- પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા
કેટલીક છૂટછાટો સાથેનું લૉકડાઉન-૪ શરૃ થઈ ગયું! નવી પેઢીને તો કલ્પના યે નહીં આવે કે આટલા બધા દિવસ ઘરમાં જ રહેવું પડે અને જેવા બહાર નીકળ્યા કે પોલીસ પકડીને લઈ જાય! માસ્ક ફરજિયાત પહેરવું, સ્કૂટર-બાઈક પર એકલા જ નીકળવું, મોટરકારમાં માત્ર બે વ્યક્તિને સંમતિ, રસ્તા પર ક્યાંય ધમધમાટ નહીં ઃ ન રિક્ષા, ન બસ, ન બીજાં વાહનો, મેટ્રો તો પછી ક્યાં હોય? દુકાનબંધી ચોતરફ, કૉલેજ-શાળા-યુનિવર્સિટીઓ બંધ, ગલીના નાકે હવે ચાની ચૂસકી પણ નસીબે નહીં. રવિવારે ભીડ કરતા ડાઇનિંગ હૉલનો પ્રતિબંધ…
૨૦૨૦ના નાગરિકોને માટે અજાણ્યા એવા શબ્દો કાયમના બની ગયા. સેનિટાઇઝેશન, લૉકડાઉન, માસ્ક, ક્વોરન્ટાઈન… અને બિચારા-બાપડા ‘પોઝિટિવ’ શબ્દની તો દશા બેસી ગઈ! ‘લાઈફ ગુરુ’ઓ હવે જીવન જીવવવાની કળા શીખવતા અચકાય છે, સાધુ-સંતો-ઉપદેશકો-કોલમિસ્ટો ‘બી પોઝિટિવ’ બોલતાં-લખતાં સાતવાર વિચાર કરે છે. પોઝિટિવને બદલે હકારાત્મક, વિધેયાત્મક, સકારાત્મક જેવા શબ્દો પ્રયોજી શકાય, પણ કોરોનાના પોઝિટિવે એવો હાહાકાર ફેલાવી દીધો છે કે તેમાં કોઈને કશું સૂઝતું નથી.
‘ઘર-વાસ’ એક નવો શબ્દ ઉમેરાઈ ગયો. તેના સભ્યશ્રીઓ-માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, બાળકોની પાસે પ્રવૃત્તિ નથી એવું તો કેમ બને? પણ એક દેશ તરીકે આ નાગરિકો રોજેરોજ જે કંઈ કરી રહ્યા છે તેના પર સરસરી નજર કરવા જેવી છે.
(૧) રોજનાં ભોજનમાં જરૃરી શાક-દાળ-અનાજનો અભાવ થઈ જાય તો? આ ગૃહિણીની ચિંતા, એટલે કરિયાણાની દુકાનો ખૂલતાં ત્યાં કતાર જામે. વધુ પ્રમાણમાં ખરીદીને સંગ્રહ કરવો એ સામાન્ય બની ગયું.
(૨) દુકાનદારોને તક મળે એટલે તેણે ભાવ વધારી દીધો. શાકભાજીની લારી પર માણસો લગભગ તૂટી પડે. અરે, જે ‘માસ્ક’ દસ-વીસ રૃપિયાના આવે તેની ડબલ કિંમત વસૂલવામાં આવે.
(૩) શાકભાજીની લારીથી સંક્રમણ વધે છે (જુઓ, આ શુદ્ધ સંસ્કૃત શબ્દ ‘સંક્રમણ’ પણ આ દિવસોમાં પ્રચલિત થયો, સંસ્કૃત-પ્રેમીઓએ રાજી થવું જોઈએ!) એટલે રોજ સોસાયટીઓમાં દેખાતી લારી અદૃશ્ય થઈ ગઈ છે. અમુક નિયત કરેલી જગાએ જ તેને ઊભા રહેવાનું અને ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવવાનું ફરજિયાત. (આ ‘સોશિયલ ડિસ્ટન્સ’ વળી એક વધુ કોરોનાકાલીન શબ્દ. સામાજિક અંતર અહીં તો શારીરિક જ છે, પણ છે અગત્યનું. પછી હસ્તધૂનન – હાથ મેળવવાનું – તો ક્યાં રહ્યું?
(૪) લૉકડાઉનની માઠી અસર મંદિરોને થઈ. શનિવારે હનુમાનજી, શનિવારે શનિદેવ, સોમવારે ભગવાન શિવ, શુક્રવારે સંતોષી મા… આ બધો હમણા તો ભૂતકાળ બની ગયો. ઉત્તર પ્રદેશમાં તો (સંન્યાસી મુખ્યમંત્રી છે ને, એટલે) ફરિયાદ કરાઈ કે પૂજારીઓ ભૂખે મરે છે, તેમને બચાવો. લગ્ન-વિવાહ-મૃત્યુ વાસ્તુ વગેરે માટેના કર્મ કાંડીઓની યે એવી જ ખરાબ હાલત છે.
(૫) બેરોજગારીનો પડછાયો નાના વેપારીઓ, કારખાનેદારો, ઉત્પાદકોને ગભરાવી મુકે તેવો છે. એવા ઘણા ઘરો મેં જોયા કે ત્યાં રોજના ભોજનની ચીજ વસ્તુ પર કાપ મુકાઈ ગયો છે. મોટા ભાગે નીચલો અને સામાન્ય મધ્યમ વર્ગ મુસીબતમાં છે અને કશું બોલી શકતો નથી, પણ ઘર-વાસ દરમિયાનની તેની હતાશા ગંભીર પરિણામો તરફ જઈ રહી છે. એક ઉદાહરણની ઘટના ઃ ઘરમાં જરૃરી ચીજવસ્તુ માટે ઘરધણી પાસે ૪૦ રૃપિયા હતા, તે બધું લઈ આવ્યો અને તેલ માટે પૈસા ખૂટી પડ્યા. ઘરવાળી બાઈએ હતાશ થઈને આપઘાત કરી લીધો. ઘટના એકલદોકલ છે, પણ મહામારીનો સામનો કરવા માટેની તેની આર્થિક ક્ષમતા ન હોય તો સામાજિક અરાજકતા આવે જ આવે.
(૬) બોલકો-જલદીથી બહાર દેખાઈ આવે તેવો -વર્ગ મજૂરોનો છે. અત્યારે પોતપોતાના પ્રદેશોમાં ‘વતન’ -ગામડે પહોંચવા કતારો લાગી છે. ૫૦૦ જેટલી શ્રમિક ટ્રેનો પણ ઓછી પડે છે. તેઓ રસ્તા પર, રેલવેના પાટે ચાલી નીકળ્યા છે. એક જગ્યાએ રોટી બનાવીને પાટા વચ્ચે સૂઈ ગયા. માલગાડીનાં પૈડાં તેના પર ફરી વળ્યાં. આ બધાં પોતાના પ્રદેશમાં પાછા કેમ ફરે છે? ત્યાં રોજગારી નહોતી એટલે તો બીજા પ્રદેશોમાં જઈને વસ્યા, મજૂરી કરીને પેટ ભરતા હતા, તો આ શું થયું? ખરી વાત એ છે કે એક તો કોરોનાનો ડર છે ને બીજું લૉકડાઉનના કારણે રોજગારીથી સાવ વંચિત થવાની આશંકા છે. કારખાના બંધ હોય એટલે પગાર કોણ આપે?
(૭) એવી સુરક્ષા સરકારી નોકરિયાતો સિવાય બીજા કોઈ પાસે નથી. આ અસમાનતા તરફ કોઈનું ધ્યાન દોરાયું હોય એવું લાગતું નથી. (હવે કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડ રૃપિયાના પેકેજમાં એવી જોગવાઈ શરૃ કરી છે.) સરકારી પ્રથમથી ત્રીજા વર્ગના નોકરિયાતો, અધ્યાપકો, શિક્ષકો, ન્યાયમૂર્તિઓ, ઇન્કમટેક્સ ઓફિસરો, પોલીસકર્મી વગેરેનું વેતન ચાલુ છે એ પણ સારું થયું.
(૮) મધ્યમ વર્ગનું મુખ્ય કામ -લૉકડાઉન ક્યારે પૂરું થાય તેની રાહ જોવાનું-છે. ખાનગી કંપનીઓનો એક વર્ગ ઘરે બેસીને કમ્પ્યુટર પર કામ કરતો થઈ ગયો છે. યુનિ.ઓને ‘વેબનાર’નું રમકડું પકડાવી દેવાયું એટલે તેમાં ગમે ત્યાં ‘નિષ્ણાતો’નાં વ્યાખ્યાનો, ચર્ચા શરૃ થઈ ગયાં. કેટલા લોકો સાંભળતા હશે, રામ જાણે! કેટલીકવાર આવો ઊભરો આવે તેમાં સ્તર અને ગુણવત્તાનો અભાવ રહે. આમેય ‘કટિંગ-પેસ્ટિંગ’ માટે આપણે જાણીતા છીએને?
લૉકડાઉન-અધ્યાયનો આ તો અણસાર માત્ર છે. લૉકડાઉન ક્યાં સુધી અને પોલીસના આધારે કેટલુંક અસરકારક રહેશે, લૉકડાઉનના માનસિક પ્રશ્નો કેવા રહેશે, લૉકડાઉન પછીની રાજકીય-સામાજિક-આર્થિક પરિસ્થિતિ કેવી હશે તેનો વિચાર ભવિષ્યે કરીશું.
———————