‘નથી લખાતું, છતાં હું લખીશ…!’

દસ મહિનામાં પંદર ઑપરેશન થયાં છે. સોળમું આ કોરોનાને લીધે લંબાયું છે
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

હિના મોદી સુરતનાં વાર્તાકાર છે. ગુજરાતમાં લખનારાઓનો તો તોટો નથી, પણ હિના મોદીની વાત જરાક નહીં – ઘણી -જુદી છે.

કલ્પના કરો કે આપણા શરીર પર કોઈ ઑપરેશન થયું હોય, બીમારીના બિછાને પડ્યા હોઈએ, પડખું પણ વળી શકાતું ના હોય ત્યારે કશું લખી – લખાવી શકાય ખરું? આ લેખકનો એવો જાત અનુભવ જરૃર છે. કોઈકની પાસે લખાવવાનો પ્રયોગ મેં મારા સેપ્ટીસિમિયા સમયે કર્યો હતો, પણ લખનારના અક્ષર ખરાબ એટલે મન ના માન્યું. મુસીબત સાથે દુખતા ઘૂંટણભેર લેખન-પૅડ મુકીને લખ્યું ત્યારે સંતોષ થયો. ‘અભિયાન’ની મારી કૉલમ કેટલોક સમય એવી રીતે લખાઈ હતી.

પણ આ હિના મોદી?

તેના પર દસ મહિનામાં પંદર ઑપરેશન થયાં છે. સોળમું આ કોરોનાને લીધે લંબાયું છે. રાજસ્થાન દીકરાને એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવવા જતાં મોટર-અકસ્માત થયો; સુરત પાછા વળ્યા તૂટેલા પગે. પછી સ્કેન કરાવ્યું તો ડૉક્ટરે આઘાતપૂર્વક કહ્યું કે, મામલો ગંભીર છે. લિવરમાં મોટું કાણુ પડી ગયું છે, પગ વિક્ષિપ્ત થઈ ગયા છે. બીજા ઑપરેશન વિના આરો, ઓવારો નથી.

કેટલાં ઑપરેશન?

એક, બે નહીં, પંદર ઑપરેશન!

તેમાં પગને ય થોડાક સેન્ટીમીટર ટૂંકાવી નાખ્યો. દરેક ઑપરેશને પતિદેવને ડૉક્ટરો ‘ગમે તે થાય, તૈયારી રાખજો.’ એવો સંકેત આપી દે. બરાબર અટલબિહારી વાજપેયીની ‘મોત સે ઠન ગઈ’ કવિતા જેવી આપત્તિ! હજુ તો જીવનની ઘણી પગદંડી પાર કરવી હતી, ઘણુ લખવું હતું, પતિ, પુત્ર બધાંને સાચવવા હતાં, ભરપૂર પ્રેમ કરવો હતો ત્યાં ‘ઝૂઝને કા કોઈ ઈરાદા ન થા, અચાનક હી આકે સામને ખડી હો ગઈ?’

જે કહેવું હતું તે કોઈને કહી શકાય તેમ નહોતું. એક દિશાવિહીન સમાપ્તિનો ગાઢ અંધકાર! પણ હિના તો હિના! તેણે મનોમન નિશ્ચય કર્યો કે હું લખીશ, મોકળા મને લખીશ. તકલીફ પડે તો યે લખીશ.

પરિવારને તેણે આ ઇરાદો કહ્યો. ડૉક્ટર પતિ પત્નીની લાગણીને પૂરેપૂરી સમજ્યા અને હિનાએ લખવાનું શરૃ કર્યું. વાર્તા, કવિતા, લેખ પર તે ઘણા સમયથી હાથ અજમાવતી, આ બીમારીમાં તે ભીતરની તાકાત બનીને બહાર આવી. હજુ શરીર સાથ આપતું નથી. અગાઉ તો તેનાં પુસ્તકોને પારિતોષિક પણ મળી ચૂક્યાં છે. વળી પાછો, જિન્દગીનો નશો તેને શક્તિ આપે છે. વૈશાખી પર તે થોડુંક જ ચાલે છે. કોરોનાને લીધે ઘરકામ કરનારું કોઈ નથી તો તે પણ કરે છે અને શય્યા પરની જિન્દગી તેને લખાવી રહી છે, પ્રેરિત કરી રહી છે. તેણે સુંદર વાર્તાઓ પણ લખી જે પ્રકાશિત થવામાં છે. સુરતમાં બેઠાં તેણે પ્રસ્તાવિક સ્વરૃપે આશીર્વાદ માગ્યા. જિન્દગીને દીવાદાંડીમાં બદલાવી નાખનારી, સુરતની આ ગૃહિણીને બે શબ્દો ન આપીએ – સાહસના, શાબાશીના, સજ્જતાના – તે કેમ ચાલે? ખરા અર્થમાં તો આ માત્ર ‘પોઝિટિવ’ (જોજો આજકાલ કોરોનામાં જે પોઝિટિવ શબ્દ છે તે નહીં!) નહીં પણ સંઘર્ષશીલ કહાણી આપણી આસપાસ વહેતી પડી છે. કોરોના સામેનું દીપ – પ્રજ્વલન પણ ‘તુફાન ઔર દીયા’ના ગીતને જ યાદ અપાવે તેવું હતું ને?

હિના મોદીની કલમ ખામોશ ન રહી, શરીર ભલેને ક્ષતવિક્ષત થયું, શબ્દને તેણે પોતાનો ગણ્યો, આ કંઈ નાની-સૂની વાત નથી.
———————

પૂર્વાપરવિષ્ણુ પંડ્યાહિના મોદી
Comments (0)
Add Comment