કોરોના પછીના કાળનો દેશ અને સમાજ કેવા હશે?

'કોરોના સામેના મહાયુદ્ધ પછી વિશ્વ સંપૂર્ણપણે બદલાઈ ગયેલું હશે
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

ભારતના સોલિસિટર જનરલ રહી ચૂકેલા ખ્યાતનામ ધારાશાસ્ત્ર હરીશ સાલ્વેએ તાજેતરમાં એક વેબિનારમાં સાંપ્રત પરિસ્થિતિનું આકલન કરતા એવું કહ્યું હતું કે, ‘કોરોના સામેના મહાયુદ્ધ પછી વિશ્વ સંપૂર્ણપણે બદલાઈ ગયેલું હશે અને એમ થવું પણ જોઈએ. યાદ એ રાખવું પડશે કે આપણે વર્તમાન સંજોગોમાંથી કાંઈ નહીં શિખીએ તો ઇતિહાસ ફરી એકવાર કોઈ અન્ય વૈશ્વિક આપદા કે મહામારીના સ્વયંને દોહરાવતો જોવા મળશે.’ આ પ્રકારનાં વિધાનો વિશ્વના અન્ય મહાનુભાવોએ પણ વ્યક્ત કરેલાં છે. મહત્ત્વની વાત એ છે કે કોરોના સામેનું આ મહાયુદ્ધ હજુ પૂરું થયું નથી અને વિશ્વભરના દેશોના માનવ સમુદાયોમાં નવાં પરિવર્તનોની પ્રક્રિયાનો આરંભ થઈ જ ગયો છે. અત્યાર આ બદલાવના આકાર-પ્રકાર કે આખરી સ્વરૃપનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ નથી. કેમ કે આ પરિવર્તનની પ્રક્રિયા પણ લાંબી ચાલવાની છે. આ સંભવિત બદલાવને, પરિવર્તનને જે જલ્દી સમજી શકશે અને તેને અનુરૃપ પોતાની જાતને તૈયાર કરી શકશે એ એટલી જ ઝડપથી આગળ વધી શકશે.

યાદ રહે, આ પરિવર્તનો એકાંગી સ્વરૃપના નથી, એ બહુ આયામી છે અને ધીમે ધીમે જીવનનાં તમામ ક્ષેત્રોને, તમામ એકમોને, તમામ વર્ગોને, તમામ જીવન પદ્ધતિઓ અને જીવન-મૂલ્યોને, તમામ અવસ્થાઓને પ્રભાવિત કરશે. તેનાથી કોઈ અલિપ્ત રહી શકશે નહીં. આ જ સંદર્ભમાં વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર યુવાલ નોઆ હરારીએ પણ માનવજાતના ભવિષ્યના સંદર્ભમાં મહત્ત્વની ટિપ્પણી કરી છે. ‘સેપિયન્સ ઃ એ બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઈન્ડ’ નામના પુસ્તકના લેખક હરારીને એકવીસમી સદીના માનવની ઇમેજને નવેસરથી કંડારવાની જરૃરત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે એ તત્કાલ થઈ શકે તેમ નથી. કેમ કે આજે આપણે જે નિર્ણય કરીશું તેના પર બધો આધાર છે. એ પછી તેઓ એવી આગાહી કરે છે કે વર્તમાન આર્થિક સંકટમાં જે નવી કાર્યપ્રણાલી વિકસી રહી છે તેને કારણે એક નવરો, કામ વિનાના વર્ગનો ખતરો નાટકીય રીતે વધતો જશે. તેનું કારણ આપતાં એ કહે છે કે ઘણી જગ્યાએ સ્વયં સંચાલિત પ્રણાલીની સંખ્યા વધી રહી છે. અનેક સ્થળોએ માણસને બદલે રૉબોટ અને કોમ્પ્યુટરો પાસેથી વધુમાં વધુ કામ લેવામાં આવી રહ્યું છે. કેમ કે લોકોની હેરફેર મર્યાદિત બની છે અને લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે, રૉબોટ નહીં. અનેક દેશોમાં કેટલાક ચોક્કસ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગની કક્ષાએ પાછા જઈ રહ્યા છે. તેનું કારણ ઑટોમેશન પદ્ધતિ ઉપરાંત વૈશ્વિકરણ પ્રત્યેના મોહભંગનું પણ છે. કોરોનાએ વૈશ્વિકરણની પ્રક્રિયા પર સૌથી વધુ કઠોર પ્રહાર કર્યો છે. કાર્ય પ્રણાલીના આ બદલાવથી રોજગારી છીનવાઈ જવાનું સંકટ ગંભીર બનવાનું છે અને એ સંકટ જ અત્યંત વ્યાપક પરિવર્તનનું કારણ બનશે કેમ કે આ સ્થિતિ વિકસિત, સમૃદ્ધ અને સંપન્ન દેશોમાં સર્જાવાની છે. આ બધાને પરિણામે સંગઠિત શ્રમિક વર્ગ વેરવિખેર ન થઈ જાય તેની તકેદારી રાખવી પડશે. એ દિશામાં સરકારના નિર્ણય પ્રભાવી બનશે એ નિશ્ચિત છે.

કોરોના સંક્રમણના આ વૈશ્વિક સંકટને પગલે વિશ્વભરમાં માનવ જીવન શૈલીમાં આવનારા અને આવી રહેલા બદલાવ વિશેના આ વિચાર અને તત્ત્વજ્ઞાન પછી વાસ્તવિક ધરાતલ પર કેવા પરિવર્તનની શરૃઆત થઈ રહી છે તેની છોડી ઝલક પરથી ઘણા સંકેતો સમજાવા લાગશે. જેમ કે સામાજિક સ્તરે આવી રહેલા બદલાવના સંકેત રૃપે ઓનલાઈન પ્રણાલીએ કામ કરતી જીવનસાથી શોધી આપતી કંપનીઓ, સંસ્થાઓની કાર્યશૈલી બદલાઈ રહી છે. હવે આ કંપનીઓ વીડિયો કૉલિંગ અને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા જીવનસાથીની પસંદગી કરાવી રહી છે. એક સર્વે અનુસાર છેલ્લા અગિયાર સપ્તાહમાં વીડિયો કૉલિંગનું પ્રમાણ ૬૦ ટકા જેટલું વધ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ૩૨ ટકા લોકોને આ નવી રીત વધુ સુવિધાજનક અને આકર્ષક લાગી છે. સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે વ્યવહારમાં આવી રહેલા પરિવર્તનની આ શરૃઆત છે. ૩૯ ટકા લોકો સ્વીકારે છે કે આજના સમયમાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે. ધીમે ધીમે આ પદ્ધતિ સર્વમાન્ય સ્વીકૃતિ બનવાની શક્યતા છે.

એ જ રીતે નવી પરિસ્થિતિમાં લોકોના અગ્રતાક્રમ પણ બદલાઈ રહ્યા છે. જીવન વીમા નિગમના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કોરોના સંકટે લોકોને વીમાનું મહત્ત્વ સમજાવ્યું છે. આજે રોટી, કપડાં અને મકાન પછી જીવન વીમો અગ્રતાક્રમ બન્યો છે. વીમા કંપનીઓ પણ નવા સંજોગોમાં તેમના કામની પ્રણાલીમાં બદલાવ કરી રહી છે. લોકોની અપેક્ષામાં ખરા ઊતરવાના તેમના પ્રયાસ સઘન બન્યા છે. આવો જ બદલાવ ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી યાને આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં આવી રહ્યો છે. લૉકડાઉનના સમયગાળામાં આઈટી સેક્ટરમાં ખૂબ માગ વધી છે અને આ માગને પુરી કરવા માટે આઈટી કંપનીઓ તેની રણનીતિમાં પરિવર્તન કરી રહી છે. તેની વિવિધ સેવાઓના ઉપયોગની પેટર્નમાં બદલાવ કરી રહી છે. તેને માટે ખાસ જૂથની રચના કરી રહી છે. તમામ ક્ષેત્રોમાં વર્ચ્યુઅલાઇઝેશન વધવાથી અચાનક માગમાં વધારો થયો છે. ટીસીએસ, કોગ્નિજેન્ટ, આઈટીસી, ઈન્ફોટેક જેવી કંપનીઓ બદલાયેલી પરિસ્થિતિનો લાભ લેવા સજ્જ બની રહી છે. તેમને માટે આ એક મોટો અવસર છે.

કોરોના સંકટને કારણે સરકાર વાહનોમાં ઓછા લોકોની સફરનો આગ્રહ રાખે છે. એ જોઈને ઑટો ઇન્ડસ્ટ્રીઝ હવે નાની મોટરકારને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ વધી રહી છે. નવી ગાઈડ લાઈન્સ પ્રમાણે એક મોટરકારમાં બેથી ત્રણ લોકો જ બેસી શકશે. ઑટો ઇન્ડસ્ટ્રીઝ માને છે કે તેને કારણે મોટરકારની માગમાં વધારો થશે. દેશમાં આવી રહેલાં આર્થિક પરિવર્તનો પર નજર રાખનારા લોકોએ એ વાતની પણ નોંધ લીધી છે કે હવે પછી આર્થિક પ્રવૃત્તિનું એક મહત્ત્વનું કેન્દ્ર ગ્રામીણ ક્ષેત્ર બનવાનું છે. ભારતીય અર્થતંત્રમાં આમ પણ પચાસ ટકા હિસ્સેદારી ગ્રામીણ ક્ષેત્ર ધરાવે છે. શ્રમજીવીઓની વતન વાપસી અને સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં પણ કૃષિ પશુપાલન અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની વાત છે. વિતેલા સમયની સરખામણીમાં સમયમાં ગ્રામીણ ભારતના વિકલ્પમાં એકથી બે ટકાનો વધારો થશે એવું અનુમાન છે. તાત્કાલિક ધોરણે આ વધારો પણ નાનોસૂનો ગણાય નહીં. ગ્રામીણ ક્ષેત્રમાં નવી તકો સર્જાઈ રહી છે એ વાત નિશ્ચિત છે. સરકાર સ્વયં તેના પર ફોકસ કરી રહી છે.

આત્મનિર્ભર ભારતના સરકારના સૂત્રમાં પણ ભારતના ઉદ્યોગકારોને નવી સંભાવના દેખાય છે. સરકાર અનેક ઉદ્યોગોમાં સપ્લાય ચેઈનમાં ચીન પરની નિર્ભરતાને ખતમ કરવાના પ્રયત્નમાં છે. ખાસ કરીને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઈસ અને ટેક્સ્ટાઇલ જેવા ક્ષેત્રોમાં ઝડપભેર કામ થઈ રહ્યું છે, જેથી આ ક્ષેત્રો ભારતમાં તેનું ઉત્પાદન કરી શકે. સરકાર ઘરેલુ દવાઓના પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, એ જ રીતે ઘર આંગણે મેડિકલ ડિવાઈસ બનાવતી કંપનીઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ભારતને મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. તેની અંતર્ગત દિગ્ગજ ફોન કંપની એપલ તેનો વીસ ટકા કારોબાર ચીનથી ખસેડીને ભારતમાં લાવી રહી છે. એ જ રીતે સ્માર્ટ ફોન બજારમાં ચીનના વર્ચસ્વને ખતમ કરવા માટે અનેક ભારતીય કંપનીઓ વ્યૂહરચના તૈયાર કરી રહી છે. આમ, કોરોના પછીના સમયગાળામાં લોકોમાં જીવન અને વ્યવહારમાં બદલાવ આવશે તો સાથોસાથ ઉદ્યોગ જગતમાં પણ ઘણી ચીજો બદલાઈ જવાની છે, તેમાં કામ કરવાની પ્રણાલી અને કારોબારને વ્યવસ્થિત રીતે ચલાવવાની વાતનો સમાવેશ થાય છે. પ્રત્યેક ઉદ્યોગ પોતપોતાની રીતે પરિવર્તનના રસ્તે આગળ વધે છે. હોટેલ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા બદલાવને કારણે હોટેલમાં રોકાવાની રીત પણ બદલાશે એવું કહેવામાં આવી રહ્યું છે. કંઝ્યુમર કંપનીઓ ‘લોકલ ફોર લોકલ’ના સૂત્રને અપનાવીને આગળ વધવા સજ્જ બની રહી છે. આવું જ એક મોટું પરિવર્તન શિક્ષણ ક્ષેત્રમાં આવવાનું છે. અત્યાર તેને વિશે વિશ્વભરમાં મંથન ચાલી રહ્યું છે. શિક્ષણ અને પરીક્ષાની પદ્ધતિ બદલાશે. બાળકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને પણ એટલું જ પ્રાધાન્ય અપાશે. મહત્ત્વની વાત એ છે કે અભ્યાસ કરવા જતું પોતાનું સંતાન સુરક્ષિત છે એવી ખાતરી પ્રત્યેક માતા-પિતાને થાય એ જરૃરી છે.

આ લેખની શરૃઆતમાં ઇતિહાસકાર હરારીની વાત કરી હતી. વર્તમાન કોરોના સંકટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને પોતાની કંપનીમાંથી દસ લાખ ડૉલરનું દાન આપનાર હરારીની વાત આગળ વધારીએ તો એ કહે છે કે કોઈ પણ સંકટ સમાજ માટે એક નવો વળાંક પુરવાર થાય છે. વર્તમાન સંકટમાં પણ એ બનવાનું છે. મુદ્દાની વાત એ છે કે આપણે આજે જે નિર્ણય કરીશું સામૂહિક સ્તરે, એ જ આપણા ભવિષ્યને બદલી નાખશે. સરકારના આત્મનિર્ભરતા નિર્ણય અને આર્થિક પેકેજને પણ આ વ્યાપક સંદર્ભમાં નિહાળીએ તો તેમાં ભાવિ પરિવર્તન અને સંભાવનાની બુનિયાદ જોઈ શકાશે.

આ જ સંદર્ભમાં ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેની વાતનો દોર આગળ વધારીએ તો તેમણે એમ પણ કહ્યું છે કે સરકારના આહ્વાનને સ્વીકારીને લોકો જે રીતે સંગઠિત રીતે વર્ત્યા, આપણે સંગઠિત સમુદાય છીએ એવો પરિચય વિશ્વને કરાવ્યો છે ત્યારે આપણુ એ પણ કર્તવ્ય છે કે પ્રત્યેક બાબતમાં દેશ સંગઠિત રહે. લોકોના સરકારમાં વિશ્વાસની માફક સરકારે પણ લોકોમાં વિશ્વાસ પ્રદર્શિત કરવો પડશે. આર્થિક પેકેજ એ કદાચ તેનું પ્રથમ સોપાન હોઈ શકે, પરંતુ વહીવટી ક્ષેત્રે બીજા અનેક આનુષંગિક પગલાંઓ અપેક્ષિત છે. કોરોના પછીના કાળના સમાજને આકાર આપવામાં એની પણ મહત્ત્વની ભૂમિકા હશે.
————————.

તરૂણ દત્તાણીલોકડાઉન
Comments (0)
Add Comment