- સાંપ્રત – હેતલ ભટ્ટ
ડિસેમ્બર મહિનાથી શરૃ કરીને હાલમાં જૂન મહિના સુધી એટલે કે છેલ્લા છ મહિનાથી સમગ્ર દુનિયાનું ધ્યાન માત્ર એક જ વિષય પર કેન્દ્રિત છે અને તે છે કોરોના વાઇરસની મહામારી. આ વૈશ્વિક મહામારીએ લાખો લોકોને પોતાના શિકાર બનાવ્યા. મૃત્યુઆંક પણ લાખોને પાર પહોંચ્યો, તેની પાછળનું કારણ એ છે કે આ રોગ સામે રક્ષણ આપી શકે તેવી કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ નથી શકી. કેટલાક દેશો ‘ને કંપનીઓએ કોરોના વાઇરસ સામે રક્ષણ આપી શકે તે માટેની દવા કે રસીની શોધ કરવાનું કામ હાથમાં લીધું છે, પણ હજુ સુધી કોઇ ટ્રાયલને સફળતા મળી હોય તેવા અણસાર પ્રાપ્ત નથી થયા.
જ્યારથી કોરોના વાઇરસની મહામારી વ્યાપી છે ત્યારથી સંશોધકો સાર્સ-કોવ-૨ સામે રક્ષણ આપી શકે તેવી દવા વિકસાવવા માટે મહેનત કરી રહ્યા છે, પણ હજુ સુધી તેમાં સફળતા સાંપડી નથી. કેટલાક દેશોએ રસી અથવા દવાના ટ્રાયલ શરૃ કર્યા છે, પરંતુ તે વાઇરસ સામે અસરકારક હોવાની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કોવિડ-૧૯ હોય કે અન્ય વાઇરસજન્ય રોગો હોય, શા માટે ઍન્ટિવાયરલ દવાઓની શોધમાં વિજ્ઞાન પાછળ પડી રહ્યું છે. શા માટે ઍન્ટિવાયરલ દવાઓની સંખ્યા હોવી જોઈએ તેટલા પ્રમાણમાં નથી શોધાઈ શકી. જો ઉપલબ્ધ હોય તો તે શા માટે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી. તો આ બધા પ્રશ્નોના ઉત્તર જીવવિજ્ઞાનમાં છુપાયેલા છે. હકીકત એ છે કે વાઇરસ પોતાની કોશિકાઓને બહુ ઝડપથી પ્રતિરૃપિત કરે છે એટલે કે તેઓ બહુ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તે પણ બમણા દરે. આવી પરિસ્થિતિમાં શરીર માટે પોતાની કોશિકાઓને નષ્ટ કર્યા વિના આ વાઇરસનો નાશ કરવો ઘણુ મુશ્કેલ બની જાય છે. બેક્ટેરિયા આપણા શરીરમાં સક્રિય થાય છે, પણ તેમની કોશિકાઓ મનુષ્યોની કોશિકાઓ કરતાં થોડી અલગ હોય છે, પરિણામે જ્યારે ઍન્ટિબેક્ટેરિયલ દવાઓ દ્વારા ઇલાજ કરવામાં આવે છે ત્યારે તે દવા કે રસી બેક્ટેરિયાને જ ટાર્ગેટ કરે છે. બેક્ટેરિયાના કોશની દીવાલ અથવા કોશિકાનું સ્તર પોલિમરનું બનેલું હોય છે, જેને પેપ્ટિડોગ્લિકેન તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યોની કોશિકાઓમાં પેપ્ટિડોગ્લિકેન નામનું સ્તર નથી હોતું. પરિણામે જ્યારે ઍન્ટિબાયોટિક દવા લેવામાં આવે છે ત્યારે તે બેક્ટેરિયાના આ પેપ્ટિડોગ્લિકેનને અસર પહોંચાડે છે. પરિણામે ઍન્ટિબાયોટિક દવા વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડ્યા વિના બેક્ટેરિયાનો નાશ કરે છે. જ્યારે વાઇરસના કિસ્સામાં આવું નથી.
વાઇરસ વ્યક્તિના શરીરમાં ઘૂસે છે અને શરીરની કોશિકાઓનો ઉપયોગ કરીને જ તે વૃદ્ધિ પામે છે. ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે એમ કહેવું યોગ્ય રહેશે. તે સંપૂર્ણ શારીરિક તંત્ર પર અધિકાર જમાવી લે છે અને શરીરને પોતાના વશમાં કરી દે છે. કેટલાક વાઇરસ એવા હોય છે, જે શરીરમાં ધીમે ધીમે સક્રિય થાય છે. તે શરીરમાં ઘૂસી તો જાય છે, પણ સક્રિય થવા માટે અનુકૂળ સમય મળે ત્યારે તે સક્રિય થાય છે. ત્યાં સુધી તે શરીરમાં સુષુપ્ત અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે અમુક વાઇરસ એવા હોય છે જે શરીરમાં ઘૂસે તે સાથે જ શરીરની કોશિકાઓનો જ ઉપયોગ કરીને બમણા દરથી વૃદ્ધિ પામવા લાગે છે. શરીરમાં સંક્રમણ ફેલાવતા જાય છે અને કોશિકાઓને નષ્ટ કરતા જાય છે. હવે આ બધી પ્રક્રિયામાં વાયરસની ચેઇન તોડી શકે એટલે કે તેની વૃદ્ધિને અટકાવી શકે તેવા ઇલાજને સફળ ઇલાજ કહેવામાં આવે છે. હવે આ સમગ્ર મામલામાં મુશ્કેલી એ છે કે વાઇરસને ટાર્ગેટ કરનાર દવા કે રસી, વાઇરસની પ્રતિરૃપ થવાની પ્રક્રિયાને ટાર્ગેટ કરે તો તે શરીરની સ્વસ્થ કોશિકાઓને પણ ટાર્ગેટ કરે છે. અગાઉ આપણે વાત થઈ એમ કે વાઇરસ શરીરની કોશિકાઓનો જ ઉપયોગ કરીને વૃદ્ધિ પામે છે. એટલે કે વાઇરસને અટકાવવા માટે કોશિકાઓ પર હુમલો કરવો પડે. હવે આ હુમલામાં સ્વસ્થ કોશિકાઓ પણ હુમલાનો ભોગ બને તેવું બને. ટૂંકમાં ઇલાજ દરમિયાન વાઇરસ સંક્રમિત કોશિકાઓનો નાશ કરવાનું સરળ છે, પણ સાથે જ તે ઇલાજ શરીરની સ્વસ્થ કોશિકાઓને પણ નુકસાન કરે છે એટલે કે સ્વસ્થ કોશિકાઓને જીવિત રાખવી મુશ્કેલ બની જાય છે.
ઇન્ફ્લુએન્ઝા એ અને બી ટાઇપ માટેની દવામાં જે સફળતા મળી છે, એવી સફળતા કોવિડ-૧૯ માટે જવાબદાર કોરોના વાઇરસને અટકાવવા માટે નથી મળી. કોવિડ-૧૯ માટેની વેક્સિન શોધાઈ રહી છે. રસી શોધવામાં કેટલો સમય લાગશે તે નક્કી નથી. હાલના સમયમાં ઍન્ટિવાયરલ દવાની શોધ કરવી એ જ મુખ્ય ધ્યેય છે.
————————