કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં વહી સેવાની સરવાણી

જમવાનું, રેશન કિટ, સેનિટાઇઝર કે માસ્ક જેવી વસ્તુઓનું વિતરણ કચ્છમાં મોટાપાયે થઈ રહ્યું છે
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

રણ નજીક રહેનારા કચ્છી લોકોના દિલ વિશાળ છે. આ જિલ્લામાં હંમેશાં જ વિવિધ સેવાપ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ ગરીબ, રખડતાં ભટકતાં પાગલોની સેવા પણ અનેક લોકો હોંશપૂર્વક કરે છે. ત્યારે કોરોનાના પંજામાંથી લોકોને બચાવવાના હેતુથી લગાવાયેલા લૉકડાઉન વખતે તો અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવીઓ ઉમળકાપૂર્વક સેવા કરવા બહાર પડ્યા છે.

કોરોના વાઇરસના કારણે દેશવ્યાપી લૉકડાઉન કરાયું છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા કે ઝૂંપડામાં રહેનારા, બીજા રાજ્યોમાંથી મજૂરી કરવા આવેલા મજૂરો, જખૌ બંદરે માછીમારી કરવા આવેલા માછીમારો વગેરેની માઠી દશા બેઠી છે. અનેક લોકોને બે ટંક સમયસર ખાવાનું પણ મળતું નથી. આવી સ્થિતિમાં હૅન્ડ સેનિટાઇઝર કે માસ્ક લેવા માટેની સ્થિતિ આવા લોકોની ક્યાંથી હોય? આથી અનેક સંસ્થાઓ, સેવાભાવીઓ આવા લોકોની વહારે આવ્યા છે. જમવાનું, રેશન કિટ, સેનિટાઇઝર કે માસ્ક જેવી વસ્તુઓનું વિતરણ કચ્છમાં મોટાપાયે થઈ રહ્યું છે. લૉકડાઉન વખતે આવી સેવા માટે ખાસ પાસ કઢાવવા પડે છે. સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓને પાસ મળે છે. જોકે સાથે-સાથે ક્યારેય સેવા માટે હાથ પણ હલાવ્યો ન હોય તેવા લોકો પણ સેવાના નામે પાસ કઢાવવા લાગ્યા છે. તેના કારણે લૉકડાઉન વખતે પણ આવા પાસ લગાવીને અહીંથી ત્યાં ઘૂમતા અનેક લોકો જોવા મળે છે.

અનેક લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓ ગરીબ લોકોની સાથે-સાથે પોતાની ફરજમાં સતત ખડે પગે રહેતા પોલીસ જવાનો કે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે પણ સેવા બજાવીને ફરજ અદા કરે છે. ફરજપરસ્ત લોકોને નાસ્તો, ચા- પાણીની સગવડતા સેવાભાવીઓ પૂરી પાડે છે. ગરીબ લોકોને થોડા દિવસ ચાલે તેટલા રેશનની કિટ, રોજની જરૃરિયાતની વસ્તુઓ તો વિવિધ સંસ્થાઓ દ્વારા દાતાઓના સહકારથી અપાય જ છે. રોજિંદી શાકભાજીનું પણ વિતરણ કરવામાં આવે છે. ગામડાંમાં અમુક ખેડૂતો જ લોકોને નિઃશુલ્ક શાકભાજી આપે છે. મીઠાઈ અને ફરસાણ પણ જરૃરતમંદ લોકોને આપવામાં આવે છે. અમુક વર્ગ તો લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું પણ રોજ સવારે વિતરણ કરે છે. મનુષ્યોની સેવાની સાથે-સાથે અબોલ જીવો માટે લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા છે અને તેમનું પણ જતન કરાઈ રહ્યું છે.

ભુજના અમુક હોટેલ માલિકોએ સેવાભાવી સંસ્થાઓની મદદથી લૉકડાઉન દરમિયાન ગરીબ લોકો, ફરજ બજાવતા કર્મચારીઓને નિઃશુલ્ક ભોજન કરાવવાનો યજ્ઞ શરૃ કર્યો છે. જ્યારે ગાંધીધામમાં જરૃરતમંદો માટે ટિફિન સેવા અને ફૂડ કિટ વિતરણ પણ કરાઈ રહ્યું છે. અમુક સંસ્થાઓએ તો ટિફિન સેવા માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જેના પર પોતાની જરૃરત લોકો જણાવી શકે. એક સંસ્થાએ તો ખાસ જણાવ્યું છે કે ફોન કરનાર વ્યક્તિને કોઈ પણ સવાલ નહીં પૂછાય.

અમુક સંસ્થાઓ ગામડાંમાં સેનિટાઇઝર દવાનો છંટકાવ કરીને કોરોનાનું સંકટ હળવું બનાવવામાં મદદરૃપ થાય છે. અત્યારે મોટા ભાગના મેડિકલ સ્ટોરમાં જ્યારે માસ્કનો પુરવઠો ખૂટી ગયો છે ત્યારે અનેક ગામોના દરજીઓ લૉકડાઉનના સમયમાં માસ્ક સીવીને તેનું નિઃશુલ્ક વિતરણ પણ કરે છે. નિરોણા જેવા પાવરપટ્ટીનાં ગામોના દરજીઓ કે ભુજના દરજીઓ પણ નિઃશુલ્ક માસ્ક સીવી આપે છે.

વિવિધ વસ્તુઓનું વિતરણ કરતી વખતે જોકે દર વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. તેના કારણે લૉકડાઉનનો હેતુ માર્યો જાય છે. તો અમુક વખતે સેવાના પાસ લઈને ફરતાં સેવાભાવીઓ જાણે નવરાત્રિ વખતે પદયાત્રાએ જતાં ભાવિકો માટેના સેવાકેમ્પમાં કામ કરતા હોય તેવા ઉત્સાહમાં આવીને કોરોના મહામારીની ગંભીરતા વિસરી જાય છે.

સેવાના નામે પાસ મેળવવા માટે પણ તાલુકા મથકોએ ભારે ધસારો થતો હતો. અમુક સંસ્થાઓના કાર્યકરો પાસ મેળવવા માટે રાજકીય દબાણ પણ લાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમુક લોકોના મતે તો જ્યારે સરકાર તમામને પૂરતી સુવિધા પાડવા પ્રયત્નશીલ છે ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓએ સેવાના નામે સંયમ જાળવવો જોઈએ. ડિઝાસ્ટર મામલતદારની કચેરીમાંથી મળતા આંકડા મુજબ તા. ૩જી એપ્રિલ સુધીમાં જિલ્લા આખામાં ૧૦,૭૯૩ જેટલા પાસનું વિતરણ કરાયું છે. જેમાં ડેરી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ૨૪૨૦, દવાના વ્યવસાય સાથે સંકળાયેલાઓને ૧૪૪૫, કરિયાણાના દુકાનદારોને ૪૬૫૮, બેંક, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સને ૩ અને અન્ય લોકોને ૨૨૬૭ પાસ ફાળવાયા છે. જે પાસ અન્યોને ફાળવાયા છે તેમાં જે કંપનીઓને કામ કરવાની છૂટ અપાઈ છે તેના કામદારો અને સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોનો સમાવેશ થાય છે. આમ ૧૦ હજારથી વધુ લોકોને પાસ ફાળવાયા છે, ત્યારે આ લોકોએ પોતાની જવાબદારીથી લૉકડાઉનનો અર્થ સરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તે રીતે કામ કરવું આવશ્યક છે.
——————-

કોરોના વાયરસ સામેની લડાઇસુચિતા બોઘાણી કનરસેવાકાર્યો
Comments (0)
Add Comment