સારાં કામ કરો પણ તેને માનવ-ધર્મ સમજીને કરો

સારું કામ કરવામાં જ માણસની શોભા છે
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

વર્ષોના પરિચિત એક મિત્રે કહ્યું, ‘કોઈ પણ માણસ ઘણુ બધું કામ કરે છતાં તેની કોઈ કદર નથી થતી. બીજા કેટલાક માણસો બહુ થોડું કામ કરે છતાં એના કામની ખાસ નોંધ લેવાય. કોઈ વાર એમ લાગે છે કે માણસ બહુ થોડું કામ કરે પણ તો ય બધો યશ મેળવે. બીજી બાજુ પોતાની જાત ઘસી નાંખનારાને પ્રશંસાના બે શબ્દો સાંભળવા ના મળે. સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે આપણા સારા કામની કોઈ કદર કરનાર છે જ નહીં તો પછી એ કામ કરવાનો અર્થ શો? અહીં જ ગણતરીની મોટી ભૂલ છે.

સારું કામ કરવામાં જ માણસની શોભા છે. માત્ર કીર્તિ કમાવવા માટે તમે કંઈ પણ કરો તો સાચા અર્થમાં આપણે સારું કામ કર્યું ન કહેવાય. ચોક્કસ હેતુથી કંઈ પણ કરવું એમાં જે ગણતરી રાખી હોય તો એમાં માણસની પણ શોભા સચવાતી નથી અને તે યશનો અધિકારી હોય તો પણ તેને યશ મળતો નથી. માણસ જ્યારે કોઈ પણ કાર્ય સ્વધર્મ સમજીને કરે છે ત્યારે તેને પ્રશંસાની ઝંખના પણ ઊભી થતી નથી. યશ કમાવવા માટે નહીં, તમે ધર્મ સમજીને જે કંઈ કરો છો તેનાથી વ્યક્તિને પોતાને પણ સંતોષ થાય છે અને વહેલું કે મોડું તેનું ફળ મળે છે.

આપણે જોઈએ છીએ કે ઘણાબધા માણસો પ્રશંસનીય કામગીરી કરીને તેની જાહેરાત પોતે કરતાં નથી. આપણે ખુદની પ્રશંસાનો ઢોલ વગાડીએ છીએ ત્યારે યશ મળતો નથી અને વ્યક્તિની શોભા પણ વધતી નથી. ઘણા લોકો સારું કામ કરીને પછી પોતે જ એનો પ્રચાર કરે છે. આ પ્રકારે આપણે આપણી પોતાની જાતની પ્રશંસા વાજબી રીતે કરતા હોઈએ તો પણ તેની કોઈ કિંમત કરતું નથી. એટલે કોઈએ અંતે સાચું જ કહ્યું છે કે નેકી કર કે ડાલ કૂએ મેં !

આ મુદ્દો એટલા માટે અત્રે પ્રસ્તુત છે કે ઘણા બધા લોકો સારું કામ કરીને પોતે પોતાનો વાંસો થાબડે છે ત્યારે એમની શોભા વધવાને બદલે હાંસીને પાત્ર બને છે. આપણે સૌ જાણીએ છીએ કે મા-બાપ સહિત ઘણા બધાં સ્વજનો માટે આપણે ઘણુ બધું સારું કામ કર્યું હોય છે, પણ તેની પ્રશંસા જાતે જ કરવાને કારણે તેનું મૂલ્ય ઘટી જાય છે. એટલે સારું કામ કરવું હોય તો સ્વધર્મ સમજીને કરો, પણ મનમાં પ્રશંસાની ભૂખ વધે તો કોઈની કદર ના કરે તો તમને ખુશી નહીં થાય. કોઈ માતા એમ કહે કે જો મારાં સંતાનો માટે મારી જાત ઘસી નાંખી. કોઈ મિત્ર કહે કે મેં મારા દીકરાનો ઉછેર અને તાલીમ બાબત મેં જાત ઘસીને જેટલું થાય તેટલું કર્યું.

આ કામ સ્વધર્મ ગણશો તો તમને આનંદ થશે અને જો તેમ નહીં ગણો તો તે ધૂળમાં મળ્યું ગણાશે. કોઈ પણ માણસ સારું કામ કરીને પોતે જ તેની જાહેરાત કરે તો એ માત્ર પ્રચાર જેવું લાગે. તમે જ્યારે સારું કામ કરીને મૂંગા રહો ત્યારે વહેલું કે મોડું હરકોઈએ તેની કદર કરવાની ફરજ પડે છે.

ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા નેતાઓએ ઘણુ બધું પ્રશંસનીય કામ કર્યું હોય, પણ તેનો પ્રચાર જાતે જ કરે તો તેમાં ખુશ્બૂ નહીં પણ આત્મસ્તુતિની ગંધ પણ આવે છે. એટલે સંતો કહી ગયા છે કે સારા કામ કરો તો પણ તેને માણસ તરીકેનો તમારો ધર્મ સમજીને કરો. કોઈનું પ્રમાણપત્ર કે કોઈની પ્રશંસા મેળવવા માટે નહીં. એક વ્યક્તિ અત્યંત સફળ થઈ ત્યારે તેનો યશ લેવા ઘણા આગળ આવ્યા ત્યારે તે વ્યક્તિએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે જેણે મને ઘણુ બધું આપ્યું એણે મારી યાદીમાંથી પોતાનું નામ કાઢી નાખ્યું. એક માણસ તરીકેની શોભાથી આપણે જે કંઈ કરીએ તેની નોંધ વગર કહે ઘણા બધાના મનમાં કોતરાઈ જાય છે, પણ માણસ જ્યારે દરેક કાર્યની પાછળ ‘હું’ કારો કર્યા કરે ત્યારે તેની શોભા રહેતી નથી. ત્યારે તો એમ જ કહેવાનું મન થાય કે, ‘હું કહું કરું એ જ અજ્ઞાન, શકટનો ભાર જેમ શ્વાન તાણે !’
————-

પંચામૃત. ભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment