તારી એ પીડામાં મને ભાગીદાર બનાવીશ? – આયના

આયનાના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તી ’ – નવલકથા – પ્રકરણ-૧૬

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપને આ વાતની જાણ થતાં તે ઇવાનો પ્રેમ નકારી દે છે. ઇવા અન્ય જગ્યાએ એસ્કોર્ટ ગર્લ તરીકે નોકરી કરવા લાગે છે. ઇવા ડૉ. કુલદીપને કશું કહ્યા વિના જતી રહે છે. ઇવાને શોધવા કુલદીપ કામે લાગે છે. તે જૂની મેમરી ડિલીટ કરી નવી મેમરી ઉમેરવાનો વિચાર કરે છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. એક દિવસ આ નકલી દવાના વ્યાપારનો ભાંડો ફૂટે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ઇવાને શોધવા ડૉ. રંગનાથનની મદદ લે છે. રંગનાથનની મદદથી ઇવાના સોફ્ટવેર દ્વારા તે ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ ઘણા દિવસો બાદ ઑફિસ જાય છે. મન હળવું કરવા કુલદીપ તેની સેક્રેટરી આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. બંને હોટેલ પર જાય છે. ઝાયેદ ફ્રેશ થવા જાય છે. એટલી વારમાં મોના આકાશ મલ્હોત્રા અને રાજન વકીલ નામની વ્યક્તિઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને ભૂતકાળને વાગોળવા લાગે છે. અચાનક ઝાયેદને ફોન આવે છે કે તેના અબ્બા જન્નતનશીન થયા છે તેથી ઝાયેદ મોનાને હોટેલ પર છોડી ઘરે જવા નીકળે છે. મોના રાજનને ફોન કરી ઝાયેદ ઘરે જવા નીકળ્યો છે તેવી માહિતી આપે છે. બીજી તરફ કુલદીપ અને આયના ડિનર પર જાય છે જ્યાં આયના કુલદીપનું દિલ જીતવા કાલ્પનિક સ્ટોરી ઊભી કરે છે અને કુલદીપની સહાનુભૂતિ મેળવે છે. કુલદીપ પણ આયના આગળ જાનકીના પ્રેમની વાત રજૂ કરે છે. રાજન અને મોના વચ્ચે ઝાયેદને લઈને વાત થાય છે. મોેના ઝાયેદની રાહ જુએ છે, પણ ઝાયેદ બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાના પ્લાનિંગમાં વ્યસ્ત હોય છે. રાજન આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોની માહિતી સરકારને આપવાનું કામ કરતો હોય છે. બીજી બાજુ ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે.

– હવે આગળ વાંચો…

‘આપણી વચ્ચે આવી મંજૂરી લેવાની ફોર્માલિટી કરવાની હવે કોઈ જરૃર રહી છે ખરી..?’

‘કુલદીપ, કાલે તેં તારી પીડાની વાત કરી, જાનકીની અણધારી વિદાયની વાત કરી. મને તારી વેદના ભીતર સુધી સ્પર્શી ગઈ છે. કોઈ પુરુષ આટલો પ્રેમ કરી શકે. તેના ગયા પછી દસ દસ વરસ સુધી બીજી કોઈ સ્ત્રીનો વિચાર સુધ્ધાં ન કરે એ જાણી મને ખરેખર તારા માટે પ્રાઉડ ફીલ થયું છે. આઇ એમ લકી ટુ હેવ અ ફ્રેન્ડ લાઇક યુ.’

આ વખતે આયનાના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.

‘થેન્ક્સ દોસ્ત, પણ અત્યારે એ વાત કરવા માટે તું મને અહીં લાવી છો?’

‘ના, હું વાત તો કોઈ બીજી જ કરવા માગું છું. આ તો જસ્ટ પ્રસ્તાવના હતી.’

‘ઓકે..તો નાઉ યુ કેન સ્ટાર્ટ..’

‘કુલદીપ, જાનકીની વિદાયને તો પૂરા દસ વરસ વીતી ગયા. આ દસ વરસમાં મેં તને કદી એવો ઉદાસ કે અપસેટ નથી જોયો, જેવો આ લાંબી રજામાંથી પાછા ફર્યા બાદ જોયો છે. ત્યાં સુધી તું કામમાં ગળાડૂબ રહેતો હતો એ સાચું, પણ હમણા તું જાણે બહુ અપસેટ હોય, કોઈ પીડા તને ભીતરથી કોરી ખાતી હોય એવું મને કેમ ફીલ થયા કરે છે? દોસ્ત, આજે એક જ વસ્તુ માગું છું. તારી એ પીડામાં મને ભાગીદાર બનાવીશ? એટલો હક્ક મને આપી શકીશ? હું એમાં કોઈ રીતે મદદરૃપ બની શકીશ કે નહીં એ જાણતી નથી. બસ, મારે તારી પીડાના ભાગીદાર બનવું છે. બોલ, બનાવી શકીશ મને ભાગીદાર?’

આયનાના શબ્દોમાં નીતરતી લાગણીની સચ્ચાઈ કુલદીપને સ્પર્શી રહી. તેને આશ્ચર્ય પણ થયું કે આયનાએ તેની ભીતરની અસ્વસ્થતા કેવી ઝડપથી પારખી લીધી?

પણ હવે આયનાને શો જવાબ આપવો? કહી દઉં બધી સાચી વાત?

કુલદીપને વિચારમાં પડેલો જોઈ આયનાએ ઉમેર્યું.

‘કુલદીપ, આઇ એમ નોટ ફોર્સિંગ યુ.. તને એવું લાગ્યું હોય તો સોરી..દરેક વાત મને કહેવી જ જોઈએ એવી કોઈ જરૃર નથી. એવી કોઈ અનધિકાર ચેષ્ટા, એવો કોઈ દુરાગ્રહ પણ હું નહીં રાખું. મૈત્રીનો અર્થ કોઈ બંધન નથી જ. તારી કોઈ અંગત વાતનો હું આદરપૂર્વક સ્વીકાર કરીશ. હું તો ફક્ત તારી વેદનાની ભાગીદાર બનવા માગતી હતી, પણ પરાણે નહીં જ. વાત ન કરવાની તને પૂરી સ્વતંત્રતા છે જ..હોય જ.. આ તો તારી ચિંતાને લીધે.. મને જે લાગ્યું તે કહી દીધું. સોરી, કંઈ વધારે પડતું લાગ્યું હોય તો.. મારો કન્સર્ન ફક્ત અને ફક્ત તારી ઉદાસી, તારી અસ્વસ્થતા સાથે છે.’

આયનાના અવાજમાં રહેલી લાગણીની ભીનાશ અને સચ્ચાઈથી કુલદીપ ખળભળી ઊઠ્યો. આવી દોસ્ત કોઈ નસીબદારને જ મળે.

કુલદીપ બે ચાર પળ વિચારોમાં ડૂબેલો રહ્યો.

આયનાએ કુલદીપના હાથ પર નાજુકાઈથી પોતાનો હાથ મૂક્યો.

‘લીવ ઇટ કુલદીપ, આપણે બીજી કોઈ વાત કરીએ.’

‘ના, આયના, તારી વાત સાચી છે અને મને લાગે છે તારા જેવી દોસ્તને બધું જાણવાનો હક્ક છે.’

આયના કુલદીપ સામે જોઈ રહી.

અને કુલદીપે વાત શરૃ કરી.

‘તને ખ્યાલ છે ને આયના કે વર્ષોથી મારું એક સપનું હતું કે રૉબોટિક સાયન્સમાં હું એક નવો જ પ્રયોગ કરવા માગતો હતો..હું ઇચ્છતો હતો કે….’

એ પછી લગાતાર અડધો કલાક સુધી કુલદીપ બોલતો રહ્યો. આયના વચ્ચે એક પણ શબ્દ બોલ્યા વગર તેને સાંભળતી રહી. જે કઈ તેના કાને પડતું હતું તેના પર જાણે કે તેને વિશ્વાસ જ નહોતો આવતો. કોઈ સાયન્સ ફિક્સન પર ફિલ્મ બનાવવા માંગતો ફિલ્મ ડિરેક્ટર પોતાની આગામી ફિલ્મની વાર્તા સંભળાવતો હોય તેમ કુલદીપની વાત સાંભળતી રહી.

‘ઓહ માય ગોડ, તેં ખરેખર એવા રૉબોટનું સર્જન કર્યું હતું? આઈ કાંટ બિલિવ. તે કોઈને જાણ સુધ્ધાં ન થવા દીધી?’

‘મને સો ટકા સફળતાની ખાતરી ન થાય ત્યાં સુધી એને વિશ્વ સમક્ષ મૂકીને હાંસીપાત્ર બનવાનું જોખમ કેમ લેવાય? અને આખરે એ જ થયું ને?’

‘હા, કુલદીપ ઇટ ઇઝ રિયલી હાર્ટબ્લોઇંગ.. મહા મહેનતે કરેલા સર્જનને પોતાની જાતે વિસર્જન કરવું પડે એ વ્યથા અનુભવ સિવાય ન સમજાય. મને સમજાય છે કે તારે માટે એ કેટલું મુશ્કેલ કામ હતું.’

‘યસ આયના…મારી આખી જિંદગી મેં જે માટે દાવ પર લગાવી દીધી હતી એ મારા જ સર્જનને મેં મારા જ હાથે હંમેશ માટે મિટાવી દીધી. મારી આ નિષ્ફળતા જ કદાચ મને અંદરથી કોરી રહી છે. કદાચ એ આઘાતમાંથી બહાર આવતા મને થોડો સમય જોઈશે.’

આયના કુલદીપનો હાથ પકડી થોડી મિનિટો એમ જ બેસી રહી. તેની હથેળીની ઉષ્મા કુલદીપના હૈયા સુધી પહોંચીને કુલદીપને હૂંફ આપી રહી.

થોડીવારે એક મા તેના શિશુને સમજાવે તેમ આયના બોલી રહી.

‘કુલદીપ, કોણે કહ્યું કે તું નિષ્ફળ ગયો છે? તું તો સફળ છો. સો ટકા સફળ છો. તું તો એ સફળ વ્યક્તિ છો જે કેટલાક નાપાક લોકોના એક દેશદ્રોહી મનસૂબાથી અનેક લોકોનો જીવ બચાવવા તારી વર્ષોની સાધનાને એક જ પળમાં નષ્ટ કરી શકવાની હિંમત કરી શક્યો છે..આ સફળતા શું ઓછી છે? સૌથી મોટી લડાઈ તો જાત સાથેની હોય છે કુલદીપ અને તું તે જીતવામાં સફળ થયો છે..કોન્ગ્રેટ્સ..પણ.. તારી બધી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે તમારે હજુ પણ એક લડાઈ લડવી જોઈએ.’

‘કઈ લડાઈ? કેવી લડાઈ? મારે લડવાની? શા માટે? કોની સાથે? ઇવાનું વિસર્જન કરીને મેં એ પ્રકરણ ઓલરેડી પૂરું કરી નાખ્યું. હવે બાકી શું રહ્યું કરવાનું?’

‘રીલેક્ષ કુલદીપ..એકીસાથે આટલા બધા પ્રશ્નો? તારા બધા પ્રશ્નોના જવાબ હું આપું છું.’

આયનાના જવાબ સાંભળવા કુલદીપ આતુર બનીને આયનાને નીરખી રહ્યો.

કુલદીપ આયના સામે એકીટશે જોઈ રહ્યો. આયનાને શું કહેવાનું છે એ જાણવા તે આતુર બની ગયો હતો.

‘આયના, તેં કહ્યું કે મારે હજુ પણ એક લડાઈ લડવી જોઈએ..મને તારી વાત સમજાઈ નહીં. જરા વિગતવાર, ફોડ પાડીને કહીશ?’

‘કુલદીપ, મારી વાત સાચી છે કે ખોટી એ મને જાણ નથી, પરંતુ તારી આખી વાત સાંભળ્યા પછી તુરત જ મારા મનમાં જે વાત આવી છે એ કહું છું. બની શકે હું ખોટી હોઉં અને આશા રાખું કે હું ખોટી જ પડું.’

આયનાએ ટેબલ પર પડેલા જગમાંથી પાણી ગ્લાસમાં કાઢ્યું. એક ગ્લાસ કુલદીપને ધરી બીજો પોતે લીધો.

બે ચાર પળના એ વિરામ પછી આયનાએ વાત આગળ ચલાવી.

‘યસ કુલદીપ, તમારી દ્રષ્ટિએ ઇવાનું વિસર્જન કરીને તમે એ પ્રકરણ પૂરું કરી નાખ્યું. કુલદીપ, એ ખૂબ સારું કામ થયું. અનેક લોકોના જીવ તમે બચાવી લીધા. પણ…’

‘પણ શું? આયના, એ પછી કરવાનું બાકી શું રહ્યું?’

‘કુલદીપ, એ લોકોનું કાવતરું તમે થોડા સમય માટે તો અટકાવી દીધું છે, પણ એ લોકો થોડા જ વખતમાં કોઈ બીજી ઇવા શોધીને પોતાનો મનસૂબો પાર પડશે જ, એવું તને નથી લાગતું? માત્ર ઇવાના જતા રહેવાથી કાંઈ એ લોકો પોતાનો પ્લાન થોડા છોડી દે? કદાચ થોડો સમય લાગે ફરીથી પ્લાનિંગ કરતા..પણ આ ઝનૂની લોકો એમ કંઈ અટકી ન જાય. ઇવા નહીં તો બીજું કોઈક તેમને મળી જ રહેવાનું આ કામ માટે.’

‘મારી વાત ખોટી છે? તને શું લાગે છે?’

હવે કુલદીપ વિચારમાં પડી ગયો.

‘આયના, તારી વાત તો સાચી લાગે છે, પણ તેમાં હવે હું શું કરી શકું..?’

‘શું કરી શકાય એની તો આ ક્ષણે મને જાણ નથી, પણ કશુંક કરવું તો જોઈએ જ એવું નથી લાગતું તને? જ્યારે આપણને આવા કોઈ પ્લાનની જાણ હોય અને આપણે કશું કર્યા સિવાય બેસી રહીએ એ યોગ્ય કહેવાય? દેશ માટે આપણી પણ કોઈ ફરજ તો ખરી જ ને? ખાસ કરીને આપણને જ્યારે આવી કોઈ વાતની જાણ હોય ત્યારે ચૂપ બેસી રહેવાય?

‘વાત તો તારી વિચારવા જેવી છે.’ કુલદીપ ઊંડા વિચારમાં પડી ગયો.

‘સાચું કહું..? મને આવો તો કોઈ વિચાર જ ન આવ્યો. હું કદાચ ઇવાના વિસર્જનની ઉદાસીમાં ડૂબી ગયો હતો એટલે આવી કોઈ શક્યતા તરફ ધ્યાન જ ન ગયું, પણ હવે કરવું શું જોઈએ અને કેમ કરી શકાય?’

‘એ તો આપણે સાથે મળીને વિચારીએ તો કંઈક રસ્તો દેખાય.’

‘આયના, થેન્ક્સ..તને આવો વિચાર તો આવ્યો. હું તો…’

‘એમાં તારો દોષ નથી કુલદીપ, તારું સમગ્ર ધ્યાન બીજી વાત પર કેન્દ્રિત થયેલું હતું.’

‘યેસ. લેટ અસ થિંક..આપણે હવે આખી વાત એ સંદર્ભમાં વિચારીએ તો કંઈક સૂઝે.’

‘આયના, મને લાગે છે કે આપણે બધી વાત પોલીસને કહી દઈએ પછી આપણી જવાબદારી પૂરી. બાકીનું પોલીસ ફોડી લેશે. પછી એ એમનો પ્રશ્ન બની રહે.’

‘કુલદીપ, પોલીસને ઇવાના સર્જનની, એના વિસર્જનની એ બધી વાતો તું ગળે ઉતારી શકીશ? એ સહેલું છે? એવું કશું અત્યારે કરવા જશું તો પહેલા તો ઇરોના વડા તરીકે તારે અનેક પ્રશ્નોનો સામનો કરવાનો આવશે. આ રીતે આવડો મોટો ખતરનાક પ્રયોગ તેં ઇરોમાં કોઈની જાણ સિવાય કર્યા છે એ વાત તને અપરાધી પણ ઠેરવી દે.. બધું શક્ય છે. આપણે એ બધા પાસા પણ વિચારવા પડે. એટલે મને એટલિસ્ટ આ તબક્કે તો પોલીસને કહેવાનું યોગ્ય નથી લાગતું.’

‘એબસોલ્યુટલી રાઇટ..ઇવા, થેન્ક્સ..તું આટલું બધું વિગતવાર વિચારી શકે છે. મને તો આવો કોઈ વિચાર જ ન આવ્યો.’

‘ તું માત્ર અને માત્ર એક વૈજ્ઞાનિક છે. એથી તને તારા વિજ્ઞાન સિવાય બીજું કંઈ જલ્દી ન સૂઝે એ સ્વાભાવિક છે.’

‘વૈજ્ઞાનિક તો તું પણ છે જ ને?’

‘ના, વૈજ્ઞાનિક નહીં, પ્રખર વૈજ્ઞાનિકની સહાયક માત્ર..’

ગુરુ કરતાં શિષ્ય સવાયો છે. એની વે..

આયના, આપણે પોલીસને ન કહી શકીએ એમ હોઈએ તો પછી બીજું તો આપણે આમાં શું કરી શકવાના? આપણે કંઈ આતંકવાદીઓ સામે લડવા જઈ શકીએ એમ નથી જ. કે નથી આપણને એમના વિશે બીજી કોઈ માહિતી..આપણે ખાલી ઇવા વિશે જ જાણીએ છીએ.’

આયના કોઈ ઊંડા વિચારમાં મશગૂલ હતી. કુલદીપ મૌન બની આયનાને નીરખી રહ્યો.

આયના ઘણા સમયથી એની આસિસ્ટન્ટ હતી. એની આ આદતની એને જાણ હતી. એ કોઈ ઊંડા વિચારમાં હોય ત્યારે આ જ રીતે ચૂપચાપ બેસી રહેતી.

કુલદીપ આયનાને કોઈ ખલેલ પહોંચાડ્યા સિવાય બસ એને નીરખી રહ્યો. આયનાને આજે કદાચ એ એક જુદી જ દ્રષ્ટિથી જોઈ રહી રહ્યો હતો.

થોડી વાર પછી આયના અચાનક બોલી ઊઠી.

‘યેસ..એક વાત કુલદીપ, એ લોકોએ આવો કોઈ પ્લાન કર્યો હતો એ વાત અત્યારે તું અને રંગનાથન એમ બે જ જણા જાણો છો. રાઈટ?’

‘એબ્સોલ્યુટલી રાઈટ.’

‘બીજી વાત…’ આયના એક પછી એક અંકોડા મેળવવામાં હોશિયાર હતી.

‘છેલ્લે તમે અને રંગનાથન સરે જ્યારે ઇવાના બ્રેઇનમાં મૂકેલી ચીપ સાથે તમારા લેપટોપને કનેક્ટ કરીને તેના વિચારો જાણ્યા કે આ બધું થવાનું છે તે બધો ડેટા તમારા લેપટોપમાં તો હશે જ?’

‘યસ, નેચરલી હોય જ ને?’

‘શક્ય છે કે તમે તે વખતે, અર્થાત  ઇવાના વિચારો સ્કેન કરતી વખતે ફક્ત તેના મુખ્ય વિચારો પર જ ફોકસ કર્યું હશે.. તે વખતે ઇવાની બ્રેઇન ચીપમાંથી ઇવા જે સ્થળ પર હતી તે સ્થળ, જે વ્યક્તિઓ આમાં સંડોવાયેલી છે તે વ્યક્તિઓ, આ બધા વિચારોનો ડેટા પણ તમારા લેપટોપમાં તપાસ્યા વગરનો પડ્યો હશે.’

‘આય ડોન્ટ નો…ઇટ મે બી..’

‘ધારી લઈએ કે એ બધો ડેટા ત્યાં છે જ. જો આપણે તે ખોલીને એક વખત ફરીથી તપાસી જોઈએ તો મને લાગે છે આ કામમાં સંડોવાયેલા લોકો કોણ છે, ક્યાં રહે છે. એમણે ઇવા સાથે જે વાત કરી તે અને તેના આધારે ઇવાએ શું શું તારણો કાઢ્યા તે બધું જ આપણે જાણી શકીએ. એક વખત જો આ બધું આપણી પાસે હોય તો તે લોકો સુધી પહોંચવામાં આપણને ઘણી સરળતા થઈ જાય.’

‘વોટ ડુ યુ મીન બાય તે લોકો સુધી પહોંચવામાં આપણને ઘણી સરળતા થઈ જાય એટલે? અને આપણે મીન્સ તું અને હું..?

‘હા કેમ..? આપણે એ ન કરી શકીએ?’

‘ના, બિલકુલ નહિ. એ લોકો આંતરરાષ્ટ્રીય કક્ષાના આતંકવાદી લોકો સાથે જોડાયેલા હોવા જોઈએ. આવા ખૂંખાર લોકો સામે બાથ ભીડવી એ તારા મારા જેવા અદના લોકોનું કામ જ નથી. એ આપણો વિષય નથી. આયના, તું એ લોકોને નથી ઓળખતી. એ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એન્ડ આય મીન ઇટ. આપણે ખાલી વૈજ્ઞાનિક છીએ. કશુંક કરવાની આપણી ગમે તેટલી ભાવના હોય, પણ આપણી મર્યાદા આપણે સ્વીકારવી જ રહી.

‘આપણે ક્યાં એમની સામે સીધું લડવા જવાનું છે કુલદીપ? આપણે તો પહેલાં એમને ઓળખવાના છે. જો એક વખત આપણે એમને ઓળખી લેશું તો જ એમનો આગામી પ્લાન પણ નિષ્ફળ કરી શકીશું. માત્ર નિષ્ફળ જ નહિ, બની શકે બીજું પણ ઘણુ કરી શકીએ. એક પગલું આગળ ભરી શકીએ તો કદાચ આગળનો રસ્તો સૂઝે પણ ખરો.’

(ક્રમશઃ)
————————

એક અધૂરી વાર્તાનવલકથાનીલમ દોશીહરિશ થાનકી
Comments (0)
Add Comment