ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને માફક આવતું નથી

અહીં ક્લાસરૃમ પણ આભાસી છે.
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

ટૅક-લર્નિંગનાં ઘણા જમા પાસાં છે તો ઉધાર પાસાં પણ છે. ભારતમાં અને વિશ્વમાં હજી આ વ્યવસ્થા બાલ્ય-અવસ્થામાં છે તેથી દાંત ઊગવાની સમસ્યાઓનો સામનો કરવાનો તો રહે જ છે. જે શિક્ષણ રેગ્યુલર ક્લાસરૃમમાં અપાય છે તે આધુનિક ટૅક્નોલોજી વડે અપાય તો વિદ્યાર્થીઓને શિખવાડવાનું અને શિખવાનું બંને આસાન બની જાય છે. વિદ્યાર્થીઓને સારી રીતે યાદ પણ રહે છે. વર્ચ્યુઅલ રિઅલિટી (વીઆર) અને ઓગમેન્ટેડ રિઅલિટી (એઆર)ની ટૅક્નોલોજીઓ ખૂબ અસરકારક અને મદદરૃપ પુરવાર થઈ રહી છે.

સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં થઈ રહેલી ઝડપી પ્રગતિની પાર્શ્વભૂમિમાં કહેવાઈ રહ્યું હતું કે હવે પછીનાં થોડાં વરસો બાદ ઑપરેશન થિયેટરોમાં તબીબોની જરૃર નહીં રહે. રૉબોટ વડે શસ્ત્રક્રિયાઓ થશે. કાયદા કાનૂનના જ્ઞાન અને સલાહ રૉબોટ ધારાશાસ્ત્રીઓ આપશે. ક્લાસરૃમમાં શિક્ષકોની જરૃર નહીં રહે, પણ શિક્ષણની આવી ટૅક્નિકલ વ્યવસ્થા અત્યારથી જ શરૃ કરવી પડશે તેવું કોઈએ ધાર્યું ન હતું. કોરોના સંકટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે માત્ર ઈ-લર્નિંગ અથવા ટૅક ટ્યુટરનો વિકલ્પ અપનાવવાની ફરજ પાડી છે.

ટૅક-લર્નિંગના ઘણા જમા પાસાં છે તો ઉધાર પાસાં પણ છે. ભારતમાં અને વિશ્વમાં હજી આ વ્યવસ્થા બાલ્ય-અવસ્થામાં છે તેથી દાંત ઊગવાની સમસ્યાઓનો સામનો કવાનો તો રહે જ છે. જે શિક્ષણ રેગ્યુલર ક્લાસરૃમમાં અપાય છે તે આધુનિક ટૅક્નોલોજી વડે અપાય તો વિદ્યાર્થીઓને શિખવાડવાનું અને શિખવાનું બંને આસાન બની જાય છે. વિદ્યાર્થીઓને સારી રીતે યાદ પણ રહે છે. વર્ચ્યુઅલ રિઅલિટી (વીઆર) અને ઓગમેન્ટેડ રિઅલિટી (એઆર)ની ટૅક્નોલોજીઓ ખૂબ અસરકારક અને મદદરૃપ પુરવાર થઈ રહી છે.

જેમ કે, વિદ્યાર્થી માથા પર ગૂગલ કાર્ડબોર્ડ કે અન્ય કંપનીનો વીઆર હેડસેટ ધારણ કરે છે. વીઆર હેડસેટ દ્વારા વિદ્યાર્થીને દેખાય છે કે હવામાં માનવીનું મગજ લટકી રહ્યું છે. આ ઈમેજ આભાસી છે. વીઆર હેડસેટ વિદ્યાર્થીને સૂચન કરે છે કે કન્ટ્રોલર અથવા નિયામકનો ઉપયોગ કરીને તેને મગજની ઇમેજ પર કેન્દ્રિત કરે. આ મગજને કન્ટ્રોલરની મદદ વડે ઉપર નીચે, આગળ પાછળ, ઊંધું છતું કોઈ પણ દિશામાં ફેરવી શકાય છે. મગજના અલગ-અલગ વિભાગો (લોબ્સ) જુદાં પણ પડે છે અને જે કોઈ પણ વિભાગ પર ક્લીક કરે ત્યારે વિગતવાર શિક્ષણ અપાય છે કે મગજના કુલ કામમાં એ લોબ શું કાર્ય બજાવે છે! જેમ કે ટેમ્પોટલ લોબમાં પ્રેમ અને લાગણીઓની ક્રિયાઓનું સંચલન અને સંચાલન થાય છે. અમીગ્દલામાં યાદશક્તિ અને શિખવવાની પ્રક્રિયા ચાલે છે. ઓક્સિપિટલ લોબ દૃશ્ય જોવાની અને તે માહિતી અને પ્રોસેસ કરવાનું કામ કરે છે, વગેરે. મગજના ભાગો છૂટા કરીને વિદ્યાર્થી ફરીથી જોડી શકે છે. સાચી રીતે જોડે તો તેને વધુ માર્ક્સ મળે છે. મગજની આ ઈમેજો ટીવીના, કે કોમ્પ્યુટર મોનિટરના પરદા પર દેખાય તેવી ફ્લેટ કે સપાટ નથી હોતી. ઘન સ્વરૃપમાં દેખાય. જેમણે સિંગાપુરના કે અમેરિકાના યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત લીધી હશે તેઓને ખબર છે કે અમુક અલગ પ્રકારની કાલ્પનિક સૃષ્ટિની વચ્ચે પોતે પણ સામેલ કે હાજર હોય છે. હકીકત એ છે કે એ કાલ્પનિક સૃષ્ટિ સાચી લાગે, પણ ટૅક્નોલોજીથી ઘડેલી કાલ્પનિક જ હોય છે.

અહીં ક્લાસરૃમ પણ આભાસી છે. છતાં સાચા ક્લાસરૃમમાં શિક્ષક પાઠ્યપુસ્તક અને બ્લેકબોર્ડ વડે સમજાવે – શિખવાડે તેના કરતાં વર્ચ્યુઅલ ક્લાસરૃમમાં વિદ્યાર્થી વધુ સારી રીતે શિખી શકે. આ પ્રકારના શિક્ષણકાર્ય માટે મોડ્યુલ્સ (જેમ કે અહીં મગજનું મોડ્યુલ્સ) તૈયાર કરતી અનેક સ્ટાર્ટ-અપ કંપનીઓ શરૃ થઈ છે. આ શૈલીથી અપાતા શિક્ષણમાં માહિતી અને સમજણ વચ્ચેનો ભેદ અથવા શૂન્યાવકાશ દૂર થાય છે. વિદ્યાર્થી નિષ્ક્રિય અથવા પેસિવ લર્નર મટીને એક્ટિવ લર્નર બને છે. આ ટૅક્નિકનો ફાયદો એ છે કે ક્લાસરૃમમાં જીવતા જાગતા સાચા શિક્ષક હોય તો ટૅક્નિકને ટૂલ તરીકે વાપરીને એમનું શિક્ષણકાર્ય આસાન અને મજબૂત બને છે.

કોઈ દૃશ્ય-શ્રાવ્ય અને અન્ય અનુભવોમાં વધારો કરે તેને ઓગમેન્ટેડ અથવા વધારેલી (સંવર્ધિત) રિઅલિટી (વાસ્તવિકતા) કહે છે. આભાસી વાસ્તવિકતા હોઈ શકે નહીં, પણ ટૅક્નોલોજી તે કરી બતાવે છે. જેમ કે તમે કાર, વિમાન વગેરે સિમ્યુલેટર દ્વારા ચલાવતા શિખો તેમાં એઆર હોય છે. કારનો અવાજ, ટાયરનું ઘર્ષણ વગેરે અવાજો સંભળાય. તમે થડકારા અનુભવો, પરંતુ વર્ચ્યુઅલ રિઅલિટીમાં તમે વાસ્તવિકતાથી સાવ અલગ પડી જાઓ છો. એક એવી દુનિયામાં પહોંચાડી દેવામાં આવે જેમાંથી બહાર આવ્યા બાદ તમને પોતાને જ તે ઘટના એક મોટું ગપ્પું લાગે. જેમ કે તમે વ્હેલમાછલી કે ગેંડાની પીઠ પર બેસીને જતા હો. મેનહટ્ટન પર નાનકડી કારમાં બેસીને ઊડતા હો, વગેરે. જ્યારે તમને એ ઘટનાક્રમમાં સામેલ હો ત્યારે બધું સાવ સાચું જ લાગે. હવે કાલ્પનિકને બદલે સાચી વિગતો આ વીઆર ટૅક્નોલોજીથી શિખવાડવામાં આવે ત્યારે તેમાં જરૃર મજા પડે. સિવાય કે વિદ્યાર્થી સાવ ઢ કે ડફોળ હોય. ભારતમાં આ ટૅક્નોલોજીના વપરાશમાં કેટલીક ટૅક્નિકલ તકલીફો છે. જેમ કે તેના વપરાશ માટે સક્ષમ ઈન્ટરનેટ માળખું હોવું જોઈએ. ઘરે બેસીને શિખવા માટે વાઈ-ફાઈ કે ડેટા કનેક્શનો હોવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં તે નથી અને શહેરી વિસ્તારોમાં વાઈ-ફાઈ ડેટાને નામે નકરી છેતરપિંડીઓ ચાલે છે. મોબાઈલ કેરીઅર કંપનીઓ પણ ડેટાને નામે બફરિંગ (સતત ગોળ ફરતું રહેતું ચક્કર) આપે છે. હમણાનાં વરસોમાં ગુણવત્તા ઘટી છે, કારણ કે સ્માર્ટફોનની સંખ્યા ખૂબ વધી તેમ ડિમાન્ડ ખૂબ વધી. એક તરફ ડિમાન્ડ છે અને બીજી તરફ મોબાઇલ કંપનીઓ દેવાળાં ફૂંકે છે. અજીબ વિરોધાભાસ છે. દુનિયાની અમુક નામી કંપનીઓ એક-બે વરસમાં પૃથ્વીની આસપાસ ઉપગ્રહોનાં ઝૂમખાં તરતાં મૂકશે જેથી પૃથ્વીના દરેક હિસ્સામાં ઈન્ટરનેટ આસાનીથી ઉપલબ્ધ થશે. તેથી વર્ચ્યુઅલ ક્લાસ-રૃમ ભરવાનું પણ સરળ બનશે. હાલમાં તો કેટલીક ખાનગી અને મોંઘી શાળા-કૉલેજોમાં તેનો વપરાશ થાય છે. નીચલા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને તે પરવડે એવી સ્થિતિ આવી નથી. વીઆર હેડસેટ ચારથી છ હજાર રૃપિયાની કિંમતે મળે છે તેથી સ્માર્ટફોનના આ યુગમાં તે ખાસ મોંઘા ના ગણાય, પણ તેના ડેટા કનેક્શન માટે સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર વસાવવા પડે. વાઈ-ફાઈ જેવી સર્વિસો લેવી પડે જે દરેક વિદ્યાર્થીને પોસાય નહીં. છતાં ધીમે-ધીમે આ વ્યવસ્થા એક રિઅલિટી બનવા જઈ રહી છે. આજકાલ શિક્ષણ જગતમાં તેની જ ચર્ચા ચાલી રહી છે. એક ‘બેન્ડવિધ ઑપ્ટિમાઈઝેશન ટૅક્નોલોજી’ પણ વ્યવહારમાં આવી છે તેના વડે જ્યાં નેટવર્ક નબળું હોય તેવા વિસ્તારોમાં પણ લાઈવ ક્લાસરૃમનો લાભ લઈ શકાય છે.

વરસ ૨૦૧૯માં ઘડાયેલી ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણની સર્વાંગી ગુણવત્તા સુધારવા માટે ટૅક્નોલોજીના વપરાશ અને સમન્વયને એક મહત્ત્વની નીતિ તરીકે અપનાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવશે અને તમામ સ્તરે શિક્ષકો અને વિદ્યાર્થીઓને તે પૂરાં પાડવામાં આવશે. હવે પછીની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને વીઆર હેડસેટ્સ મફતમાં આપવાની ઘોષણા કરે તે શક્યતા છે.

થોડાં વરસોમાં પરંપરાગત ક્લાસરૃમની વ્યવસ્થા અને ખ્યાલોનો ભંગ થશે. ટ્યૂશન ક્લાસોની લોકપ્રિયતા ઓછી થશે અથવા તેઓએ નવી વ્યવસ્થાઓ પ્રમાણે કંઈક નવું લાવવું પડશે. આજે ખાનગી પ્રાથમિક શાળાઓની સરખામણીમાં સરકારી ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ સરકાર વધુ ખર્ચ કરે છે, પણ શિક્ષણમાં ગુણવત્તા નથી. દક્ષિણ ગુજરાતમાં વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવાનું વધુ પસંદ કરે છે. અન્યત્ર પણ આ ઢંગ જ હશે. તે માટે વાલીઓ ફી પણ ભરે છે. નવી ટૅક્નોલોજી સફળ થશે તેમ તેમ નવાં પરિવર્તનો આવશે. તદ્દાનુસાર નવા શિક્ષકો તૈયાર કરવા પડશે. નવા ક્લાસરૃમ મૉડેલમાં શિક્ષકો ઘેર બેસીને શિક્ષણ આપશે અને વિદ્યાર્થી સેલફોન કે કોમ્પ્યુટર વડે ગમે ત્યાં બેસીને તે આત્મસાત કરી શકશે. અમુક પ્રકારના ખર્ચાઓ વધશે તો અમુક શાળાકીય ખર્ચાઓ ઘટશે.

હાલમાં કોરોના સંકટને કારણે શાળાઓ બંધ કરવી પડી અને ઈ-લર્નિંગ ક્લાસ દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં શરૃ થયા તે તમામમાં વીઆર ટૅક્નોલોજીથી શિક્ષણ અપાતું નથી, પરંતુ ઝૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ અથવા ગૂગલ હેન્ગઆઉટ જેવા કૉન્ફરન્સ ઍપ્લિકેશનો વડે શિક્ષણ અપાય છે. તેમાં વિદ્યાર્થી પાસે કેમેરા સહિતનું ઈન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. તેમાં પણ કેટલીક મુસીબતો વિદ્યાર્થીઓ ઊભી કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસથી ખુશ નથી. તેઓને શાળામાં જવું, શાળાનાં મેદાનોમાં રમવું, બીજા વિદ્યાર્થીઓ સાથે હળવા-મળવાનું ખૂબ પસંદ હોય છે. ઓનલાઈનમાં તેઓ શાળાનું વાતાવરણ મિસ કરે. બાકી શારીરિક કસરતનો ક્લાસ મિસ કરે. બાકી બધું ઓનલાઈન સારી રીતે શિખી શકાય છે. દિલ્હી (એનસીઆર)ની નવમા ધોરણની ટેકસ્ટબુકમાં એક પાઠ આવે છે જેમાં જણાવ્યું છે કે વરસ સન ૨૧૫૭માં વિદ્યાર્થીઓને શાળાએ જવું નહીં પડે અને શિક્ષણ આપવાનું કાર્ય કોમ્પ્યુટરો સંભાળતાં હશે. જે ઘટના સવાસો – દોઢસો વરસ પછી ઘટવાની હતી તે આજથી જ આકાર લેવા માંડી છે, પરંતુ શિક્ષણમાં માનવીય તત્ત્વનો છેદ ઉડાવાની કેટલીક સમસ્યાઓ છે.

કોવિડ-૧૯ના સંકટના પ્રતાપે વિદ્યાર્થીઓ ઓનલાઈન વ્યવસ્થા સાથે ગોઠવાઈ તો ગયા છે છતાં શરારતો ના કરે તો વિદ્યાર્થીઓ શેના? આગળ જણાવ્યું તેમ ઝૂમ અથવા માઈક્રોસોફ્ટ ટીમ્સ અથવા ગૂગલ હેન્ગઆઉટના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે. ક્લાસરૃમમાં શિક્ષક પોતે એક સ્ક્રીન સામે બેસે છે. ઓનલાઈન ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ લોગ-ઈન થયા હોય. સ્ક્રીન પર તેઓના નાના-નાના ચહેરા દેખાય, પણ શિક્ષક સાચા ક્લાસરૃમમાં વિદ્યાર્થીઓ પર જે રીતે નજર રાખી શકે તે રીતની ચીવટ સાથે સ્ક્રીન પરના વિદ્યાર્થીઓ પર નજર રાખી ના શકે. દિલ્હીના એક કિસ્સામાં દસમા ધોરણના ત્રણ ક્લાસના ગણિતના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન ક્લાસનું આયોજન કર્યું હતું. ક્લાસ શરૃ થયાની થોડી ક્ષણો બાદ એક વિદ્યાર્થીએ પોતાના કોમ્પ્યુટર ફિલ્મી ગીત વગાડવાનું શરૃ કર્યું. આવા તોફાની વિદ્યાર્થીઓને ક્લાસમાંથી આપોઆપ ડ્રોપ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ, પણ હાલના તબક્કે તો શિક્ષક અસહાય બની ગયા. અન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન હસતા રહ્યા અને શિક્ષક ક્લાસ લઈ ના શક્યા. જ્યારે લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ હોય અને નાની નાની વિન્ડોમાં તેઓને જોઈ શકાતા હોય તો પણ આવી શરારત કોણ કરે છે તે પકડી પાડવાનું મુશ્કેલ છે. દિલ્હીની એ શાળા હવે નાની નાની સંખ્યામાં (બેચીસમાં) ઓનલાઈન ક્લાસ યોજે છે જેથી કોઈ તોફાનીની હરકત પકડી શકાય.

દિલ્હીની શાળાઓ દ્વારા વિદ્યાર્થી ઘરે ઓનલાઈન અભ્યાસ કરે ત્યારે ઘરનું વાતાવરણ અને વિદ્યાર્થી સહિત ઘરના લોકોનાં વર્તન અને રીતભાત કેવાં હોવાં જોઈએ તે બાબતમાં વાલીઓને સૂચનો અને માર્ગદર્શનો અપાયાં છે. જેમ કે, વિદ્યાર્થીએ પથારીમાં બેસીને નહીં, પરંતુ ટેબલ સામે ખુરશી ગોઠવીને વ્યવસ્થિત બેસવાનું હોય છે. પાયજામો, બરમૂડા કે ચડ્ડી, બનિયનમાં નહીં, પરંતુ વ્યવસ્થિત કપડાં પહેરીને બેસવાનું હોય છે. વિદ્યાર્થી જે રૃમમાં બેઠો હોય ત્યારે ગાજરનો હલવો ખવડાવવા આવી શકે નહીં. માતા, બહેનો કે ભાઈ-ભાંડુઓએ સંયમ રાખવો પડે છે. લૉકડાઉન પાળવું પડે. જો તેમ ના કરે તો ઘરે બેસીને ક્લાસમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકને ખલેલ પહોંચે. વિદ્યાર્થીના ઓરડામાં પાળેલા પ્રાણી, કૂતરા, બિલાડી કે પોપટ જેવા પક્ષી રાખવાનાં હોતાં નથી. શિક્ષકોની નકલ પોપટ કરવા માંડે તો?

ગુરગાંવની ભદ્ર સમાજ માટેની એક હાઈ-પ્રોફાઈલ ખાનગી શાળામાં ‘માઈક્રોસોફ્ટ ટીમ્સ’ના પ્લેટફોર્મ પર ઓનલાઈન ક્લાસ લેવાય છે. આ સિસ્ટમમાં ક્લાસમાં જોડાનારા વિદ્યાર્થીઓને ફોન દ્વારા એક આઈડી અને પાસવર્ડ પહોંચાડવામાં આવે છે. વિદ્યાર્થી તે આઈડી પર લોગ-ઈન કરી શકે. અમુક વિદ્યાર્થીઓ અન્ય શાળાઓમાં ભણતા પોતાના મિત્રોને એ આઈડી અને પાસવર્ડ આપી દે. જ્યારે ક્લાસ શરૃ થાય ત્યારે આ બહારના વિદ્યાર્થીઓ નેટવર્કમાં ઘૂસીને આખા ક્લાસને ખલેલ પહોંચાડે. બહારનો હોય તેથી શિક્ષક એને ઓળખતા પણ ન હોય.

ગૂગલ હેન્ગઆઉટના પ્લેટફોર્મ પર જુદી સમસ્યા છે. તેમાં કોઈ ઍડ્મિનિસ્ટ્રેટર હોતો નથી તેથી ક્યારેક સ્ક્રીન પરથી શિક્ષકને ગાયબ કરી દેવાય તો ક્યારેક શિક્ષકને મૌન  (મ્યુટ) કરી દેવાય. વાસ્તવમાં શિક્ષક બોલતા હોય પણ વિદ્યાર્થીઓ સુધી અવાજ ન પહોંચે.આવાં કૃત્યો બારકસ વિદ્યાર્થીઓ કરે, પરંતુ ખરેખર ભણવા માગતા હોય તેઓ ડિસ્ટર્બ થઈ જાય. હાઈસ્કૂલના ભરાડી વિદ્યાર્થીઓ આવાં તોફાનો કરે, પણ નાની ઉંમરના, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ક્લાસમાં વારંવાર ઘોંઘાટ અને શોરબકોર શરૃ થઈ જાય. દિલ્હીની એક શાળામાં માત્ર દસ બાળકોની એક બેચ રખાય છે, પરંતુ તેમાં બાળકોના વાલીઓ પણ જોડાય છે. તમામ બાળકો અને તેઓનાં માતાપિતાઓ આપસમાં વાર્તાલાપો શરૃ કરી દે પરિણામે ઘોંઘાટ અને ગોંધળ શરૃ થાય. કોઈને કશું સ્પષ્ટ સમજાય નહીં. જાણે કે અર્નબ ગોસ્વામીની ટીવી ડિબેટ જુઓ. એટલું ખરું કે ઈ-ક્લાસમાં ખોટો ગુસ્સો અને ‘હું જ સાચો’ એવી ભાવના હોતી નથી. શાળા દ્વારા બાળકોને ઓનલાઈન ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી વ્યવસ્થા પણ થાય છે, છતાં હજી આ નવી ફોરમેટ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમાં બરાબર ગોઠવાઈ શક્યા નથી. સમય જતાં દરેકને ફાવી જશે અને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શિક્ષણ આપી શકાશે તેવું શાળાના અધિકારીઓનું માનવું છે.

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા નડે છે. નેશનલ કેપિટલ રિજ્યનમાં આ હાલત હોય તો દૂરના વિસ્તારોની શી વાત કરવી? જો ઈન્ટરનેટ કનેક્શન નબળું પકડાય તો વીડિયો (દૃશ્ય) અને ઓડિયો (શ્રાવ્ય) વચ્ચે તાલમેલ રચાતો નથી. શિક્ષક બોલે કંઈક અને સ્ક્રીન પર દેખાય કંઈક. ઘણી વખત માત્ર અમુક વિદ્યાર્થીઓ જ લોગ-ઈન કરવામાં સફળ થાય છે અને અમુક જોડાઈ શકતા નથી. ખુદ શિક્ષક લોગ-ઈન ના થાય તેથી અનેક વખત ક્લાસ કેન્સલ કરવા પડે છે. આ ઇલેક્ટ્રોનિક કૉન્ફરન્સ વ્યવસ્થાઓમાં કેટલીક ટૅક્નિકલ ખામીઓ પણ છે, જે સમય જતાં દૂર થશે. હાલમાં અમુક પ્લેટફોર્મમાં ખૂબ ઓછા શિક્ષકો વ્હાઈટબોર્ડનો ઉપયોગ કરી શકે છે. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને સમજાવવા માટે ‘ઝૂમ’ અને ‘માઈક્રોસોફ્ટ ટીમ્સ’ના ઈન બિલ્ટ સ્ક્રીન શેરિંગ ટૂલનો ઉપયોગ કરે છે અને વિદ્યાર્થીઓ સમક્ષ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન (પીપીટી) ફાઈલો રજૂ કરી શકે છે, પરંતુ લૉકડાઉનનો પિરિયડ હજી લાંબો સમય ખેંચાઈ શકે છે આથી વિદ્યાર્થી અને શિક્ષકોએ શિક્ષણની આ નવી વ્યવસ્થા હાલ તો સ્વીકારી લીધી છે. કોચિંગ સેન્ટરો હાલમાં શાળાઓ, કૉલેજોની માફક બંધ કરી દેવાયા અને લૉકડાઉનને કારણે ખાનગી ટ્યૂશનો પણ ખાનગીમાં જેવાં તેવાં ચાલે છે. નજીક રહેતા વિદ્યાર્થીઓને શિક્ષકો ટ્યૂશન આપે, પણ તેમાં બધા વિષયો આવી ના જાય. આ સ્થિતિમાં માત્ર ઈ-ક્લાસ જ સારો વિકલ્પ બચ્યો છે.

ઓનલાઈન ક્લાસરૃમના કેટલાક ફાયદા છે તે ઓફલાઈન (અર્થાત શાળા-કૉલેજના ઓરડામાં) અપાતા શિક્ષણમાં નથી. સાચા (ઓફ્લાઈન) ક્લાસમાં વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના રસ અને ઉત્સાહને વૈજ્ઞાનિક ઢબે પામી કે પારખી શકાતો નથી, પણ ઓનલાઈનમાં પામી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને તેની કેટલીક શાખાઓ, જેમ કે ‘નેચરલ લેંગ્વેઝ પ્રોસેસિંગ’ (એનએલપી)માં એવા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે જે વ્યક્તિની ભાષા, બોલવા-ચાલવાની ઢબ, શૈલી વગેરેનો પોતાની રીતે અર્થ કરે છે. એકબીજા સાથેની વાતચીતમાં એક માણસ બીજા માણસની વાણી પાછળ છુપાયેલા અર્થઘટનો જાણી શકતો નથી, પણ મશીન અર્થાત કોમ્પ્યુટર તે જાણી શકે છે. વિદ્યાર્થીને કેટલું સમજાઈ રહ્યું છે અને એની સમજશક્તિ કેટલી છે તેનો તાગ મેળવી શકે છે. લાઈવ ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તે સમયના વિદ્યાર્થીના સેન્ટિમેન્ટ્સ અથવા ભાવનાઓનું પણ પૃથક્કરણ મશીનો કરી શકે છે. આજકાલ ફેસ રિકગ્નિશન ટૅક્નોલોજી વડે ભણતરમાં વિદ્યાર્થીને પડી રહેલો રસ અને શિક્ષકની શિખવવાની અસરકારતા બંને જાણી શકાય છે. વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના અભિગમ, રસ અને દિશા કોમ્પ્યુટરોના આધારે નક્કી કરી વિદ્યાર્થીઓને એવાં સલાહ-સૂચનો પણ પૂરા પડાય છે કે એમની માનસિક વૃત્તિ, પ્રકાર અને અભિગમને કયા પ્રકારનું કયા વિષયનું શિક્ષણ માફક આવશે. તેઓને દુનિયામાંથી કઈ કૉલેજો કે યુનિવર્સિટી બંધબેસતી હશે તે પણ જણાવવામાં આવે. આ પ્રકારનાં પૃથક્કરણો કરી આપતાં એઆઈ ટૂલ્સ અથવા સોફ્ટવેર આજકાલ બજારમાં વેપારી ધોરણે પણ ઉપલબ્ધ છે. આજે શિક્ષણમાં એઆઈની બોલબાલા છે, તેમાંય મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગનું ખાસ વધુ મહત્ત્વ છે. એઆઈ વડે વિશ્વ-કક્ષાના શિક્ષકો પેદા કરી શકાય. વિશ્વ કક્ષાના શિક્ષકો એટલે એવા શિક્ષકો જે માત્ર લેક્ચર જ ના આપે, પણ દુનિયાના કોઈ પણ પ્રદેશના વિદ્યાર્થીને સાંભળે, સમજે, વિદ્યાર્થી જ્યાં પણ સ્થિત હોય તદાનુસાર પોતાને ઢાળે. હવે એઆઈના એવા પ્લેટફોર્મ અને સોફ્ટવેર રચાશે જેમાં વિદ્યાર્થીના રસ અનુસાર શિક્ષણ અપાશે.

ગૂગલ એક્સના સ્થાપક સેબેસ્ટીઅન થ્રુન દ્વારા ઉદાસિટી બ્રાન્ડથી આ પ્રકારના સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા છે. આ કંપની સિલિકોન વેલી (કેલિફોર્નિયા) ખાતે છે, પરંતુ ભારતમાં હજારો વેપારી સાહસિકોએ એજ્યુકેશન ટૅક્નોલોજી અથવા એડટેકના ધંધામાં ઝંપલાવ્યું હતું. ઇન્ક ફોર્ટી ટુ મીડિયા કંપનીની સંશોધન સંસ્થા ડેટા લેબ્સના આંકડાઓ પ્રમાણે વરસ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ૪૪૫૦ એડટેક કંપનીઓ ભારતમાં શરૃ થઈ હતી. તેમાંથી લગભગ ૧૧૫૦ કંપનીઓ બંધ પડી ગઈ છે. આજે ભારતમાં પૂરતું ફંડ ધરાવતી ૧૯૪ એડટેક સ્ટાર્ટ-અપ કંપનીઓ છે જેનું કુલ મૂડીરોકાણ લગભગ બે અબજ ડૉલર (લગભગ રૃપિયા પંદર હજાર કરોડ) છે. આમાંની ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓએ લાઈવ શિક્ષણ આપવાની બાબતમાં કેટલાક નવા આયામો શોધી કાઢ્યા છે. જોકે અગાઉ લખ્યું તે મુજબ ઈન્ટરનેટના બેન્ડવિધની પ્રતિકૂળતાને કારણે કંપનીઓ માટે આ કાર્ય કપરું રહ્યું છે. આમ છતાં પંજાબમાં લક્ષ્ય નામની કોચિંગ કંપની વામસી ક્રિષ્ણાએ સ્થાપી હતી જે ખૂબ જાણીતી બની. ૨૦૧૨માં ક્રિષ્ણાએ આ કંપની વેચી દીધી ત્યારે ટેસ્ટના પ્રિપેરેશન માટે ‘લક્ષ્ય’ ઉત્તર ભારતમાં પ્રખ્યાત બ્રાન્ડ બની ચૂકી હતી. વામસી ક્રિષ્ણાએ એટલા માટે વેચી નાખી હતી કે ઓફલાઈન કોચિંગ સેન્ટરો તરીકે તેનો એકસરખો, એક સ્વરૃપમાં વિકાસ કરવો શક્ય ન હતો. ઓફલાઈન હોવાને કારણે શહેરો અને નગરોમાં તેના કોચિંગ સેન્ટરો ખોલવા પડે, કારણ કે શહેર  અને સેન્ટર બદલાય તે પ્રમાણે શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા બદલાય. કંપનીનો મૂળ આત્મા બીજા સેન્ટરોમાં સ્થાપવાનું મુશ્કેલ હતું, પણ આજે એ હેતુ સિદ્ધ કરવો હોય તા ટૅક્નોલોજી મદદે આવે છે. આ કારણથી કિષ્નાએ ‘વેદાન્તુ’ નામથી લાઈવ ટ્યુટરિંગ કંપની શરૃ કરી. નવી ટૅક્નોલોજીના માધ્યમથી ધોરણ છથી દસ સુધીના વિદ્યાર્થીઓને તમામ વિષયોનું ઓનલાઈન શિક્ષણ આપવા માંડ્યું. ૨૦૧૬માં સ્થાપના કરી ત્યારે કંપનીએ વન ઓન વન ક્લાસીસ, અર્થાત એક વિદ્યાર્થી દીઠ એક શિક્ષકના ધોરણે ટ્યૂશન આપવાનું શરૃ કર્યું હતું. આજે સરેરાશ એક ટીચર ૨૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. વેદાન્તુએ ફ્રિમિયમ મૉડેલ અપનાવ્યું છે જેમાં અમુક ક્લાસો વિદ્યાર્થીઓ માટે ફ્રી હોય છે, અમુકમાં ફી લેવાય છે, જ્યારે ફ્રી ક્લાસ યોજાય ત્યારે તેમાં બે હજાર વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ દ્વારા ભાગ લેતાં હોય છે. આજે ટૅક્નોલોજી દ્વારા આપણી વૃદ્ધિ મેળવી શકાય છે અને તેને પહોંચી વળી શકાય છે. વેદાન્તુએ હવે ઝૂમ કૉલ કે સ્કાઈપ કૉલને મળતી આવે તેવી લાઈવ સ્ટ્રિમિંગ ટૅક્નોલોજી વિકસાવી છે. બેંગ્લરુમાં મુખ્ય કાર્યાલય ધરાવતી વેદાન્તુ સફળતાનું મહત્ત્વનું કારણ એ છે કે વીડિયો સ્ટ્રિમિંગ ટૅક્નોલોજીમાં તેણે મહત્તમ ક્ષમતા હાંસલ કરી છે. જ્યાં નેટવર્ક નબળું હોય ત્યાં પણ સ્ટ્રિમિંગ અટકતું નથી. યુએનએકેડમી નામની બીજી એક કંપનીઅ પણ આ પ્રકારની ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ કંપની ૨૦૧૫માં એક ઍપ્લિકેશન ડેવલપ કરીને શરૃ થઈ હતી. આ ઍપ્લિકેશન વડે શિક્ષકો માટે કન્ટેન્ટ ક્રીએટ કરવાનું સરળ બની ગયું હતું. કંપનીએ ટૅક્નોલોજી સરળ બનાવી ઉપરાંત હાલમાં તેના પ્લેટફોર્મ પર દસ હજારથી વધુ શિક્ષકો દ્વારા ક્રીએટ કરવામાં આવેલા દસ લાખથી વધુ વીડિયો છે.

આજકાલ એક ચિંતા અને એક સવાલ સર્વત્ર વ્યક્ત થઈ રહ્યાં છે કે જો મશીનો બધાં અઘરાં કામો કરવાનાં હોય, રૉબોટ અઘરી શસ્ત્રક્રિયાઓ કરવાના હોય, કોમ્પ્યુટરો દુનિયાભરની ચીજો યાદ રાખવાના હોય, હિસાબ-કિતાબ અને નામાં લખી આપવાનાં હોય તો માણસે ભણવાની જરૃર શી છે? આજે પણ એવાં ઘણા કામો છે જે માનવી કરતાં કોમ્પ્યુટરો વધુ સારી રીતે અને વધુ ઝડપથી કરી આપે છે, પરંતુ તંત્રવિજ્ઞાન વિષેના ભવિષ્યવેતાઓ કહે છે કે તાર્કિક અને સર્વાંગી વિચારશક્તિ એક મહત્ત્વની સ્કિલ છે, જે કામમાં એકની એક ક્રિયાઓનું પુનરાવર્તન થતું હતું તે કામો રૉબોટ કરશે, જ્યારે ક્રિટિકલ થિંકિંગ, તુલનાત્મક અને કલ્પનાશીલ, સર્જનશીલ વૈચારિક કાર્યો માનવી કરશે, પણ વિજ્ઞાનની પ્રગતિ જોતાં લાગે છે કે આ બાબતમાં પણ એક દિવસ કોમ્પ્યુટરો માનવીઓ કરતાં આગળ નીકળી જશે અને માણસોમાં તો જેટલા માણસો એટલી વિવિધતા જોવા મળે. એ તમામને કંઈ કિટિટક થિંકર બનાવી શકાશે નહીં. સિવાય કે ટૅક્નોલોજીઓ વડે ખુદ માનવીને સંવર્ધિત કરવામાં આવે. આ સમસ્યા હજી અમુક દાયકાઓ બાદ આવવાની છે, પણ જો આમ જ બનવાનું હશે તો માણસની પોતાની પાસે જ જ્ઞાનવૃદ્ધિ માટેનો હેતુ બચશે નહીં. શું માનવીને તે નિરુત્સાહ તો નહીં કરે ને? ભવિષ્યનું ભણતર ખૂબ રસપ્રદ અને સમસ્યા સર્જનારું હશે. આજે આપણમાંથી મોટા ભાગના કોઈ જ્ઞાનનું, પાઈનું, કળાનું, કૌશલ્યનું વારંવાર મનન, પઠન, પુનરાવર્તન કરીને એ કળા કૌશલ્ય પ્રાપ્ત કરીએ છીએ. વરસો સુધી રિયાઝ અથવા પ્રેક્ટિસ કરીએ, પણ એ કાર્યો એક નાનકડી ચિપ કરી આપવાની હોય તો માણસ આટઆટલાં વરસ ભણવા અને રિયાઝ કરવા પાછળ નહીં ગાળે. શક્ય છે કે હવેના માનવીઓ કોમ્પ્યુટરોને વધુ ને વધુ કાર્યશીલ, કાર્યક્ષમ અને કલ્પનાશીલ બનાવવાના કામે જ વળગ્યા હશે જેથી બાકીનાં કામો કોમ્પ્યુટરો કરી આપે. આજે પણ કોમ્પ્યુટરો એ કામો કરી આપે છે જે માનવીથી બરાબર નથી થતાં. વ્યંગ તો એ છે કે માનવીના મગજના વિશેષાધિકાર સમાન એ ક્રિટિકલ થિંકિંગને માપવા-પરખવાનું કામ આજે કોમ્પ્યુટરો જ કરે છે.

ગુરગાંવ સ્થિત ઔગ લી નામની એક કંપનીએ એક સોફ્ટવેર પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે દસથી સોળ વરસની ઉંમરનાં બાળકો અને કિશોર – કિશોરીઓનાં ક્રિટિકલ થિંકિંગની પરીક્ષા લે છે. આ પ્લેટફોર્મ વર્તમાન પ્રસંગો અને પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખે છે. જેમ કે રાજનીતિ, ક્રિકેટ, વિજ્ઞાન વગેરેની વર્તમાન ઘટનાઓ. આ સોફ્ટવેર કિશોરની શારીરિક ઉંમર અને તેની સમજણશક્તિ અથવા સમજદારી માટેની માનસિક ઉંમરનું માપ કાઢે છે. ત્યાર બાદ તેને તેના સ્તર અથવા લાયકાત પ્રમાણેનું સાહિત્ય, જેમાં સ્પોટ્ર્સથી માંડીને ભૌતિક વિજ્ઞાન પણ હોય છે, તે કિશોરને અપાય છે. જેમ કે તેમાં સર સી.વી. રામન કે સચિન તેંડુલકર કે રામાનુજ વિશે એક લેખ હોય. કિશોર તે વાંચે પછી તેનો મૌખિક કે લિખિત સાર કિશોરે વ્યક્ત કરવાનો હોય છે. એ લેખ કે આર્ટિકલમાં મહત્ત્વની બાબતો અને મુદ્દાઓ ઓળખી કાઢી તેને તાર્કિક રીતે કિશોરે રજૂ કરવાના હોય. આ શક્તિ બાળકમાં હોય અથવા તેને ખીલવવામાં આવે તે બાબતને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે. સોફ્ટવેર કહી આપે છે કે કિશોર (કે કિશોરી) એ લેખને બરાબર સમજી શક્યો છે કે કેમ? બાળકે જે ટૂંક સાર રજૂ કર્યો તે ઝડપથી પતાવી દીધો અને તમામ જરૃરી વિગતો સમાવી કે નહીં? અથવા બાળક ધીમું હતું અને બિનજરૃરી સમય અને જગ્યાનો વેડફાટ કર્યો કે કેમ? તે આ સોફ્ટવેરના અલ્ગોરિધમ જણાવી આપે છે. બાળકે મૌખિક રજૂઆત કરી હોય તો સોફ્ટવેર પ્રથમ તેને લખાણમાં ઢાળે. મૂળ આર્ટિકલમાં જે સંજ્ઞાવાચક નામો હોય તેનો બાળકે બરાબર ઉલ્લેખ કર્યો કે નહીં તે મૂળ પ્રત અને બાળકોના ટૂંકસારને સરખાવીને નક્કી થાય. મૂળ લેખમાં જે વાક્યોનું કે શબ્દોનું પ્રયોજન ન હતું એ વાક્યો અને શબ્દો બાળક ટૂંક સારમાં વાપરે તો તેનાથી મૂળ વિચાર કે વિગતો બદલાઈ જાય છે કે કેમ તેનું આકલન પણ અલ્ગોરિધમ દ્વારા થાય. ઉપરાંત અલ્ગોરિધમ પાસે બીજા હજારો જવાબોની વિગતો હોય, તેની સાથે પર્ટિક્યુલર બાળકનો જવાબ સરખાવીને લેખનો મૂળ તંતુ જળવાઈ રહ્યો છે કે કેમ? તે પણ નક્કી થાય. આ સોફ્ટવેર ઔગ લી દ્વારા તૈયાર થયુું છે. તેનું નબળું પાસું એ ગણી શકાય કે કોમ્પ્યુટર દ્વારા બાળકોમાં ભેદ પાડવામાં આવે છે. જોકે આઈક્યુ ટેસ્ટનું પણ આવું જ છે.

બીજી તરફ વેદાન્તુ દ્વારા ડેટા સાયન્સ અને એનએલપીનો ઉપયોગ કરી, બાળકોને સમજવાનો પ્રયત્ન થયો છે. તે મુજબ બાળકની યોગ્ય શિક્ષણ આપવાની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. ફેસ રિકગ્નિશન ટૅક્નોલોજી વડે ચહેરાની ઓળખ તો થાય છે, પણ ચહેરા પરના સૂક્ષ્મ હાવભાવ સમજી તેનું અર્થઘટન થાય છે. બાળક સ્ક્રીન સામે જોઈ રહ્યું છે કે પછી વારંવાર એનું ધ્યાન કોઈ બીજી ચીજ તરફ જઈ રહ્યું છે? બાળકના ચહેરા પર સ્મિત રેલાય છે કે પછી કંટાળો અને અણગમો જણાય છે? શું બાળક આંખો વધુ પટપટાવે છે? બાળકની આંખની કીકીઓ જરૃર કરતાં વધુ પહોળી થાય છે? શિક્ષક સવાલ પૂછે અને બાળક જવાબ આપે તે ક્રિયા વચ્ચે બાળક કેટલો સમય લે છે? લાઈવ ક્લાસમાં બાળકના જવાબના ટૉનનું પણ પૃથક્કરણ થાય છે. વેદાન્તુના આ સોફ્ટવેરમાં કુલ ૭૦ જુદી-જુદી બાબતોનું આકલન અને માપન સોફ્ટવેર દ્વારા થાય છે. વિચારો તો એવું પણ લાગે કે આ તો બાળકો પર મોટો ત્રાસ છે. ખાસ કરીને નબળાં બાળકો પર, જેની સંખ્યા વધુ હોય છે. કંપનીએ આ રીતે અભૂતપૂર્વ ડેટા એકઠા કર્યા છે અને નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.

*  *  *

દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે, અમેરિકામાં વેપારઉદ્યોગ ફરી પૂર્વવત્ બને. તે માટે શાળાઓ ફરી શરૃ કરવી જરૃરી છે, કારણ કે બાળકો શાળાએ જશે તો મા-બાપ નોકરી ધંધા પર જઈ શકશે. અમેરિકાનાં કેટલાંક રાજ્યો આજકાલમાં કેટલીક વેપારી પ્રવૃત્તિઓ શરૃ કરવા માગે છે. તેઓનો આશય શુદ્ધ વૈપારિક હોઈ શકે, પણ અમેરિકાના શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો વર્તમાન અનુભવથી એમ માનતાં થયા છે કે રિમોટ એજ્યુકેશન અર્થાત ઓનલાઈન શિક્ષણ અસરકારક બનતું નથી અને બાળકોનાં શિક્ષણ પર એક અમીટ છાપ છોડી જશે. બાળકો લગભગ દોઢ બે મહિનાથી ઘરમાં જ છે, પરંતુ આ વિશેષ પરિસ્થિતિ છે જેમાં બાળકોએ શાળાએ તો ઠીક, બીજે ક્યાંય જવાનું નથી. આ ખાસ કારણથી બાળકો કંટાળ્યા હોઈ શકે. રાબેતા મુજબની, સામાન્ય પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણનો ફાયદો સમજવો હોય તો તેનું આકલન સામાન્ય સ્થિતિમાં જ થઈ શકે. અમેરિકાનાં અનેક ઘરોમાં વાતાવરણ બાળકો માટે દુશ્વાર હોય છે. તેઓ શાળાએ જાય તો જ તેઓનું માનસિક સંતુલન જળવાઈ રહે. ખાસ કરીને આફ્રિકન-અમેરિકન બાળકોમાં આવું જોવા મળે છે. તેઓનાં ખોરાક, દવા, આરોગ્યનો આધાર પણ શાળાઓ હોય છે. અન્ય વર્ગોનાં બાળકો પણ આ પરિસ્થિતિ ભોગવતા હોય છે ત્યારે તેઓ શાળાએ જાય તે જ યોગ્ય છે તેમ નિષ્ણાતો તો માને છે. ખુદ બાળકો ઇચ્છે છે કે તેઓને શાળાએ જવા મળે. તેઓને ‘ઝૂમ’ પર ભણવાનું બરાબર લાગતું નથી. એક નાનકડા સરવે પ્રમાણે બાળકોને લાગે છે કે શાળા એમના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો છે અને પોતે જે કંઈ છે તે શાળાને કારણે છે. અમુક ખાસ શાળામાં ભણતાં હોવાનો બાળકો ગર્વ પણ અનુભવતાં હોય છે. જેમ કે મુંબઈમાં બોમ્બે સ્કોટિશ સ્કૂલ, ડોન બોસ્કો કે સેન્ટ ઝેવિયર્સ વગેરે. અમેરિકાના સમાજજીવનમાં પણ શાળાની પ્રતિષ્ઠા ખૂબ મહત્ત્વની ગણાય છે. પ્રોપર્ટી, મકાન વગેરેની કિંમત એ વિસ્તારની શાળાની પ્રતિષ્ઠાને આધારે નક્કી થાય છે અને અનેક માપદંડોમાં આ પ્રથમ માપદંડ ગણાય છે.

હવે ફરીવાર શાળાઓ શરૃ થશે ત્યારે કેટલા વિદ્યાર્થીઓએ ક્યાં જમવું? ક્યાં બેસવું, હરવું, ફરવું વગેરેના નિયમો સરકારે તૈયાર રાખ્યા છે. શાળાની બસોમાં અરધી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસશે. તેનો અર્થ એ કે વિદ્યાર્થીઓને બે બેચમાં વહેંચી દેવાશે. એક બેચ આજે તો બીજી બેચ બીજા દિવસે, એ રીતે એકાંતરે શાળાએ જવાનું રહેશે. શાળાઓ ખોલવાની તરફેણમાં કેટલાક વાલીઓ છે તો કેટલાક વાલીઓ અને શિક્ષકો હમણા ખોલવા માટે તૈયાર નથી. કોરોનાની ઝપેટમાં આવવાનો ડર લાગે છે. શાળાઓ શરૃ થશે તો પણ બે ડેસ્ક વચ્ચે છ ફીટનું અંતર રખાશે, કાફેટેરિયા અને પ્લેગ્રાઉન્ડ્સ બંધ કરી દેવાશે. બસમાં બાળકોને દૂર-દૂર બેસાડાશે.

કોરોનાએ માણસને અનેક નવા અને અભૂતપૂર્વ અનુભવો કરાવ્યા છે. કેટલાંક નવાં સંશોધનો અને પ્રયોગો કરાવ્યાં છે. રિમોટ એજ્યુકેશન તેમાંનો એક પ્રયોગ છે. હમણા સુધી યુવાન શિક્ષકો ડરતા હતા કે, શિક્ષણકાર્ય કોમ્પ્યુટરો ઉપાડી લેશે અને વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણશે તો શાળાઓનું અને શિક્ષકોનું શું થશે? તાજા અનુભવો કહે છે કે, તેઓએ ડરવાની જરૃર નથી. આજકાલની શાળાઓ પણ એવી બની છે કે બાળકોને શાળાએ જવાનું વધુ ગમે છે. હાલમાં ડરવાનું હોય તો કોરોનાથી ડરવાનું છે.
———————–

ઓનલાઇન એજ્યુકેશનકવરસ્ટોરીવિનોદ પંડ્યા
Comments (0)
Add Comment