- ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
બધાંના ઈશ્વર જીવાડે એમ જીવીશું ત્યારે કોરોના મારીશું
વિજ્ઞાને દવા યા બોમમાં માણસાઈ નથી ભરી સ્વીકારીશું
લેરી બ્રિલિયન્ટ કહે છે કે એમની પાસે કોઈ જાદુઈ ગોળો નથી કે જેમાં જોઈને એ ભવિષ્યવાણી કરતા હતા. છતાં લેરીએ ચૌદ વર્ષ પહેલાં જાહેર ભાષણમાં કહેલું કે આવનારી મહામારી કેવી હશે. લેરી ડૉક્ટર છે, એપિડિમોઇલોજિસ્ટ અર્થાત વ્યાપકરોગવિજ્ઞાની યા મહામારીવિદ છે. લેરીએ ભવિષ્યના મહાવાવર અંગે જે કીધેલું તે ત્યારે રસપ્રદ લાગતું હતું, પરંતુ એટલું ભયંકર નહોતું લાગતું જેટલું એ હકીકતમાં આકાર લઈ રહ્યું છે. લેરીએ ભાખેલું હતું કે એક બિલ્યન લોકો માંદા પડશે તથા ૧૬૫૦ લાખ લોકો મૃત્યુ પામશે. એમણે એવું પણ કીધેલું કે ઘણા નોકરી ગુમાવશે વત્તા એ કારણે એમનું વીમાનું કવચ ગુમાવશે એટલે પરિસ્થિતિ એકદમ વણસી જશે. એકથી ત્રણ ટ્રિલિયન ડૉલર્સનું નુકસાન જશે. યસ, અત્યારે તો કોરોના વાઇરસને કારણે આપણે લેરીએ ભાખેલા મૃત્યુના આંકથી ક્યાંય દૂર પાછળ છીએ. હા, દુનિયા ઊંચીનીચી ‘ને ઊંધીચત્તી થવા લાગી છે.
આપણા લોકલ લાઇકખોરોની જેમ ‘જોયું મું નોતો કેતો?’ એવો કોઈ ભાવ લેરીમાં નથી. લેરી મહામારીને લગતી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે ‘ને ‘કન્ટેજન’ ફિલ્મના ટૅક્નિકલ એડવાઇઝર હતા. એક જમાનામાં લેરીએ રૉક એન રૉલ સાથે સતત બંધાયેલા રહીને આનંદ ‘ને પ્રસિદ્ધિ જોયેલી છે. સેવા નામની પોતાની સંસ્થા વર્ષોથી ચલાવતા લેરીને ગૂગલ જેવી કંપનીઓ જન કે વિશ્વ સેવામાં પૈસા કેવી રીતે વાપરવા એ માટે હાયર કરે છે. આજે લેરી ૭૫ વર્ષના છે, પણ ક્યારેક જુવાન મસ્તીખોર હતા. એમણે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય રીતે ફ્લુ, પોલિયો અને અંધાપા સામે સખત પરિશ્રમ કર્યો છે. લેરીએ લેખન કર્યું છે, ભાષણો આપ્યા છે ‘ને ફિલ્મમાં કામ કર્યું છે. લેરીમાં રોગ સિવાયનું જીવન સમજવાની અક્કલ, સમજ અને અનુભવ સામાન્ય મનુષ્ય કરતાં વધુ છે. લેરી કહે છે આ કોરોનાકાંડ એમના જીવનનો સૌથી ખરાબ એપિડેમિક હશે. તમામ મનુષ્યને કોવિડ-૧૯ રોગ થઈ શકે છે. એમના મતે રોગનો ફેલાવો શક્ય એટલો ધીરો કરવો એ જ હાલમાં ઉપાય છે. રસી શોધાઈ જાય અને આપણામાંથી ઘણાની ઇમ્યૂનિટી વધે એ પછીની વાત અલગ છે.
લેરી કહે છે કે અત્યાર સુધી કોરોના અંગે જે થયું તેનું અવલોકન કરીએ તો વાઇરસ આપણી સામે જીત્યા છે, પરંતુ એક સારા સમાચાર આપણા માટે દક્ષિણ કોરિયાનું ઉદાહરણ છે. ત્યાં રોજના મહત્તમ સો કેસ જ નવા બને છે. ચીનમાં પણ વુહાનમાંથી રોગ આગળ વધે છે એવું નથી રહ્યું, પણ ચીનનું મૉડેલ જે ઘરમાં પુરાવા પર આધારિત છે તેને અનુસરવું ખૂબ અઘરું છે. લોકોને આપણે એમના ઘરમાં પૂરીને ના રાખી શકીએ. આપણે દક્ષિણ કોરિયાની જેમ શક્ય એટલાં વધુ પરીક્ષણ કરવા જોઈએ. આપણે દક્ષિણ કોરિયા સામે પરીક્ષણ કરવામાં ખૂબ પાછળ છીએ. એમના બે લાખ ટેસ્ટ થાય ત્યારે આપણા હજાર ટેસ્ટ માંડ થાય. અહીં સમજવા જેવું એ છે કે લેરી અમેરિકાની વાત કરે છે, ભારત કોરોના ટેસ્ટિંગ કરવામાં અમેરિકાથી પણ પાછળ હશે. લેરી કહે છે કે આપણે શરૃઆતમાં ટેસ્ટિંગ કરવાનું ચૂકી ગયા. આપણે વાઇરસ ક્યાં ક્યાં છે એ જાણવા બધે જ આશરે ટેસ્ટ કરવા પડે. જ્યાં અત્યારે કોઈ કેસ નથી બનતા ત્યાં વાઇરસ હોઈ જ શકે. આફ્રિકાના કોઈ દેશમાં ઝીરો કેસ હોય કારણ કે ત્યાં બરાબર ટેસ્ટિંગ થયું જ ના હોય. આપણે ઘરે બેઠાં ગર્ભપરીક્ષણ કરીએ એવી કોઈ ટેસ્ટ કિટ કોરોના માટે વિકસાવવી જ રહી.
આપણે ભારતમાં વિદેશથી આવનારની રોક લગાવવામાં ખૂબ મોડું કર્યું. આવેલાને ઍરપોર્ટ આસપાસ પંદર દિવસ માટે લૉકડાઉન એવમ ક્વોરન્ટાઇન કર્યા હોત તો સારું થાત. એ પછી ભારતમાં બહારથી આવેલાની ડિટેલ્સ રાખવામાં, ચેક કરવામાં અને એમના પર લગામ રાખવામાં આપણે નિષ્ફળ નીવડ્યા. હજુ પણ ભારતમાં જે બહારથી આવેલા એ બધાંના ટેસ્ટ થયાં હોય એવું નથી. એમના કુટુંબીજન અને એ જેમને મળ્યા હોય એમના ટેસ્ટ કરવા એ તો પછીની વાત. અલબત્ત, હવે તો સ્ટેજ થ્રી ચાલે છે. આ બધાં પરીક્ષણ થાય તોય ઘણુ કામ બાકી રહે.
લેરી કહે છે કે સંસાર પહેલાં જેવો સામાન્ય ચાલે એ માટે ત્રણ ચીજ ફરજિયાત છે. આપણે અત્યારે અત્યંત મોટા ‘ને અજાણી સાઇઝના પર્વતની ટોચ જેટલો પર્વત જ જોઈ રહ્યા છીએ. જેટલું જોઈએ છીએ એ સાતમા ભાગનું જ હશે. આપણે મહત્તમ પરીક્ષણ કરવા જ પડે. બીજું રસી ‘ને દવાની શોધ. ત્રીજું આપણે ફરજિયાત કે રોજના જરૃરી હોય તેવા પ્રકારના જાહેર ક્ષેત્રમાં અત્યારે જે કામ કરે છે તેમનો ટેસ્ટ નેગેટિવ આવે એ પછી એમની ઓળખ માટે કોઈ આઇ કાર્ડ, પટ્ટો કે સિક્કો આપવો જોઈએ. આપણે આપણા બાળકોને એવાં જ શિક્ષક કે મનુષ્યની નજીક મોકલી શકીએ જે સેફ હોય. આ ત્રીજું સૌથી મહત્ત્વનું છે કેમ કે એવાં પગલાં નહીં ભરીએ તો રોગચાળો ફેલાયા જ કરશે.
જાણનારા જાણે છે છતાં ડૉક્ટર લોરેન્સ બ્રિલિયન્ટ કહે છે કે હું વૈજ્ઞાનિક છું, પણ હું શ્રદ્ધાનો માણસ છું. હું પ્રત્યેક બાબત અંગે ઉપર જોઈને જે કોઈ ઉચ્ચ શક્તિ હોય તેને મદદ માટે પૂછતો હોઉં છું કે આ સંજોગોમાં અમારા મનુષ્યનું શ્રેષ્ઠ વર્ઝન કેવું હોઈ શકે? લેરી જે સ્વયંસેવકો લોકોને ડાયરેક્ટ મદદ કરે છે ‘ને જે સ્વાસ્થ્ય વિભાગના તેમ જ અન્ય ક્ષેત્રના કર્મચારીઓ કામ કરે છે તે જોઈને હકારાત્મક રીતે અચંબિત છે. લેરીને મહામારીનો અને મહામારી નાથવાનો વ્યક્તિગત અનુભવ છે ‘ને એ દરમિયાન ઉપરવાળાના ફરજિયાત જરૃરી આશીર્વાદનો પણ લેરીને સાક્ષાત્કાર છે. લેરીએ ‘૭૫થી ‘૭૬ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી શીતળા નાબૂદ કરવા જબ્બર મહેનત કરેલી. શીતળા એક માત્ર રોગ છે જે પૃથ્વી પરથી પૂર્ણ રીતે નાબૂદ છે. શીતળાને કારણે વીસમી સદીમાં ત્રીસ કરોડ મૃત્યુ થયેલાં. સ્મોલપોકસનું ભારતીય નામ શીતળા આપણે ત્યાં સંસ્કૃત હિન્દુ શાસ્ત્ર ‘ને બુદ્ધ શાસ્ત્ર પરથી અપાયું છે. ભારતમાંથી શીતળા નાબૂદ કરવામાં લેરીનો સ્પેશ્યલ રોલ હતો. લેરી શીતળા માતાના અઠંગ ભક્ત નહોતા. લેરી એમની શીતળા નાબૂદીની સફળતા માટે એ જેમના અઠંગ ભક્ત હતા વા પોતાના ગુરુનો આભાર માને છે. નિમ કારોલી બાબાની જય હો.
૨૦૧૩માં હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સ્નાતક સમારંભમાં મુખ્ય વક્તવ્ય આપતાં લેરીએ એ અંગે વાત કરેલી. હું ‘ને મારી પત્ની બે વર્ષ માટે હિમાલયમાં એક આશ્રમમાં રોકાયા હતાં. સમજો કે હું તબીબી વિજ્ઞાન વિષેનું બધું લગભગ ભૂલી જ ગયેલો. અમે હિન્દુ, બુદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી ‘ને યહૂદી પુસ્તકોનો અભ્યાસ કર્યો અને ધ્યાન કર્યું. એ જમાનામાં એવું કરવું એ સામાન્ય કારકિર્દીનો ભાગ રહેતો. મારા ગુરુ નિમ કારોલી બાબા એક અદ્ભુત ‘ને પ્રજ્ઞ સંન્યાસી હતા. અમને બધાંને એવું હતું કે એ કોઈક રીતે ભવિષ્ય જોઈ શકતા હતા. એક દિવસ હું ધ્યાન કરવાની કોશિશમાં લાગેલો હતો ત્યાં એમણે મારું નામ દઈ બૂમ મારી, એ મને ડૉક્ટર અમેરિકા કહેતાં. એમણે મને કીધું કે મારું ભાગ્ય હિમાલય, આશ્રમ ‘ને ધ્યાન છોડીને દિલ્હી ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમમાં શીતળા નાબૂદીના કાર્યક્રમ માટે જોડાવાનું છે. એમને એ સમયે કેવી રીતે ખબર હતી કે શીતળા નાબૂદ થશે એ હું કદી સમજી શકીશ નહીં. હું ત્યારે સત્યાવીસ વર્ષનો હતો ‘ને મેં શીતળાનો એક પણ કેસ જોયો નહોતો. મેડિકલનું ભણ્યા પછી એ મારી પહેલી સાચી નોકરી બનવાની હતી.
એક સમયે જેમના બેડરૃમમાં કેવળ નિમ કારોલી બાબાની તસવીર રહેતી હતી ‘ને એ જોઈને જેમણે શરીર છોડેલું એ સ્ટીવ જોબ્સના મિત્ર લેરીનાં પત્નીનું નામ ગિરિજા છે. લેરીના એક ખાસ મિત્ર હતા હાર્વર્ડના પ્રોફેસર એવા અમેરિકન રિચાર્ડ એલ્પર્ટ ઉર્ફે રામદાસ જેઓ ‘૧૯માં દુનિયા છોડી ગયા. રામદાસે પોતાના ગુરુ નિમ કારોલી બાબા સાથેના એ સમયના એમના નજીકના લોકોના અનુભવો પર એક પુસ્તકનું સંકલન કરેલું જે ‘૭૮માં ‘મિરેકલ ઓફ લવ’ અર્થાત પ્રેમના ચમત્કારો નામે પ્રસિદ્ધ કરેલું. એ પુસ્તકમાં ૧૩૬-૭ પેજ પર આઠમા નંબરનું ચેપ્ટર છે ‘ધ સ્ટિક ધેટ હિલ્સ’ અર્થાત એ લાકડી જે સ્વસ્થ કરે છે. ૨૬ પેજના આ ચેપ્ટરમાં ઉત્તરાખંડના રાનીખેત આગળ કૈંચી નામના નાનકડા ગામ સ્થિત નિમ કારોલી બાબા ઉર્ફે ગોરા ભક્તોના મહારાજજી એમના અનુચરો, અજાણ્યા લોકો ‘ને સમસ્ત માનવ જાતના સ્વાસ્થ્ય માટે એમની પોતાની ભેદી રીતે જાગરૃક ‘ને સક્રિય રહેતાં એ વાત કરી છે. આ ચેપ્ટરમાં ભારતમાં શીતળા કેવી રીતે નાબૂદ થયો તેનો પડદા પાછળના એક મહત્ત્વના ઇતિહાસની થોડી વાતો છે.
મહારાજજી ક્યારેક એમની જબ્બર શક્તિનો ઉપયોગ કરીને સંરક્ષણની છત્રીનો વ્યાપ વધારીને એમના ભક્તને છત્રી નીચે લઈ લેતાં. જ્યારે કોઈ ભક્તની માંદગી દૂર કરવાની ઘટના થતી ત્યારે એ બાબત વધુ સ્પષ્ટ કે અત્યંત રોમાંચક થતી. કોઈ ભક્તને નીરોગી કરવા માટે માત્ર સ્પર્શ તો કોઈ માટે એક નજર તો કોઈને માટે કોઈ શબ્દ મહારાજજી કામમાં લેતાં, પરંતુ આ બધું ફક્ત ત્યારે જ કે જ્યારે પરિસ્થિતિ એ હદની થઈ હોય ‘ને ભક્તની શ્રદ્ધા એકદમ મજબૂત હોય. બાકીનાને એ દવા કહેતાં. અમુક કિસ્સા પરથી ખ્યાલ આવે કે એમની કહેલી દવાઓ ઘણી વિચિત્ર રહેતી. અમુક રોગી વ્યક્તિઓને એ કહેતાં કે હું કશું જ નહીં કરી શકું ‘ને એમને એ ડૉક્ટર પાસે જવા કે કોઈ મંદિર જવા કહેતાં. મહારાજજી ઘણે દૂરથી દર્દ મટાડી શકતા, ફોન પર કે સ્વપ્ન વડે પણ. મહારાજજી આવી ચમત્કારિક શક્તિ ધરાવતાં છતાં એમની પાસે એવી કોઈ શક્તિ હોવા અંગે એ ધરાર નનૈયો ભણતા. એ અંતે માત્ર એટલું જ કહેતાં કે સબ ઈશ્વર હૈ.
ચેપ્ટરની શરૃઆત ઉપરના ફકરાથી થાય છે. ચેપ્ટરમાં રામદાસને ખાતરી હોય એવા સંખ્યાબંધ ‘ચમત્કારિક’ પ્રસંગો છે જેમાં મહારાજજીએ રોગી કે દર્દીને ‘ચમત્કાર’ કરીને તંદુરસ્તી અર્પી હોય. નિમ કારોલી બાબા હનુમાનજીનો અવતાર કહેવાય છે. ‘મિરેકલ ઓફ લવ’ ભારતની રાજકારણની એ જમાનાની હસ્તીઓ અસામાન્ય સમયે એમની મદદ લે છે એ વાતો પણ કરે છે ‘ને આધ્યાત્મિક માર્ગ પર જેણે ખરેખર આગળ વધવું છે એમના માટે પણ પૂરતી કામની વાતો કરે છે. બાબા કહેતાં કે દુઃખ સહન કરવાથી ડહાપણ આવે છે. તમે માંદા હો ત્યારે ઈશ્વર સાથે એકલા હો છો, તમે હૉસ્પિટલમાં હો કે સ્મશાનમાં હો ત્યારે તમે ઈશ્વર સાથે એકલા હો છો. ખેર, આપણે લેરી ‘ને શીતળા નાબૂદીની વાત કરતા હતા. પેજ નંબર ૧૫૬ પર સુબ્રમણ્યમ ઉર્ફે લેરી નામનો પશ્ચિમી ડૉક્ટર આવે છે.
મહારાજજી કોઈ ભળતી જ વાત શરૃ કરીને લેરીની કલ્પના બહાર એને કહે છે કે તારે યુનોના ડૉક્ટર તરીકે કામ કરવાનું છે, ગામેગામ ફરીને રસી આપવાની છે. લેરી ડબ્લ્યુએચઓ સાથે જોડાયેલા હોય તેવા વ્યક્તિને પોતાના સંપર્ક દ્વારા શોધીને નોકરી અંગે તપાસ આદરે છે. બાબા અમુક દિવસ થાય એટલે લેરીને પૂછે કે શું થયું તારી યુનોની નોકરીનું? પહેલી વાર નોકરી માટે જ્યારે લેરી હૂ સંસ્થાના સિનિયર લોકોને રૃબરૃ મળે છે ત્યારે લેરીની લાંબી દાઢી ‘ને એનો ઝભ્ભો લેંઘો જોઈને એ લોકો ભડકે છે. બીજી વાર લેરી મહારાજજીના ભક્ત બર્મનનો સૂટ માંગી ગમે તેમ કરી પહેરીને જાય છે. આજે પણ કૈંચીથી દિલ્હી જવું એ તકલીફદેહ યાત્રા છે તો એ જમાનામાં કેટલી એ સફર દરમિયાન કેવી વિકૃત તકલીફો પડતી હશે એ વિચારવું પણ માથાના દુખાવા સમાન છે. લેરીને મહારાજજી ફરી કહે છે કે દિલ્હી જા, પરંતુ સૂટ પહેર્યા પછી લેરી જેટલી વાર દિલ્હી ગયો તેટલી વાર એને એક જ જવાબ મળતો કે શીતળા દૂર કરવાના કાર્યક્રમમાં નવા કોઈ માણસને લેવાનો નથી, કારણ કે એ પ્રોગ્રામ હાલમાં એવો મોટો કરવાનો નથી.
ક્યારેક મહારાજજી લેરીને અણધારી રીતે કહેતાં કે, જા જલ્દી ભાગ દિલ્હી ‘ને જોઈ જો યુનોમાં નોકરી છે કે નહીં. પછી બે મહિના આ આમથી તેમ ચાલ્યું. લેરી ધક્કા ખાય, પેલાં ના કહે કે હમણા ભારતમાં શીતળા અંગે કોઈ નવો કાર્યક્રમ નથી. કમ સે કમ દસ વાર ધક્કા ખાધા. છેલ્લે મહારાજજીએ પૂછ્યું કે, ડબ્લ્યુએચઓમાં તારી નોકરી આખરે નક્કી કોણ કરે? લેરીએ કીધું ડૉક્ટર હેન્ડરસન. બાબાએ પૂછ્યું કે સ્પેલિંગ શું? અને હસતાં-હસતાં એ સ્પેલિંગ ફરીફરીને બોલ્યા કરતાં ધ્યાનમાં જતાં હોય તેમ આંખ બંધ કરતાં ‘ને ઘડી લેરી સામું જોઈ બાબા મરકતા રહ્યા. બિલકુલ એ જ વખતે જિનિવામાં ડૉક્ટર હેન્ડરસન અમેરિકન એમ્બેસી ખાતે એક પાર્ટીમાં હતા. અમેરિકન એમ્બેસેડર અને સર્જન જનરલ જે અમેરિકામાં હેલ્થ વિષયક બધું નક્કી કરે તે હાજર હતા. સર્જન જનરલે પૂછ્યું કે શીતળા નાબૂદી અભિયાન કેવું ચાલી રહ્યું છે? હેન્ડરસને ઉત્તર આપ્યો કે, ‘સરસ. અમે ચોત્રીસ દેશોમાં કામ પૂર્ણ કરી દીધું છે હવે માત્ર ચાર દેશો બચ્યા છે.’
સર્જન જનરલે પૂછ્યું કે, શું બધા દેશો આ કામમાં તમને મદદ કરે છે? ડૉક્ટર હેન્ડરસને કીધું કે હા, રશિયાએ અમને રસીઓ આપી છે. સ્વિડને અમને ઘણા પૈસા આપ્યા છે. તમામ દેશો અમને મદદ કરે છે. સર્જન જનરલે પૂછ્યું કે અમેરિકા તમને શું મદદ કરે છે? શીતળા નાબૂદી કાર્યક્રમના નિષ્ણાત હેન્ડરસન બોલ્યા કે, ખરું કહીએ તો ખાસ કશું નહીં. સામે સવાલ આવ્યો કે તમારે શું જોઈએ છે? હેન્ડરસન જવાબમાં બોલ્યા કે મારે તમારી આગળ આ વાત કેવી રીતે સ્પષ્ટ કરવી તે મને સમજાતું નથી, પણ અમારે એક જુવાન અમેરિકન ડૉક્ટરને નોકરી પર રાખવો છે અને એ જુવાનિયાનું સિક્યૉરિટી ક્લિયરન્સ થતું જ નથી. જે કોઈ અમેરિકનને યુનાઇટેડ નેશન્સ સાથે કામ કરવું હોય તેણે સિક્યૉરિટી ક્લિયરન્સ કરાવવું જ પડે. સર્જન જનરલે કહ્યું કે મને આવી કશી ખબર નથી, સિક્યૉરિટી ક્લિયરન્સ કોણ આપે છે?
ડૉક્ટર હેન્ડરસન બોલ્યા કે તમે. હું? સર્જન જનરલે તરત જ પાર્ટીમાંથી એક નેપ્કિન લીધો ‘ને પૂછ્યું કે એ છોકરાનું નામ શું? અને નેપ્કિન પર લખ્યું કે, બ્રિલિયન્ટ- કામ શરૃ કરવા માટે ઓકે. સર્જન જનરલે એ નેપ્કિન ડૉક્ટર હેન્ડરસનને આપ્યો અને હેન્ડરસને દિલ્હી ડબ્લ્યુએચઓની ઑફિસમાં ટેલિગ્રામ મોકલ્યો કે લેરીનું સિક્યૉરિટી ક્લિયરન્સ મળી ગયું છે. બીજે દિવસે સવારમાં મહારાજજી યાને નિમ કારોલી બાબાએ લેરી વગેરેને પોતાની પાસે આવવા બોલાવ્યા. એ ખૂબ સારી રીતે બોલચાલ કરતા હતા. એમણે ચા ‘ને જલેબી મંગાવી લેરી વગેરેને આપી. બધાંને ભેટ્યા. અને અચાનક મહારાજજીએ જાહેર કર્યું કે સારું તો તમારો જવાનો સમય થઈ ગયો છે. લેરી ‘ને બધાંને એમ કે આશ્રમમાંથી રજા લેવાનો સમય થયો છે એમ કહે છે, પરંતુ એ લોકો દરવાજે પહોંચ્યા ત્યાં દરવાજે તાર લઈ ટપાલી આવ્યો. લેરી માટે ટેલિગ્રામ હતો કે સિક્યૉરિટી ક્લિયરન્સ મળી ગયું છે તમારે તાત્કાલિક દિલ્હી આવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઑફિસમાં કામ માટે જોડાવાનું છે.
ડૉક્ટર લેરીની કોરોના અંગેની વાતો આપણે જાણી. ડૉક્ટર લેરીની શીતળા નાબૂદીમાં જોડાવા અંગેની વાત જાણી. ખરી વાત તો એ પછી શરૃ થાય છે. લેરી પહેલાં ગામમાં જાય છે. ગામના મુખ્ય માણસને મળે છે ‘ને રસી મૂકવા મૂકાવવા અંગે કામની માહિતી આપી સમજાવે છે. ગામમાં શીતળાના કારણે મરતાં માણસો લેરીને દેખાતા હોય છે, પણ ગામવાળા રસી મૂકવા ના પાડે છે અને લેરી તેમ જ ગિરિજાને એમની જીપ સુધી વળાવવા આવે છે. જિપમાં નિમ કારોલી બાબાનો ફોટો હોય છે. ગામના નિર્ણય કરનાર માણસ એ ફોટો જુએ છે ‘ને પૂછે કે આ કોણ છે? લેરી કહે મારા ગુરુ છે, નિમ કારોલી બાબા અને તરત જ એ માણસોનો વિચાર બદલાય છે. લેરી એન્ડ ટીમ શીતળા સામેની પહેલી રસી મૂકી શકે છે. લેરીને આવો અનુભવ સતત દરેક ગામમાં થયો. યાદ રહે કે એ વખતે નિમ કારોલી બાબા એવા કે તેટલા જાણીતા નહોતા અને એ નહોતા રાખતા દાઢી ‘ને નહોતા પહેરતાં ભગવા કપડાં.
લેરી એન્ડ ટીમ બે વર્ષ આખા દેશમાં સતત ‘ને સખત મહેનત કરે છે. ‘૭૪માં એમણે શરૃ કર્યું ત્યારે શીતળાના એક લાખ એંસી હજાર કેસ હતા ‘ને એક વર્ષમાં ત્રીસ હજાર મૃત્યુ થતાં હતાં. અંતે ત્રીસ દેશના ૪૦૦ જેટલા મહામારીના વિશેષજ્ઞ ડૉક્ટર્સ ‘ને એક લાખ જેટલા ભારતીય કર્મચારીઓએ ભેગાં મળી જે કામ કદી શક્ય બને જ ના, એમ આખી દુનિયાએ માનેલું એ કામ પૂર્ણ કરેલું. તમામ લોકો માનતા હતા કે શીતળાના રસીકરણનો એ પ્રોગ્રામ અમલમાં ના મૂકી શકાય ‘ને પૂર્ણ ના થઈ શકે. ફક્ત ‘ને માત્ર મહારાજજી પહેલેથી કહેતા હતા કે શીતળા નાબૂદ થઈ જશે. એમણે કીધેલું કે એ માનવજાતને ઈશ્વરની ભેટ છે. વારુ, એડવર્ડ જેનરને પોતાને શંકા હતી ‘ને એમણે કહેલું કે જ્યારે કાઉપોકસ જેવું કશું માનવજાતમાં પેદા થાય એ કાર્ય સમગ્ર જગતમાં ફેલાય એવું થશે ત્યારે આ સ્મોલપોકસ જશે.
આપણે ત્યાંના બહુમત નાસ્તિકોના મતે હિન્દુઓને નુકસાન જાય એવું જ કહેવું ‘ને કરવું એટલે સાચા નાસ્તિક થવું. એમણે કાબુલમાં શીખો પર થયેલા ઘાતકી હુમલા અંગે કે તબલિગી જમાતની કરતૂત અંગે કશું નથી કહેવું, પણ એમણે ટ્રમ્પને ગાળો દઈ ભારતને કોઈને ના દેખાય કે સમજાય એવો ફાયદો કરવો છે. કેમ એમણે એક સામાન્ય વાત સમજવી જ નથી કે અત્યારે એક જ વિજ્ઞાન છે કે લોકો ઘરમાં રહેશે તો કોરોનાથી બચશે સિવાય કે એમના ઘરમાં કોઈ કોરોનાગ્રસ્ત જાય કે પહેલેથી ઘરમાં કોઈ કોરોનાગ્રસ્ત હોય. જ્યાં ફોમાઇટથી ધ્યાન રાખવાનું સમજાવવું જોઈએ ત્યાં આ પત્રકારો દેશમાં ટોળાં વધે ‘ને મોદી સરકારનું ખરાબ દેખાય એ માટે લોકોની શક્તિ ‘ને પૈસો વાપરે છે. અમુકને એમ કે વધુ ‘ને વધુ લોકો મરે તો મોદીને નુકસાન જાય ‘ને અમારી સત્તાની જાહોજલાલી પાછી આવે. અમુકને એમ છે કે ભારત દેશને જો અત્યારે બરાબર નુકસાન જાય તો ભવિષ્યમાં અમુક ભારત વિરોધી મહેનત કરવી સરળ થઈ જશે. એક વાત ઠાની લો કે ઘરની બહાર નહીં નીકળી ‘ને નિકળીશું તો યુદ્ધના ધોરણે નિયમ મુજબની સાવચેતી રાખીશું. બીજું એ કે ઈશ્વર સત્ય હતો, છે ‘ને રહેશે જ એ પકડી જ રાખજો. શીતળા નથી તોય લોકો મરે છે ‘ને શીતળા હતો તોય લોકો જીવેલા એનું કારણ વિજ્ઞાન કે નસીબ નહીં, ઈશ્વર છે.
વિજ્ઞાન વડે મનુષ્યએ દવા ‘ને બોમ બંને શોધ્યા છે. પોલિયો નાબૂદી હજુ ચાલુ છે ‘ને અનેક લોકો મેલેરિયા કે સામાન્ય ફ્લુની બરાબર સારવાર ના થવાથી મરી જાય છે. શરદીની પરફેક્ટ દવા શોધવા માણસ હજુ મથી રહ્યો છે. સામે મરઘી, ગાય, ભૂંડ, બકરા એમ વિવિધ માંસમાંથી માનવી નવાનવા રોગ લાવતો રહે છે. અમેરિકામાં દર વર્ષે સૌથી વધુ મોત મેડિકલ નેગ્લિજન્સ અર્થાત સ્વાસ્થ્યને લઈને ઉપેક્ષા ‘ને બેદરકારીને કારણે થાય છે. કોરોનાના આ અતિકપરા કાળમાં આપણે કોરોના સામે બચવા ‘ને લડવા અંગે અહીં ઉપર તેમ જ અગાઉ ઘણી વાતો કરી, પરંતુ એક વાત નિશ્ચિત છે કે માનો યા ના માનો ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જ પડશે. ઈશ્વરને પ્રાર્થના કરવી જ પડશે કે કોરોના સામે અમારું રક્ષણ કરો. ઈશ્વરનો અગાઉના તમામ સુખ ‘ને સુરક્ષા માટે તો ઠીક, જન્મ આપી ‘ને જીવતા રાખવા માટે આભાર માનવો જ પડશે. એ સાથે ઈશ્વર પાસે પોતપોતાની ભૂલો અંગે માફી માગી દરેક વ્યક્તિએ પોતાનામાં તદ્દન નવો એવો કોઈ સુધારો લાવવા કટિબદ્ધ થવું રહ્યું.
બુઝારો – કુદરતે મનુષ્યને પહેલેથી જે સ્થિતિમાં મૂક્યો હતો તે સ્થિતિ છોડીને મનુષ્યની આડે રસ્તે ફંટાઈ જવાની ક્રિયા મનુષ્ય માટે રોગના ભંડારનું જનક બની ગઈ હોવાનું સાબિત થયું છે.
– ૧૮૨૬માં મૃત્યુ પામેલા શીતળાની રસીના શોધક ‘ને રોગપ્રતિકારક શક્તિના શાસ્ત્રના પિતા એડવર્ડ જેનર.
——————–