આખા જગતના આંગણે આવી ચડ્યું એકાન્ત…

મનુષ્યનો સ્વભાવ ભટકવાનો છે
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

એકાન્ત એટલે બે પક્ષકારોનું મિલન – એક તમે અને બીજું તમારું મન….!

મનુષ્યનો દેહ ધારણ કરતી વેળાએ એટલે કે માતાના ગર્ભના પવિત્ર અંધકારમાં નત મસ્તકે મનુષ્યનો પ્રથમ અનુભવ એકાન્તનો છે. આ બ્રહ્માંડના સર્જન માટે આપણા શાસ્ત્રો કહે છે કે પરમતત્ત્વ પ્રથમ તો એક જ હતું, પરંતુ એમાંથી એને વિચાર આવ્યો કે એકો।મ્… બહુસ્યામ્… હું એક જ છું તો ચાલો બહુ થઈ જાઉં…. એટલે કે એકાન્ત આપણને છેક પરબ્રહ્મ પાસેથી વારસામાં મળ્યું છે. એકાન્ત અને એકલતામાં ફેર છે. એકલતા એટલે જેમાં સહવાસની અત્યંત પ્રજ્વલિત તરસ છે, જેમાં એકલાપણુ અસહ્ય છે, એ એકલતા છે. એકલતા એટલે અણગમતું એકાન્ત અને એકાન્ત એટલે અતિપ્રિય એકલતા! જેના હૃદયમાં ઊંડે ઊંડે પણ થોડી ઘણી સાધુતા હોય અને જેનામાં આ જગતને કંઈક આપવાની ભાવના હોય, કોઈની પાસેથી યશ-ધન-પદ-પ્રતિષ્ઠા સહિત કંઈ લઈ લેવાની વૃત્તિ ન હોય, તેઓ જ એકલા રહી શકે છે.

મનુષ્યનો સ્વભાવ ભટકવાનો છે અને એના આ ભટકાવનું મૂળ કારણ તો એનામાં પડેલી કંઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ છે. ખરેખર તો ભટકતા માણસો ગુમાવે જ છે, કંઈ પ્રાપ્ત કરતા નથી. સાધુ તો ચલતા ભલા તે એટલે કહેવાયું કે કોઈ સ્થળવિશેષની એને માયા ન લાગે, સાધુ માટે તો આ આખું જગત સરજનહારે સરજિયું છે એટલે એને તો પગલે પગલે દુવારિકા ને શ્વાસે શ્વાસે કાશી, પણ સામાન્ય મનુષ્યનો ઉછેર એ રીતે થાય છે કે એનામાં એવી ઘરેડ પડી જાય છે કે ફરે તે ચરેની જેમ એ ભટકતો રહે છે. આ સામાન્ય મનુષ્યમાં આપણે સહુ આવી જઈએ. આસન સિદ્ધ કરવું એ જેવો તેવો યોગ નથી. માણસના મનને સ્થિર રાખવું જેટલું અઘરું, એટલું જ એણે જાતે સ્થિર થવું પણ કઠિન.

બાળક નાનું હોય ત્યારે એને આપણે દૂરથી રમકડું બતાવીએ છીએ અને એ ચાર પગે ચાલતા-ચાલતા રમકડાં સુધી પહોંચે છે. અહીંથી જ ભટકવાની શરૃઆત થાય છે. સાધુ અને સંતોનું મન પાલતુ કૂતરા જેવું હોય છે, એની આજ્ઞામાં રહે છે. એ કહે કે બેસી જા એટલે બેસી જાય છે. એ કહે કે મારી સાથે સાથે ચાલ, તો ચાલે છે. સામાન્ય સાંસારિક મનુષ્યમાં આનો વિપરીત ક્રમ હોય છે, મન કહે મનુષ્યને કે ચાલ, એટલે મનુષ્ય ચાલવા લાગે છે અને મન કહે મનુષ્યને કે બેસી જા, એટલે મનુષ્ય બેસી જાય છે. મન કહે તેમ કરે તે સંસારી છે અને પોતે ઇચ્છે એમ મન પાસે કરાવે તે સાધુ છે. હવે આપણે અત્યારે તો એવા યુગમાં છીએ કે સંસારીઓમાં ઘણા સાધુ છે અને સાધુઓમાં તો સંસારીઓનો કોઈ પાર નથી!

મનની પાછળ પાછળ ચાલીને અને મન કહે તેમ કરીને આ જગતમાં લોકો બહુ દુઃખી થયા છે. એટલે પ્રાચીન ઋષિઓ પોતાની ઓળખ મુનિ તરીકે આપતા. મુનિનો અર્થ ભૌતિક રીતે આપણે એવો કર્યો કે મૌનનું પાલન કરે તે મુનિ. મુનિનો વાસ્તવિક અર્થ છે કે મન ઉપર જેનો પૂર્ણતઃ અંકુશ છે તે મુનિ છે. સંસારમાં સુખ મેળવવા માટે પણ મન ઉપર અંકુશ રાખવો જરૃરી છે. અંકુશ ન હોય તો સુખ વેડફાઈ જાય છે. એકાન્ત એટલે બે પક્ષકારોનું મિલન – એક તમે અને બીજું તમારું મન.

પવન જેમ પાનખરનાં પાંદડાંને ઘડીક લાડ લડાવી ઊંચા આસમાને લઈ જાય અને પછી દૂર-દૂર ફંગોળી દે છે – એવા પવન જેવું જેનું મન ન હોય એને માટે એકાન્ત આનંદનો ધોધ છે. અત્યારે તો આ જગત માથે આવી પડેલું એકાન્ત છે. આમાં કેટલાક એકાન્ત પારિવારિક એકાન્ત છે, એટલે કે આમ સાથેના સાથે અને આમ એકલા ને એકલા! એટલે કે પાંખો કપાયેલાં પંખીઓ એક માળામાં ટોળે વળ્યા હોય એવું ચિત્ર દુનિયાના લાખો પરિવારોમાં છે, કારણ કે અગાઉ તો સૌને પોતપોતાનું ઊડવા માટેનું આકાશ હતું. એ આકાશ એકાએક લુપ્ત થઈ ગયું છે, કારણ કે ઘરના ઉંબરની બહાર મૃત્યુના ભયની ભૂતાવળનું અખંડ નૃત્ય ચાલે છે.

રિમાર્ક –

જો ઉસને માના વો હોગા, ભલે હી ધૂમ મચાયે લોગા,
જોગંદર કો મિલેગા જોગા
, મોહપાશ સે મિલેગા રોગા.
——————–

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment