- મૂવીટીવી – હેતલ રાવ
કોરોનાનો કહેર ચારેબાજુ ફેલાયેલો છે, જેની અસર તમામ જગ્યાએ જોવા મળે છે. બોલિવૂડ પર તેની ઘણી મોટી અસર થઈ છે. કરોડો રૃપિયાના નુકસાનની સાથે હવે આગામી ફિલ્મોની રિલીઝ ડેટ પર પણ અસર થઈ રહી છે, પરંતુ ફિલ્મમેકર્સ બિગ બજેટની અને બિગ સ્ટારની ફિલ્મોની રિલીઝ માટે ઓટીટી પ્લેટફોર્મ પર પસંદગી ઉતારવાનું વિચારી રહ્યા છે.
કોરોના વાઇરસ લૉકડાઉનની અસર ઘણા ઉદ્યોગો પર થઈ છે, આ લિસ્ટમાંથી બોલિવૂડ પણ બાકાત નથી. સિનેમાઘર બંધ છે, ફિલ્મોના શૂટિંગ પણ બંધ છે, નવી ફિલ્મો રિલીઝ નથી થઈ રહી. આવા અનેક પ્રશ્નોની ફિલ્મ મેકર્સ ચિંતા કરી રહ્યા છે. આવનારા સમયમાં પણ ફિલ્મોની રિલીઝ કોરોના વાઇરસના પ્રકોપ પર નિર્ભર છે. જો મલ્ટિપ્લેક્સને ખોલવાની મંજૂરી પણ મળશે તો વધારે સંખ્યામાં દર્શકો સિનેમાઘર સુધી આવશે કે કેમ તે પણ એક સવાલ છે. આવા સમયે ફિલ્મમેકર્સ ચિંતામાં છે કે જે ફિલ્મો બનીને તૈયાર છે તેનું ભવિષ્ય કેવંુ હશે. તેની રિલીઝ કેવી રીતે કરશે અને જો તેને ફિલ્મી પરદે લાવવામાં સફળતા મળશે તો દર્શકોનો કેવો પ્રતિસાદ હશે. ક્યાંક કોરોનાના પ્રભાવના કારણે સિનેમાઘર સુધી દર્શકો આવવામાં કતરાશે તો..? આવા અનેક પ્રશ્નો ફિલ્મ મેકર્સ માટે વણઉકેલાયેલી સ્થિતિમાં છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાને સાચી માનીએ તો હવે બોલિવૂડમાં ઘણા પ્રોડ્યુસર્સ ઓટીટી પ્લેટફોર્મને સિનેમાઘરના ઓપ્શન તરીકે જોઈ રહ્યા છે. ચર્ચા તો એવી પણ છે કે વર્તમાન સમયમાં ૬ મોટી ફિલ્મો માટે સૌથી મોટા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મમાંથી એક નેટફ્લિક્સ સાથે વાતચીત પણ ચાલી રહી છે. આ છ ફિલ્મોમાં કામ કરનારા તમામ કલાકાર બોલિવૂડના સેલેબલ એક્ટર્સ છે. એટલે કે દર્શકો તેમની ફિલ્મોની રાહ જોતા હોય છે.
બોલિવૂડના અન્ય મોટા કલાકારોની ફિલ્મોને લઈને પણ નેટફ્લિક્સ સાથે વાત ચાલી રહી છે. જો આ ચર્ચાને સાચી માનીએ તો ઓટીટી પ્લેટફોર્મ પર તમે જલ્દી તમારા ફેવરિટ કલાકારની ફિલ્મોના પ્રીમિયર જોઈ શકશો. એમ કહી શકાય કે આગામી ફિલ્મો સિનેમાઘરની જગ્યાએ સીધી જ તમારા મોબાઇલ ફોન પર આવી જશે. ઓટીટી પ્લેટફોર્મ પર નાના બજેટની ફિલ્મો રિલીઝ કરવી સરળ છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ ઓછા બજેટની ફિલ્મો માટે સહેલાઈથી ડીલ કરી લે છે, પરંતુ મુશ્કેલી મોટા બજેટની ફિલ્મોને ડીલ કરવાની છે. જે ફિલ્મો વધારે બજેટમાં બની છે તે ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાની ડીલ કરવી પ્રોડ્યૂસર્સ માટે પડકાર છે.
સામાન્ય રીતે ઓટીટી પ્લેટફોર્મ કોઈ પણ ફિલ્મની કીમત તેના નેટ બોક્સ ઑફિસ ક્લેક્શનના આધાર પર નક્કી કરે છે. માટે જે ફિલ્મો ૧૦૦, ૨૦૦, કે ૩૦૦ કરોડ રૃપિયાનું નેટ ક્લેક્શન કરશે તેવું અનુમાન છે એ ફિલ્મોની ડીલ કેટલી શક્ય છે તેને લઈને સવાલ છે.
જ્યારે કોઈ પણ ફિલ્મ બનીને તૈયાર થાય છે ત્યારે તેને બનાવવા પાછળ કરવામાં આવેલા ખર્ચ માટે પ્રોડ્યુસર્સ ફિલ્મના મોટા હિસ્સાના વિભિન્ન રાઇટ્સ વેચે છે અને આવક મેળવી લે છે. જેમાં સેટેલાઇટ રાઇટ્સ સૌથી મહત્ત્વના છે, કારણ કે આ ડીલ ઘણી મોટી હોય છે. સામાન્ય રીતે સેટેલાઇટ એવી ફિલ્મો માટે છે જે સિનેમાઘરમાં રિલીઝ થાય છે. માટે સૌથી મોટો સવાલ એ છે કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મો માટે પ્રોડ્યુસર ડીલ કેવી રીતે કરશે.
લૉકડાઉનના કારણે આ ફિલ્મોની રિલીઝ પર રોક અક્ષય કુમારની ફિલ્મની રાહ તો દર્શકો અને ખાસ તો તેના ચાહકો જોતા હોય છે. ફિલ્મનું શૂટિંગ શરૃ થાય ત્યારથી જ ખેલાડી કુમારની ફિલ્મની રાહ જોવાતી હોય છે. તેમાં પણ ૨૪ માર્ચે રિલીઝ થનારી ફિલ્મ સૂર્યવંશી માટે તો દર્શકો સિમ્બા ફિલ્મથી જ જોતા હતા. સિમ્બામાં રોહિત શેટ્ટીએ સૂર્યવંશીની ઝલક બતાવીને દર્શકોને તેમના ચહીતા એકર્ટ્સની ફિલ્મનું નાનકડું પ્રિમિયર બતાવી દીધું હતું, પરંતુ લૉકડાઉનના કારણે મલ્ટિપ્લેક્સ પણ બંધ કરવામાં આવ્યા અને સૂર્યવંશી ફિલ્મની રિલીઝ પર રોક લાગી ગઈ. અક્કીના ચાહકો આ ફિલ્મને જોવા આતુર છે. એવી જ રીતે વિચિત્ર કપડાની હરતી-ફરતી શોપ અને બોલિવૂડના સ્ફૂર્તિલા એક્ટર્સ રણવીર સિંહ ફિલ્મ૮૩ એપ્રિલની શરૃઆતમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લૉકડાઉનના કારણે તેના પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે. રણવીર સિંહની ફિલ્મો માટે પણ દર્શકો રાહ જોતા હોય છે, પરંતુ લાગે છે તેમને હજુ ઘણી લાંબી રાહ જોવી પડશે. ડેવીન ધવનના લાડલા અને બાળકોમાં પ્રિય એવા વરુણ ધવનની કુલી નંબર વન પણ ઘણા સમયથી ચર્ચામાં હતી. જ્યારે ફિલ્મ બનવાની શરૃ થઈ ત્યારથી જ ગોવિંદા અને વરુણ વચ્ચે દર્શકો તુલના પણ કરી રહ્યા હતા, પરંતુ વરુણ ધવને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતંુ કે હું બોલિવૂડમાં કોઈ સાથે તુલના કરવા નહીં પરંતુ બેસ્ટ કામ કરવા આવ્યો છું અને સિનિયર હંમેશાં સિનિયર જ રહે છે. મારી ફિલ્મ તમને કદાચ દરેક સવાલોના જવાબ આપશે. આ ફિલ્મ પણ બનીને રિલીઝ માટે તૈયાર છે, પરંતુ લાગે છે વરુણને પણ રિલીઝ માટે રાહ જોવી પડશે.
આ તો વાત થઈ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી તે ફિલ્મોની, પણ હવે મે મહિનામાં રિલીઝ થનારી ફિલ્મોની રિલીઝ ડેટ પણ ડીલે થશે. માર્ચ મહિના પછી અક્કી મે મહિનામાં દર્શકો માટે લક્ષ્મી બોમ ફિલ્મ લઈને આવવાનો હતો અને બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની રાધે ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ આ બંને ફિલ્મોની રિલીઝને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારના ન્યૂઝ નથી. જોકે પરિસ્થિતિ જોતા તો આ ફિલ્મો રિલીઝ થાય તેમ લાગતું પણ નથી. સવાલ તો એ પણ છે કે પહેલા કઈ ફિલ્મો રિલીઝ થશે.. પાછળના માસમાં ડીલે થયેલી ફિલ્મો કે પછી તાજેતરમાં રિલીઝ થનારી ફિલ્મો. જોકે એમ પણ બની શકે કે લૉકડાઉન અને કોરોનાના પ્રભાવની વચ્ચે પ્રોડ્યુસર આ ફિલ્મોને સિનેમાઘરની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરે. હવે ઓટીટી પ્લેટફોર્મ પ્રોડ્યુસરને કેટલી આવક કરી આપે તે તો કઈ કહી શકાય નહીં, પણ જો બિગ સ્ટાર અને બિગ બજેટની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે તો દર્શકો તેમના ઘરને કે મોબાઇલને સિનેમાઘર બનાવી આરામથી ફિલ્મની મજા માણી શકશે, પણ આ વાત શક્ય બને કે કેમ તે સવાલ છે. ઓટીટી પ્લેટફોર્મ સાથે વાતચીત તો ચાલી રહી છે, પણ હાલ પૂરતી નિર્ણયની રાહ જોવી રહી.
—————–.
મલ્ટિપ્લેક્સના માલિકોની ચિંતા
બિગ બજેટની ફિલ્મો માટે પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મ સાથે ચર્ચા-વિચરણા કરવાનું વિચારી રહ્યા છે, તો બીજી બાજુ મલ્ટિપ્લેક્સના માલિકોની ચિંતામાં વધારો થયો છે. જો ઓટીટી પ્લેટફોર્મ પર નાના અને મોટા બજેટની ફિલ્મો રિલીઝ થશે તો મલ્ટિપ્લેક્સને વધુ નુકસાન થવાની શક્યતા છે. ફિલ્મો માટે જો સિનેમાઘરની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મની પસંદગી કરવામાં આવશે તો મલ્ટિપ્લેક્સમાં જવાનું લોકો ટાળશે તે નક્કી છે. તેમાં પણ જ્યારે બિગ સ્ટારની ફિલ્મોથી મલ્ટિપ્લેક્સ મનભરીને આવક કરવાનું વિચારતા હોય અને એવી ફિલ્મો જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય તો તેમને મોટું નુકસાન થાય. આવા સમયે મલ્ટિપ્લેક્સના માલિકો શું કરશે તે પણ સવાલ છે. એમ કહી શકાય કે ઓટીટી પ્લેટફોર્મ પર બિગ બજેટ અને બિગ સ્ટાર્સની ફિલ્મોને સરળ રીતે રજૂ કરવી કદાચ શક્ય ના કહી શકાય.
——————