લૉકડાઉનથી અનલૉક-૧ સુધી…

લૉકડાઉન પૂર્ણ થયું પરંતુ કોરોનાનો કહેર યથાવત છે.
  • સાંપ્રત – હેતલ રાવ

લૉકડાઉનનો સમય ક્યારેય ના ભુલાય તેવી ઘટના બનીને રહી ગઈ છે, કોરોનાનો કહેર તો યથાવત જ છે, પરંતુ અનલૉક થયા પછી લોકો ધીમે-ધીમે સાવચેતી સાથે જીવન નોર્મલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. વિતેલા એ દિવસોની અસર હાલની પરિસ્થિતિ પર થઈ રહી છે, જુદાં-જુદાં ક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિ ભૂતકાળ અને વર્તમાનને પોતાની દ્રષ્ટિએ આલેખે છે.

લૉકડાઉનમાંથી મુક્તિ ભલે મળી, પરંતુ અમને તો આજે પણ ઘરની બહાર નિકળતા ડર લાગે છે. કોઈની નજીક નથી જતા અને ઑફિસમાં પણ જુદંુ જ વાતાવરણ છે. અનલૉક થયે તો માંડ દસ દિવસ થયા હશે, પણ લૉકડાઉનના એ બે મહિનાથી પણ વધારે સમય કેમ કરી ભુલીએ. એક જ શ્વાસમાં ફટાફટ ગોપીનાથ કંદોઈ વાત કરે છે. બાપ-દાદા વેપારી હતા અને તેમનો વારસો મને અને મારો વારસો દીકરાને મળ્યો છે. નજર સમક્ષ મીઠાઈ અને ફરસાણ બને છે. આખું ગામ અને આજુ-બાજુનાં ગામ પણ સારા-નરસા પ્રસંગે મારે ત્યાં જ મીઠાઈ લેવા આવે છે, પણ આ લૉકડાઉને જીવનની ગાડીને અચાનક જ બ્રેક મારી દીધી. ભગવાનની દયાથી ખાધે-પીધે સુખી છીએ એટલે દિવસો તો પાર પડી ગયા, પણ તેની યાદો તો મૃત્યુ પર્યન્ત રહેશે. કારીગરોને સચવાયા ત્યાં સુધી સાચવ્યા અને પછી તેમને પણ વતન પરત ફરવાની મંજૂરી આપી દીધી. હવે દુકાન તો ખોલી, પણ તેને ફરી પહેલાં જેવી ધમધમતી કરવામાં ઘણો સમય લાગશે. ગામના લોકોમાં પણ ડર છે કે ક્યાંક આપણને કોરોના થઈ જશે તો..? હું અને મારા જેવા અનેક વેપારીઓ સાવચેતી સાથે ફરી જીવન નોર્મલ કરવાના પ્રયાસમાં લાગ્યા છે, પણ…બધું પહેલાં જેવું થતાં ઘણો સમય લાગશે.

લૉકડાઉન પૂર્ણ થયું પરંતુ કોરોનાનો કહેર યથાવત છે. વાઇરસની ઝપેટમાં આવી મોતની ચાદર ઓઢનારા લોકોની સંખ્યા ઓછી નથી, પરંતુ આ સમય કોરોનાને પરાજય આપીને તેની સામે બાંયો ચઢાવી જીવવાનો છે. લૉકડાઉનની માઠી અસર સમગ્ર દેશમાં થઈ છે, પણ તેને વખોડ્યા વગર પરિસ્થિતિને નોર્મલ બનાવવાના પ્રયાસ કરવા પડશે. લૉકડાઉન અનિવાર્ય હતું એ જ રીતે અનલૉક કરવાનો પણ સમય આવી ગયો હતો. સાવચેતી સાથે આ વાઇરસને દેશમાંથી નાબૂદ કરવાનો છે. દરેક ક્ષેત્રમાં તેની અસર જોવા મળે છે. ઘણા ડિપાર્ટમેન્ટે લૉકડાઉનમાં સતત કામ કર્યું છે, જ્યારે ઘણા લોકો લૉકડાઉન પછી પોતાના કાર્ય રીસેટ કરી રહ્યા છે.

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) ડિપાર્ટમેન્ટના સંદીપ બારોટ કહે છે, ‘લૉકડાઉનની સફર જીવનભરની વસમી યાદ બની ગઈ છે. આ સમયમાં પોતાના પરિવાર સાથે ફરજને પણ ન્યાય આપવાની કશ્મકશ હતી. અંતે ફરજનો વિજય થયો. એક બાજુ કોરોનાના કારણે લોકો ભયભીત હતા તો બીજી બાજુ અમારુ ડિપાર્ટમેન્ટ પોતાનો બેસ્ટ પ્રયાસ કરીને નીડરતાથી ડ્યુટી નિભાવી રહ્યો હતો. એ દિવસોમાં જ્યાં બધાં ઘરની અંદર હતાં ત્યારે હું મારી નૈતિક ફરજ પર હતો. સેનિટાઇઝર, માસ્ક અને જરૃરી સામગ્રી લઈ લોકોની હેલ્પ માટે નિકળી જતો. રોજ સવારે ટીક..ટીક કરી ટિકિટ આપવાનો સમય જાણે વિસરાઈ ગયો હતો. ઓન-ડ્યુટી હોવા છતાં પણ મુસાફરો વિના હું ઓફ-ડ્યુટી અનુભવતો. સેવા કરવામાં લીન હતો, પરંતુ સૂમસામ રસ્તા પર થંભી ગયેલાં બસનાં પૈડાં દિલને દુઃખ પહોંચાડતા, પણ હવે ફરી સૂર્યોદય થયો છે, લોકોમાં ભય છે છતાં ધીમે-ધીમે પોતાના કામ માટે બહાર નિકળતા થયા છે. ફરી એકવાર અમારી બસનાં પૈડાં અને રસ્તાની મુલાકાત થવા લાગી છે. અમે પણ મુસાફરોને હિંમત આપવાની સાથે સંપૂર્ણ રીતે તેમની સેવામાં હાજર રહીએ છીએ. ક્યારેય ના ભુલાય એવા દિવસોને વિસરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જ્યારે લૉકડાઉન પિરિયડ ચાલી રહ્યો હતો ત્યારે મારી ફરજ દરમિયાન જીવનની અનેક વાસ્તવિકતાઓ સાથે મારો પરિચય થયો અને જિંદગી જોવાની નવી દૃષ્ટિ પણ મળી.’

ઇન્સ્યૉરન્સ ડિપાર્ટમેન્ટના સત્યમ ભટ્ટ કહે છે, ‘લૉકડાઉનની સારી અને નરસી બંને પ્રકારની યાદો છે. અમારા ડિપાર્ટમેન્ટના ફાળે લૉકડાઉનમાં વર્ક કરવાનું આવતું નહીં, પણ અનલૉક થતાં અનેક નવા કસ્ટમરના કૉલ આવવા લાગ્યા છે. એકબાજુ જ્યાં બધા કહે છે કે, લૉકડાઉન પછી જીવન નોર્મલ થતાં ઘણો સમય લાગશે. ત્યાં બીજી બાજુ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને તો પરિવારના ભવિષ્યને લઈને ચિંતિત છે. પોતાને કંઈ થાય તો બાળકોના ભવિષ્યનું શું..? માતા-પિતા પત્નીને કોણ સાચવે..? કોનો સહારે જીવન પસાર કરશે..? જેવા અનેક સવાલો તેમના મનમાં ઘર કરી ગયા છે. જે લોકો એમ માનતા હતા કે ઇન્સ્યૉરન્સની શું જરૃર બેન્કમાં બચત થાય છે જ ને. તે લોકો પણ હવે પરિવારના કારણે આ વિશે વિચારતા થયા છે. લૉકડાઉનના દિવસોમાં પસાર થયેલા સમયે લોકોનો નજરિયો બદલી નાંખ્યો છે. જ્યારે અનલૉક થતાં જ લોકો પરિસ્થિતિ બદલવાના પ્રયાસમાં લાગી ગયા છે. કહેવાય છે કે દરેક સમય કોઈ ને કોઈ શિક્ષા આપીને જાય છે. કોરોના વાઇરસના કારણે થયેલા લૉકડાઉન જીવનને પારખવાનો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો છે.’

મનોચિકિત્સક આશિષ મજમુદાર કહે છે, ‘લૉકડાઉન અને અનલૉક પછીની અમારી સફરમાં વધુ અંતર નથી. એ દિવસોમાં પણ અમે નિયમિત રીતે ડ્યુટી નિભાવતા અને હાલમાં પણ અમારા કામમાં વ્યસ્ત છીએ, પરંતુ કોરોનાનો ભય લોકોમાં હજુ પણ છે.

જોકે ડૉક્ટર તરીકે હું માનું છંુ કે દરેક વ્યક્તિમાં થોડો ઘણો ડર હોવો જરૃરી છે, જેના કારણે તે સજાગ રહે છે અને તમામ નિયમોને ફોલો કરી પોતાની અને સંપર્કમાં આવનારી વ્યક્તિને પણ વાઇરસથી બચાવે છે. લૉકડાઉનમાં એવા ઘણા બધા કેસો આવ્યા, ઘણા કેસો એવા હતા જેમાં દર્દીની સમસ્યા ઘણી નાની હતી, પરંતુ તેને સમજાવવામાં સમય લાગી જતો. લૉકડાઉન દરમિયાન ફોન પર સેવા આપતાં કોઈ કોઈ કેસમાં જ હૉસ્પિટલ આવવાની સલાહ આપવી પડતી, પરંતુ એ પણ સંપૂર્ણ સાવચેતી સાથે, ડૉક્ટરોના જીવનમાં ઘણી બધી ઘટનાઓ હોય છે જે કોઈ ને કોઈ રીતે યાદ રહી જાય છે. કોરોના વાઇરસનો પણ એવી જ ઘટનાઓમાં સમાવેશ થાય છે. ડૉક્ટર કોઈ પણ હોય, પરંતુ આવા સમયે તેમની ફરજ સમાન બની જાય છે. વર્તમાન સમયમાં લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. પોતાના કામમાં વ્યસ્ત થવાના પ્રયત્નમાં છે, પરંતુ લૉકડાઉન અને અનલૉક વચ્ચેનો સમય એ કોઈ વિસરી નહીં શકે.’

અર્થશાસ્ત્ર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અનિકેત દેસાઈ કહે છે, ‘લૉકડાઉન પૂર્ણ કરવાની જરૃર હતી. સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે, જે પ્રમાણે દેશના અર્થતંત્ર પર અસર થઈ રહી હતી તેમાં જો લૉકડાઉન સમય વધાર્યો હોત તો અન્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ હતી. અમારો જે વ્યવસાય છે એમાં વિદ્યાર્થીઓ વિના રહેવંુ શક્ય નથી. લૉકડાઉન સમયમાં ઓનલાઇન ક્લાસ કરાવતો, પરંતુ કૉલેજમાં જઈને લાઈવ અભ્યાસ કરાવવો અને ઘરેથી સ્ટડી કરાવવામાં ઘણો ફરક છે. કૉલેજ, વિદ્યાર્થીઓ અને તેમની મસ્તી ઘણી યાદ આવી રહી છે. અનલૉક થયા પછી ઘણા બધા સ્ટુડન્ટના કૉલ આવ્યા કે સર, તમે અમારા ઘરે આવો, બધા તમને મળવા અને વાત કરવા માગે છે. મેં તેમને વીડિયો કૉલિંગનું સજેશન આપ્યું. સાથે જ સમજાવ્યા કે સ્થિતિને અનુરૃપ સરકારે અનલૉકનો નિર્ણય ચોક્કસ લીધો છે, પણ કોરોના વાઇરસ સામે હજુ આપણે ઘણી લાંબી જંગ લડવાની છે. મારી આ સફરે મને ઘણા બધા નવા અનુભવ કરાવ્યા અને હું મારા વિદ્યાર્થીઓમાં કેટલો પ્રિય છું તેનો પણ અનુભવ કરાવ્યો.’

‘લૉકડાઉનમાં ખૂબ જ કંટાળી ગઈ હતી, હવે થોડો હાશકારો થયો છે,’ એમ કહેતાં ગૃહિણી સુનિતા પરમ પટેલ કહે છે, ‘કોરોના વાઇરસે તો જીવનને જાણે કે ધબકતું જ બંધ કરી દીધું. લૉકડાઉન અનિવાર્ય હતું, પણ સંયુક્ત પરિવારમાં આ સમય પસાર કરવો ઘણો કપરો હતો. દરેકની જુદી-ફરમાઈશ અને દરેકના જુદા આદેશો, હું તો માણસ કરતાં વધુ મશીન બનીને રહી ગઈ હતી. હવે તો બાપુજી સવારે મંદિરે જાય છે, થોડીવાર ઘરની બહાર ઓટલે બેસે છે, પરમને જોબ શરૃ થઈ છે, માટે થોડી રાહત થઈ. હું સાવચેતી રાખું છું અને સમગ્ર પરિવારની પણ બરોબર કાળજી લઉં છું, પણ જાણુ છું કે મારા જેમ જ અનેક ગૃહિણી એવી હશે જેમની માટે લૉકડાઉનનો સમય ઘણો મુશ્કેલી ભરેલો રહ્યો હશે. હવે આશા રાખંુ કે કોરોનાના કહેરમાંથી દેશ મુક્ત થાય અને બધાના જીવન સદાય માટે નોર્મલ બની જાય.’

કોરોના મહામારીમાંથી હજુ પણ દેશને મુક્તિ નથી મળી. અનલૉક થતાં જ અનેક લોકોને લાગે છે કે બધંુ નોર્મલ થઈ ગયું છે અને હવે ધીમે-ધીમે જનજીવન રાબેતા મુજબ થઈ જશે, પણ..એમ કહેવું હાલ ઘણુ વહેલું  છે, કારણ કે લૉકડાઉનને અનલૉક કરવંુ એ સમયની જરૃરિયાત છે. આજે પણ કોરોના આપણી આસપાસ છે. માટે લૉકડાઉનની સફર ભલે હાલ પૂરતી પૂર્ણ થઈ હોય પણ કોરાનાની યથાવત જ છે. અનલૉકને સરળતાથી લેવાની જગ્યાએ, સાવચેતી સાથે જીવનને નોર્મલ કરવાનો પ્રયાસ જ સફળતા અપાવશે.
—————-

અનલોક 1.0કોરોના ઇફેક્ટલોકડાઇનહેતલ રાવ.
Comments (0)
Add Comment