શક્તિ હોય છે, પણ નિર્ણય ખૂટતો હોય છે
દરેક માણસની જિંદગી એક નાનકડું કુરુક્ષેત્ર છે. આ નાનકડા સંગ્રામમાં તે જીતે, રાજા બને, સુખસમૃદ્ધિ પામે તો પણ છેવટે તેની કિંમત મર્યાદિત છે. વ્યક્તિગત જિંદગીના નાનકડા રણસંગ્રામમાં જીત કે હારની બહુ મોટી કિંમત નથી. તેથી ઘણા મહાપુરુષોએ પોતપોતાના શબ્દોમાં એવું કહ્યું છે કે લડવાની મઝા કોઈક મોટા સંગ્રામમાં જ છે. આવા મોટા સંગ્રામમાં જીતની પણ મોટી કિંમત છે અને તેમાં પરાજય મળે તો તે પરાજયની પણ કંઈક કિંમત છે.
જે માત્ર પોતાના સુખને ચાહે છે તે બહુ થોડું જ ચાહે છે અને તેમાં લાંબી બરકત હોતી નથી, પણ જે જિંદગીને ચાહે છે તે ઘણુબધું ચાહે છે અને તેમાં પૂરતો રસકસ છે. તમે જ્યારે કશું પણ ખરેખર ચાહો છો ત્યારે તેનો સંપૂર્ણ સ્વીકાર કરો છો. તેની બધી અચ્છાઈ અને બૂરાઈનો સ્વીકાર કરવો જ પડે છે. ફિલસૂફ મારકસ ઓરેલીઅસ કહે છે, ‘હંમેશાં સમગ્ર વિશ્વનો એક જીવંત તંત્ર તરીકે જ ખ્યાલ કરો. વિશ્વ સમગ્રનો એક દેહ અને એક આત્મા છે, સમગ્ર તંત્રનો એક જ ધબકાર છે અને આપણે બધા તો દરેક બનાવમાં એક નાનકડા અંશરૃપ જ છીએ. સમગ્ર જિંદગીના વસ્ત્રની અટપટી ભાત અને ગૂંથણીનો વિચાર કરો.’
પરિવર્તનના ચક્રથી કશું જ મુક્ત નથી. પરિવર્તનની પ્રક્રિયામાં સામેલ હોવું તે અનિષ્ટ પણ નથી. વસંતઋતુનાં ફૂલ અને ફળની જેમ દરેક ઘટના સ્વાભાવિક અને અપેક્ષિત જ છે. બીમારી, મૃત્યુ, અપકીર્તિ, આંટીઘૂંટી અને બીજી જે અનેક બાબતો અજ્ઞાન માનવીઓને પરેશાન કરે છે તે બધી જ પરિવર્તનના ક્રમનો એક ભાગ છે. આ બધાં પરિવર્તનો છૂટા-છવાયા બનાવોની વણઝાર નથી, પણ એક સળંગ સરઘસ છે. આજે જે કંઈ બને છે તે ગઈ કાલના એક ફળનું બીજ છે અને આ બીજ આવતી કાલના ફળની જનેતા છે. એક બીજની આગળ અને પાછળ એક ફળ છે. એક સળંગ સાંકળનો આ અંશ છે. ઓરેલીઅસ કહે છે, “જ્યારે પણ હૃદયમાં કડવાશ પેદા કરનાર કશુંક બને ત્યારે સમજવું કે આ ‘દુર્ભાગ્ય’ હોય તો તેને ગૌરવપૂર્વક સહન કરવું એ ‘સદ્ભાગ્ય’ છે.”
જે ફૂલ પ્રભાતે ખીલે છે, જે પંખી પ્રભાતે આકાશની યાત્રા કરવા નીકળી પડે છે, જે પ્રાણી વહેલી સવારે ચાલીને નીકળે છે, તે બધા પ્રકૃતિના – કુદરતના નિઃસ્વાર્થી કામદારો જ છે. એક સુસંગત વિશ્વવ્યવસ્થાના એ સભ્યો છે. આ બધા ‘આનંદ’ના ભિખારીઓ નથી, ‘ધનસંચય’ના કંજૂસો નથી. માત્ર એક માનવી જ સમગ્ર વ્યવસ્થાની બહાર નીકળીને પોતાનો અલગ ચોકો જમાવવાની ખટપટમાં દુઃખી થયા કરે છે. એ ત્યારે તેમાંથી મુક્ત બની શકે જો એ નક્કી કરે કે, ‘હું માણસ છું તો પ્રકૃતિના પંથે ચાલતો રહીશ. છેલ્લી ઘડી સુધી હું મારું કાર્ય કરીશ. જે હવાએ મને હરરોજ શ્વાસ પૂરો પાડ્યો તેને મારો છેલ્લો શ્વાસ પાછો સોંપીશ. જે ધરતીએ મને પોષણ આપ્યું, હું તેની ગોદમાં પાછો ફરીશ.’
કોઈવાર આપણને લાગે કે સગાંસંબંધી, ઓળખીતાઓ – પાળખીતાઓ કોઈ આપણને સહકાર આપતા નથી ત્યારે વિચારવા જેવું એ છે કે માણસ માટે પોતાની જાત સાથે કામ પાડવું કે પોતાની જાત પાસેથી કામ લેવાનું પણ કેટલું મુશ્કેલ હોય છે? આપણી અંદર ઘણાબધા વિરોધીઓ છે, તેને જે રીતે આપણે સાંખી લઈએ છીએ, ઘણીવાર તો પ્રેમ પણ કરીએ છીએ, એવી રીતે બહારના વિરોધીઓને પણ પહોંચી વળીએ. તેમની સાથે કામ પાડીએ અને તેમને ચાહવાની પણ કોશિશ કરીએ.
કેટલીક વાર માણસો વિના કારણ દુઃખી થાય છે. અકારણ દુઃખી થવાનું કારણ એ હોય છે કે તેઓ એમ માને છે કે દુનિયામાં જે કંઈ દુષ્ટ મનુષ્યો અને મૂર્ખાઓની વસ્તી છે તેમાંથી મોટા ભાગના પોતાનાં સગાંસંબંધીઓ, મિત્રો, પરિચિતોમાં જ સમાઈ ગયા છે. સંભવ છે કે તમારા કોઈ આપ્તજન કે મિત્રને તમારી બાબતમાં પણ એવું જ લાગતું હશે! માણસ માને છે કે પોતે કમનસીબ છે અને પોતે જ ઓળખે છે તેવા કેટલાક ખુશકિસ્મત છે. કેટલીક બાબતમાં તમે કમનસીબ હોઈ શકો છો અને બીજી કેટલીક બાબતોમાં તમે ખુશકિસ્મત હોઈ શકો છો, પણ તમને તેની ખબર નથી. તમારા ઓળખીતાઓ કેટલીક બાબતમાં નસીબદાર છે, પણ બીજી કેટલીક બાબતોમાં બદકિસ્મત છે તેની પણ તમને ખબર નથી એટલે તમે અધૂરી માહિતીના આધારે ખોટી સરખામણી કરીને પરેશાન થાઓ છો. તમને જે કંઈ મળ્યું છે તેનો વધુમાં વધુ વિકાસ કરો, તેને બરાબર બહેલાવીને જીવો. તૃષ્ણાની નદી લાંબી અને તળિયા વગરની છે. તેમાં નજર કરનારા દુઃખીમાં દુઃખી અને સુખીમાં સુખી માણસો એકસરખા જ આકુળવ્યાકુળ બને છે. સાચો રસ્તો મનને વ્યગ્રતાની પકડમાંથી મુક્ત કરવાનો છે. સાચો રસ્તો જિંદગીના એક નાનકડા ખાબોચિયાની બહાર નીકળવાનો, હનુમાન-કૂદકો મારવાનો છે. તમારામાં આ શક્તિ છે તેમાં શંકા નથી, માત્ર ખૂટે છે તમારો નિર્ણય.