‘ચાલો ત્યારે, જવું પડશે, વેઇટિંગ ચાલે છે ને..!’

મડદાંને બને તેટલી ઝડપથી બાળવા પ્રયત્ન કરતા.
  • કોરોના ઇફેક્ટ – નરેશ મકવાણા

કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં સૌથી વધુ મોત થયાં છે. શહેરનાં સ્મશાનો ચોવીસ કલાક ચાલતાં રહે છે અને છતાં દિવસભર ત્યાં વેઇટિંગ રહે છે. સામાન્ય રીતે મડદાંનું નામ પડતાં જ આપણા દિલમાં એક ફડક પેદા થતી હોય છે, ત્યારે અહીં આપણે એ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરવા પ્રયત્ન કર્યો છે જેનો પનારો જ મડદાં સાથે પડેલો છે.

તું આમ દિવસરાત જોયા વિના મડદાં સળગાવતો રહે છે, તને ખાવું કેમનું ભાવે છે? અમે તો એકાદ મૃત શરીર જોઈ જઈએ તો પણ દિવસો સુધી એ દ્રશ્યો પીછો ન છોડે. જ્યારે તું તો ચોવીસે કલાક અહીં જ રહે છે, તને ભૂતપ્રેતની બીક નથી લાગતી?’

આ સવાલ સાંભળીને તેણે એક અછડતી નજર મારા પર નાખી અને પાછો કામમાં પરોવાઈ ગયો. મારો પ્રશ્ન અણગમતો હોય, કે પછી તેની કોઈ દુઃખતી નસ પર મારાથી હાથ રખાઈ ગયો હોય અથવા તેની અંદર પડેલી કોઈ અકળ લાગણીને ધક્કો લાગ્યો હોય – ગમે તે હોય, પણ તેણે એજ ભાવહીન ચહેરે લોખંડના સ્ટેન્ડ પર બળી રહેલા મડદાને લાકડાના લાંબા દંડા વડે જોરથી ગોદો માર્યો. એ સાથે જ મડદાના અર્ધબળેલાં અંગોમાંથી આગનો એક ગોળો બહાર ફેંકાયો. હું ભડકી ગયો! પણ તેના ચહેરા પરની કડકાઈમાં તસુભાર પણ ફરક ન પડ્યો. જોકે તેના એ વર્તન પરથી મને એટલું તો સમજાયું કે મારો સવાલ તેના મનમાં ધરબાઈને પડેલી ભૂતકાળની કોઈ એવી ઘટનાને સ્પર્શ્યો હતો જેના વિશે તે વધુ વાત કરવા માગતો નહોતો. તો પણ જવાબની રાહમાં હું તેનું મૌન તૂટે તેની રાહ જોતો બળી રહેલા મડદા સામે જોતો ઊભો રહ્યો. ઘણો સમય વિત્યો છતાં તે કશું બોલ્યો નહીં, એટલે હું સામેની તરફ આવેલા એક પગથિયા પર બેસીને તેની કામગીરી જોવા લાગ્યો.

મે માસની બપોર અને ગરમી બંને તેની ચરસમીમાએ હતા. એવે ટાણે અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલા એક સ્મશાનમાં હું તેને આ સવાલ કરી રહ્યો હતો. લૉકડાઉનમાં સરકારે આંશિક રાહત આપી હતી અને તેની અસર અહીં અંતિમયાત્રામાં સામેલ થવા આવતા લોકોની વધતી સંખ્યા પરથી દેખાતી હતી. પહેલાંની સરખામણીએ હવે સ્વજનને અંતિમ વિદાય આપવા વધારે લોકો સામેલ થઈ રહ્યાં હતાં. છતાં કોરોના વાઇરસનો ભય સૌ કોઈના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. લોકો મોં પર માસ્ક કે રૃમાલ બાંધીને ફરતા હતા. કેટલાકના ખિસ્સામાં સેનેટાઇઝર પણ હતું. અણગમતી આ જગ્યા પર ત્યારે સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હતી. સ્મશાનની ઑફિસમાં અંતિમવિધિ અને જરૃરી દસ્તાવેજો મેળવવા નોંધણી કરાવવા માટે પણ ત્રણ-ચાર લોકો તો બેઠાં જ હોય. કોરોના વાઇરસને કારણે લોકોમાં ભય ફેલાયેલો હતો. વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતાં લોકો કોરોના જેવાં લક્ષણોની પોતાનામાં હાજરીથી ગભરાઈને મોતને ભેટતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. આ ચર્ચાને સમર્થન મળતું હોય તેમ સ્મશાનમાં શબોની લાઇન લાગી હતી.

મુખ્ય દરવાજા આગળ ચાર એમ્બ્યુલન્સ અને ત્રણ ખાનગી અંતિમવાહિનીઓમાં કુલ મળીને સાત મડદાં, હું જેને સવાલ કરી રહ્યો હતો તે વ્યક્તિની મંજૂરીની રાહ જોતાં હતાં. સાત પૈકી ત્રણ ડૅડબૉડી કોરોનાને કારણે મૃત્યુ પામેલી વ્યક્તિઓની, જ્યારે બાકીની ચાર સામાન્ય હતી. સારી વાત એ હતી કે કોરોનાના દર્દીઓનાં મૃત શરીરને કોઈએ અડકવાનું નહોતું, દર્દીનાં સગાંઓએ પણ નહીં. નિર્જીવ સીએનજી ભઠ્ઠીએ એ કામ પોતાના શિરે લઈ લીધું હતું. છતાં ગળામાં માદળિયું બાંધેલો એક મજબૂત બાંધાનો યુવક ત્યાં હાજર હતો. તેના ચહેરા પર કોઈ પણ જાતનો ભાવ જોવા ન મળે. તેનું કામ સીએનજી ભઠ્ઠીના સંચાલનનું હતું. મડદું બળી ગયા પછી ભઠ્ઠીને સેનેટાઇઝ કરવાનું કામ પણ તે કરતો હતો.

પણ તેની નજર પ્રવેશદ્વાર આગળ વધતી જતી એમ્બ્યુલન્સ અને શબવાહિનીની કતાર પર હતી. સાત તો વેઇટિંગમાં હતી જ, ત્યાં પાછળ બીજી બે શબવાહિનીઓ આવીને ઊભી રહી એટલે વેઇટિંગનો આંકડો નવે પહોંચ્યો. તેણે ઉમેરાયેલી એ બે શબવાહિનીઓ તરફ એક તીખી નજર ફેંકી અને સ્ટેન્ડ પરથી મડદાંના બહાર નીકળી રહેલાં અંગને લાકડાંનો હડસેલો મારીને અંદર કર્યું. મડદાંમાંથી અંગારા છૂટ્યાં, અદ્દલ તેના સ્વભાવ જેવા. આમ તો ત્યાં બધાં મળીને ૧૨ જેટલાં સ્ટેન્ડ હતાં, પણ અંતિમવિધિ કરવા આવતાં લોકો ગરમી સહન કરી શકતાં ન હોવાથી વચ્ચે કેટલાંક સ્ટેન્ડ ફરજિયાત બંધ રાખવા પડતાં હતાં. સળંગ આઠ મડદાંને તે અને તેનો એક સાથી હેન્ડલકરી રહ્યાં હતાં. આ સિવાય એક બારેક વર્ષનો છોકરો તેમને મદદ કરી રહ્યો હતો. તે સ્ટેન્ડમાં લાકડાં ગોઠવતો અને મૃતકનાં સગાંઓને અંતિમવિધિ માટે જરૃરી સૂચનાઓ આપતો. છેલ્લે કશું કામ ન હોય તો મડદાં બાળવાના સ્ટેન્ડ પર જ બેઠો-બેઠો બટાટાની વેફરનું પડીકું તોડીને ખાવા માંડતો. તેના એ વર્તનને કારણે જબરો વિરોધાભાસ સર્જાતોઃ એક તરફ આઠ-આઠ

મૃત શરીર શુદ્ધ ઘીમાં બળી રહ્યાં હોય અને બીજી તરફ તે હાથમાં પાંચ રૃપિયાની વેફરનું પડીકું તોડીને ભૂખ સંતોષવા મથતો હોય. એકબાજુ

મૃત શરીર પર સગાંઓ, પરિવારજનો રોકકળ કરતાં હોય, માથું પછાડતાં હોય અને બીજી બાજુ તે મડદાંની બાજુમાં બેસીને કશુંક ખાતો હોય. એક પત્રકાર તરીકે કોરોના રોગચાળાએ મને ઘણા અણધાર્યા પ્રસંગોનો સાક્ષી બનાવ્યો છે, પણ આ પ્રકારના વિરોધાભાસ પહેલીવાર જોઈ રહ્યો હતો.

ડૅડબૉડીનું વેઇટિંગ વધતું જતું હતું એટલે એ ત્રણેય મચી પડ્યા. નાનકો મડદાંના વજનનો અંદાજ લગાવી એ મુજબ સ્ટેન્ડ પર લાકડાં ગોઠવવા માંડ્યો. જે સ્ટેન્ડ ખાલી થાય ત્યાં તે નવાં લાકડાં ગોઠવી નાખતો અને પેલા બંને મડદાંને બને તેટલી ઝડપથી બાળવા પ્રયત્ન કરતા. એ દ્રશ્ય કંઈક આવું હતુંઃ સળંગ આઠ સ્ટેન્ડ પર શબ સળગતાં હતાં, દૂર ઊભેલાં મૃતકનાં સગાંઓ રડતાં હતાં, બ્રાહ્મણો વિધિ પતાવતા હતા અને એ ત્રણેય જાણે કશું બન્યું જ ન હોય તેમ સળગતાં મડદાં વચ્ચે એ જ કઠોરતા અને નિર્લેપભાવે ઊભા હતા. શુભ પ્રસંગોમાં જોવી ગમે અને ફરજિયાત ગણાય તેવી શ્રીફળ, અગરબત્તી, અત્તર, અબીલ-ગુલાલ, ગલગોટાના હાર અને ગુલાબનાં ફૂલ જેવી ચીજવસ્તુઓની હાજરી અહીં ડર પેદા કરતી હતી. એક ખૂણામાં સ્મશાનમાં જ રહેતાં કેટલાંક કૂતરાં મૃત શરીર પરથી ઉતારીને ફેંકી દેવાયેલી વસ્તુઓમાં મોં ઘાલતા હતા. તેની બાજુમાં પડેલી કચરાપેટીમાંથી બહાર ડોકાતાં લાલ-લીલાં કાપડ વાતાવરણની ભયાનકતામાં વધારો કરી રહ્યાં હતાં. એક બંધ રૃમની બારી પર મૃતકોનાં અસ્થિઓ કળશમાં બંધ કરીને લટકાવી દેવાયા હતાં. જે લૉકડાઉન ખૂલતા જ એક સંસ્થા દ્વારા હરિદ્વાર સ્થિત ગંગા નદીમાં વહેતાં કરવા માટે મોકલી દેવામાં આવતાં હતાં. એક પથ્થર પર કાગડા અને સમડીઓ મૃતક પાછળ દાન કરાયેલા લાડુ ને ગાંઠિયાની નાની ઢગલીઓમાં ચાંચ મારીને ઊડી જતાં હતાં. કૂતરાં માટે ફેંકવામાં આવેલાં એ લાડવા-ગાંઠિયામાં વચ્ચે વચ્ચે ઉંદર, ખિસકોલી અને અજાણ્યાં પક્ષીઓ પણ ભાગ પડાવી લેતાં. – આ બધું હું ચૂપચાપ એક પગથિયા પર બેસીને નિરખી રહ્યો હતો.

બે-અઢી કલાક પછી વેઇટિંગ થોડું ઘટ્યું એટલે એ થોડો નવરો પડ્યો. લાકડું પેલા છોકરાને પકડાવીને એણે પાણીની બોટલ હાથમાં લીધી ત્યાં એની નજર મારા પર પડી. એટલે બોટલ હાથમાં લઈને તે મારી તરફ આવ્યો. થોડું અંતર રાખીને બેઠો અને નાનકાને રાડ પાડી. નાનકો લાકડું પડતું મૂકીને આવ્યો એટલે તેને પૈસા આપીને પાણીની બે બોટલો લેવા મોકલ્યો. નાનકો દોડ્યો અને ૧૦ મિનિટમાં ઠંડા પાણીની બોટલ સાથે હાજર થયો. તેણે એક બોટલ મારા તરફ ધરી અને પોતાની બોટલમાંથી બે-ત્રણ ઘૂંટ પીને સ્ટોરીની શરૃઆતમાં મેં જે સવાલ મૂક્યો છે તેનો જવાબ આપવો શરૃ કર્યો.

નરેશભાઈ, મારો તો જન્મ જ અહીં થયો છે. હું પેટમાં હતો ત્યારે મારાં મમ્મી પણ આ જ કામ કરતાં હતાં, પપ્પા પણ આ જ કરતાં. આ સ્મશાનમાં રમીને હું મોટો થયો છું. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ મારાં લગ્ન પણ અહીં જ થયાં છે. સુહાગરાત પણ અહીં જ થયેલી અને મારા બાળકનો જન્મ પણ અહીં જ થયો છે. આ સ્મશાન મારું ઘર છે અને મડદાં બાળવા એ મારું કામ. હવે તમે જ કહો, ઘરમાં અને જે કામ આપણે કરતાં હોઈએ તેનાથી ડર લાગે? તમે પૂછ્યું કે અહીં ખાવું કેમનું ભાવે છે- તો એ તો હવે ટેવ પડી ગઈ છે. લોકોને મડદાં જોવાની ટેવ નથી એટલે બીક લાગે, જ્યારે અમારું તો કામ જ મડદાં બાળવાનું છે.

તો બીક શેની લાગે?’

‘(હસતાં-હસતાં) જીવતાં માણસની..એ શું કરે નક્કી નહીં. મરેલો માણસ બિચારો ક્યારેય કોઈને હેરાન ન કરે. જીવતો હેરાન કરે. આપણને એકબીજાથી પ્રોબ્લેમ હોય તો આપણે એકબીજાની વચ્ચે આવીએ.

તો ભૂતપ્રેત વિશે તારું શું માનવું છે, કદી એવો કોઈ અનુભવ થયો છે ખરા?’

કશું જ નહીં.

તું આટલી સરસ વાતો કરે છે, મતલબ સારું એવું ભણ્યો છે.

ના ના. દસ ચોપડી.

તારું નામ તો કહે?’

જિતુ વાલ્મીકિ‘ (નામ બદલ્યું છે)

અને આ તારી સાથે છે એ બંને?’

એક મારો સાળો છે ધવલ અને પેલો નાનકો છે એનું નામ મનીષ. (બંનેનાં નામ બદલ્યાં છે.) મારા પડોશીનો દીકરો છે. અહીં રમવા આવે છે અને કશુંક કામ કહીએ તો કરી આપે.

તેને આ બધાંથી બીક નથી લાગતી?’

અરે, હોતું હશે કંઈ! તે અને તેના મિત્રો બધા અહીં જ રમવા આવતા હતા. આ તો કોરોનાને કારણે અમે તેમને આવવા નથી દેતા. બાકી એ બધા અહીં જ રમે છે.

આ શબ બાળવાનું તમે કેટલા વાગ્યે ચાલુ કરો છો?’

આ તો ચોવીસ કલાક ચાલુ જ હોય. ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યે એક બૉડી આવેલી, બહુ ભારે હતી. એને બાળીને ચાર વાગ્યે સૂતો, ત્યાં કલાકમાં જ બીજી બૉડી આવી ગઈ અને પછી તો આખો દિવસ ચાલુ જ રહેલું.

રોજની કેટલી બૉડી આવે છે?’

ચાલુ દિવસોમાં પાંચ-દસ આવતી, પણ હાલ કોરોનાને કારણે સતત વેઇટિંગ ચાલતું હોય છે. તમે જોયું નહીં, પાંચ-સાત તો લાઇનમાં હોય જ છે.

તો હાલ રોજની કેટલી બૉડી બાળે છે?’

૩૦-૩૫ તો સાચી જ.

હેં..!

હા.

તે આટલાં બધાં શબ તું બાળે છે, એમાં કેટલીક એક્સિડન્ટમાં વિકૃત થઈ ગયેલી, કોઈ ઑપરેશન કરેલી લાશ હોય, તો એ જોઈને તને કશું થતું નથી?’

એમાં શું, હવે તો રૃટિન થઈ ગયું છે. મને તો બીજાને રડતાં જોઈનેય રડવું નથી આવતું …પહેલેથી આ કામ સ્વીકારેલું છે અને હવે તેનો કોઈ અફસોસ પણ નથી થતો.

આ કામ તેં સ્વેચ્છાએ સ્વીકારેલું છે?’

સ્વેચ્છાએ તો નહીં, પણ આપણે બહુ ભણેલા નહીં ને! અને પહેલેથી આ કામ કરતા આવ્યા હોઈ સેવા સમજીને સ્વીકારી લીધું છે.

કેટલા રૃપિયા મળે છે આમાંથી?’

વધારે તો નહીં, બસ ઘર ચાલ્યું જાય છે. મૃતકોનાં સગાં અમારું કામ જોઈને જે રકમ આપે એ અમારો પગાર.‘ – આટલું બોલીને તેણે સ્મશાનના મુખ્ય દરવાજા તરફ નજર કરી. ત્યાં ફરી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓની કતાર લાગવા માંડી હતી. એટલે વિદાય લેતા તે બોલ્યો, ‘ચાલો ત્યારે જવું પડશે, વેઇટિંગ ચાલે છે ને..!‘ 

————

કોરોના ઇફેક્ટનરેશ મકવાણા
Comments (0)
Add Comment