જગા મળવાથી પણ જગા પુરાતી નથી

'બેટા, હું પણ જવાની જ રાહ જોવું છું, પણ ઉપરવાળો તેડું જ ક્યાં મોકલે છે?
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

એક સંબંધીના આલીશાન મકાનમાં ફર્નિચર અને અવનવી સગવડોની સજાવટ જોતાં જોતાં દાદાજીના પલંગ પાસે થંભી જઈને જુવાન પૌત્રે હસતાં હસતાં કહ્યું, ‘દાદાજી જશે એટલે આ જગા ખાલી પડશે. પછી આ ખંડને નાનકડો સિનેમા-રૃમ બનાવી દઈશું. દાદાજી જાય એટલી જ વાર છે.’

દાદાજીએ વેદનાભર્યું હસીને કહ્યું ઃ ‘બેટા, હું પણ જવાની જ રાહ જોવું છું, પણ ઉપરવાળો તેડું જ ક્યાં મોકલે છે? તું ભગવાનને પ્રાર્થના કર કે મારા દાદાજીને જલદી બોલાવી લ્યો! ભગવાન મારી વાત તો સાંભળતો નથી, પણ તારી વાત સાંભળશે!’

દાદાજીના પૌત્રને થયું કે દાદાજીને માઠું લાગ્યું છે એટલે એણે કહ્યું ઃ ‘દાદાજી હું તો અમસ્તો મજાક કરું છું! ગમે તેટલાં નાણા ખરચતાંય પૂરતી જગા મળતી નથી તેની જ આ રામાયણ છે!’

દરેક જીવતો માણસ જગા શોધે છે, કોઈક નોકરી માટે જગા શોધે છે. કોઈક ધંધા માટે જગા શોધે છે, કોઈક રહેવા માટે જગા શોધે છે, જગા છે, પણ પૂરતી નથી માટે થોડીક વધારે જગાની ઝંખના કરે છે. જગા શોધતી તેની નજર ક્યાં ક્યાં બિનજરૃરી દબાણ છે તેની તપાસ આદરે છે. જગાનાં આવાં દબાણ શોધતી આંખ ક્યારેક દાદાજીના દાદીમાના પલંગ પર થંભી જાય છે. ક્યારેક લાંબા સમયથી બીમાર કોઈક સ્વજન કે અપંગ બાળકના બિછાના પર તે રોકાઈ જાય છે. જગાનું આ દબાણ જરૃરી છે ખરું?

બિચારા દાદાજીને આખો દહાડો પલંગમાં પડ્યા રહેવું કેમ ગમતું હશે? ગમે તેટલી દવા કરવામાં આવે તો પણ દાદાજી તો ફરી હરતાફરતા થઈ શકવાના જ નહીં! દાક્તરો એવું કહે છે! એંસી વર્ષની ઉંમરનો માણસ દવાઓના ટેકે જરાક બેઠો થાય તો પણ લાંબું ચાલી શકવાનો નથી જ! એ કઈ રીતે આજની દુનિયા સાથે દોડી શકવાનો? આવા લોકોએ ગામડામાં ચાલ્યા જવું જોઈએ – ગામડાં ખાલી છે અને શહેરો ઊભરાય છે. એટલે ૬૦ વર્ષની ઉંમરનાં તમામ સ્ત્રી-પુરુષોએ સ્વૈચ્છિક રીતે ગ્રામજીવન અપનાવી લેવું જોઈએ! કેટલાક જુવાનોના અને કેટલાક પ્રૌઢોના મોંએ સાંભળેલી આ લાગણીઓ છે.

હિન્દુસ્તાન માનવ-જિંદગી પ્રત્યેના આદરમાં, વડીલો અને વયોવૃદ્ધોના માનસન્માનમાં માનનારો દેશ છે, પણ દુનિયાની કુલ જમીનની બે ટકા જમીનમાં ભારત છે. જ્યારે દુનિયાની કુલ વસતીની સોળ ટકા વસતી ભારતમાં વસે છે! ચારે બાજુ લોકો જગા શોધે છે. આવી સ્થિતિમાં જિંદગી પ્રત્યે આદર ક્યાંથી પ્રગટે? લોકો એકબીજાની હડફેટે ચડ્યા વગર કેમ રહે? જેમની ‘ઉપયોગિતા’ પૂરી થઈ ગઈ હોય, જેમની ‘વાજબી’ આવરદા પૂરી થઈ ગઈ હોય તેમની જિંદગી વખતસર સમાપ્ત થઈ જાય તે શું યોગ્ય નથી? આવી દલીલ પણ કેટલાક કરે છે, પણ માણસની જિંદગીની બાબતમાં ‘ઉપયોગિતા’ અને ‘વાજબી મુદત’ના માપદંડ ચાલી શકતા જ નથી અને ચાલી પણ ના શકે.

જગાની તંગીની ફરિયાદ કરનારાઓની ફરિયાદમાં ઘણુબધું તથ્ય છે, પણ તેઓ જ્યારે વિશેષ જગા ફાજલ પાડવા માટે ‘બિનજરૃરી’ દબાણ શોધે છે અને આવા દબાણોમાં જ્યારે ‘જીવતાં માણસો’નો સમાવેશ કરે છે ત્યારે તેઓ જિંદગીના ગણિતનો એક ખોટો દાખલો ગણી રહ્યા હોય છે તેમ ચોક્કસ લાગે છે. જગાની તંગીવાળા અને વર્ષોથી મુંબઈમાં વસતાં એક સંબંધીએ વાતવાતમાં કહ્યું કે અમારા ફ્લેટમાં મારી વૃદ્ધ માતાની પથારી પર અનેક વાર મારી કઠોર નજર પડતી હતી. હું સગો પુત્ર અનેે છતાં મારી નજર એ બિછાનાને હટાવવા બેતાબ બનતી હતી. છેવટે એક દિવસ માતા તો ચાલી ગઈ. ફ્લેટનો એક ખૂણો ખાલી પડ્યો, ખૂટતી જગા મળી ગઈ. માતાના પલંગના સ્થાને સરસ ડાઇનિંગ ટેબલ ગોઠવતાં કંઈક આનંદની લાગણી પણ થઈ, પણ પછી ખબર પડી કે માણસ જાય છે ત્યારે થોડીક જ જગા મળે છે, પણ સાથે-સાથે મોટી ખોટ પણ પડે છેે! થોડીક ફાજલ જગા મળી જાય પછી પણ જગાની તંગીનો પ્રશ્ન ઉકેલાઈ જતો નથી, કેમ કે ઊછળતી-કૂદતી અને આગળ વધતી જિંદગીને તો જેટલી જગા આપો તેટલી ઓછી જ પડવાની છે અને દરેક વૃદ્ધ અગર બીમાર વ્યક્તિને હટાવી દેવાથી મનપસંદ મોકળાશ પેદા થવાની જ નથી! થોડીક જગા થાય છે, પણ મોટી ખોટ પડે છે!

આ મંુબઈનિવાસી ભાઈ મોડો-મોડો પણ સાચો ભેદ પામી શક્યા છે તેવું નથી લાગતું? ખરેખર આવું જ નથી બનતું? થોડીક જગા મળે છે, પણ મોટી ખોટ પડે છે! આ સંસારમાં ખરેખર કોણ કેટલો જરૃરી છે, કેટલો ઉપયોગી છે, જીવવાની કેટલી લાયકાતવાળો છે તેના નિર્ણયના કોઈ સિદ્ધાંતો આપણી પાસે નથી.

દરેકને થોડી જ વધુ જગાની જરૃર છે. જગા માટે ક્યાંક દબાણ હટાવવું પડે તેમ હોઈ શકે, પણ દબાણ હટાવવું જ હોય તો આપણી જિંદગીમાં આપણા મકાનમાં જે નિર્જીવ માલસામાનના ઢગલા પડ્યા છે તેનો વિચાર કરીએ. સામાન જરાક હટાવીએ – દૂર કરીએ. આટલા બધા સામાનની જરૃર નથી. સામાનને થોડોક સંકોચીએ તો જ માણસના જાન માટે જગા થશે – ખુદ તમારા પોતાના જાન માટે પણ.
————————–

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment