અવગુણ કેડે ગુણ કરે તે જગમાં જીત્યો સહી!

  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

કેટલાંક વ્યક્તિત્વના ઘડિયાળ ક્ષણોની નહીં, સદીઓની નિશાની હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ચળવળ, આંદોલન, સત્ય અને અહિંસા ઉપરાંત આરોગ્ય અને મનુષ્યની આંતરિક શક્તિ પર ચિંતન કરતાં. પુરાણ અને પશ્ચિમના દેશોના આવિષ્કાર સાથે ઉપવાસ અને ઉપચારની ચર્ચા કરતા, ચિંતકો અને સાધુઓ સાથે ઉપવાસ બાબત તેમના વિચારો વર્તમાન સંજોગોમાં પ્રાસંગિક બન્યા છે. કોલકાતામાં મેડિકલ સાયન્સ, આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની સારવારનો ઇતિહાસ છે. ખંડણીમાં ફૂટેલી બુટ્ટીઓથી પ્રયોગશાળામાં  પુરાવા સાથે સિદ્ધ દવાઓ ઉપલબ્ધ છે. હમણા જેની ચર્ચા છે તે ગાંધીજીના આરોગ્ય પ્રધાન પ્રયોગોની!

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતે ઘણુ લખતાં, લેખો, પુસ્તકો, પત્રો, ડાયરીઓમાં વિવિધ વિષયો અને જીવન કવનનાં પૃષ્ઠો છે. આ ઉપરાંત દેશ અને દુનિયાની અનેક ભાષાઓમાં તેમના જીવન પદ્ધતિ પર અઢળક લખાયું છે. ગાંધીજી તેમની માતા પૂતળીબાઈ પાસે વિલાયત જવાની આજ્ઞા માગવા ગયા ત્યારે તેમણે ત્રણ પ્રતિજ્ઞા, માંસાહારી ખોરાક અને દારૃ નહીં લેવાની અને સ્ત્રી સંગતથી દૂર રહેવાની લીધી હતી ત્યારે અનુમતિ મળી હતી. ગાંધીજીએ ‘આરોગ્યની ચાવી’ પુસ્તકમાં આહાર અને સ્વાસ્થ્ય વિશે વિસ્તારથી લખ્યું છે. ખોરાકની પસંદગી કે ત્યાગ અને સ્વીકાર એટલા જ આવશ્યક છે જેટલા વિચાર-વાચાની પસંદગી કે ત્યાગ! લંડનમાં ગાંધીજી વેજિટેરિયન સોસાયટીના સભ્ય બન્યા હતા. સત્રોમાં ભાગ લઈ અંગ્રેજો સાથે શાકાહારી મૂલ્યોની ચર્ચા કરતા. ડરબનમાં હતા ત્યારે ચક્કીમાં દળેલા લોટની રોટલી તેમને ફાવતી નહીં, ત્યાં તેમણે હાથથી ફરતી ઘંટી વસાવી હતી, તેમાં દળેલા લોટની રોટલી જ જમવામાં લેતાં. તેમાં સાત્ત્વિક તત્ત્વો મળતાં. એક અગત્યનું પરિવર્તન ખેડા આંદોલન દરમિયાન નોંધાયું.ગાંધીજીની તબિયત બગડતાં તબીબોએ તેમને દૂધ લેવાની સલાહ આપી. ગાંધીજીએ ગાય અને ભેંસનું દૂધ ન લેવાનું વ્રત લીધું હતું. ડૉક્ટરોએ બકરીનું દૂધ પીવા માટે સૂચન કર્યું. દૂધનો આહાર સ્વાસ્થ્ય માટે અગત્યનો હતો અને વ્રતનો અક્ષર પાળવા તેમણે બકરીના દૂધનું સેવન આરંભ કર્યું હતું.

જાણીતા બંગાળી લેખક નિરદ સી ચૌધરીએ લખ્યું છે કે, ગાંધીજી બકરીનું દૂધ પીતા સાથે હાઈ બ્લડપ્રેશરના ઔષધ તરીકે લસણ ખાતાં.

કોલકાતામાં ૧૯૩૭માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સભામાં ભાગ લેવા ગાંધીજી આવ્યા ત્યારે શરત બાસુના અતિથિ બની તેમના નિવાસ સ્થાને ઊતર્યા હતા, બધા જાણતા હતા કે દૂબળા દેખાતાં ગાંધીજી દ્રઢ મનોબળ ધરાવતા હતા, ચુસ્ત શાકાહારી હતા. જ્યાં માછલીઓ આવતી ત્યાં ફક્ત શાકપાન આવતાં થયાં. આંગણે બકરી બાંધવામાં આવી હતી. તેમના વ્યક્તિગત સચિવ મહાદેવભાઈ દેસાઈ તેમના નિયમ મુજબ આહારની સૂચના આપતાં. લોકોને આશ્ચર્ય થતું કે આ દેહ બકરીના દૂધ, બાફેલાં શાકના આહારથી કેવી રીતે ચાલે છે. ગાંધીજી કહી પણ દેતાં, જીવવા માટે ખોરાક જોઈએ, ખોરાક માટે જીવવાનો કોઈ છેડો નથી!

ઘણીવાર એવું બનતું આવ્યું છે કે ઉપયોગી અનુસંધાનને માન્યતા તત્કાળ મળતી નથી, પણ તે ભાવિ કાળ માટે નિશ્ચિત થઈ જાય છે. ગાંધીજીના ઉપવાસને ધાર્મિક પણ ગણવામાં આવતાં. આંદોલનમાં તે સશક્ત અસર દેખાડતા. લંડન ડાયરીનાં કેટલાંક પૃષ્ઠોમાં એવું વર્ણન છે કે ગાંધીજી શરીર સમતુલા જાળવવા ઉપવાસ કરતા. આ બાબતને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વર્ષ ૨૦૧૬માં જાપાનના વિજ્ઞાની યોશિનોરી ઓસુમીને મેડિસિન ક્ષેત્રે નોબલ પુરસ્કાર એનાયત થયો. તેમને  ‘ઑટોફેગી થેરેપી’ શોધ માટે નોબલ પુરસ્કાર મળ્યો. તેમની શોધ પ્રમાણે માનવ શરીરના કોષો બાબત છે, જે રોગનાં લક્ષણો માટે કોષોના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. આજે ડાયટિંગ પ્રચલિત છે જે નીરોગી રહેવા કે ચુસ્ત દેખાવા માટે કરવામાં આવે છે. શરીરના કોષ તેના માટે કારણભૂત છે. તેનાથી કેટલીક બીમારીનાં લક્ષણ પેદા થાય છે, તો તેનાથી બચવાના ઉપાય પણ મળી આવે છે. સરળ શબ્દોમાં ઋષિઓ પણ આ આંતરિક શક્તિ કે ઊર્જા થકી ઉપવાસ કરી દૃઢ મનોબળ કેળવી લેતાં. તેમાંથી અદ્ભુત આધ્યાત્મિક ચેતના જાગૃત કરી શકતા.

બંગાળી લેખક અને કોલકાતામાં ગાંધીજી સાથે રહેલા નિર્મલકુમાર બાસુએ લખ્યું છે. ૧૯૪૫માં તેઓ ગાંધીજી સાથે કોલકાતામાં હતા, તંગદિલી હતી, ગાંધીજી સતત ચર્ચા, વાર્તાલાપ કરતાં, ભાષણ આપતાં, લખતાં સાથે તેમના ખોરાકની પણ એક અલગ સાદી પણ પૌષ્ટિક નિયમાવલી હતી. તેઓ રોજ પરોઢિયે સંતરાનો રસ અને બકરીનું દૂધ પીતા. બપોરે ભોજનમાં બકરીનું દૂધ, બાફેલાં નીમક અને તેલ મસાલા વગર શાક, લીલા પાલક ભાજી પર કોથમીર છાંટી આરોગતા. નાળિયેરનું પાણી પીતા. સાંજે બકરીના દૂધમાં ખજૂરની એકાદ પેસી બાફી જમી લેતાં, જ્યારે નોઆખાલીના શ્રીરામપુરમાં હતા ત્યારે કડક ખાખરા ખાઈ ચલાવી લેતા, બંગાળી રસોઇયા ખાખરાનો લોટ બરોબર બાંધી શકતા નહીં એટલે જાતે ખાખરા બનાવી લેતા.

જ્ઞાન અને વિજ્ઞાન બંને પોતાના સમયે એ સાબિત કરી ગયા કે શક્તિ માનવીની અંદર છે તેને સંયમ સાથે વાપરવાની છે. દેહ સુકલકડી હોય, પણ મન મક્કમ હોય તો ગુલામીની સાંકળ તૂટે છે. રોગ જટિલ હોય પણ મનોબળ અને ઇચ્છાશક્તિ પ્રબળ હશે, આહાર અને વ્યવહાર નિયમબદ્ધ હશે તો રોગની સાંકળ પણ ચોક્કસ તૂટશે.
—————-

કોલકતા કોલિંગમુકેશ ઠકક્રર
Comments (0)
Add Comment