દરેક માણસને એમ થાય છે કે મારે કાંઈક કરવું છે, પણ કંઈક કામ કરવા માટે તે પોતાના નક્કી કરેલા ‘આદર્શ સંજોગો’ની રાહ જુએ છે. તે માને છે કે અમુક-અમુક અનુકૂળતાઓ અને સવલતો પોતાને જો મળે તો પોતે એક એવું સરસ કામ કરી બતાવે કે જે અગાઉ કોઈએ કર્યું ના હોય! ઘણાબધા માણસો ઉત્તમ સંજોગોની રાહ જુએ છે, પણ આવા ‘સંપૂર્ણ સંજોગો’ તો કદી આવતા જ નથી. માણસની ફરમાઇશ મુજબના સંજોગો પેદા થતા જ નથી. એક ચિંતકે કહ્યું છે કે સંજોગો એક ઊંટ જેવું પ્રાણી છે. તેનાં અઢાર અંગ વાંકા હોઈ શકે છે અને તેનાં અંગોની રચના પાછળ કોનું કેટલું ડહાપણ હશે તેનો વિચાર કરવાનું જ વ્યર્થ નીવડે છે. ગમે તેવા રણમાં કોઈ માણસ આ ઊંટ પર સવારી કરીને મુકરર મંઝિલે પહોંચી જાય છે. બાકી સંજોગો વિશે જાતજાતની આશાઓ રાખીને બેસી રહેનાર કાંઈ કરી શકતો નથી. એક માણસને અમુક પળે લાગે કે સંજોગો પાણીદાર ઘોડો બની જાય તો હું મારી મંઝિલે પહોંચી જાઉં!
જગતનો એક મહાન અને પ્રતિભાસંપન્ન મશ્કરો ચાર્લી ચેપ્લીન આવો બેનમૂન વિદૂષક કઈ રીતે બન્યો? સંજોગો તો અત્યંત પ્રતિકૂળ જ હતા. ચાર્લી ચેપ્લીનની માતા મયખાનામાં નૃત્ય કરીને પેટ ભરતી હતી. ગરીબ હતી, તબિયત નરમ હતી. માતા સૈનિકો અને અન્ય ગ્રાહકો સમક્ષ નાચીને તેમનું દિલ બહેલાવતી હતી અને પાંચ વર્ષનો ચાર્લી પડદા પાછળ લપાઈને બધો ખેલ જોયા કરતો હતો. અશક્ત બીમાર માતા નાચે છે, તેને ઉધરસ ચઢે છે, શ્વાસ ચઢે છે, વચ્ચે વચ્ચે થંભી જાય છે. બેસી જાય છે! મયખાનાના માલિકને થાય છે કે આ બાઈને રજા જ આપવી પડશે! આ નૃત્ય કરીને મારા શરાબખાનાના ગ્રાહકોનું દિલ બહેલાવી શકે તે વાતમાં કંઈ માલ લાગતો નથી. મયખાનાનો માલિક ચાર્લીની માતાને ઠપકો આપે છે, ચેતવણી આપે છે, આખરીનામું આપે છે, પણ ચાર્લીની ગરીબ લાચાર માતા શું કરે?
આ સંજોગોમાં એક વાર ભાંગી પડેલી બીમાર માતાનો હાથ પકડીને બાળક ચાર્લી તેને પડદાની અંદર ખેંચી લે છે અને પોતે જ રંગમંચ પર ખડો થઈ જાય છે. તે પોતાની માતાના જૂના અવાજમાં ગાય છે, પછી બીમારીને કારણે માતાના તરડાઈ ગયેલા અવાજની નકલ કરે છે, પાંચ વર્ષનો બાળક હસાવે છે – કોઈ પૈસા ફેંકે છે તો તે વીણી લેવા માટે તે નીચો નમીને પૈસા ભેગા કરવામાં જ લાગી જાય છે! દુનિયાને વર્ષો પછી જે ‘કોમિક જિનિયસ’ લાગ્યો, મહાન ફિલ્મ કલાકાર અને ફિલ્મ-સર્જક લાગ્યો તે ચાર્લી તો બહુ જ નાની ઉંમરે પોતાની ગરીબ માતાની બેહાલી જોઈને અંદરથી હચમચી ગયો હતો અને ઊંટ જેવા સંજોગોના એક પ્રાણી ઉપર સવાર થઈ ગયો હતો!
આ માત્ર ચાર્લી ચેપ્લીનની જ કથા નથી. જીવનમાં જેણે કંઈ પણ કર્યું છે તેવા દરેક માણસની આ કથા છે. કહેવાનો અર્થ એવો નથી કે સંજોગોની વિચિત્રતામાંથી પ્રતિભા સર્જાઈ જાય છે. આવું તો આપણે માની જ ના શકીએ. પ્રતિભા અને કૌશલ, સર્જનશક્તિ, વિજ્ઞાનવિદ્યા કોઈ પ્રકારની ગુંજાશ ક્યાંથી આવે છે, કોના ભાગે કઈ રીતે આવે છે તે ચોક્કસપણે આપણે જાણતા નથી. આજે ખુદ નવું વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે આ રહસ્યનો તાગ મેળવવાનું સહેલું નથી. એટલે અહીં આપણે તેનો વિચાર કરતા નથી. અહીં જેની વાત છે તે તો એ કે માણસને કદી તેણે માગેલા-ઇચ્છેલા સંજોગો મળતા નથી.
જેણે કંઈ પણ કરવું છે તેણે સંજોગો ઉપર સવાર થવું જ પડે છે. માણસ લાખ કોશિશ કરે, સંજોગો ઉપર કાબૂ મેળવવા માટે બધું જ કરી છૂટે, તેની ઉપરવટ જઈને આગળ નીકળી જવા મરણિયો પ્રયાસ કરે અને છતાં સફળ ના થાય તેવું જરૃર બની શકે છે. સફળતા મળે ના મળે, માણસે તો પોતાનો પ્રયાસ કરવાનો છે અને કોઈ પ્રયાસ કદી સંપૂર્ણપણે નિષ્ફળ જતો નથી. સાચા દિલથી કરેલો પ્રયાસ એક ડાળના ફળ તરીકે નહીં તો બીજી ડાળના ફળ તરીકે પ્રગટે છે. તે કોઈક સ્વરૃપે કંઈક પ્રગટ કરે છે. માણસ વધુમાં વધુ એટલું જ કરી શકે કે સંજોગોના અઢાર વાંકાં અંગનો અંદાજ કાઢીને પોતાની બધી જ શક્તિ સાથે ધારેલી દિશામાં આગળ વધવાનો પુરુષાર્થ કરી શકે. ઘણા માણસો નિષ્ફળ ગયા છે, પણ માત્ર દુનિયાની ઉપલક નજરે જ નિષ્ફળ ગયા છે. તેમણે જે જીવનભર તપ કર્યું હોય તેનું બળ તેમનાં પુત્ર, પુત્રી કે પૌૈત્રોમાં પ્રગટ થયું હોય તેવું બન્યું છે. કેટલીકવાર આપણને નવાઈ લાગે છે કે આ છ ચોપડી ભણેલો કિશોર એક સફળ યંત્રકાર અને ઉદ્યોગપતિ શી રીતે બની ગયો? શ્રીમંત બનવાની વાત નથી. આ કંઈ પૈસાદાર માણસ બનવાની વાત નથી. જેમણે ખરેખર કંઈ કામ કર્યું છે, તેમના કિસ્સામાં ગરીબી કે શ્રીમંતાઈ હંમેશાં આડ-પેદાશ જેવી જ બાબત લાગે છે. એમની દિલચસ્પીની મુખ્ય બાબત શ્રીમંતાઈ અને સુખ હોઈ જ ના શકે.