જોવા મળશે વિક્ટોરિયા મેમોરિયલની સવાર અને સાંજ!

વિક્ટોરિયા મેમોરિયલની ડિઝાઇન પ્રખ્યાત આર્ટિટેક વિલિયમ ઇમરસને બનાવી હતી
  • કોલકાતા કૉલિંગ – મુકેશ ઠક્કર

જ્યાં અજવાળું થાય તે પહેલાં લોકો પહોંચી જતાં અને સાંજ સુધી લોકોની સતત અવરજવર રહેતી તે વિક્ટોરિયા મેમોરિયલની ૬૪ એકર જમીન પર પથરાયેલી લીલીછમ ધરતી હાલ સૂની પડી છે. વૃક્ષો પર પાંદડાં હવાની લહેરખી સાથે લહેરાય તેનો અવાજ અને પંખીઓનો કલરવ સ્પષ્ટ સંભળાય છે. સફેદ મકરાણા માર્બલથી ચણાયેલી ઐતિહાસિક હેરિટેજ ઇમારત વિક્ટોરિયા મેમોરિયલના દ્વાર પણ બીડાયેલા છે. આ એવું સ્થળ છે જ્યાં અભ્યાસ માટે ઇતિહાસ છે. સવારની તાજી હવાનો અહેસાસ કરવા આવતાં લોકોનું મનગમતું સ્થળ છે. રવિવાર અને રજાના દિવસોમાં સાંજે અહીં માનવીઓનો મેળો જામતો હોય છે. પહેલી મુલાકાતથી જિંદગીના અનેક પળોની મધુર યાદીઓ તાજી થઈ જાય એવું રમણીય દ્રશ્ય જોવું વારંવાર ગમે. કોલકાતા આવતાં પ્રવાસીઓ માટે મનગમતું જોવાલાયક સ્થળ છે. વિદેશી પર્યટકો માટે પણ આ ભારતીય વિરાસત આગવું આકર્ષણનું કેન્દ્ર છે. કોલકાતાની ટૂરિસ્ટ બસો માટે ફરજિયાત પ્રથમ પસંદગીનું મથક છે.

કોરોના વાઇરસનો ઘેર બેસી મુકાબલો કરતા દેશભરના લોકો આ જોવાલાયક ઇમારત, તેની ટોચ પર નાચતી પરી અને ચોતરફ ફેલાયેલી હરિયાળી જોઈ શકે, માણી શકે તે માટે ગૂગલ આર્ટ એન્ડ કલ્ચરના સથવારે તૈયારી થઈ છે.

વિક્ટોરિયા મેમોરિયલની ડિઝાઇન પ્રખ્યાત આર્ટિટેક વિલિયમ ઇમરસને બનાવી હતી. તેમની ડિઝાઇન કરેલી ઇમારતોમાં મુંબઈની કાફર્ડ માર્કેટ, ભાવનગરની નીલમબાગ પેલેસ હોટલ અને સર તખ્તસિંહજી હૉસ્પિટલની સ્થાપત્ય કલાના ઉત્તમ ધરોહર છે.

૧૮ એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઊજવાય છે. આ દિવસે વિશ્વમાં રહેલા માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાને સાચવી રાખવા ઉજવણી થાય છે. આ દિવસે ફેસબુક, યુ-ટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમે આખી દુનિયાના વૈશ્વિક વિરાસત ચાહનારા લોકો વિક્ટોરિયા મેમોરિયલ હોલની ગેલેરીઓ, તેમાં સંગ્રહિત ઇતિહાસના મૂલ્યવાન દસ્તાવેજો, વિપુલ સંગ્રહ, મૂર્તિઓ, કલાકૃતિઓ, સિક્કાઓ, શસ્ત્રો, આકર્ષક અને કલાત્મક પેઇન્ટિંગ્સ નિહાળી શકશે, તેનો અભ્યાસ કરી શકે છે. સદીઓની અદ્દભુત અને અનોખી કલાત્મક લટાર મારવાની મોજ માણી શકાય છે. આ પ્રદર્શનનાં દર્શન સાથે તેનું વર્ણન પણ સાંભળી શકાય છે. આખી વિસ્તૃત ચિત્રમય રજૂઆત, દુર્લભ સંગ્રહની બારીક માહિતી સાથે વીડિયો સ્વરૃપે યુ-ટ્યૂબમાં મૂકવામાં આવી. સાથે લિંક જોડાયેલી રહેશે. એક મ્યુઝિયમની સાવ નજીકથી જોવા અને જાણવાની અનોખી મોજ મઢી લેવામાં આવી છે!

વિક્ટોરિયા મેમોરિયલનો જે લીલોછમ વિસ્તાર અને છ તળાવો છે, બે ફુવારા છે, રંગત સાથે ત્યાં પણ લટાર મારવાનો આનંદ હવે ઘેર બેઠા મળશે! ગૂગલ આર્ટ એન્ડ કલ્ચરની ટીમ તેના પર મહિનાઓથી કામ કરી રહી હતી. તેમણે આખો વિસ્તાર લોકો જોઈ શકે તે માટે ૩૬૦ ડિગ્રી એન્ગલથી વીડિયોગ્રાફી કરી છે. ૨૦ જુદાં-જુદાં લૉકેશનથી દૃશ્યો ઝીલી લેવામાં આવ્યાં છે. જે વિસ્તારમાં લટાર મારવા માટે કદાચ એક આખો દિવસ લાગે તે સ્ક્રીન પર ઝડપથી જોવા મળશે! વિક્ટોરિયા મેમોરિયલના સાઉથ ગેટથી દાખલ થઈ. સામે લૉર્ડ કર્ઝનની મૂર્તિ, ઘોડા પર સવાર કિંગ એડવર્ડ સાતમાની મૂર્તિ, સિંહાસન પર રાણી વિક્ટોરિયા ઉપરાંત દોઢસો જેટલી કલા-કસબના બેનમૂન નમૂના જેવી ઐતિહાસિક કડીઓ પણ નિહાળી શકાય છે. સાથે-સાથે તેનું વર્ણન સરળ શબ્દોમાં પણ ચાલતું રહે છે.

આ ધરોહર બ્રિટિશ સામ્રાજ્ય સાથે ભારતીય ઇતિહાસનો પણ બોલતો, દેખાતો પુરાવો છે. તેમાં ભારતીય સ્વાધીનતા સંગ્રામ અને ક્રાંતિકારીઓના ઇતિહાસની તસવીરો સહિત નવી પાંચ ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે.

ઇતિહાસકારો અને વિદ્વાનો પૈકી વસંત શિંદે, પારુલ પાંડ્યા ધર, કે.પી. રાવ, રજત સન્યાલ અને સુસ્મિતા બાસુ મઝુમદારના તવારીખ અને ઘટનાક્રમ પર પ્રવચનો પણ તેમાં ઉમેરવામાં આવ્યાં છે. નૃત્યાંગના ડોના ગાંગુલી, તનુશ્રી શંકર અને સરોદવાદક પંડિત તેજેન્દ્ર મઝુમદારની વીડિયો વિક્ટોરિયા મેમોરિયલ હોલના પ્રદર્શન સાથે જોઈ શકાશે.

કોલકાતા માટે વિક્ટોરિયા મેમોરિયલ એક સ્મૃતિ છે, એક  પરિચય છે, એક

સંસ્કૃતિ ઝલકાવતી ઓળખ છે. જેમણે એકવાર વિક્ટોરિયા મેમોરિયલની મુલાકાત કરી છે તેમના માટે યાદીઓ મહેક સાથે તાજી થઈ જશે. જેમણે નજીકથી સફેદ પાળીઓ પર બેસવાની મજા માણી નથી તેમના માટે યાદગાર પ્રવાસ થઈ જશે!
———————

કોલકાતા કોલિંગમુકેશ ઠક્કર
Comments (0)
Add Comment