બોલબોલા’નો સિદ્ધાંત જીવવિજ્ઞાનના એક ચક્રરૃપે આગળ કરનારા – સરવાઈવલ ઓફ ધી ફીટેસ્ટનો ખ્યાલ રજૂ કરનારા ચાર્લ્સ ડાર્વિનની તબિયત નરમગરમ જ રહેતી હતી! માણસના લોહીનું પરિભ્રમણ થાય છે તે શોધી કાઢનાર હાર્વે તેની જિંદગીના ઘણાબધા સંજોગો વિશે રીતસર એક તહોમતનામું રજૂ કરી શક્યો હોત! સુપરમેનની વિરાટ માનવીની કલ્પના કરનારો જર્મન ફિલસૂફ નિત્સે નાજુક બદન અને નરમ તબિયતનો માણસ હતો!
માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે! આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે! પણ કેટલાય માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઈ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે. આવો માણસ જિંદગીનાં ફળના જે કંઈ રસ-કસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે, પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોેળીનો વિચાર કરીને કેટલાક મઝા મારી નાંખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મઝા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઈ બેસવાનો કંઈ અર્થ નથી.
અમેરિકામાં અત્યારે ૪૦ લાખ માણસો એવા છે જેમને વૃદ્ધાવસ્થા સામે આવીને ઊભેલી જોતાં ગભરામણ થઈ રહી છે! વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ નબળી પડે છે. જૂની સ્મૃતિઓની ભીડ જામે છે, આગળની કલ્પના અને પાછળની હકીકતો એક ભૂતાવળ ઊભી કરે છે. તેની આ બધી પીડા છે! ખરેખર વૃદ્ધાવસ્થામાં તો માણસોને અજબ નિવૃત્તિ અને અજબ સ્ફૂર્તિનો અનુભવ થવો જોઈએ, પણ એ ત્યારે જ બને કે તમે અંત સહિતની તમારી જિંદગીને તમારી જ અમુક ધારણામાં બાંધી ના બેસો.