કોરોનાના કહેર વચ્ચે માનવતાની મહેક

અનેક સમાજ, સોસાયટી અને વ્યક્તિઓ સેવા માટે આગળ આવી રહ્યાં છે
  • સેવા – હેતલ રાવ

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી બાજુ મધ્યમવર્ગ અને ગરીબ પ્રજાની પરિસ્થિતિ કથળી રહી છે. આવા સમયે સરકાર પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે, પરંતુ વસુધેવ કુટુંબકમની ભાવના સાથે અનેક સમાજ, સોસાયટી અને વ્યક્તિઓ આ મહામારીના સમયમાં સેવા માટે આગળ આવી રહ્યાં છે.

ના જાણ્યુ જાનકી નાથે કાલ સવારે શંુ થાવાનું છે‘, આપણા વડીલો ઘણી વખત આ કહેવત વાત વાતમાં કહેતા હતા, પરંતુ આજે જાણે તેનો મર્મ બરોબર સમજાઈ ગયો. કોરોના નામનો વાઇરસ જે રીતે કોહરામ મચાવી રહ્યો છે, તે જોતાં ખરેખર લાગે છે કે કાલની વાત તો દૂર, પરંતુ એક ક્ષણ પછી પણ કેવી સ્થિતિ સર્જાશે તેની કોઈને જાણ નથી. સમગ્ર રાજ્ય એક કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં અગણિત લોકો છે, જેમની પાસે ખાવા પૂરતંુ પણ અનાજ કે શાકભાજી નથી. સરકારના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ આવા સમયે અનેક લોકો સેવાની ફોરમ ફેલાવી રહ્યા છે. ભારત દેશની મહાનતાની જીવતી જાગતી તાસીર જોઈ શકાય છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર લોકો એકબીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. કદાચ આ જ આપણા દેશની આપણા રાજ્યની અને આપણા લોકોની સાચી ઓળખ છે.

વિશ્વમાં કોરોના વાઇરસે કોહરામ મચાવ્યો છે. આ વાઇરસ ખૂબ ઝડપી ફેલાતો હોવાથી લાખો લોકો તેની ઝપટમાં આવી જાય છે અને મોતને ભેટી રહ્યાં છે. અમેરિકા, સ્પેન, ઇટાલી અને ઈરાનમાં તો કોરોનાએ આતંક મચાવ્યો છે. અમેરિકામાં તો એક જ દિવસમાં બારસોથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. હજી પણ ત્યાં સંક્રમિતોની સંખ્યામાં વિશેષ વધારો થઈ રહ્યો છે. તેને રોકવા પ્રશાસન કમરકસી રહ્યું છે, પરંતુ હજી સુધી તેમને સફળતા મળી નથી. જ્યારે આપણા ભારતમાં કોરોના વાઇરસ કંટ્રોલમાં છે, પરંતુ સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આજે દેશની ૧.૩૦ અબજ વસ્તીમાંથી ૧૯ કરોડ એવા ગરીબ છે કે જેઓને દિવસમાં એક ટંક જમવાનું પણ મળતું નથી, ભૂખ્યા સૂઈ જાય છે. કોરોનાની મહામારીમાં લૉકડાઉન સિવાય સરકાર પાસે કોઈ વિકલ્પ પણ હતો નહીં એટલે રાષ્ટ્રહિત માટે લૉકડાઉન પગલું અનિવાર્ય હતું તેથી લૉકડાઉનની જાહેરાત આયોજન વગર કરવી પડી. જેનાથી દેશની પ્રજા એમાં પણ ગરીબ તથા મધ્યમવર્ગ પર એક અણધારી આફત તૂટી પડી. જ્યારે દેશ પર કોઈ મુસીબત આવી પડે ત્યારે દેશના નાગરિકો ખભાથી ખભા મેળવીને સંકટનો સામનો કરે છે. એકવીસ દિવસ માટે દેશના લોકોને જમાડવા અને રાશન પૂરું પાડવાની જવાદારી સામાજિક સંસ્થા તથા સામાજિક સેવકોએ ઉપાડી લીધી. સરકાર સહાય કે અનાજની વ્યવસ્થા કરે તે પહેલાં માનવતાને અગવડતા ના પડે અને કોઈ ભૂખે ના મરે તેના માટે લોકો સ્વયંભૂ દાન અને સેવાના કાર્યમાં લાગી ગયા. ગુજરાતમાં સરકારે ૧લી એપ્રિલથી રાશન પૂરું પાડવાની કવાયત કરી હતી, પરંતુ સમાજના એવા લોકો કે જે માનવસેવા જ પ્રભુસેવા માને છે તે લોકો કામે લાગી ગયા. ગરીબોને બે ટાઇમ ખાવાનું મળી રહે તે માટે તેમણે અથાગ પ્રયત્ન કરીને શહેરમાં રહેતા ગરીબ લોકોને નિરંતર રીતે ભોજન જમાડે છે. રાશનની કિટ પણ પુરી પાડે છે. ઉપરાંત જરૃરિયાતને પૈસા પણ આપે છે. ગુજરાતના દરેક નાના મોટા જિલ્લાનાં ગામડાં અને શહેરોમાં નિયમિતપણે ભોજન અને રાશનની કિટ પુરી પાડવામાં આવે છે. ઘણી બધી સોસાયટીઓમાં મધ્યમવર્ગીય લોકોના નામનું લિસ્ટ બનાવવામાં આવે છે અને તેમને ખબર પણ ના હોય તે રીતે તેમની મદદ કરવામાં આવે છે.

ગરીબ વર્ગને રાશન કિટ અને ભોજન પહોંચાડવું જેટલંુ સરલ છે એટલું જ અઘરું છે, મધ્યમવર્ગ સુધી તેમની જરૃરિયાતની ચીજવસ્તુ પહોંચાડવી. આ શબ્દો છે મહેમદાવાદમાં રહેતા ભાવેશ રાવલના. અભિયાનસાથે વાત કરતા કહે છે, ‘આપણને ખબર હોય કે આ વ્યક્તિને વસ્તુની જરૃર છે, પરંતુ તે સ્વમાનના લીધે આપણને કહી નથી શકતી અને આપણે તેના માનને જાળવવા માટે તેને સામેથી આપી નથી શકતા. આ રીતની સેવા કરવી અમારા માટે પડકારરૃપ હોય છે, પરંતુ મારાં માતાપિતા હંમેશાં કહેતાં કે, દીકરા એક હાથ આપે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ માટે તેના માટે મેં ખાસ વ્યવસ્થા કરી છે. મારી ટીમ સાથે મળીને આવી વ્યક્તિનું લિસ્ટ બનાવ્યંુ છે અને તેમના સુધી જરૃરિયાતની વસ્તુ પણ પહોંચી જાય છે. બસ, તેમને ક્યારેય ખબર નહીં પડે કે આ કેવી રીતે આવે છે. મહેમદાવાદ ઉપરાંત આજુબાજુનાં ગામ અરેલી, વાઠવાડી, ખાત્રેજ, વરસોલા, માંકવા જેવા અનેક નાનાં-મોટાં ગામમાં મારી ટીમ સાથે મળીને રાશન કિટ, ભોજન અને જરૃરિયાતની વસ્તુ પહોંચતી કરીએ છીએ. સરકાર જે રીતે કોરોના સામે લડત આપવા દિવસ-રાત એક કરી રહી છે તેમાં અમારી સેવા ઘણી સામાન્ય કહેવાય. આ મુશ્કેલીનો સમય છે અને તેમાં આપણા જ લોકોને મદદ કરવી આપણી નૈતિક ફરજ છે. હું અને મારી ટીમ જે પણ કરીએ છીએ તે સેવા અને ફરજનો ભાગ છે.

રાહત પેકેટનું વિતરણ, જરૃરિયાતની વસ્તુ લોકો સુધી પહોંચાડવી, દવાની જરૃરિયાત પૂર્ણ કરવાની સાથે-સાથે પોતાના વિસ્તારમાં સમયસર દવા છંટાવવાનું કામ કરતા નડિયાદના ટીકેન્દ્ર બારોટની સમાજ સેવા થોડી જુદી રીતની છે. સરકારના લૉકડાઉનના નિર્ણય પછી તેમને ખ્યાલ આવી ગયો કે દેશની જે સ્થિતિ છે તેમાં સરકારનાં આ પગલાં અતિ આવકાર્ય છે. સરકાર તો દરેક રીતે પોતાનાથી બનતા પ્રયત્નો કરશે જ, પરંતુ આ સમય એવો છે જ્યારે આપણે સ્વયંભૂ પણ સમાજની સેવા માટે આગળ આવવું જ પડશે. લૉકડાઉનના બીજા જ દિવસથી ટીકેન્દ્ર બારોટ, તેમના ભાઈ કલ્પેશ બારોટ અને સાથી ટીમ કામ પર જોતરાઈ ગઈ. શાકભાજી, રાશન કિટ, ગરીબ અને મધ્યમવર્ગની જરૃરિયાત સાથે દરેક પોતાના વોર્ડ નંબર સાતની સમગ્ર જવાબદારી સ્વયં સ્વીકારી કામ પર લાગી ગયા. સરકારના નિર્ણયને જનતા બરોબર રીતે નિભાવે, લોકોને ઘરની બહાર નીકળવું ન પડે તે માટે દરેક પ્રકારની સામગ્રી તૈયાર કરી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ટીકેન્દ્ર બારોટ અભિયાનસાથે વાત કરતા કહે છે, ‘હું વોર્ડ નંબર સાતનો કાઉન્સિલર છું, પરંતુ અત્યારે મારી ફરજ દરેક સમાજ માટે છે. માત્ર હું જ નહીં પરંતુ મારા ભાઈઓ, પરિવાર અને સાથી મિત્રો પણ સહકાર આપી રહ્યા છે. કિટ તૈયાર કરવી, બધાની જરૃરિયાત જાણવી અને તેમના સુધી વસ્તુ પહોંચાડવી તે ટીમ વર્ક છે. અમે સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ. મારી ટીમ ઘણી મજબૂત છે અને અમે સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી સેવાનું કામ કરતા રહીશું. આવી પરિસ્થિતિમાં સહુએ સાથે મળીને સમાજ માટે કામ કરવું જોઈએ.

થોડા દિવસ પહેલાં જ ભારતનું નાગરિકત્વ મેળવનાર ડિમ્પલ વરદાયિની જે પોતાની એનજીઓ ચલાવે છે અને સાથે જ ભાજપના કાર્યકર્તા પણ છે. જોકે આ બંને વાતો કરતાં મહત્ત્વની વાત એ છે કે તે રોજના ૧૦૦થી પણ વધારે જરૃરતમંદોને રાશન પહોંચાડે છે. એટલંુ જ નહીં, ૩૦૦ જેટલા પાકિસ્તાની રેફ્યુજી પરિવારોને પણ રાશન આપવામાં આવે છે. સરદારનગર, નોબેલનગર, કુબેરનગર, નરોડા, ઠક્કરબાપાનગર, નારોલ, સેટેલાઇટ જેવા અનેક વિસ્તારના જરૃરિયાતમંદ લોકોને રાશન પૂરું પાડવામાં આવે છે. નરોડા વિસ્તારમાં રહેતા ડિમ્પલ વરદાયિની પોતાની ટીમ સાથે કિટ બનાવીને ઘરે-ઘરે પહોંચતી કરે છે, પરંતુ સાથે ધ્યાન પણ રાખે છે કે, લૉકડાઉનના નિયમનું ઉલ્લઘંન ન થાય. 

અમદાવાદના બાપુનગર વિસ્તારની દરેક સોસાયટી અને સમગ્ર વિસ્તાર સુધી ભોજન પહોંચાડવાની નેમ લેનારા મોહનસિંહ રાજપૂત નિરંતર આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. તો સાથે જ બાપુનગરની પ્રભુવીર સોસાયટી, નંદાનગર સોસાયટી, શક્તિનગર સોસાયટી, દામોદર ચાલી, અવકાશ સોસાયટીમાં ફાયરબ્રિગેડ દ્વારા સેનિટાઇઝેશન પણ કરવામાં આવ્યું. ભોજનની સાથે-સાથે લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાય છે. મોહનસિંહ પોતાની ટીમ સાથે મળીને સતત આ કાર્ય કરી રહ્યા છે. જ્યાં સુધી લૉકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી આ સેવા પણ અવિરત ચાલતી જ રહેશે.

અભિયાનેઆવાં ઘણા બધાં શહેરો, ગામડાંમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિની વિગતો મેળવી. એટલું તો કહી જ શકીએ કે જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે માનવતા મહેકી ઊઠી છે. હજુ પણ કેટલા દિવસ આ મુશ્કેલીનો સામનો કરવો પડશે તે ખબર નથી માટે સરકારને સહકાર આપી આપણી આજુબાજુ, જરૃરિયાતમંદ વ્યક્તિને મદદ કરતા રહેવું એ જ આપણી નૈતિક ફરજ છે.
————–.

કવરસ્ટોરીમાનવતાસેવાકીય કાર્યોહેતલ રાવ.
Comments (0)
Add Comment