- કોરોના ઇફેક્ટ – જિજ્ઞેશ ઠાકર
કોરોનાની બીમારીના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ છે, પરંતુ કેટલાક વ્યક્તિઓના સિધ્ધાંત ‘ડર કે આગે જીત હૈ‘ હોય છે. તેઓ કોઈપણ પ્રકારના ભયના ઓથાર વચ્ચે પણ ડર્યા વિના કાર્ય કરતા હોય છે. આ પ્રકારના જ ડેરિંગ ધરાવનારા વ્યક્તિઓમાં સમાવિષ્ટ છે એક ગુજરાતી જાની દંપતી. તેઓ ઈંગ્લેન્ડમાં જ્યાં ૨૦,૦૦૦થી વધુ દર્દીઓનો ચેપ ફેલાયેલો છે, તેવી ભયાનક પરિસ્થિતિમાં પણ કાર્યરત છે. મૂૂળ ભાવનગરના પણ ૨૦૦૪થી અમિત અને દિશા જાની લંડનથી આશરે ૫૦ માઈલના અંતરે આવેલા વેસ્ટ સસેક્સમાં સ્થાયી થયા છે. હાલ તેઓ કોરોના બીમારી સામેની લડતમાં ત્યાંની એનએસએચ હોસ્પિટલમાં જીવના જોખમ વચ્ચે પણ ફરજ બજાવી રહ્યાં છે.
દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલા ૧૦૦૦ વાર વિચાર કરે છે. અત્યંત જરૃરી કામકાજ હોય તો જ બહાર નીકળે છે. પરંતુ અમિત અને દિશા માટે દરરોજ ઘરમાંથી સવારે નીકળી જવું ફરજિયાત છે, કારણ કે અમિતભાઈ ત્યાંની નેશનલ હેલ્થ હોસ્પિટલમાં બિઝનેસ મેનેજર છે અને દિશાબેન ઓક્યુપેશનલ થેરપિસ્ટ તરીકે ફરજ બજાવે છે. કોરોનાના દર્દીઓની સેવા કરવામાં તેમણે ક્યાંય પણ પાછીપાની કરી નથી. તેઓ જણાવે છે કે, ઈંગ્લેન્ડ અમારી કર્મભૂમિ છે. આ સ્થાને જીવનમાં અમને ઘણું આપ્યું છે અને અત્યારે સમય છે કે અમે અહીં લોકોની સેવા કરીને આ જગ્યાનું ઋણ ચૂકવીએ.
અમિતભાઈ બિઝનેસ મેનેજર હોવાના નાતે તેમને કોઈ કોરોના દર્દીઓનો સીધો સંપર્ક થતો નથી, પરંતુ દિશાબેનને તો સતત એ દર્દીઓની સાથે જ કામ પાર પાડવાનું છે. ત્યાં હોસ્પિટલમાં બ્લ્યુ અને ગ્રીન એમ બે ભાગમાં ગંભીરતાને આધારે દર્દીઓને વહેંચી દીધા છે. જેમાં બ્લ્યુ ગ્રૂપ વધારે ખતરનાક છે અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દિશા એ ગ્રૂપમાં જ કામ કરી રહી છે.
કોરોના પોઝિટીવના સંપર્કમાં કોઈ ન આવે એટલા માટે લૉકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ માટે તો સંપર્કમાં આવ્યા વિના કોઈ છુટકો જ નથી. ગુજરાતમાં તો કેટલાક ડોક્ટરોએ ભયના કારણે પોતાના દવાખાના પણ બંધ રાખીને ઓપોડી બંધ કરી દીધી છે. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એટલે જ સૂચના આપવી પડી છે કે, ડોક્ટરોએ ઓપીડી ફરજિયાત શરૃ રાખવી પડશે. ત્યારે અમિતભાઈ, દિશાબેન જેવા અનેક કર્મચારીઓ વિશ્વભરમાં ડર રાખ્યા વગર પોતે કોરોના દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જંગલમાં રહેવું અને સિંહથી ડરવું એમ કેમ ચાલે, એવું જ આ દંપતી કહે છે કે, હોસ્પિટલમાં કામ કરવું અને કોરોનાથી ડરવું તે કેમ ચાલે. અમે તો કર્મભૂમિ અને પોતાના વ્યવસાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશું.
દીકરી અનિષ્કાની ભારોભાર ચિંતા, પણ ફરજ પહેલા…
ફૂલ જેવી દીકરી અનિષ્કા ત્યાંની જ શાળામાં અભ્યાસ કરે છે. ઈંગ્લેન્ડમાં કોરોના બીમારી સામેની લડતમાં જે સ્ટાફ કામ કરી રહ્યો છે, તેના સંતાનો માટે શાળા શરૃ રાખવામાં આવી છે. અમિત અને દિશા સવારે ઘરેથી નીકળીને તેણીને પહેલા શાળાએ મુકી આવે છે અને ત્યારબાદ પોતાની ફરજ ઉપર પહોંચે છે. પુત્રીને ત્યાં ઘણા બાળકોનો સંપર્ક થાય છે. ચિંતા તો ભારોભાર છે, પણ ફરજ પહેલા છે. દિશાબેન જણાવે છે કે, રાત્રે ત્રણેય હેમખેમ ઘરે પહોંચીએ છીએ ત્યારે ધરપત થાય છે. દરરોજ રાત્રે ઘરે પહોંચીને સૌથી પહેલા ઘરના ખુણાખુણાને સેનિટાઈઝ કરવો પડે છે. એક તરફ પોતે પણ સલામત રહેવાનું છે, અને બીજી તરફ બીજાને પણ સલામત રાખવાના છે.
—————–