માગ્યું જીવન કે માગ્યું મોત કોઈને મળતું નથી!

મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો કહે છે કે થોડીક ક્ષણોનું જ છેટું પડ્યું.
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા એક દંપતી રાત્રિના એકાંતમાં, શયનખંડમાં આપસમાં વાત કરતાં હતાં. પતિએ કહ્યું કે મને લાગે છે કે આપણી આવરદા લગભગ પૂરી થવા આવી છે. મને લાગે છે કે આપણે બંને લગભગ સાથે જ મૃત્યુ પામીશું. પત્નીએ કહ્યું, ‘પતિ-પત્ની વચ્ચે સ્નેહ ગમે તેટલો હોય, પણ કોઈ પતિ-પત્ની લગભગ જ એકબીજાની સાથે આ સંસાર છોડી જતાં નથી. બે વ્યક્તિ વચ્ચે ગમે તેટલો સ્નેહ હોય પણ કોઈ પતિ-પત્ની સાથે જન્મ્યા હોતાં નથી કે સાથે મૃત્યુ પામ્યાં હોતાં નથી.

જીવનનો મોહ તો દરેકને હોય છે. ગમે તેટલો કંટાળો આવતો હોય તો પણ કોઈને મરી જવું ગમતું નથી. કેટલાક સુખી વૃદ્ધ માણસો એવું કહે છે કે મેં તો ભગવાન પાસે એવું મોત માગ્યું છે કે જીવનની એ અંતિમ ક્ષણોમાં હું પલંગમાં સૂતો સૂતો પ્રભુનું નામ લેતો હોઉં અને મારી પાસે મારા પરિવારના સભ્યો અને મિત્રો મને વીંટળાઈ વળ્યા હોય. આવી કલ્પના કરવી માણસને ગમે પણ જેમ માગ્યું જમણ મળતું નથી તેમ માગ્યું મૃત્યુ પણ મળતું નથી.

એક ગૃહસ્થ થોડા દિવસ માટે ઋષિકેશ જવાનું વિચારતા હતા. એમના મનનો ભાવ એવો હતો કે હું ત્યાં ગંગાકિનારે જીવનનો અંતિમ શ્વાસ લઉં. એ જ્યારે પોતાની મોટરમાં ઋષિકેશ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં એક પહાડી ઉપરથી તેમની મોટર પસાર થઈ રહી હતી ત્યારે સડકના એક સાંકડા રસ્તા ઉપર મિલિટરીની એક ટ્રક તેની સાથે અથડાઈ અને એ ગૃહસ્થ અને મોટર નીચેની ખીણમાં પડી ગયા.

દરેક માણસને સુખ અને શાંતિના સંજોગોમાં પોતાનો પ્રાણ છોડવો ગમે. જન્મની બાબતમાં જેમ માણસની પસંદગી નથી તેમ મૃત્યુની બાબતમાં માણસની કોઈ પસંદગી હોતી નથી. રાજકોટના એક ગૃહસ્થ કોલકાતા તેમના મિત્રના મહેમાન બન્યા હતા. એ દાઢી કરવાની આળસને લીધે એક હેરકટિંગ સલૂનમાં વાળ કપાવવા અને દાઢી કરાવવા ગયા. એ ખુરશીમાં બેઠા, વાળંદે છાતીનો ભાગ વસ્ત્રથી ઢાંક્યો. બાર્બર દાઢી કરવાની શરૃઆત કરે તે પહેલાં જ એ ગૃહસ્થે આંખો મીંચી દીધી. બાર્બરે હસીને કહ્યું કે ઊંઘી ગયા છે કે શું? કંઈ જવાબ ના મળ્યો. વાળંદે એમને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ જાગ્યા નહીં. માથું એક બાજુ નમાવી દીધું. એ હંમેશાં માટે પોઢી ગયા હતા.

ગમે તેટલા સારા સંજોગોમાં માણસ હોય, પણ કોઈને માગ્યું મોત મળતું નથી. મૃત્યુને બિછાને પડેલા કેટલાક માણસો પોતાના સ્નેહીજન સાથે અંતિમ મુલાકાત ઇચ્છતા હોય છે. કોઈક સગાના આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. તે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે. ‘મારા સ્વજનને મારે મળવું છે એટલે એ આવે ત્યાં સુધી મને જીવતો અને ભાનમાં રાખજે, પણ કોઈની આવી પ્રાર્થના ભાગ્યે જ સંભળાતી હોય છે.’

મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો કહે છે કે થોડીક ક્ષણોનું જ છેટું પડ્યું. રાહમાં થોડું મોડું થયું અને હું પહોંચું તે પહેલાં જ ચાલ્યા ગયા. માણસની જિંદગીની એ પરમ વાસ્તવિકતા છે કે કોઈને જેમ માગી જિંદગી મળતી નથી તેમ માગ્યું મોત પણ મળતું નથી.

એક ગૃહસ્થે જ્યોતિષીને પૂછ્યું કે, મારા સ્નેહીજનોની હાજરીમાં હું શાંતિથી પ્રાણ છોડી શકીશ? જ્યોતિષે કોઈ જવાબ ન આપ્યો, પણ એ ગૃહસ્થે જ્યારે અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમનું કોઈ સગું હાજર ન હતું. કોઈકના આવવાની અપેક્ષાથી રાહ જોતા એ મટકું પણ મારતા ન હતા. તેઓની અંતિમ ક્ષણે તેમણે જોયું તો બારણાના ઊમરા પર એમનો પાળેલો કૂતરો ડ્યૂક માત્ર ત્યાં બેઠો હતો. ડ્યૂક ઊભો થયો અને પોતાના માલિકને સૂંઘવા માંડ્યો. એ ડ્યૂકને પણ એવું જ્ઞાન થયું કે મારા માલિક શ્વાસ લઈ રહ્યા નથી. પ્રાણનો દીવો જ્યારે બુઝાઈ જાય ત્યારે પ્રાણીને પણ ખબર પડી જાય છે કે પોતાના માલિકના પ્રાણનો દીવો બુઝાઈ ગયો છે.

આ સંસારમાં કોઈ પોતાની ઇચ્છાથી આવ્યો હોતો નથી અને પોતાની ઇચ્છા પ્રમાણે આ સંસાર છોડી શકતો નથી.

———————–

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment