- કવર સ્ટોરી
કોરોના મહામારીએ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું છે. રોજબરોજની દિનચર્યા ઉપરાંત જીવનના મહત્ત્વના પ્રસંગોમાં પણ પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. જીવનના મહત્ત્વના પ્રસંગો એટલે લગ્ન અને મરણ. જોકે, આપણે અહીં મરણ નહીં, લગ્નની વાત કરવાની છે. ધામધૂમ અને બિગ બજેટ વેડિંગનું સ્થાન આજકાલ સાદગી અને મર્યાદિત સ્ત્રોતોએ લઈ લીધું છે. એક સમય હતો જ્યારે ભપકાદાર, ગ્લેમરસ, ફિલ્મી સ્ટાઇલ લગ્નો વર-વધૂ ઉપરાંત દરેક પરિવારની પહેલી પસંદ રહેતી, પણ લોકોના કોડ પર કોરોનાએ પાણી ફેરી દીધું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હવે બહુ મર્યાદિત લોકોની વચ્ચે, બહુ મર્યાદિત આઇટમો સાથેના ભોજન સમારંભ સાથે દેશમાં વિવિધ સ્થળોએ લગ્નો સંપન્ન થઈ રહ્યાં છે. એક સમયે લગ્નસમારંભોમાં ઢગલાબંધ જાનૈયાઓ સાથે પીઠી-મહેંદી, સંગીત સંધ્યા જેવા સમારંભોનાં આયોજનો થતાં, તેના સ્થાને હવે લૉકડાઉનની વચ્ચે નિર્ધારિત તારીખે લગ્ન સંપન્ન થાય તેનું જ ધ્યાન રાખવામાં આવે છે. પીઠીનું સ્થાન સેનેટાઇઝર, મહેંદીનું સ્થાન હાથ-મોજાં અને મેકઅપનું સ્થાન માસ્કે લઈ લીધું છે. એકબીજા સાથે સાત જન્મ નિભાવવાના, સુખદુઃખમાં ડગલે ને પગલે એકબીજાનો સાથ આપવાના કૉલ સાથે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના ફેરા ફરનારા દંપતી સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી રહ્યા છે. લૉકડાઉનના કારણે જે લોકો નિર્ધારિત તારીખે લગ્નનું ઓફલાઇન આયોજન નથી કરી શક્યા તેમના માટે ઓનલાઇન વેડિંગ નામનું નવું પરિમાણ ઉમેરાયું છે.
આપણે ત્યાં ઇતિહાસમાં એવા કેટલાક કિસ્સા નોંધાયા છે અને અમુક જ્ઞાતિઓમાં તો એવો રિવાજ છે કે વર લગ્નની ચોળીમાં હાજર ન રહી શકે તો તેના સ્થાન તલવાર, ફોટો કે અન્ય કોઈ પ્રતીકાત્મક વસ્તુ સાથે વધૂનાં લગ્ન કરાવવામાં આવતાં. હવે આ અપવાદરૃપ કિસ્સા કહો કે રિવાજ, એમાં ટ્વિસ્ટ આવ્યો છે. તું નથી તો તારો ફોટો પણ ચાલશેની તર્જ પર હવે વર્ચ્યુઅલ વેડિંગ આકાર લઈ રહ્યાં છે. જેમાં ફોટો તો નહીં, પણ વ્યક્તિ પોતે હાજર હોય છે, પણ પ્રત્યક્ષ નહીં પરોક્ષ રીતે. વીડિયો કૉલિંગના માધ્યમથી. કોરોનાના સંકટ વચ્ચે ઘણા દંપતી વીડિયો કૉલિંગ ઍપ્લિકેશનોના માધ્યમથી લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે. ગયા મહિને દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા ઘણા સ્થળોએ ઓનલાઇન વેડિંગ યોજાયાં. ઓનલાઇન વેડિંગ કરનારાં જોડાંઓનું કહેવું હતું કે દિલ તો બેન્ડ-બાજા-બારાત સાથે લગ્ન કરવાનું હતું, પણ કોરોનાને કારણે દિલ કે અરમાન આંસુઓ મેં બહ ગયે જેવો ઘાટ થયો અને ઓનલાઇન શરણાઈ વગાડીને સંતોષ માનવો પડ્યો. જેમણે ઓનલાઇન વેડિંગ નથી કર્યાં, તેમણે ચાર-પાંચ માણસોની હાજરીમાં લગ્ન પ્રસંગ સંપન્ન કર્યો છેે.
કોરોનાએ ઘરે-ઘરે લોકોને ફોટોગ્રાફર બનાવી દીધા
સામાન્ય રીતે લગ્નનું સૌથી મોટું અને મહત્ત્વનું આકર્ષણ હોય તો એ છે – ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી. જોકે, કોરોના મહામારીને કારણે ફોટોગ્રાફરોની ગેરહાજરી વર્તાઈ રહી છે. તેથી જ કોરોનાકાળમાં થઈ રહેલાં લગ્નોમાં પરિવારના સભ્યો જ ફોટોગ્રાફરની ભૂમિકા નિભાવી રહ્યા છે. થેન્ક્સ ટુ સ્માર્ટ ફોન. લગ્ન સમારંભમાં ફોટોગ્રાફીનો અધધ ખર્ચ થતો હોય છે. પ્રિવેડિંગ ફોટોશૂટ, વેડિંગ ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી વગેરે સેશનનો ખર્ચ અને સમયનો ખર્ચ – બંનેમાં બચત કરાવવાનું કામ કોરોનાએ કર્યું છે.
જે ઘરમાં લગ્ન લેવાવાના હોય, એ ઘરનો માહોલ જ આખો અલગ હોય છે. દરેકના દિલમાં ઉમંગ હોય છે – હરખ હોય છે, પણ લૉકડાઉનના કારણે અમુક રસ્તાઓ કેવા સૂમસામ ભાસે છે, એવી જ સ્થિતિ હાલમાં થઈ રહેલાં લગ્નોમાં જોવા મળી રહી છે. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં, કોઈ પણ પ્રકારના શોરબકોર વિના લગ્નો પાર પડી રહ્યાં છે. લગ્નો મેરેજ હૉલને સ્થાને ઘરેથી જ થઈ રહ્યાં છે. જે ઘરોમાં ઓનલાઇન વેડિંગ નથી થઈ રહ્યાં, પણ સાદગીપૂર્ણ રીતે લગ્ન થઈ રહ્યાં છે ત્યાં આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો ઉપસ્થિત રહે છે. અતિથિ સત્કારની ચિંતા, ઉતારો આપવાની ચિંતા વગેરે ચિંતામાંથી લોકો મુક્ત બન્યા છે અને આરામ ફરમાવી રહ્યા છે.
સૌથી મહત્ત્વની વાત – બ્રાઇડલ મેકઅપની. દરેક યુવતીનું સપનું હોય છે લગ્નના દિવસે સરસ મજાના તૈયાર થવાનું, સુંદર દેખાવાનું. જોકે, કોરોનાએ વધૂના આ ઓરતાને આવજો કહેવડાવી દીધું. લગ્ન નક્કી થયા હોય તેના અમુક મહિનાઓ પહેલાથી જ બ્રાઇડલ પેકેજ અંતર્ગત વિવિધ ટ્રીટમેન્ટ લેવાનું કામ યુવતીઓ કરતી હોય છે. ઘણીવાર જો ટ્રીટમેન્ટ ન લે તો લગ્નના દિવસ માટે જ ખાસ બ્રાઇડલ પેકેજ પર પસંદગી ઉતારતી હોય છે. જોકે, કોરોનાને કારણે હવે વધૂએ પોતાનો મેકઅપ પોતાની જાતે કરવાની ફરજ પડી છે અથવા જે સાથે હોય એ લોકોની મદદ લેવાની જરૃર પડી છે. અધૂરામાં પૂરું હવે મેકઅપ પણ માસ્ક નીચે ઢંકાઈ જતો હોય છે.
ખેર, અછતો વચ્ચે પણ એક છત નીચે સાથે રહેવાનું નામ જ તો જિંદગી છે. અભાવો વચ્ચે પણ ભાવપૂર્વક એકબીજા સાથે રહી શકાય છે અને લગ્નપ્રસંગો પાર પડી શકાય છે એ કોરોનાની મહામારીએ લોકોને શીખવી દીધું છે.
——————–,