‘મામલતદાર સાયબ, અમે પોંચી જ્યા..!’

'સાયબ, છીએ તો જૂનાગઢ બાજુના, પણ આયા મારું સાસરું છે.'
  • પ્રશંસનીય – નરેશ મકવાણા

આ સત્યઘટના આગોતરા આયોજન વિના જાહેર થયેલા લૉકડાઉને વતનથી દૂર કમાવા ગયેલા ગરીબોને કેવી કફોડી હાલતમાં લાવીને મૂકી દીધા હતા તેનો કરુણ દસ્તાવેજ છે. એમાં સામાન્ય માણસનો સંતાનપ્રેમ, વતનઝુરાપો, લાચારી તો છે જ, સાથે એક અધિકારી અને સરકારી સિસ્ટમ જો ધારે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ કેવી રીતે જરૃરિયાતમંદને લોકોને મદદરૃપ થઈ શકે છે તેનું ઉમદા ઉદાહરણ પણ છે…

‘સાયબ, અમન ઘરે જવા હુધીની વેવસ્થા કરી આપો. મારા બે સોકરા માંદા સ. ઈમનું કોય નથી. બચારા, બે મઈનાથી જીમતીમ કરીન દાડા કાઢ સ. કાંક કરો. ગમે ઈમ કરી ન અમન ગામ હુધી પોંચાડો.’

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની મામલતદાર કચેરીની ઓસરીમાં બપોરે અઢી વાગ્યે આ કાકલૂદી પડઘાઈ ઊઠી. ડેપ્યુટી મામલદાર હાર્દિક જોષી અને ઓપરેટર ભૌતિક પ્રજાપતિ જમવા બેસવાની તૈયારી કરતા હતા, પણ જેવું ટિફિન ખોલ્યું ત્યાં જ ઑફિસ બહારથી રડમસ આ અવાજ તેમને કાને પડ્યો એટલે જમવાનું પડતું મૂકીને બંને અધિકારીઓ બહાર દોડી આવ્યા. જોયું તો વધી ગયેલી દાઢી, ખભે કામળી અને મેલાં પેન્ટ-શર્ટ પહેરીને એક આધેડ કચેરીના અન્ય કર્મચારીઓને આજીજી કરી રહ્યો હતો. જ્યારે તેમનાં પત્નીની તો આંખો જ બધું કહી રહી હતી.

ત્રણ લૉકડાઉન દરમિયાન માનવ જીવનની અનેક તડકીછાંયડીઓનો અનુભવ કરી ચૂકેલા સંવેદનશીલ અધિકારી હાર્દિક જોષીને પરિસ્થિતિની ગંભીરતા સમજતા વાર ન લાગી. જમવાનું પડતું મૂકીને તેઓ દંપતી સામે આવીને ઊભા રહી ગયા. બંનેને પોતાની ઑફિસમાં લઈ જઈને બેસાડ્યા. ઠંડું પાણી પીવડાવ્યું અને તરત પ્યૂનને બંને માટે જમવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો. તેમનું આવું લાગણીસભર વર્તન જોઈને દંપતી થોડું શાંત થયું. અધિકારીએ નોંધ્યું કે, વતનમાં એકલાં પડી ગયેલાં બાળકોની ચિંતા અને યાદમાં રડી-રડીને બંનેની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. તેના પરથી જ તેમને મામલો કેટલો ગંભીર હોઈ શકે તેનો અંદાજ આવી ગયો હતો. પંદર મિનિટમાં જમવાનું આવી ગયું. એટલે અધિકારીએ બંનેને સાંત્વના પાઠવીને ભરપેટ જમાડ્યા. એ પછી શાંતિથી બેસીને આખો મામલો સમજવા માંડ્યો.

‘વડીલ ક્યાંથી આવ્યા…?’

‘અહીં મોટા ખુટાદથી.’

‘તમારું નામ?’

‘મારું નામ કાળીદાસ. આ મારા ઘરના..અંજનાબેન.’

‘વતન.?’

‘સાયબ, છીએ તો જૂનાગઢ બાજુના, પણ આયા મારું સાસરું છે.’

‘તમને ખબર તો હશે કે અત્યારે લૉકડાઉનના કારણે કોઈનાથી બહાર થઈ શકાતું નથી.’

‘હા.’

‘તો પછી કેમ જવું છે?’

‘(રડતાં રડતાં) સાહેબ મારા તઈણ સોકરાં દોઢ મઈનાથી વાડીમાં એકલા સે. અતાર હુધી તો અમે જીમતીમ કરીન ચલાઈ લીધું, પણ આ તીજી વાર લૉકડાવન લંબાણુ સ. હાલ બે સોકરા બીમાર પડી જ્યા સ એટલ હવ અમાર જ્યા વિના સૂટકો નથી.’

‘ક્યા ગામ જવાનું છે તમારે?’

‘વાલાસીમડી. જૂનાગઢ પાંહે આયુ..’ (એટલું બોલતાં તો બંને હીબકે ચડી ગયા)

‘પૈસા છે?’

‘ના સાયબ.’

દંપતીની હાલત અને મામલાની ગંભીરતા પારખીને ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોષીએ મનોમન નક્કી કરી લીધું કે કોઈ પણ હિસાબે તેમને ઘેર પહોંચાડવા જ છે. એટલે પહેલા તો દંપતીને શાંતિથી બેસાડી, ચા-નાસ્તો કરાવીને તેમણે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર બોર્ડરે ફોન કરીને રાજકોટ તરફ જતાં કોઈ પણ વાહનને રોકી રાખવા સૂચના આપી દીધી. એટલું જ નહીં, ગરબાડાના બે સેવાભાવી લોકોને ફોન કરીને આ મામલે બનતી મદદ કરવા કહ્યું. થોડી જ વારમાં ગોપાલભાઈ અગ્રવાલ નામના સ્થાનિક નાસ્તો અને રૃ. ૧ હજાર આવીને આપી ગયા. તેમનું જોઈને મામલતદાર કચેરીના અન્ય કર્મચારીઓએ પણ યથાશક્તિ ફાળો આપવા માંડ્યો. એ રીતે લગભગ ત્રણેક હજાર રૃપિયા ભેગા થઈ ગયા. ઋષિભાઈ નામના સેવાભાવીએ અનાજ-કરિયાણાની બે કિટો કરી આપી. ટીપેટીપે સરોવર ભરાય તેમ એક પછી એક બધું ભેગું થઈ ગયું હતું. હવે રાહ હતી માત્ર રાજકોટ તરફ જતાં કોઈ વાહનની.

આખરે એકાદ કલાક સુધી રાહ જોયા બાદ મીનાક્યાર બોર્ડર પરના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાઠોડનો ફોન આવ્યો કે એક ક્રૂઝર ગાડી છેક રાજકોટ સુધી ખાલી જાય છે. તરત તેને ગરબાડા મામલતદાર કચેરીએ બોલાવી તેના યુવા ડ્રાઇવર સંજય બામણિયાને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યો. આજે બધાં જાણે માનવતાની સરવાણી વહાવવા જ ભેગાં થયા હોય તેમ તેણે પણ કોઈ આનાકાની વિના દંપતીને રાજકોટ સુધી લઈ જવાની હકાર ભણી દીધો. એટલું જ નહીં, રસ્તામાં ચા-નાસ્તાનો જે કંઈ ખર્ચ થશે તે પણ પોતે ભોગવશે તેવું આશ્વાસન આપ્યું. બધું ફાઇનલ થયું એટલે ઓપરેટર ભૌતિક પ્રજાપતિએ મામલતદારની ડિજિટલ સહીવાળો ટ્રાવેલિંગ પાસ તૈયાર કર્યો.

જોકે આટલું પૂરતું નહોતું. કેમ કે વતન જવા માટેની પરમિશન આપવા માટે માન્ય સિવિલ સર્જન પાસે છેલ્લા બે દિવસમાં કોરોનાનો રિપોર્ટ કરાવેલો હોવો જોઈએ. જે આ દંપતીએ તો ક્યાંથી કરાવ્યો હોય? એટલે હાર્દિક જોષીએ ગરબાડા આરોગ્ય અધિકારી ડૉ. ડાભીનો નંબર જોડ્યો અને મામલાની સંવેદનશીલતાથી તેમને માહિતગાર કર્યા. તેમની ધગશ જોઈને આરોગ્ય અધિકારીએ એક ડૉક્ટર જરૃરી પરીક્ષણ કિટ સાથે મામલતદાર કચેરીએ પહોંચી જશે તેમ કહ્યું અને થોડી જ વારમાં તે ડૉક્ટર આવી પણ પહોંચ્યા. પતિપત્નીના આરોગ્યની ચકાસણી કરી. જે સામાન્ય જણાતા વધુ એક અડચણ દૂર થઈ. એ પછી તેના આધારે તેમને ટ્રાવેલિંગ માટે જરૃરી મેડિકલ સર્ટિફિકેટ કાઢી અપાયું. આમ જૂનાગઢના વાલાસીમડી ગામના કાળીદાસ રાઠોડ અને અંજનાબહેને વતન જવા માટેનો પહેલો પડાવ હેમખેમ પાર પાડ્યો.

બધી તૈયારીઓ થઈ ગયા બાદ નાયબ મામલતદાર હાર્દિક જોષીએ બંનેને ચા-પાણી પીવડાવ્યા. જોકે તેમની આવી સેવાભાવના જોઈને એ ગરીબ દંપતી હેબતાઈ ગયું હતું. તેમને હજુ વિશ્વાસ નહોતો આવતો કે કૌભાંડી નેતાઓ અને પૈસાખાઉ સરકારી તંત્રમાં પણ આવા કામના માણસો અસ્તિત્વ ધરાવતા હોય છે! બંને ફરી રડવા માંડ્યાં. જોકે આ વખતનાં આંસુ જુદા પ્રકારનાં હતાં. કોઈની મદદ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા. તેમના હર્ષાક્રંદથી ગરબાડા મામલતદાર કચેરીમાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. હાર્દિક જોષીએ તેમને પોતાનો સંપર્ક નંબર આપી, પહોંચી ગયા બાદ ફોન કરવા કહ્યું. કચેરીએ આવ્યા ત્યારે કાળીદાસભાઈ અને તેમનાં પત્ની ખાલી હાથ હતાં, પણ હવે તેમની પાસે ઘેર જઈ શકાય તેટલા રૃપિયા અને બાળકોને બે મહિના સુધી ખવડાવી શકાય તેટલું અનાજ અને કરિયાણુ હતાં. એ બધું ગાડીમાં મૂકીને હર્ષનાં આંસુ સાથે એ દંપતીએ ગરબાડાને અલવિદા કહી.

નવેક કલાકની મુસાફરી કરીને તેઓ રાજકોટના પ્રવેશદ્વાર સમી ગ્રીનલૅન્ડ ચોકડીએ ઊતર્યા ત્યારે રાતના અઢી વાગી ગયા હતા. સામાન્ય દિવસોમાં ચોવીસે કલાક વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતો રહેતો આ રસ્તો લૉકડાઉનને કારણે સૂમસામ હતો. આસપાસમાં તેમના સિવાય કોઈ નહોતું. એટલે અચાનક અજાણ્યા માણસોની અવરજવર થતાં કેટલાક કૂતરાં તેમની પાછળ પડ્યાં. જેનાથી ડરીને બંને નજીકમાં દેખાતી પોલીસ ચોકીમાં ઘૂસી ગયા. ભય દૂર થયો એટલે તેમણે ત્યાં હાજર પોલીસ અધિકારી સામે પોતાની સમસ્યા વર્ણવી મદદ માગી. તેમના આશ્ચર્ય વચ્ચે પોલીસ અધિકારી પણ માનવતાવાદી અભિગમ ધરાવતા નીકળ્યા. છેલ્લા બે મહિનામાં પહેલીવાર તેમને લાગી રહ્યું હતું કે કુદરત તેમની સાથે છે. પોલીસ અધિકારીએ કોન્સ્ટેબલને આદેશ કર્યો કે જૂનાગઢ તરફ જતાં એકેય વાહનને મારી મંજૂરી વિના જવા ન દેવું. અડધો કલાક વિત્યો ત્યાં કોન્સ્ટેબલ એક ખટારો વડાલ તરફ જતો હોવાના સમાચાર લઈને આવ્યો. જે સાંભળીને દંપતીની આંખોમાં ચમક આવી ગઈ. કેમ કે વડાલથી તેમનું ગામ વાલાસીમડી માંડ ૧૦ કિ.મી. દૂર થતું હતું! આંખોમાં ઝળઝળિયાં સાથે તેમણે પોલીસ અધિકારીને પોતાને ખટારામાં બેસાડી આપવા વિનંતી કરી. તેમની એ વિનંતી ફળી અને ૧૫ મિનિટ બાદ બંને એ વાહનમાં બેસીને વડાલ તરફ જઈ રહ્યાં હતાં.

એ પછીના સમયમાં આ દંપતીના મનોજગતમાં લાગણીઓનાં ઘોડાપૂર ઊમટવા શરૃ થયા. એકબાજુ નિર્જીવ ખટારો ચાર પૈડા પર વડાલ તરફનું અંતર ઘટાડી રહ્યો હતો. બીજી બાજુ આ દંપતીનું મનોજગત વતનવાપસી, સંતાનોની યાદ અને અત્યાર સુધી વેઠેલી ભયંકર યાતનાઓને વાગોળી રહ્યું હતું. આશ્વાસન એ વાતનું હતું કે આટલી બધી યાતનાઓ, વિરહ વેઠ્યા બાદ અંતે તેઓ મંજિલની નજીક હતા. હવે તેમનું મન વતનની ધરતીને ચૂમવા અધીરું બની ગયું હતું. અત્યાર સુધી સાવ બેધ્યાન રહેલા તેમને હવે હવામાં ભળેલી વતનની માટીની મહેક અનુભવાવા માંડી હતી. ચોતરફ ફેલાયેલી લૉકડાઉનની નિરસતા વચ્ચે આજે પહેલીવાર તેમને મન મૂકીને હરખાવાનું કારણ મળી રહ્યું હતું. પતિપત્ની બંને છાનાંમાનાં એકમેકની આંખોમાં રહેલો હરખ જોઈ લેતાં હતાં. હવે તો તેમને નજર સામે ખેતરો ખૂંદતા વહાસલોયા સંતાનો, મજૂરીએ રાખેલી વાડી, તેની વચોવચ ઊભેલું ખોરડું અને ઊભો પાક પણ દેખાવા માંડ્યાં હતાં.

ઉઘાડી આંખનાં આવા મીઠાં સપનાંઓ વચ્ચે સૂરજે ધરતી પર ડોકું કાઢ્યું અને આ દંપતીએ વડાલની ધરતી પર પગ મૂક્યો. ખટારામાંથી ઊતરીને તરત બંનેએ વતનની ધૂળ માથે ચડાવી અને ધરતીને માથું અડાડ્યું. એ પછી વડાલથી દસેક કિ.મી. દૂર આવેલા વાલાસીમડી તરફ ચાલવા માંડ્યું. થોડું ચાલ્યાં ત્યાં તેમનો ભાઈ સામે આવતો દેખાયો. અંતે, નવના ટકોરે આ દંપતી ભાડૂતી ખેતરના એ જૂના ખોરડે પહોંચ્યું જ્યાં તેનાં સંતાનો તેની રાહ જોતા ઊભા હતા. જેવા દૂરથી તેમનાં દર્શન થયાં કે ત્રણેય હિલોળે ચડ્યા. લાગણીનાં બંધનો તૂટી ગયા અને હરખ, શોક, પીડા, વ્યથા, લાચારી, જે કંઈ વેઠ્યું હતું એ બધું પાંચેયનાં આંસુઓમાં વહી ગયું. સૌ થોડા સામાન્ય થયા એટલે કાળીદાસભાઈએ ગરબાડા ડેપ્યુટી મામલતદાર હાર્દિક જોષીને ફોન જોડ્યો. ફોન ઉપડ્યો તો ખરો, પણ કાળીદાસભાઈ માત્ર એટલું જ બોલી શક્યા, ‘મામલતદાર સાયબ, અમે પોંચી જ્યા..!’
———-

નરેશ મકવાણાલોકડાઉન
Comments (0)
Add Comment