કોરોના, લૉકડાઉન, કંટાળો, મનોરોગ, ઉકેલ

'સતત ઘરમાં રહેવાથી સૌથી પહેલાં તો વ્યક્તિની રોજબરોજની જીવનશૈલી તૂટી જાય છે.
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

કોરોનાને કારણે અપાયેલા દેશવ્યાપી લૉકડાઉનને પરિણામે દેશવાસીઓ ફરજિયાત ઘરોમાં રહેવા મજબૂર બન્યાં છે. સ્વાભાવિક છે કે લાંબા સમયની આ પરિસ્થિતિથી સૌને કંટાળો આવે, પણ હવે તે અસર કંટાળાથી આગળ વધીને માનસિક બીમારીમાં પરિવર્તિત થવા માંડી છે. હવે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ગભરામણ અને માનસિક તકલીફોની ફરિયાદો કરવા માંડ્યા છે, જેમાંથી ભારત અને ગુજરાત પણ બાકાત નથી.

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી પ્રીતિ કૉલેજકન્યા છે. સાથે ભણતા રાજ સાથે તેને પ્રેમ છે. કૉલેજમાં આખો દિવસ બંને સાથે જ રહેતાં. ઘણીવાર તો લેક્ચર છોડીને બંને ફિલ્મ જોવા, કૅન્ટીનમાં નાસ્તો કરવા કે અમસ્તા રખડવા પણ નીકળી પડતાં. ક્યારેક તો રજાના દિવસે પણ પ્રીતિ બહાનું કાઢીને રાજ સાથે સમય પસાર ઘરેથી નીકળી જતી, પણ છેલ્લા દસ દિવસથી તેની આઝાદી પર બ્રેક લાગી ગઈ છે. આખો દિવસ ઘરમાં જ પુરાયેલા રહેવાના કારણે તે અકળામણ અનુભવવા લાગી છે. તેને પહેલાંની જેમ કૉલેજ જવું છે, પાણીપૂરી ખાવી છે, ફરવું છે, પણ કોરોનાને કારણે આખો દેશ ઘરોમાં પુરાયેલો હોઈ તે પોતાની ઇચ્છાને અમલમાં નથી મૂકી શકતી. ઘરમાં પરિવારના સભ્યોની હાજરી હોઈ તેને એકાંત પણ ભાગ્યે જ મળે છે. હવે તેને ડર લાગવા માંડ્યો છે કે ક્યાંક લૉકડાઉનને કારણે તેનો પ્રેમસંબંધ ખતરામાં ન આવી જાય. રાજને ખોવાના વિચારમાત્રથી તેને ગભરામણ થવા લાગે છે. જેમતેમ કરીને એક અઠવાડિયું તો ખેંચી કાઢ્યું, પણ હજુ બીજા બાર દિવસ કાઢવાના છે એ વિચારમાત્રથી તે તાણ અનુભવવા લાગે છે. ક્યારેક આત્મહત્યા કરી લેવાનો વિચાર પણ તેના મનમાં આવી જાય છે.

અમદાવાદના જ સેટેલાઈટ વિસ્તારમાં રહેતો અતુલ સી.જી. રોડ પરની એક મલ્ટિનેશનલ કંપનીમાં મેનેજર છે. કોરોના વાઇરસને કારણે જાહેર થયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે તે છેલ્લા કેટલાક દિવસોથી ઘેરથી જ કામ કરી રહ્યો છે, પણ તેને ઘેર રહીને કામ કરવામાં મજા નથી આવતી. ખાસ તો ઑફિસ જેવું વાતાવરણ મળતું ન હોઈ તે ઝડપથી કંટાળી જાય છે. ક્યારેક અગત્યનું કામ ચાલતું હોય ત્યાં વચ્ચે બાળકો, પત્ની કે પરિવારના અન્ય કોઈ સભ્ય ખલેલ પહોંચાડે એટલે તે ગુસ્સે થઈ જાય છે. ઘરેથી કામ કરતો હોઈ સમયની કોઈ મર્યાદા નથી. પરિણામે કામનું ભારણ પણ વધી પડ્યું છે. ઑફિસે તો કંટાળો આવે એટલે તે ચાની કીટલીએ જઈને સિગારેટ પી લેતો, પણ ઘરેથી ક્યાં જવું? લૉકડાઉનને કારણે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હોઈ એ પણ અશક્ય બની ગયું છે. ટીવી, મોબાઇલ જેવા ગેઝેટ્સ પણ હવે તેના મનને શાતા આપી શકતા નથી. સામાન્ય દિવસોમાં તે પરિવારને સમય ન ફાળવી શકવાની ફરિયાદ કરતો રહેતો, પણ હવે જ્યારે આટલો લાંબો સમય મળ્યો છે ત્યારે તેને ઑફિસ યાદ આવવા માંડી છે. પરિવારની સાથે હોવા છતાં તે ખુશ નથી.

આ બંને કિસ્સાઓ હાલ લાંબા સમય સુધી ઘરમાં પુરાઈ રહેવાને કારણે જનમાનસમાં પેદા થઈ રહેલી પરિસ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. કોરોના વાઇરસના પ્રકોપને કારણે દુનિયા લગભગ સ્થગિત થઈ ગઈ છે. દેશવ્યાપી લૉકડાઉનને કારણે ભારતમાં પણ લોકો ફરજિયાત ઘરોમાં રહેવા મજબૂર બન્યાં છે. એવામાં સ્વાભાવિક છે કે સૌ કોઈ બોર થઈ જાય. સમસ્યા એ છે કે આ અસર કંટાળાથી આગળ વધીને હવે માનસિક સમસ્યાઓમાં પરિવર્તિત થવા માંડી છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ગભરામણ અને અન્ય માનસિક તકલીફોની ફરિયાદ કરવા માંડ્યા છે. અમેરિકા, ઇટાલી, ચીન અને ભારત સહિત અનેક દેશોમાં આ માટે એડવાઈઝરી અને હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા છે. ભારત જેવા દેશમાં જ્યાં પહેલા જ માનસિક બીમારીઓ પ્રત્યે જાગૃતિ ઓછી છે ત્યાં વધારે ધ્યાન આપવાની જરૃર છે, પરંતુ સરકારી કે કોઈ બહારની મદદ લેતાં પહેલાં કેટલીક તકેદારીઓ વ્યક્તિગત સ્તરે રાખવી જરૃરી છે.

કોરોના આવ્યો, માનસિક બીમારી લાવ્યો..
છેલ્લા કેટલાક દિવસોમાં એકલવાયું જીવન જીવતાં લોકો પર થયેલાં સંશોધનોની ફરી સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં કોરોના વાઇરસને કારણે ઘરોમાં પડી રહેલા તંદુરસ્ત લોકોમાં આવનારાં પરિવર્તનોને પણ સામેલ કરાયા હતા. આ સંશોધનનું પરિણામ કહે છે કે, લાંબા સમય સુધી એકલા રહેવાની અસર મગજ પર બિલકુલ એવી જ પડે છે જેવી કોઈ દુઃખદ દુર્ઘટનાની હોય છે. એવામાં જો વ્યક્તિ સુધી સતત મુશ્કેલી વધારતા સમાચારો પહોંચતા રહે તો તે વધારે ભ્રમિત અને બેચેન થઈ શકે છે. એટલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત એડવાઈઝરીમાં કહેવાયું છે કે આવા સમાચારો જોવા, સાંભળવા અને વાંચવાથી દૂર રહો. સંસ્થાનું કહેવું છે કે કોરોના વિશે જાણકારી મેળવવા માટે દિવસમાં બે વખત કોઈ વિશ્વસનીય માધ્યમનો ઉપયોગ કરવો. સતત પરેશાન કરતા સમાચારો લોકો સુધી પહોંચતા રહે તો તેઓ માનસિક બીમારીનો ભોગ બની શકે છે.

ગુજરાત ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સાઇકોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહેલા વિશાલ પરમાર તાણથી બચવાના ઉપાયો જણાવતા કહે છે, ‘તણાવથી બચવાનો એક ઉપાય સ્થિતિનો સ્વીકાર કરી લેવાનો છે. કોરોનાને કારણે પેદા થયેલી આ ઇમરજન્સીમાં કેટલાક લોકો માનસિક કે શારીરિક સમસ્યાઓની સાથે-સાથે આર્થિક નુકસાન પણ વેઠી રહ્યાં છે. તેમણે પહેલા તો માત્ર એ યાદ રાખવાની જરૃર છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’. શક્ય છે અમુક લોકોને આ સમાધાન સમસ્યાનું સરળીકરણ લાગે, પરંતુ હાલ અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો આર્થિક નુકસાન નથી અને માત્ર ડર કે બેચેની રહે છે તો સ્વીકારી લેવામાં કોઈ વાંધો નથી કે તમને ડર લાગી રહ્યો છે. મનોવિજ્ઞાન કહે છે કે એમ કરવાથી મગજ ડરની જગ્યાએ, ડરનાં કારણો અને તેનો ઉકેલ લાવવાની યુક્તિઓ પર કેન્દ્રિત થઈ જાય છે. એકવાર તાણનાં કારણોને ઓળખી લીધા બાદ તેમાંથી બહાર આવવા માટે સ્નાયુઓની કસરત અને ધ્યાન જેવા ઉપાયો કરી શકાય છે. અહીં એ લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૃર છે જેમનાં ઘરોમાં બાળકો છે. કેમ કે માતાપિતાના સતત પરેશાન રહેવાની અસર બાળકો પર બહુ ઝડપથી અને નકારાત્મક પડતી હોય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે બાળકોને પણ કોરોના વાઇરસ બાબતે લેવાતાં તકેદારીનાં પગલાંથી માહિતગાર કરવા જોઈએ. આનાથી તેમને ખ્યાલ આવશે કે ઘણીબધી બાબતો માબાપના નિયંત્રણમાં પણ નથી હોતી.’

અમદાવાદના શાહીબાગ સ્થિત સરકારી મેન્ટલ હૉસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. ચિરાગ પરમાર કોરોનાને કારણે લોકોમાં હાલ કેવા પ્રકારની મનોસ્થિતિ પેદા થયેલી છે તેની વાત કરતા કહે છે, ‘સતત ઘરમાં રહેવાથી સૌથી પહેલાં તો વ્યક્તિની રોજબરોજની જીવનશૈલી તૂટી જાય છે. આખો દિવસ ઘરમાં પડ્યા રહેવાથી સ્નાયુઓ રૃટિન દિવસની સરખામણીએ ઓછા કાર્યશીલ હોય છે. જેના કારણે ધીરે-ધીરે શરીરમાંથી અમુક રસાયણો ઓછાં થતાં જાય છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. નવરા બેસી રહેવાથી શરીરના રાસાયણિક સ્ત્રાવોમાં ફેરફાર થવા માંડે છે અને વ્યક્તિ બેચેની અનુભવવા માંડે છે. જ્યારે તે કશુંક ખરીદવા બહાર નીકળે છે તો ત્યાં પણ તેને કોરોનાનો ચેપ પોતાને ન લાગી જાય તેની ચિંતા હોય છે. હાલ લૉકડાઉનને કારણે તમાકુ, ગુટકા, માવા, પાનમસાલા અને દારૃના વ્યસનીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. વ્યસનની વસ્તુ ન મળી શકવાના કારણે તેઓ બેચેની, ગભરામણ ઉલટી-ઉબકા, અનિદ્રા વગેરેનો ભોગ બની રહ્યાં છે. લૉકડાઉનને કારણે જે લોકો ઓલરેડી માનસિક રોગની દવા લઈ રહ્યા છે તેઓ તાણમાં આવી શકે છે. જેમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે તેમને પોતાને કોરોના હોવાની ચિંતા સતાવે છે. બીજી ચિંતા એવી પણ થાય છે કે ક્યાંક મારા કારણે મારા પરિવાર, બાળકોને તેનો ચેપ તો નહીં લાગે ને. આ તમામ ચિંતાઓ આગળ જતા માનસિક બીમારી નોતરી શકે છે.’

માનસિક તાણમાંથી બચવા આટલું કરો
આમાંથી નીકળવા માંગતા લોકોએ સૌથી પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ નથી હોતી. થોડા દિવસ પછી લૉકડાઉન હટવાનું જ છે. માટે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવો. આમ પણ આપણે ત્યાં સાઇકિયાટ્રિસ્ટની સંખ્યા દર એક લાખ વ્યક્તિએ ૦૬ માંડ છે. ત્યારે આપણે સ્વયં તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો રહ્યો.

સાયકૉલોજિસ્ટ વિશાલ પરમારના મતે, પૂરતી ઊંઘ, પોષક આહાર, સ્વચ્છ વાતાવરણ, હળવી કસરત વગેરે તમને ફીટ રાખશે. લોકો સાથે હળવું મળવું માણસની પાયાની જરૃરિયાત છે, પણ હાલ તે શક્ય ન હોઈ તેના વિકલ્પો શોધવા રહ્યા. જેમ કે વીડિયો ચેટ દ્વારા પરિવાર કે મિત્રો સાથે સંપર્કમાં રહી શકાય. જૂના મિત્રો, વડીલો, સંબંધીઓ જે ભાગ્યે જ મળતાં હોય છે તેમને ફોન કરીને તબિયત પૂછી શકાય. જો રસોઈ બનાવતા આવડતું હોય તો એ પણ એક સારો વિકલ્પ છે. આ સિવાય ઘર સાફ કરવું, સારા પુસ્તકો વાંચવા વગેરે પણ ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ તમામ કામો દરરોજ નિયમિત રીતે કરી શકાય તેવા હોઈ સ્વયંને તેમાં વ્યસ્ત રાખવા સરળ છે. જે લોકો કાયમ સમય ન હોવાને કારણે આરોગ્ય પ્રત્યે ધ્યાન ન આપી શકતા હોવાની ફરિયાદ કરતા હોય છે તેઓ આ દિવસોમાં કસરત, યોગાસનો, પ્રાણાયમ વગેરે કરી શકે છે, જે તંદુરસ્ત રાખવાની સાથે તણાવ ઓછો કરવામાં પણ મદદરૃપ થશે.

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ચિરાગ પરમાર અન્ય કેટલાક ઉપાયો સૂચવતા કહે છે, ‘કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિમાં સુધારો થતાં હજુ એક અઠવાડિયું લાગી શકે છે. એવામાં આપણે હજુ કેટલાક વધારે દિવસો ઘરોમાં પુરાઈ રહેવું પડે એવું પણ બને. એવામાં સ્વયંને વ્યસ્ત રાખવા કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, નવી ભાષા કે કેલિગ્રાફી જેવી કોઈ કુશળતા પણ હસ્તગત કરી શકાય. જેનાથી વ્યસ્ત રહેવાની સાથે-સાથે કંઈક કર્યાનો સંતોષ પણ મળશે. આ સમયમાં ઇન્ટરનેટ અને ખાસ તો ઓટીટી પ્લેટફોર્મ યુવાનોની વ્હારે આવ્યા છે. એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, નેટફ્લિક્સ જેવા ઓવર ધ ટૉપ પ્લેટફોર્મ પર યુવાવર્ગ ગમતી ફિલ્મો, ડોક્યુમેન્ટરીઓ, વેબ સિરીઝ વગેરે જોઈને સમય પસાર કરી રહ્યો છે. જોકે એમાં પણ હું સલાહ આપીશ કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ ન કરવો. કેમ કે સતત ફિલ્મો જોવામાં આવે તો તેનાથી પણ તાણ વધી શકે છે. માટે તેનો ઉપયોગ કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લેવો. આ જ બાબત સોશિયલ મીડિયાના ઉપયોગને પણ લાગુ પડે છે. જો કશુંક અલગ કરવા માંગતા હો તો પેઇન્ટિંગ, લેખન, રસોઈ, સિલાઈ જેવા શોખ પુરા કરવાની પણ આ ઉત્તમ તક છે. ટૂંકમાં, વિકલ્પો ઘણા છે, જરૃર છે માત્ર આપણને શેમાં રસ છે તે ચકાસવાની.’
——————-

કવર સ્ટોરી - નરેશ મકવાણા
Comments (0)
Add Comment