- રાજકાજ – ચાણક્ય
લદ્દાખ સરહદે ચીનની દબંગાઈ ગંભીર પ્રકારની હતી
ભારતની લદ્દાખ સરહદે ચીને સૈનિકો ઉતારીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ભારતે તેના પ્રતિકાર રૃપે એવી જ તૈયારી શરૃ કરીને અને બીજી બાજુ ડિપ્લોમૅટિક રીતે મામલો ઉકેલવાનો પ્રયાસ કરતાં માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં ચીને પીછેહઠ કરીને શાંતિના જાપ શરૃ કરી દેતાં તંગદિલી ભલે હળવી બની હોય, પરંતુ ભારત લદ્દાખ સરહદે તકેદારી રાખવામાં ઢીલ દાખવી શકે નહીં. ચીન સરહદ પર આવા અડપલાં વારંવાર કરે છે. અગાઉ ડોકલામ સરહદે ભારતીય સૈનિકો સાથે હાથોહાથની ઝપાઝપી કરનાર ચીની સૈનિકો સામેની અડગતાએ ચીનને પીછેહઠ કરવી પડી હતી. એ પછી ડોકલામ ખાતે વારંવાર આવી સ્થિતિ ન સર્જાય એવું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અલબત્ત, લદ્દાખનો મામલો તેનાથી તદ્દન ભિન્ન પ્રકારનો અને વધુ ગંભીર સ્વરૃપનો હતો. એક તરફ ભારતીય સરહદની તદ્દન નજીક ચીની સૈનિકોને ખડકી દેવા ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી. વૈશ્વિક પરિદૃશ્યમાં અનેક મોરચે ઘેરાયેલું ચીન અને તેનું નેતૃત્વ સ્વસ્થતા ગુમાવી બેઠું હોય એવી મનોદશામાં છે. આવી સ્થિતિમાં વિશ્વ સમુદાયનું ધ્યાન બીજે વાળવાના પ્રયાસમાં લદ્દાખ સરહદે સૈનિકોની હિલચાલ વધારી લઈને ભારત પર દબાવ ઊભો કરવાનો પ્રયાસ કરાયો. લદ્દાખ સરહદે યુદ્ધની તૈયારી જેવો માહોલ સર્જવામાં આવી રહ્યો હતો. ભારતે પણ તેના પ્રતિભાવમાં તરત જ સૈન્ય અને સરંજામ લદ્દાખ સરહદ તરફ રવાના કરી દેતાં તેમજ ભારતે સૈન્યની ત્રણે ય પાંખના વડાઓની બેઠક યોજીને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું ઍલર્ટ આપતાં હાલ કોરોના સંક્રમણ સામે લડી રહેલા ભારતની સરહદે સંભવિત યુદ્ધના મોરચે પણ એટલી જ તત્પરતા ને અડગતા જોયા પછી ભારતને આ બાબતમાં વધુ છંછેડવાનું ચીને માંડી વાળ્યું હોવાના સ્પષ્ટ સંકેત ભારત ખાતેના ચીની રાજદૂતે આપી દીધા. ભારતને ભીંસમાં લેવા માટેનો ચીનનો આ એક માત્ર પ્રયાસ ન હતો.
આ જ દિવસોમાં ચીને નેપાળને ઉશ્કેરીને ભારત સાથે સરહદી વિવાદ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પણ ભારતના મક્કમ વલણ અને દસ્તાવેજોના આધારે નેપાળના શાસકોને સમજાવવાના પ્રયાસને કારણે ચીનની બાજી નિષ્ફળ નિવડી હતી. લદ્દાખ સરહદે તંગદિલી બાબતે ચીનનું વલણ નરમ બન્યું હોવા છતાં ભારત હવે માત્ર ચીનના શબ્દો પર વિશ્વાસ રાખીને બેસી શકે તેમ નથી અને એટલે જ ચીનના સૈનિકોની હાજરી સામે ભારતીય સૈનિકોને પણ તૈનાત રાખવા ભારત મક્કમ છે. એટલું જ નહીં તો ચીનના વિરોધને અવગણીને ભારત પોતાના સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનાં કાર્યોને આગળ ધપાવવાની બાબતમાં પણ એટલું જ કૃતનિશ્ચયી છે અને તેમાં કોઈ ઢીલાશ વર્તવા માગતું નથી. ભારતને સીધી અને આડકતરી રીતે દબાવવાના ચીનના પ્રયાસો સફળ થવાના નથી. ચીને સમજવું જોઈએ કે આજના ભારતનું નેતૃત્વ અલગ પ્રકારનું છે. કોરોના સામેના જંગને કારણે ભારત હાલ અન્ય મોરચે ધ્યાન આપી નહીં શકે એવા વહેમમાં ચીને રહેવું જોઈએ નહીં. ભારત એકી સાથે અનેક મોરચે સમાંતર રીતે પુરી ક્ષમતા સાથે સક્રિય રહી શકે છે. લદ્દાખ સરહદે તંગદિલીના અહેવાલો સાથે જ સંરક્ષણ અને વિદેશ મંત્રાલયોના ચીની ડેસ્ક કામે લાગી ગયા હતા તો બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ પોતાનો મોરચો સંભાળી લીધો હતો. આટલા ત્વરિત પ્રતિભાવ અને સજ્જતાની કદાચ ચીને કલ્પના પણ કરી નહીં હોય. ચીનની હિલચાલ તેમ જ ચીનના ઇરાદા અને ઉદ્દેશ વિશેના ગ્રાઉન્ડ રિપોર્ટ તત્કાલ ભારત સરકાર સમક્ષ પ્રસ્તુત થઈ ગયા હતા. ચીનની દબંગાઈ સામે તસુભાર પણ નહીં ઝૂકવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના સંક્રમણને કારણે આર્થિક મોરચે ચીન ભારે નુકસાન સહન કરી રહ્યું છે. વિદેશી કંપનીઓ ચીનમાંથી ઉચાળા ભરી રહી છે. કોરોના વાઇરસને વિશ્વભરમાં ઇરાદાપૂર્વક ફેલાવવાના મુદ્દે અમેરિકા સહિત વિશ્વના દેશોનું ટાર્ગેટ બનેલા ચીનને હોંગકોંગમાં ત્યાંના લોકોના પ્રચંડ વિરોધનો સામનો કરવો પડે છે. તાઇવાન પણ તેને માટે માથાનો દુઃખાવો પુરવાર થઈ રહ્યું છે. દક્ષિણ હિન્દ મહાસાગરમાં ચીનની હિલચાલ સામે અનેક દેશો ખફા છે. આ બધા મુશ્કેલ અને મૂંઝવણભર્યા સંજોગોમાં ચીન વિશ્વ સમક્ષ તેનો વીરતાભર્યા ચહેરો કૃત્રિમ રીતે પ્રસ્તુત કરવા હવાતિયાં મારતું હોય એમ જણાય છે. નાના વિકાસશીલ દેશોને આર્થિક મદદ કરીને તેમને પોતાની સાથે રાખવા પ્રયાસ કરે છે, પરંતુ એટલા માત્રથી તેની સમસ્યાઓ હળવી થાય તેમ નથી. ભારતને દબાવીને ઝુકાવવાના પ્રયાસમાં ચીનને ફરી એકવાર નિષ્ફળતા મળી છે, પરંતુ ભારતે પણ એટલા માત્રથી નિરાંત અનુભવવી જોઈએ નહીં.
——–.
સંસદના ચોમાસુ સત્રના આયોજનની તૈયારી
સંસદના ચોમાસુ સત્રના આયોજન અંગે ચર્ચા કરવા માટે રાજ્યસભાના ચૅરમેન વેંકૈયા નાયડુ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા તાજેતરમાં મળ્યા હતા. સંસદનું આ ચોમાસુ સત્ર જુલાઈના આખરી સપ્તાહમાં યોજાય એવી શક્યતા છે. વિરોધપક્ષોના સાંસદો અને મીડિયાએ આ અંગે પૂછપરછ શરૃ કરી દીધી છે. સંસદનું આગામી સત્ર શરૃ થાય એ પહેલાં સંસદની ૨૪ સ્થાયી સમિતિઓએ તેના અહેવાલો સુપરત કરવાના છે. સંસદનાં બંને ગૃહોના વડાની ચર્ચાનું કેન્દ્રબિન્દુ એ હતું કે ત્રીસ સાંસદોની બનેલી આ પ્રત્યેક સમિતિના સભ્યો ચર્ચા-સંવાદ કરીને ભલામણો તૈયાર કરી શકે એ માટે ટૅક્નિકલ પ્લેટફોર્મની વ્યવસ્થા અને કાર્યશૈલી કેવી હોવી જોઈએ. કેટલાક સાંસદો દેશના દૂરના જિલ્લાઓમાં છે. હવે વિમાની સેવાઓ શરૃ થઈ હોવાથી મળવા માટેનો એક અવરોધ દૂર થયો છે, પરંતુ સંસદનું સત્ર યોજાય ત્યારે સાંસદો વચ્ચે સલામત અંતર કઈ રીતે જાળવવું એ એક મોટો પડકાર છે. સંસદનાં બંને ગૃહોમાં સંપૂર્ણ હાજરી હોય ત્યારે સંસદ ગૃહની પાટલીઓ ભરચક્ક રહે છે, કેમ કે વર્તમાન સંસદ ગૃહ વાસ્તવમાં બહુ ઓછી સંખ્યા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
——–.
ઉદ્ધવ ઠાકરે ‘કાગળના વાઘ’ છે?
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત મોરચા સરકારની સ્થિરતા શંકાસ્પદ બની છે, ત્યારે હવે એ વાત પણ સ્પષ્ટ થતી જાય છે કે ઉદ્ધવ ઠાકરે માત્ર પેપર ટાઈગર યાને કાગળનો વાઘ છે. રાજ્યમાં સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ સંભવતઃ રાજ્યના મુખ્ય સચિવ અજય મહેતા ગણાય છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્વીકારી લીધું છે કે મુખ્ય સચિવનું પદ એ કંપનીના સીઈઓ જેવું છે અને તેમની ભૂમિકા ચૅરમેનની સમકક્ષ હોય છે. ઉદ્ધવ ઠાકરે ભાગ્યે જ સચિવાલયની મુલાકાતે આવે છે અને મુખ્યપ્રધાનના અધિકૃત નિવાસસ્થાન ‘વર્ષા’માં પણ ક્યારેક જ આવે છે, ખાસ કરીને જ્યારે ટેલિવિઝન માટે વીડિયો રેકોર્ડિંગ કરવાનો હોય ત્યારે આવે છે. મુખ્ય સચિવ મહેતાને નિવૃત્તિ પછી બે વખત તેમનો કાર્યકાળ વધારી આપવામાં આવ્યો છે અને ત્રીજી વખત પણ વધારી અપાશે એવી શક્યતા છે. મહેતા અનુભવી અધિકારી છે અને પોતાના બોસને કેવી રીતે સંતુષ્ટ રાખવા એ તે સારી રીતે જાણે છે. મુખ્ય સચિવ કેટલા શક્તિશાળી છે તેનું માપ એ હકીકત પરથી નીકળે છે કે પીડબલ્યુડી ખાતાના પ્રધાન અશોક ચવાણની પસંદગીના સચિવને મુખ્યપ્રધાને મંજૂરી આપી દીધી હતી, પરંતુ અજય મહેતાની દરમિયાનગીરી પછી તેને બદલી નાખવામાં આવ્યા.
——–.
તબલિગી જમાત વિશે સરકારની બેધારી નીતિ
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબલિગી જમાતના વડામથકમાં રોકાયેલા જમાતના અનુયાયીઓમાં વ્યાપક પ્રમાણમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયેલું છે એવું જાહેર થયા પછી ગૃહ મંત્રાલય અવે ટીવીની સમાચાર ચેનલો દ્વારા તેને વિશે ઉગ્ર ટીકા-પ્રહારનો મારો ચલાવાયો હતો. મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રૃઢિચુસ્ત મુસ્લિમ સમુદાયના ‘ફરાર’ નેતા મૌલાના સાદને શોધી કાઢવા માટે પોલીસે મોટા પાયે તપાસ ઝુંબેશ શરૃ કરી છે. તબલિગી જમાતને ૩૬ પ્રશ્નોની એક નોટિસ ફટકારવામાં આવી હતી અને તેની સાથોસાથ ઉત્તર પ્રદેશના શામલીમાં આવેલા મૌલાનાના ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્વાભાવિક રીતે તે અહીં છૂપાયા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તેમને અટકાયતમાં લેવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહીં અને મહત્ત્વની વાત એ છે કે તેમના સંગઠન સામે નોંધવામાં આવેલા કેસો ફોજદારી ગુના ન હોય એવો પ્રયાસ કરવામાં આવ્યો, આવી બેદરકારી જાણે સત્તાવાળાઓની ઇચ્છા હોય એ રીતે આચરવામાં આવી. તેનાથી એવું લાગે છે કે સરકારના બે હાથ એક બીજાથી વિપરીત દિશામાં કામ કરે છે. સત્તાવાળાઓનો એક વર્ગ એવું માને છે કે તબલિગી જમાત ભારતની એક મોટી મૂડી છે. તબલિગી જમાતે ક્યારેય જેહાદ કે આતંકવાદની હિમાયત કરી નથી. એ જ રીતે તેણે ક્યારેય દેશના રાજકારણમાં દખલ કરી નથી. વિશ્વના ૧૭૦ દેશોમાં જમાતના લાખો અનુયાયીઓ છે અને કેટલાક ઇસ્લામી દેશોમાં તે ભારે આદર ધરાવે છે. કદાય એથી તેના પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
—————