મઝા અંદર પડેલી છે!

મઝા બહારથી આયાત થઈ શકે તેવી ચીજ નથી.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

‘ગાઈડ’ અને ‘મિ. સંપત’ સહિત દશેક નવલકથાઓના લેખક શ્રી આર.કે. નારાયણે પોતાની સ્મરણકથા લખી છે. રીતસરના જીવનચરિત્રમાં તારીખિયાનાં પાનાં મેળવવાં પડે, સાલવારી ગોઠવવી પડે અને બનાવોના બાહ્ય ક્રમનો મેળ બેસાડવો પડે. સ્મરણકથાને આ બંધનો નડતાં નથી. શ્રી આર.કે. નારાયણે તેમની નવલકથાઓની જેમ જ સ્મરણકથાને બહુ લાંબી પાથરી નથી. તેની સરળતા અને નિખાલસતા તો ઊડીને આંખે વળગે જ છે, પણ સૌથી મોટી વાત તો પોતાના નાનકડા અરીસામાં પોતાનો નાનકડો ચહેરો સ્વચ્છ રીતે બતાવવાની તેમની સાચાદિલી અને ખેલદિલીને ગણવી પડે.

શ્રી નારાયણની સ્મરણકથાનું નામ તેમણે ‘માય ડેયઝ’ (મારા દિવસો) એવું આપ્યું છે. એક કિશોર છાનીછપની સિગારેટ પીએ, બહેન તે જોઈ જાય, માને કહી દે અને માતા ઠપકો આપે, પણ પિતાને એ વાત કદી કહે નહીં. પિતાના ક્રોધની સામે માતા ઢાલ બનીને ઊભી રહે એ પ્રસંગથી માંડીને પ્રથમ પત્નીનું અકાળ અવસાન, તેની સૂક્ષ્મ મરણોત્તર હાજરીની પ્રતીતિ સુધીના અનુભવોને તેમણે હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. કોઈ ચોક્કસ વ્યક્તિના ચહેરામહોરા વિના જ યુવાનના હૈયાના કૂવામાં ‘પ્રેમમાં પડું, પ્રેમમાં પડું’નો જે પોતાનો સિંહ-ચહેરો દેખાય છે, તેનું ચિત્ર પણ તેમણે આબાદ ઉપસાવ્યું છે. મકાન ખાલી કરાવવા મરણિયા બનેલા મકાનમાલિકનું એક લખાણ છાપવાની તૈયારી પોતાને કેવા સંજોગોમાં બતાવવી પડી તે વાત પણ તેમણે કશું છુપાવ્યા વિના રજૂ કરી છે. મકાનમાલિકનું લખાણ છાપવા જેવું નહોતું, પણ એટલા માટે છાપ્યું કે, તેના બદલામાં મકાનમાલિકે એક વર્ષ સુધી મકાન ખાલી નહીં કરાવવાનું વચન આપ્યું. એક નાનકડા સામયિકના તંત્રી તરીકેનું કર્તવ્ય તેમણે બરાબર બજાવ્યું નહીં અને એક અંગત લાચારીને ઉકેલવાનું સાધન બનાવ્યું તેને પસ્તાવો પ્રગટ કરતાં તે ખચકાયા નથી.

શ્રી આર.કે. નારાયણની સ્મરણકથા વાંચીને સૌથી પહેલો પ્રતિભાવ એવો જ પડે છે કે બરાબર છે, આમ જ બન્યું હોવું જોઈએ. માણસનું જીવન આવું જ છે. ટૂંકા સમય માટે શિક્ષક, અમુક સમય માટે પત્રકાર, અમુક સમય માટે સામયિકના સંપાદક, એક વખત પોતે ભાડૂતમાંથી મકાનમાલિક બનવા નીકળ્યા ત્યારે તેનો અનુભવ અને ફિલ્મનગરીમાં ગયા ત્યારે તેમણે શું જોયું એ બધા અનુભવો તેમણે અહીં આલેખ્યા છે. પ્રસિદ્ધ કટાક્ષ ચિત્રકાર આર.કે. લક્ષ્મણ તેમના નાના ભાઈ છે, પણ થોડાક જ શબ્દોમાં તેમણે લક્ષ્મણની જે આછીપાતળી પિછાન આપી છે તે જોઈને થાય કે કિશોરકાળમાં કેટલીક વાર નાનો ભાઈ સાચોસાચ કેવો ‘લક્ષ્મણ’ બની રહે છે તેના અનુભવની સચ્ચાઈમાં સૂર પુરાવવા કોઈ પણ મોટો ભાઈ તૈયાર થશે!

માણસ પોતાનાં સ્મરણોની કથા લખવા બેસે ત્યારે કોઈક માણસ સ્મરણોની આ કથાને ભૂગર્ભ સમાધિરૃપે ચણી નાખે છે. કોઈ વળી તેને પોતાના નિર્દોષ નામ રૃપે રજૂ કરે છે. કોઈક વળી બીજાઓની સામેના એક બુલંદ તહોમતના રૃપે રજૂ કરે છે. કોઈ વળી એક ‘સફળ અખતરા’ રૃપે તેને રજૂ કરે છે. શ્રી આર.કે. નારાયણે પોતાની સ્મરણકથા એવી રીતે આલેખી છે કે જેમાં ભુલાઈ ગયેલી અને ઝાંખી ઝાંખી યાદ એવી સ્મૃતિઓના દીવડા એક પછી એક એવી રીતે પ્રગટે છે કે જિંદગીની આગળની કેડીને અજવાળું મળે છે! શ્રી આર.કે. નારાયણ પોતાની સ્મરણયાત્રાથી આ કે તે વ્યક્તિ નાખુશ ના થાય તેનું બરાબર ધ્યાન રાખવા રોકાયા નથી. કોઈ માણસ બધા માણસોને ખુશ કરી શકતો નથી. વિના કારણે અગર નજીવા કારણે કેટલાક નાખુશ પણ થાય. કેટલાકને કશી લેવાદેવા વગર ઈર્ષા થાય! કોઈકની નાખુશી, કોઈકની ઈર્ષા, કોઈકનો રોષ, આ બધાં જોખમો છે અને તેનાથી ડરી ડરીને પગલાં ભરનારો માણસ ક્યાંય પહોંચી ના શકે અને ઘણુખરું તો તેણે છુપાઈ જવા માટે ક્યાંક ગુફા જ શોધવી પડે.

આર.કે. નારાયણની સ્મરણકથા કહે છે કે મઝા માણસની અંદર પડેલી છે અને માણસે જાતે તેને પ્રગટ કરવાની છે. મઝા બહારથી આયાત થઈ શકે તેવી ચીજ નથી. તમારી અંદર જ તમારે તેને શોધવી પડશે અને એક વાર તમને તેના ઘરનું સરનામું મળશે પછી તમારે તેને શોધવા બહુ દૂર કે બહાર ભટકવું નહીં પડે. તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં તે તમારી સાથે અને તમારી અંદર જ હશે.
—————-

પંચામૃત. ભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment