કેનેડામાં કાયમી

હમણા હમણાથી ભારતીય સ્નાતકોના 'એચ-૧બી' વિઝાના પિટિશનો મોટા પ્રમાણમાં રિજેક્ટ થાય છે.
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

‘અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર’ આ વિષયમાં સંશોધન કરીને આ કટારના લેખકે સ્થળાંતરનો એક નવો નિયમ ‘થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’  સ્થાપિત કર્યો છે. અમેરિકા એની જરૃરિયાત પ્રમાણે કાયદા ઘડીને ઇમિગ્રેશનનું નિયંત્રણ કરે છે. સ્થળાંતરનો જે કુદરતી નિયમ ‘પુશ ઍન્ડ પુલ’ છે એ અટકાવી દે છે. ‘મુંબઈ યુનિવર્સિટી’એ એમને આ નિયમ પ્રસ્થાપિત કરવા માટે ‘ડૉક્ટરેટ’ની માનદ ડિગ્રી એનાયત કરી છે. હમણા હમણાથી ભારતીય સ્નાતકોના ‘એચ-૧બી’ વિઝાના પિટિશનો મોટા પ્રમાણમાં રિજેક્ટ થાય છે. પરદેશી વિદ્યાર્થીઓ જેઓ અમેરિકામાં ભણવા જાય છે એમને ભણી રહ્યા બાદ એક અને અમુક કિસ્સાઓમાં ત્રણ વર્ષ ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ’ કામ કરવા માટે આપવામાં આવે છે. આ ઓપીટી પિરિયડ ટ્રમ્પ બંધ કરવા ઇચ્છે છે.

ગ્રીનકાર્ડ મેળવવા માટેના દસમાંથી એક રસ્તો છે ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી’. ટ્રમ્પને આ ફૅમિલી માઇગ્રેશન એટલે કે ‘કુટુંબની કડી’, જેમાં એક વ્યક્તિ એના કુટુંબીજનોને અમેરિકામાં આમંત્રે અને તેઓ પછી એમના કુટુંબીજનોને આમંત્રે એ પસંદ નથી. તેઓ આ ‘ચેઈન માઇગ્રેશન’ને અટકાવવા ઇચ્છે છે.

અમેરિકા પ્રત્યે ભારતીયોનો ધસારો ખૂબ જ વધી ગયો છે. ત્યાં જઈને વસેલા ભારતીયો એમનાં સગાંઓને પોતાની સાથે રહેવા ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી’ હેઠળ મોટી સંખ્યામાં પિટિશનો દાખલ કરતા થયા છે. જેઓ એચ-૧બી વિઝા ઉપર કામ કરવા ગયા હતા એમના લાભ માટે અમેરિકન માલિકોએ ‘એમ્પ્લોયમેન્ટ બેડ પ્રેફરન્સ કૅટેગરી’ હેઠળ મોટી સંખ્યામાં ગ્રીનકાર્ડનાં પિટિશનો દાખલ કર્યા છે. ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી તેમ જ એમ્પ્લોયમેન્ટ બેડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ મળતા ગ્રીનકાર્ડ વાર્ષિક ક્વૉટાના બંધનોથી જકડાયેલા છે. આથી હવે આની હેઠળ ગ્રીનકાર્ડ મેળવવા માટે પચ્ચીસ-પચાસ વર્ષ વાટ જોવાનો સમય આવ્યો છે.

વિશ્વભરમાં વ્યાપેલા કોવિડ-૧૯ના કારણે ૨૩ એપ્રિલ, ૨૦૨૦ના ટ્રમ્પે એક ઢંઢેરો બહાર પાડીને ઇમિગ્રેન્ટોને, જેઓ અમેરિકામાં કાયમ રહેવા આવવા ઇચ્છતા હોય, એમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ બધાં કારણસર વિશ્વના લોકો એમનું ‘અમેરિકન સપનું’ ત્યજી દઈને કેનેડા જવાનો વિચાર કરતા થયા છે.

વર્ષ ૨૦૧૬માં કેનેડાનો જે ‘પરમેનન્ટ રેસિડન્ટ’ એટલે કે ‘પીઆર પ્રોગ્રામ’ છે એની હેઠળ ૩૯,૩૪૦ ભારતીયો કેનેડામાં પ્રવેશ્યા હતા. આ સંખ્યા વધીને વર્ષ ૨૦૧૯માં ૮૦,૬૮૫ની થઈ. એટલે કે કેનેડાના પીઆર લેનારા ભારતીયની સંખ્યામાં ૧૦૫ ટકાનો વધારો થયો. કેનેડા દર વર્ષે અઢી લાખ પરદેશીઓને એમને ત્યાં કાયમ રહેવાનું આમંત્રણ આપવા ઇચ્છે છે.

કેનેડામાં કાયમ રહેવા માટેના પરદેશીઓ માટે પાંચ રસ્તા છે ઃ ‘એક્સપ્રેસ એન્ટ્રી’, ‘બિઝનેસ ઇમિગ્રેશન’, ‘ફૅમિલી ઇમિગ્રેશન’, ‘કેનેડા એક્સપિરિયન્સ ક્લાસ’ અને ‘પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ’.

કેનેડા વિશ્વનો બીજો નંબરનો વિશાળ દેશ છે. અમેરિકાની જેમ કેનેડા પણ અત્યંત ધનિક દેશ છે. ‘ધ ટોરેન્ટો સ્ટૉક એક્સચેન્જ’, ‘ન્યૂ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ’ અને ‘નેશડેક’ પછી નૉર્થ અમેરિકામાં આવેલ સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ છે. કેનેડામાં અંગે્રજી અને ફ્રેન્ચ બે ભાષાનું ચલણ છે. આ વિશાળ પણ અત્યંત ઠંડા દેશનું પાટનગર ઓન્ટેરિયોમાં આવેલ ઓટાવા છે. કેનેડાના દસ પ્રોવિન્સ અને ત્રણ ટેરેટરી છે. ટોરેન્ટો નોર્થ અમેરિકાનું ચોથા નંબરનું મોટું શહેર છે. કેનેડા પરમેનન્ટ રહેવા જનારાઓમાંના અડધાથી વધુ ટોરેન્ટોમાં રહેવા જાય છે.

કેનેડાના પીઆર મેળવવાના ઉપર જણાવેલ જે પાંચ પ્રોગ્રામ છે એમાં ‘એક્સપ્રેસ એન્ટ્રી પોગ્રામ’ અને ‘પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ’, આ બે પ્રોગ્રામ ભારતીયોમાં બહુ પ્રચલિત છે. ભારતીય વિદ્યાર્થીઓ, જેઓ કેનેડા ભણવા ગયા હોય છે અથવા તો જેઓ અમેરિકા યા અન્ય કોઈ દેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ગયા હોય છે અને પછી એમને એ દેશમાં કાયમ રહેવાની, કામ કરવાની તક પ્રાપ્ત થઈ ન હોય તો તેઓ કેનેડાના પીઆર ‘એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ’ દ્વારા મેળવવા ઇચ્છે છે.

આ પ્રોગ્રામ હેઠળ સિલેક્શન પૉઈન્ટ બેડથી કરવામાં આવે છે. ઉંમર, ભણતર, અંગ્રેજી-ફ્રેન્ચનું જ્ઞાન, ‘આઈલ્ટ્સ’નો સ્કોર, નોકરીની ઑફર, જે વિષયમાં અભ્યાસ કર્યો હોય, જે ફીલ્ડમાં કાર્ય કર્યું હોય, અનુભવ લીધો હોય, એ વિષયના, એ ફીલ્ડના માણસની કેનેડામાં જરૃરિયાત, સગાંવહાલાં યા મિત્રો કેનેડામાં રહેતાં હોય, આ સઘળી લાયકાતો માટે પૉઈન્ટ્સ આપવામાં આવે છે. જો પૉઈન્ટ્સ ૪૭૦થી વધુ થાય તો કેનેડાની સરકાર ‘ઇન્વિટેશન ટુ એપ્લાય’ મોકલાવે છે. ૬૦ દિવસની અંદર તમારે દસ્તાવેજો ઑનલાઈન મોકલવાના રહે છે. નિયત કરેલ પૉઈન્ટ્સ મળે તો કેનેડિયન ઇમિગ્રેશન ઑથોરિટીનો બાયોમેટ્રિક અને વિઝા સ્ટેમ્પિંગ માટે સંપર્ક કરવાનો રહે છે.

‘એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ’ હેઠળ ઓછા પૉઈન્ટ્સ આવ્યા હોય તો ‘પ્રોવિન્સિયલ પ્રોગ્રામ’ હેઠળ અરજી કરવાની છૂટ હોય છે. કેનેડામાં આવેલ અલ્બેટર, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, ન્યૂ બ્રુન્સવિક, ન્યૂફાઉન્ડલેન્ડ ઍન્ડ લેબ્રાડોર, નોર્થ-વેસ્ટ ટેરિટરી. નોવા સ્કોટિયા, ઓન્ટેરિયો, પ્રિન્સ એડ્વર્ડ આઈલૅન્ડ, સાસ્કેટ્ચવાન અને યુક્રોન આમાંના કોઈ પણ પ્રોવિશન્સમાં ‘સ્પેશિયલ પ્રોવિન્સિયલ પ્રોગ્રામ’ હેઠળ અરજી કરવાની છૂટ રહે છે. દરેકના કટ ઑફ પૉઈન્ટ્સની સંખ્યા અલગ હોય છે. જો એક પ્રોવિન્સમાં તમારા પૉઈન્ટ્સ ઓછા આવે તો તમે બીજામાં અરજી કરીને એ પ્રોવિન્સના પીઆર મેળવવાની કોશિશ કરી શકો છો.

ખેડૂતો માટે કેનેડામાં સારી તક છે, પણ ગુજરાતના ખેડૂતોને અંગ્રેજી ભાષા આવડતી નથી એટલે એમને કેનેડાના પીઆર મેળવવામાં મુશ્કેલી નડે છે. કેનેડામાં સરદારજીઓ અને પંજાબીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ગયા છે. હવેથી ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાંથી પણ સંખ્યાબંધ યુવાનો કેનેડાના પીઆર માટે અરજી કરતા થયા છે. કેનેડામાં જેમને કાયમી રહેવાની ઇચ્છા હોય એમણે ‘વિઝા-વિમર્શ’ના આગામી લેખો વાંચવાનું ચૂકવું ન જોઈએ.
————

ડોવિઝા વિમર્શસુધીર શાહ
Comments (0)
Add Comment