- હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી
ચૈત્રી નવરાત્રિ સાથે ભારત લૉકડાઉનના નવ દિવસ પુરા થયા. આ નવ દિવસ કોઈને નવ વરસ જેવા લાગ્યાં તો કોઈને નવ મહિના જેવા લાગ્યા, પરંતુ સાધકોને તો નવ મિનિટ જેવા લાગ્યા છે. ઓશોએ કહ્યું છે કે એકલાપણુ અને એકાંતમાં અંતર છે. એકલતા કોઈના ઉપર લાદવામાં આવે છે અને એકાંત રાજીખુશીથી લાવવામાં આવે છે. એલકતામાં તરફડાટ છે અને એકાંતમાં તરવરાટ છે. એકલતા એટલે અંદરથી બહાર તરફની યાત્રા અને એકાંત એટલે બહારથી અંદર તરફની યાત્રા.
જે લોકોએ લૉકડાઉનમાં એકલતાનો અનુભવ કર્યો હશે એમના માટે નવ દિવસ નવ મહિના જેવા હશે અને જે લોકોએ લૉકડાઉનમાં એકાંતનો અનુભવ કર્યો હશે એમના માટે નવ દિવસ નવ મિનિટ જેવા હશે.
‘હલ્લો અંબાલાલ.’ મેં કહ્યું.
‘હલ્લો…’ અંબાલાલનો જવાબ.
‘તને રામનવમીની શુભકામના.’
‘લેખક, તારે રામનવમી હશે બાકી મારે તો કાળીચૌદશ છે.’
‘કેમ શું થયું ભાઈ?’
‘આ નવ-નવ દિવસ નરેન્દ્રભાઈએ ઘરમાં પુરી દીધા છે. હજુ એકવીસ દિવસ પુરા થવામાં બીજા બાર દિવસ અને બાર રાત બાકી છે. ૧૪મી એપ્રિલ પહેલાં મારા તો રામ રમી જવાના છે.’ અંબાલાલે ફોનમાં હૈયાવરાળ ઠાલવી.
‘અંબાલાલ, તારા જેવા ડાહ્યો માણસ…’
‘મારે ડાહ્યો નથી થવું, પણ ગાંડો થવું છે. તું મને ડાહ્યો ડાહ્યો કહીને દોઢડાહ્યો થઈશ નહીં.’ અંબાલાલે ધડાકો કર્યો.
મને સમજાઈ ગયું હતું કે આ બધંુ કોરોનાનો ડર અને લૉકડાઉનનું ફ્રસ્ટેશન છે, નહીંતર અંબાલાલ ક્યારેય આ રીતે વાત કરે એવો નથી. મને થયું કે હવે ભોગીલાલને વચ્ચે નાખ્યા વગર ચાલશે નહીં.
‘તું ફોન ચાલુ રાખ ભાઈ, હું ભોગીલાલને ફોન જોડું છું, ત્યાર બાદ આપણે ત્રણેય સાથે મળીને ફોનાલાપ કરીએ.’ મેં કહ્યું.
‘તું ભોગીલાલને ફોન લગાડ કે ભોગીલાલના પિતાજી ચંદુલાલને સ્વર્ગમાં ફોન લગાડ, પણ મારું મૃત્યુુ નક્કી છે.’ અંબાલાલ ફોનમાં પોતાની વ્યગ્રતા ઠાલવતો રહ્યો ત્યાં સુધીમાં મેં ભોગીલાલને લાઈન ઉપર લઈ લીધો.
‘બોલો લેખક બોલો. લૉકડાઉન કેવું ચાલે છે?’ ભોગીલાલે પૂછ્યું.
‘અમારું લૉકડાઉન તો જડબેસલાક છે. અમે તો જનતા કરફ્યુના આગલા દિવસે એટલે કે ૨૧ માર્ચની સાંજે ઘરને તાળંુ મારી દીધું છે તે હજુ સુધી ખોલ્યું નથી, પરંતુ અંબાલાલની હાલત ખરાબ લાગે છે.’
‘અંબાલાલને શું થયું? કોરોના થયો કે શું?’ ભોગીલાલે પૂછ્યંુ.
‘કોરોના થાય તારી સાસુને, કોરોના થાય તારા સસરાને, મને શા માટે કોરોનાનું કૂતરું કરડાવે છે?’ અંબાલાલ ઉગ્ર થઈ ગયો.
‘શાંત થા મિત્ર શાંત થા. જોતજોતામાં એકવીસ દિવસ નીકળી જશે. તું મારો વિચાર કર. હું દરરોજ બહારગામ જવાવાળો છું.’
‘કંડક્ટર અને કલાકારની પત્નીઓને એ વાતની જરા પણ નવાઈ ન હોય કે એમના પતિ આજે બહારગામ ગયા છે, કારણ આ બંને પ્રકારના લોકો દરરોજ બહારગામ જતાં હોય છે. કંડક્ટર ટિકિટની પેટી લઈને નીકળે અને કલાકાર હાર્મોનિયમની પેટી લઈને નીકળે.’ મેં કહ્યું.
‘અમે દરરોજ બહારગામ જનારા છતાં છેલ્લા નવ દિવસથી ઘરની બહાર પગ મૂક્યો નથી. મારે કંઈક લખવું હોય તો હિંડોળા ઉપર બેસીને લખું છું, કારણ કંડક્ટરને સ્થિર બેસીને લખવાની ટેવ ન હોય,’
‘ભોગીલાલ, તારે તો ઘણુ સારું છે. અમારા ઘરની બાજુમાં રાવલસાહેબ રહે છે એ રેલવેમાં ટિકિટ ચેકર છે. છેલ્લાં ૨૫ વરસથી રેલવેમાં ખાય છે અને રેલવેમાં જાય છે.’ મેં વાત માંડી.
‘જાય છે એટલે?’ અંબાલાલે પૂછ્યંુ.
‘દિશાએ જાય છે. એ રાવલસાહેબે લૉકડાઉનમાં તાબડતોબ એવું ટોઇલેટ બનાવડાવ્યું જે સ્વિચ પાડો એટલે વાઇબ્રેટ થાય.’
‘કેમ?’
‘જો એવું જાજરૃ ન હોય તો ટી.સી.નું પેટ સાફ ન આવે.’
‘લેખક એ વાત સાચી. રાવલસાહેબે વિચાર કર્યો હશે કે એકવીસ દિવસના લૉકડાઉનમાં કોરોના નહીં મારે, પણ કબજિયાત મારી નાખશે.’
‘અંબાલાલ તારે આવી તો કોઈ સમસ્યા નથી ને?’
‘ના…’
‘મારી પાડોશમાં પંડ્યાસાહેબ પશુ દાક્તર રહે છે.’ ભોગીલાલે કહ્યું.
‘પશુ ડૉક્ટરને વળી શું તકલીફ છે? મેં પૂછ્યું.
‘પંડ્યાસાહેબના ઘર સામે જ ડૉ. પંચોલી રહે છે એ માણસના દાક્તર છે. હમણા પંચોલી સાહેબનું દવાખાનું બંધ છે તો અમુક દર્દી સાહેબના ઘેર આવે છે અને સાહેબ માસ્ક પહેરીને પણ બસો-પાંચસો કમાઈ લે છે.’
‘એ તો સારી વાત છે.’ મેં કહ્યું.
‘પંચોલીસાહેબની સારી વાત પંડ્યાસાહેબને ખરાબ વાત લાગે છે, કારણ પંચોલીના દર્દી ઘેર આવે, પણ પંડ્યાના દર્દી આવતા નથી.’
‘ગાય, બળદ અને ભેંસ થોડાં ઘેર આવે?’ અંબાલાલ બોલ્યો.
‘એ જ તો ડૉક્ટરને ગમતું નથી. આખું વિશ્વ કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ડૉક્ટરને કમાણી ગુમાવ્યાનો અફસોસ છે.’
‘અતિ લોભ તે પાપનું મૂળ.’ અંબાલાલ બોલ્યો.
‘બીજું, અમારા માળી કરશનકાકાના ઘરમાં ટોઇલેટ નથી. એમને લૉકડાઉનમાં પણ જીવના જોખમે દરરોજ ઘરની બહાર જવું પડે છે.’
‘એ તો સારું કે પોલીસની નજરે ચડ્યા નહીં હોય, નહીંતર કાકાને ધમકાવીને પાછા ઘરમાં ઘુસાડી દે.’ ભોગીલાલે કહ્યું.
‘અંબાલાલ તારે કરશનકાકા જેવું તો નથી ને?’
‘ના… એવી સમસ્યા તો નથી.’
‘બીજું, અમારી કામવાળીને અમે ચાલુ પગારે રજા ઉપર ઉતારી દીધી છે છતાં કાલે સવારે અમારા દરવાજા પાસે આવીને રડવા લાગી.’ ભોગીલાલે વાત માંડી.
‘કામવાળી રડવા લાગી?’ મેં પૂછ્યંુ.
‘હા… કારણ એના ઘરમાં જે અનાજ હતું એ ખૂટી ગયું. નવ દિવસમાં નવ વ્યક્તિઓ હોય તો ખાવા તો જોઈએ ને ભાઈ. તારા ભાભી પાસે આવીને ઉછીના રૃપિયા માગતી હતી, પણ મેં કહ્યું કે, ઉછીના નહીં પરંતુ બક્ષિશ આપું છું.’
‘એ બહુ સારું કર્યું. તમે સાચી અને સારી રીતે ચૈત્રી નવરાત્રિ ઉજવી ગણાય.’ મેં ટેકો કર્યો.
‘અંબાલાલ તારે એવી તો સમસ્યા નથી ને?’ ભોગીલાલે પૂછ્યું.
‘ના… મને તમારા બંનેની બધી વાત સમજાઈ ગઈ છે. તમે જે દાખલા આપ્યા એ તમામ કરતાં હું સુખી છું. રેલવેના ટી.સી. રાવલસાહેબ, બંને ડૉક્ટરો, કરશનકાકા અને ભોગીલાલના કામવાળા બહેન એ બધાં કરતાં હું સુખી છું.’
‘તું ડૉક્ટર કરતાં પણ સુખી કેવી રીતે થઈ ગયો?’ મેં પૂછ્યું.
‘એક ડૉક્ટરને જીવના જોખમે પણ રૃપિયા કમાવા છે અને બીજા ડૉક્ટરને કમાણી નથી એટલે દુઃખી છે. મારે રૃપિયાની કોઈ તૃષ્ણા નથી એટલે હું અંબાણી કરતાં પણ વધારે સુખી છું.’ અંબાલાલે કહ્યું.
‘વાહ અંબાલાલ વાહ… હવે તું મરદ માણસ જેવી વાત કરે છે.’
‘જો અંબાલાલ, લૉકડાઉન અને આપણી જાતને સુધારવાનો ગોલ્ડન પિરિયડ છે. આપણે કોરોનાને થેન્ક્યુ કહેવું જોઈએ, કારણ એણે આપણને આત્મસંશોધનની તક આપી. આપણને આપણા પરિવાર સાથે અને આપણી જાત સાથે રહેવાની તક આપી.’ મેં કહ્યું.
‘કુદરતે માનવીને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હજુ સુધરી જાવ તો સારું છે નહીંતર આ તો હજુ ટ્રેલર છે.’ ભોગીલાલ બોલ્યો.
‘હું તમારા બંનેની સાથે સહમત છું. હવે હું ખુશી-ખુશી મારા ઘરમાં બીજા બાર દિવસ કાઢી નાખીશ. હું લૉકડાઉન તોડીને મારી જાતને અને અન્યના જીવને જોખમમાં મુકીશ નહીં. આ મારું તમને બંને મિત્રોને વચન છે.’
‘શાબાશ અંબાલાલ… વૅલડન અંબાલાલ…’ મેં ફોન કટ કર્યો અને અમારી ચર્ચા સુખદ અંત સાથે સમાપ્ત થઈ.
———————