પ્રયોગશાળા નહીં, પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પરિણામ છે કોરોના વાઇરસ

આ વાઇરસ માનવ અને જંતુઓની કોશિકામાં દાખલ થઈ જાય છે.
  • કોરોના ઇફેક્ટ

ચીનના વુહાન શહેરમાંથી પ્રસરેલા સાર્સ-સીઓવી-૨ કોરોના વાઇરસને લઈને પશ્ચિમી મીડિયાનું કહેવું છે કે આ વાઇરસ ચીનની પ્રયોગશાળામાં એક જૈવિક હથિયારના રૃપમાં વિકસિત કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારના વૉટ્સઍપ મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે, પણ નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ વાઇરસ પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પરિણામ છે. કોરોના વાઇરસ પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો હોવાના તેમજ તેમાં કોઈ આનુવંશિક એન્જિનિયરિંગ કરવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા હજુ સુધી સાંપડ્યા નથી.

અમેરિકાના સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઇમ્યુનોલોજી અને માઇક્રોબાયોલોજીના એસોસિયેટ પ્રોફેસર ક્રિસ્ટિયન એન્ડરસનનું કહેવું છે કે કોરોના વાઇરસની જાણીતી જાતોની સંરચના પર સંશોધન કર્યા બાદ જે ઉપલબ્ધ ડેટા છે તેને જોતાં દૃઢતાપૂર્વક કહી શકાય કે આ વાઇરસની ઉત્પત્તિ પ્રાકૃતિક પ્રક્રિયાઓને આધીન થઈ છે. એન્ડરસન અને તેમના સહયોગીઓએ કોરોના વાઇરસની ઉત્પત્તિ અને તેના ક્રમિક વિકાસની માહિતી મેળવવા માટે વાઇરસના આનુવંશિક ડેટાની વિસ્તારપૂર્વક તપાસ કરી હતી. તેમણે વાઇરસના વિશિષ્ટ ફીચર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિજ્ઞાનીઓએ વાઇરસમાં રહેલા સ્પાઇક પ્રોટીનની આનુવંશિક સંરચનાની તપાસ કરી. સ્પાઇક પ્રોટીન વાઇરસના બહારના ભાગમાં હોય છે. વાઇરસ આ પ્રોટીનનો ઉપયોગ માનવ અને જંતુઓની કોશિકાઓની દીવાલને જકડીને તેમાં દાખલ થવા માટે કરે છે. તેમણે સ્પાઇક પ્રોટીનના બે મહત્ત્વના ફીચર પર ફોકસ કર્યું. હુક અને કેન ઓપનર જેવા ફીચરની મદદથી આ વાઇરસ માનવ અને જંતુઓની કોશિકામાં દાખલ થઈ જાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે સ્પાઇક પ્રોટીન જે કુશળતાથી યજમાન કોશિકાઓ સાથે જકડાઈ જાય છે તે કોઈ એન્જિનિયરિંગનું પરિણામ નથી, પણ પ્રાકૃતિક પ્રક્રિયાની દેનથી જ શક્ય બને છે. કોરોના વાઇરસના પ્રાકૃતિક ક્રમિક વિકાસનું પ્રમાણ આ વાઇરસની સંપૂર્ણ આણ્વિક સંરચનાના ડેટા દ્વારા મળે છે.

જો કોઈ નવા કોરોના વાઇરસને એેક રોગાણુના રૃપમાં પરિવર્તિત કરવા માગે છે તો તેણે આ વાઇરસની એવી આણ્વિક સંરચનાને નિર્મિત કરવી પડશે જે રોગ ઉત્પન્ન કરે છે, પણ વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે સાર્સ-સીઓવી-૨ વાઇરસની સંરચના હજુ સુધી મળેલા કોરોના વાઇરસોની સંરચનાથી જુદી છે અને આ સંરચના ચામાચીડિયા અને પેંગોલિન નામના પ્રાણીઓમાંથી મળી આવતા વાઇરસોને મળતી આવે છે. એન્ડરસનનું કહેવું છે કે વાઇરસની વિશેષતાઓ અને તેની વિશિષ્ટ સંરચના જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે કોરોના વાઇરસની ઉત્પત્તિ તેની સંરચના સાથે છેડછાડ  કરીને નથી કરવામાં આવી.

હવે એવો પ્રશ્ન થાય કે જો સાર્સ-સીઓવી-૨ વાઇરસ પ્રયોગશાળામાં નથી બનાવવામાં આવ્યો તો એ ક્યાંથી આવ્યો. એન્ડરસન અને તેમના સહયોગીઓએ આ વાઇરસના આનુવંશિક ડેટાનું વિશ્લેષણ કર્યું અને તેના પરથી આ વાઇરસની ઉત્પત્તિના સંબંધમાં બે શક્યતાઓ વ્યક્ત કરી છે. એક શક્યતા એ છે કે આ વાઇરસ કોઈ જાનવરમાંથી મનુષ્યમાં આવ્યો છે. કોરોના વાઇરસ પહેલાં સાર્સ અને મેર્સ મહામારીઓ બિલાડી કુળના જાનવર એવા સિવેટ અને ઊંટમાંથી મનુષ્યોમાં આવ્યો હતો. સંશોધકોનું કહેવું છે કે સાર્સ-સીઓવી-૨નો મુખ્યસ્ત્રોત ચામાચીડિયા હોઈ શકે છે, કારણ કે ચામાચીડિયામાં રહેલા વાઇરસ અને કોરોના વાઇરસ એકબીજાને મહદ્અંશે મળતા આવે છે. જોકે ચામાચીડિયા મનુષ્યોના સીધા સંપર્કમાં આવ્યા હોવાનો કોઈ પુરાવો નથી મળ્યો તેથી એમ માની શકાય કે કોઈ મધ્યસ્થી જાનવરના માધ્યમથી આ વાઇરસ મનુષ્યોમાં પહોંચ્યો હશે. એટલે કે કોઈ પ્રાણી ચામાચીડિયાના સંપર્કમાં આવ્યું હશે અને એ મનુષ્ય પછી ચામાચીડિયાના સંપર્કમાં આવેલા એ પ્રાણીના સંપર્કમાં આવ્યા હશે. આ રીતે કોરોના વાઇરસ મનુષ્યોમાં પહોંચ્યો હશે. બીજી શક્યતા એ છે કે આ વાઇરસ પોતાના યજમાન વાઇરસ થકી સીધો રોગજ્ન્ય વાઇરસના રૃપમાં માનવશરીરમાં પ્રવેશ્યો હોય. સાર્સ-સીઓવી-૨ની સંરચનામાં હુક જેવા ફીચર પેંગોલિન જાનવરના કોરોના વાઇરસના ફીચરને મળતા આવે છે. શક્ય છે કે આ વાઇરસ પેંગોલિનથી સીધા કે સિવેટ અથવા ફેરટ જેવા બિલાડી કુળના જાનવરના માધ્યમથી મનુષ્યોમાં પહોંચ્યો હોય.

સંશોધકોનું માનવું છે કે આ વાઇરસ રોગકારક અવસ્થામાં મનુષ્યોમાં પહોંચ્યો હોય તો ભવિષ્યમાં કોરોના વાઇરસ જેવી મહામારીઓ ફેલાવવાની શક્યતા વધી જાય છે, કારણ કે આ પ્રકારના વાઇરસો ધરાવતા જાનવરોની આબાદી મોટા પ્રમાણમાં વિચરતી રહેશે અને તેઓ ફરીથી પ્રાણીઓ મારફતે માનવશરીરમાં પ્રવેશ કરી શકે છે.
———————.

Comments (0)
Add Comment