લૉકડાઉનનો અવરોધ પ્રેમમાં આડે આવ્યો…

પ્રેમીજનો ડિસ્ટન્સનો ડર રાખ્યા વિના એકબીજાને મળવા કેટલાય કિલોમીટરનું અંતર કાપી મળી રહ્યાં છે.
  • કવર સ્ટોરી

લૉકડાઉનનો અવરોધ પ્રેમમાં આડે આવ્યો તો એને પણ પહોંચી વળ્યાં…ભાઈ, આ તો પ્રેમ છે…

જેવી રીતે મીરાં રાણી કૃષ્ણના પ્રેમમાં દીવાની થઈને તેનાં દર્શન માટે મેવાડથી દ્વારકા પહોંચી હતી, એવી જ કેટલીક પ્રેમ દીવાનીઓ લૉકડાઉનની વચ્ચે કેટલાંય વિઘ્નો પાર કરીને પોતાના પ્રેમીઓને મળવા પહોંચવાનું સાહસ આદર્યું. સ્વાભાવિક છે કે આપણે મીરાંના કૃષ્ણ માટેના પ્રેમની સરખામણી અને આ યુવક-યુવતીઓના પ્રેમની સરખામણી ન કરી શકીએ, પણ પ્રેમ તો આખરે પ્રેમ હોય છે. એ મીરાંનો હોય કે મથુરામાં વસતી કોઈ યુવતીનો…

કોરોના મહામારીના સંકટને નાથવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનને કારણે લોકો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો જીવનજરૃરિયાતની વસ્તુઓ માટે વલખાં મારી રહ્યાં છે, તો કેટલાક તેમના વ્યસન પર પણ લૉકડાઉન વાગવાને કારણે ધૂંઆપંૂઆ થયા છે. જોકે, આ બધાંની વચ્ચે કેટલાક લોકો એવા પણ છે, જેઓ વસ્તુઓ કે વ્યસન નહીં, પણ પ્રેમને કારણે મુશ્કેલીમાં મુકાયા અને આ જ પ્રેમને વશ થઈને તેમણે સાત સમંદરની તો નહીં, પણ વિવિધ જિલ્લાઓની અને કેટલાકે તો રાજ્યોની સરહદો પણ પાર કરવાની હિંમત બતાવી.

કોરોનાકાળમાં લોકો એકબીજાની નજીક જતાં ડરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે, એવા સમયે દેશના કેટલાક પ્રેમીજનો ડિસ્ટન્સનો ડર રાખ્યા વિના એકબીજાને મળવા કેટલાય કિલોમીટરનું અંતર કાપી મળી રહ્યાં છે. મજાની વાત તો એ છે કે તેમના આ મિલનમાં પોલીસે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની ફરજ પડી છે. વાત દેશનાં જુદાં જુદાં ક્ષેત્રોની છે, જ્યાં પ્રેમીઓ એકબીજાને મળવા અને લગ્ન કરવા માટે પરિવારના વિરોધ વચ્ચે ઘરેથી ભાગી નીકળ્યાં. લૉકડાઉનમાં અટવાયાં તો પોલીસની મદદ લેવી પડી અને પોલીસે આ પ્રેમીઓના પરિવારજનોને આ પ્રેમી યુગલોને લગ્નગ્રંથિથી જોડાવા પરિવારોને રાજી કરવામાં ભૂમિકા નિભાવી. પહેલો કિસ્સો કાનપુરનો છે. કાનપુરના ચકેરી પ્રાંતની યુવતી પોતાના પ્રેમીને મળવા માટે લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ અને ત્યાં જ રહેવા લાગી. આખરે યુવતીના ઘરવાળાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી.

જ્યારે પોલીસને જાણ થઈ કે યુવક અને યુવતી પ્રેમ બંધનથી બંધાઈ ગયા છે ત્યારે તેમને લગ્નના બંધને બાંધવા માટે બંનેના પરિવારોને મનાવવાનું કામ કર્યું પોલીસે અને આ જ પોલીસે પછી પોલીસ ચોકીને મંગલ પરિણયનું વેન્યુ પણ બનાવ્યું. કોરાના સંકટને પગલે લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે હેતુથી પોલીસે પોલીસ સ્ટેશનમાં જ પરિવારજનોની હાજરીમાં યુવક અને યુવતીનાં લગ્ન કરાવ્યાં. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં આવેલા દેવરિયા ગામના યુવક અને યુવતી લૉકડાઉન પહેલાં ઘરેથી ભાગી ગયાં હતાં. લૉકડાઉન દરમિયાન રહેવા-જમવાની અગવડ પડવા લાગી અને રૃપિયા પણ ખૂટી પડ્યા ત્યારે બંને જણા ચાલતાં-ચાલતાં પાછા દેવરિયા આવ્યાં. હવે એવો પ્રશ્ન થાય કે દેવરિયાથી ભાગીને તેઓ ક્યાં ગયાં હતાં. તો બંને જણા ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ ભાગી ગયાં હતાં, પણ લૉકડાઉને બંનેના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું. આખરે ગમે તેમ કરીને દેવરિયા પાછાં પહોંચ્યાં ત્યારે યુવકે યુવતીનો સાથ છોડી દીધો. યુવતીએ પોતાની બહેનની મદદ માગી તો બહેને પણ મદદ કરવા અસમર્થ હોવાનું જણાવ્યું. આખરે યુવતીએ પોલીસની મદદ લીધી. પોલીસે સમગ્ર મામલાની ચકાસણી કરી. યુવકના પરિવારવાળાને પોલીસ સ્ટેશને બોલાવ્યા. યુવતીના પરિવારવાળાને બોલાવ્યા. બંને વચ્ચે સમજૂતી કરાવી અને લગ્ન કરાવી આપવા સહમતી સાધી આપી. હવે બંનેનાં લગ્ન લૉકડાઉન ખૂલે પછી રાજીખુશીથી કરાવી આપવાનું નક્કી થયું છે. હાલમાં તો યુવક અને યુવતી પોતપોતાના ઘરે છે અને વળી પાછા મિલનની આશમાં લૉકડાઉન ખૂલે એની રાહ જોઈ રહ્યાં છે.

આ બધામાં સૌથી મજેદાર કિસ્સો મથુરાના માર્ટ ગામનો છે. માર્ટ ગામની યુવતી પોતાના પ્રેમીને મળવા માટે ૬૭૦ કિમીનું અંતર ચાલતા કાપીને છે…..ક ગોરખપુર પહોંચી હતી. યુવક અને યુવતી બંને વચ્ચે પ્રેમ તો માર્ટમાં જ પાંગર્યો હતો, પણ યુવક ત્યાર બાદ મથુરા છોડીને ગોરખપુર આવી ગયો હતો. યુવતીથી યુવકનો વિરહ સહન ન થતાં તે પોતાના પ્રેમીને શોધવા ચાલતી-ચાલતી જ ગોરખપુર જવા નીકળી ગઈ હતી.

જોકે, ગોરખપુરમાં તેનો પ્રેમી ક્યાં રહે છે તેની જાણ તેને નહોતી. આખરે યુવતીએ પોલીસની મદદ લીધી. પોલીસે જ્યારે યુવકને ફોન લગાવ્યો તો પોતે સૂરજ વાત કરી રહ્યો હોવાનું કબૂલ્યું, પણ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હોવાનું જાણીને આ ભાઈએ આગળ કશી વાત સાંભળ્યા વિના ફોન કટ કરી દીધો અને પછી સ્વિચ ઓફ કરી નાંખ્યો. પોલીસ માટે આ કિસ્સો ચકરાવે ચડાવનારો સાબિત થયો હતો. આખરે પોલીસે એ યુવતીની રહેવાની વ્યવસ્થા કરવાની જવાબદારી એક સ્વયંસેવી સંસ્થાને સોંપી છે અને પોલીસ યુવક ફોન સ્વિચ ઓન કરે એની રાહ જોઈ રહી છે. હવે આ બધાં પ્રેમી જોડાં લૉકડાઉન ખૂલે એની રાહ જોઈ રહ્યાં છે, જેથી તેઓ ફરી પાછા મળી શકે. આવા પ્રેમીઓના કિસ્સા સાંભળીને આપણા ગુજરાતી કવિ અને ગઝલકાર સૈફ પાલનપુરીની રચના યાદ આવે છે… – છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.
—————–,

કોરોનાપ્રેમ સંબંધવિવાહ
Comments (0)
Add Comment