વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ – ૨૦૨૦માં ભારત

ખુશીની વ્યાખ્યા દેશે-દેશે બદલાય છે. ખુશી પરિસ્થિતિ ઉપર નિર્ભર છે,
  • સમાજ – જયેશ શાહ

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે…!!!

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે નવ વાગે નવ મિનિટ માટે દીપક પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. તેવી જ રીતે ૨૨ માર્ચે સાંજે પાંચ વાગે થાળીઓ વગાડવી/શંખ વગાડવો/ઘંટી વગાડવી નો કાર્યક્રમ આપ્યો હતો. આ બંને કાર્યક્રમોમાં તવંગર હોય કે ગરીબ, બંગલામાં રહેતો હોય કે ઝૂંપડીમાં, ફૂટપાથ પર રહેતો હોય કે સડક ઉપર બધાંએ આ બંને કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને આનંદ મનાવ્યો. આ પોસ્ટમાં ઝૂંપડીમાં રહેનાર કે ફૂટપાથ ઉપર રહેનાર કે ગરીબ હોય તેઓએ આ બંને કાર્યક્રમમાં જે સહજ રીતે ખુશી મનાવી છે તેના ફોટો મૂક્યા છે.

ત્યારે મને પ્રશ્ન થયો કે જો આટલી વિકટ પરિસ્થિતિમાં ‘લૉકડાઉન’માં આવકનાં કોઈ સાધનો ન હોવા છતાં તમામ એકસાથે ઉત્સાહ અને આનંદ મનાવતા હોય તો પછી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત દેશ ૧૫૩ દેશોમાં ૧૪૪મા નંબરે કેમ? ભારતનો ક્રમાંક છેલ્લા દસમાં આવે એ કેવી રીતે શક્ય બને? વિદેશોનો ‘ખુશ’ રહેવાનો અને ‘આનંદ’ મનાવવાનો ‘કોન્સેપ્ટ’ શું હશે? કેવળ ભૌતિકવાદ??

આપણી સંસ્કૃતિની ભાષામાં કહીએ તો સુખ અને દુઃખ કે ખુશી અને ગમ આપણી અંદર જ રહેલાં છે. આપણી દ્રષ્ટિ, વિચારધારા અને વલણ જ આપણને આનંદ કે દુઃખનો અનુભવ કરાવી શકે. આમ હકીકતમાં ખરી મજા સુખી થવામાં છે, પરંતુ સુખી થવા માટે થોડો પ્રયાસ કરવો પડે. એક વ્યક્તિ તરીકે આપણામાં કોઈ ‘ઇન-બિલ્ટ ફોલ્ટ’ હોય તો તેને શોધીને, ઓળંગીને સુખના પ્રદેશમાં પ્રવેશી શકાય.

આ કવાયત કરવા જેવી છે, કારણ કે બીજાને સુખ આપવું એ આપણી બીજી ફરજ છે. આપણી પહેલા નંબરની ફરજ છે પોતે સુખી થવું એ છે. આ દુનિયામાં દરેક માણસને ખુશીની તલાશ છે, પરંતુ ખુશી મેળવવા માટે પ્રયાસ, પ્રેમ તથા દ્રષ્ટિનો ત્રિવેણી સંગમ જરૃરી છે.

ચારે બાજુ જ્યારે ‘કોરોના વાઇરસ’ ફેલાઈ રહ્યાના ગંભીર સમાચારો આવી રહ્યા હોય ત્યારે પણ ઉઘડતા ફૂલનાં સૌંદર્યને જોવાનું ચૂકો નહીં તો તમે ખુશ રહેવાની કળા હસ્તગત કરી છે એવું કહી શકાય.

પેટ ચોળીને શૂળ ઊભું કરતી કેટલીક બાબતોથી બચીએ તો દુઃખ અવશ્ય ઓછું થઈ શકે. સરખામણી અને દેખાદેખી દુઃખી કરે છે. તેનાથી ખુશીનો ગુબ્બારો ફૂટી જાય છે. આ માનસિકતાથી બચીશું તો દુઃખી નહીં થવાય. બીજાનું જોઈને દુઃખી થશો તો સુખનું એક તણખલું પણ નહીં મળે. ખુદની સરખામણી ખુદ સાથે જ કરો. તેવી જ રીતે ઈર્ષ્યા પણ ખુશી છીનવે છે. જો તમે અન્યને જોઈને ખુશ થશો તો તમારું પણ સારું થશે, પરંતુ બળશો તો તમારી નકારાત્મકતાની છાયા તમારી ખુશી પર અવશ્ય પડશે. ત્યાર બાદ સહાનુભૂતિની વધારે પડતી અપેક્ષાથી ખુશી તમારા દરવાજા તરફ ફરકતી પણ નથી. ચોવીસ કલાક દુઃખની ચાદર ઓઢીને ફરશો તો સુખના અણુઓ તમારા તન-મનમાં પ્રવેશી નહીં શકે.

રતિભાર અહંકાર ન હોય. જરાય સ્પૃહા નહીં. કોઈ ભાર નહીં. પોતે ગમે તેટલું મહત્ત્વનું કામ કર્યું હોવા છતાં તેની જરાય પ્રતીતિ કોઈને ન થાય. સાવ અજાણ્યા છતાં એવું વહાલથી વર્તન કરીએ કે જાણે સ્વજન હોઈએ. આટલું જ કરીએ એટલે ખુશ રહેવાની કળા આપોઆપ હસ્તગત થઈ જાય. ભારતની સંસ્કૃતિમાં આ કળા દરેકની નસ-નસમાં વણાયેલી છે.

પરંતુ મને દુઃખ એ વાતનું છે કે આપણી નવી પેઢી ખુશ રહેવાનું ભૂલી રહી છે. ખુશ રહેવાની કળા ગુમાવી રહી છે. આવી વાતમાં દોષનો ટોપલો તરત માત્ર ને માત્ર ભૌતિકવાદ ઉપર ઢોળી દેવાય છે એ બરાબર નથી.

ભૌતિકવાદના અપરંપાર ફાયદા છે. તેણે કેટકેટલી સુખ-સુવિધા આપી છે. હકીકતમાં તો જેમ સુખ-સુવિધા વધે તેમ વધારે ખુશી મળવી જોઈએ. હજી સદી પહેલાં જ પાણી ભરવા પાદર જવું પડતું. એક ગામથી બીજા ગામ જવું હોય તો ચાલવું પડતું. ભોજન કરવું હોય તો દળણા દળવા પડતાં. અત્યારે બધું આંગળીના ટેરવે ને આંખના ઇશારે થઈ જાય છે. સુવિધા વધી તેના ગુણોત્તરમાં ખુશી વધવી જોઈએ કે નહીં ?

પરંતુ થયું છે એનાથી તદ્દન ઊંધું. એટલે કહી શકાય કે સુવિધા અને આનંદને કોઈ સંબંધ નથી તેથી ભૌતિકવાદ અને રાજીપાને કોઈ સંબંધ નથી. હોત તો અમેરિકા હેપીનેસ ઇન્ડેક્સમાં સૌથી આગળ હોત, પરંતુ એવું નથી. યુરોપના નોર્ડિક દેશો મોટા ભાગે હેપિનેસ ઇન્ડેક્સમાં ટૉપ પર રહે છે.

આ વર્ષે ફિનલેન્ડે દુનિયાના સૌથી ખુશખુશાલ દેશની યાદીમાં સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિનલેન્ડ આશરે ૫૫ લાખની વસ્તી ધરાવે છે. આ યાદીમાં ભારતનો રેન્ક ૧૪૪મો છે. કુલ ૧૫૩ દેશની યાદીમાં અફઘાનિસ્તાન સૌથી ઓછો ખુશખુશાલ દેશ છે. આર્થિક તંગી સામે લડી રહેલો કંગાળ પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં ૬૬મા ક્રમે છે.

દેશની હેપીનેસને માપવા માટે છ માપદંડ પર જુદા જુદા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં દેશના પ્રતિ વ્યક્તિ જીડીપી, સામાજિક સહયોગ, ઉદારતા અને ભ્રષ્ટાચાર, સામાજિક સ્વતંત્રતા અને સ્વસ્થ જીવનના આધાર પર આ રેન્ક આપવા આવ્યા છે. આગળ દર્શાવ્યું તેમ ખુશખુશાલ દેશની યાદીમાં મોટા ભાગના દેશ યુરોપના છે. સૌથી ઓછા ‘હેપી’ દેશની યાદીમાં ભારતનું સ્થાન છેલ્લેથી દસમું છે.

મને વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ – ૨૦૨૦ની આ યાદીથી સ્હેજે સંતોષ નથી. હું એવું સ્પષ્ટ રીતે માનું છું કે ખુશીની વ્યાખ્યા દેશે-દેશે બદલાય છે. ખુશી પરિસ્થિતિ ઉપર નિર્ભર છે, નહીં કે માત્ર ભૌતિક સુખ-સગવડો અને નાણાકીય સમૃદ્ધિ.

જો ભૌતિક સુખ-સગવડો અને નાણાકીય સમૃદ્ધિ જ માપદંડ હોત તો ૨૨ માર્ચ અને ૦૫ એપ્રિલના રોજ ઝૂંપડીમાં રહેનાર કે ફૂટપાથ ઉપર રહેનાર કે જેની પાસે બે ટાઇમ ખાવાના સાંસા છે તેવા ગરીબો કાર્યક્રમોની ખુશીમાં જોડાયા ન હોત.

આ લોકોની ખુશીનું કારણ ભારતમાં રહેલું સોશિયલ સપોર્ટ નેટવર્ક છે. જ્યારે જ્યારે ક્રાઇસીસ આવે કે વિકટ સંજોગો ઊભા થાય ત્યારે ત્યારે ભારતમાં રહેલી સ્વયંસેવી સંસ્થાઓ મેદાને આવી જાય છે અને સરકારનો ભાર હલકો કરી દે છે. કોઈ ગરીબ ભૂખ્યો ન રહે તેનું ધ્યાન આ સોશિયલ સપોર્ટ નેટવર્ક રાખે છે. સામાજિક સહાયતાની સરવાણી આવા સમયે ફૂટી નીકળે છે. નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાનું થોડું તો થોડું પણ યોગદાન આપતો જ રહે છે. અન્યને મદદ કરવાની ભાવનાથી વ્યક્તિ અને સમાજની અંદર સકારાત્મક ભાવનાઓ આપોઆપ આવી જાય છે અને આ સકારાત્મક ભાવનાઓ જ ખુશીને ખેંચી લાવે છે.

અહીં હું એક બહુ જ જાણીતી વાર્તા પ્રસ્તુત કરવા ઇચ્છું છું.
એક રવિવારે રોજની જેમ બાઇક ઉપર જવાને બદલે એક યુવાને સિટી બસમાં જવાનું પસંદ કર્યું. તે બસની રાહ જોઈને ઊભો હતો. રોડની સામેની સાઈડ ઉપર ફૂટપાથ ઉપર એક ૧૫ વર્ષનો છોકરો તેની ૭ વર્ષની બહેન સાથે ફુગ્ગા વેચી રહ્યો હતો. પેલી નાની છોકરી વારંવાર મને બહુ ભૂખ લાગી છે એમ કહેતી હતી. તે છોકરો બહેનને કહેતો કે થોડી વાર સહન કરી લે. હું તને નાસ્તો કરાવું છું. એટલામાં એક મહિલા તેના હાથમાં એક નાના છોકરાને ઊંચકીને પસાર થાય છે. તે છોકરો ફુગ્ગો લેવાની જીદ કરે છે એટલે મહિલા ઊભી રહીને તેને ફુગ્ગો લઈ આપે છે. તેનો છોકરો ખુશ ખુશ થઈ જાય છે. થોડીવાર પછી ૧૫ વર્ષની આસપાસના ત્રણ છોકરાઓ આવે છે. તેઓ ફુગ્ગા ખરીદે છે અને પછી ફુગ્ગા ફોડીને ખુશી મનાવે છે. ફુગ્ગા વેચાતાં ફુગ્ગા વેચવાવાળો છોકરો બહુ જ ખુશ થાય છે અને એની નાની બહેનને નાસ્તો કરાવે છે. નાસ્તો કરીને નાની બહેન પણ ખૂબ ખુશ થાય છે.

આ જાણીતી વાર્તાથી એવું જોવા મળે છે કે ખુશ થવું એ પૈસા કે ભૌતિક સમૃદ્ધિ ઉપર આધારિત નથી. ખુશ થવું પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. આ વાર્તામાં (૦૧) ફુગ્ગા વેચવાવાળો છોકરો ફુગ્ગા વેચીને ખુશ થયો (૦૨) મહિલાના હાથમાં રહેલો નાનો બાળક ફુગ્ગો હાથમાં લઈને ખુશ થયો (૦૩) ત્રણ છોકરાઓ ફુગ્ગા ફોડીને ખુશ થયા અને (૦૪) ફુગ્ગાવાળા છોકરાની બહેન નાસ્તો કરીને ખુશ થઈ.

આ વાર્તા કહેવા પાછળનો મારો આશય એ છે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં આ વર્ષે ભારતનો ૧૫૩ દેશમાંથી ૧૪૪મો ક્રમાંક પ્રાપ્ત થયો તે આધાર સાચો નથી. ખુશીની વ્યાખ્યા પરિસ્થિતિના આધારે બદલાતી રહેતી હોય છે. પરિસ્થિતિ જ ખુશીને ઘડતી હોય છે અને તે પણ જે-તે દેશની સંસ્કૃતિ ઉપર આધારિત હોય છે.

દરેક દેશ માટે એક સરખો માપદંડ વાપરીને જો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બનાવવામાં આવે તો તે ક્યારેય સાચો નહીં જ હોય.

અહીં હું આ જ અહેવાલમાંથી એક ઉદાહરણ પ્રસ્તુત કરું છું. આ જ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં વિશ્વના સૌથી ખુશ શહેરોની યાદી આપી છે તેમાં ભારતનું એક જ શહેર છે અને તે છેલ્લા પાંચમાં છે. ટૉપ ૨૦ શહેરોમાં અમેરિકા અને યુરોપનાં એ શહેરો છે કે જ્યાં આજે કોરોનાથી હજારો લોકો મોતને ભેટ્યાં છે અને હજારો લોકો સંક્રમિત થયા છે.

સૌથી સુખી શહેરોમાં આવેલા સ્ટોરમાં લોકોએ ‘લૂંટફાટ’ ચલાવી છે તેની સામે ભારતમાં આટલી ગરીબી હોવા છતાં ક્યારેય આવા વિકટ સંજોગોમાં ‘લૂંટફાટ’ થઈ નથી. આ બધું એવું સૂચવે છે કે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ એક જ માપદંડથી નક્કી ન કરી શકાય. સૌને એક જ લાકડીએ હાંકી ન શકાય. ખુશી સ્થાનિક પરિસ્થિતિ અને સ્થાનિક  સંસ્કૃતિ ઉપર પણ એટલી જ આધારિત છે. માત્ર ભૌતિકતાના ત્રાજવે ખુશીને તોલી શકાય નહીં….
———————

કોરોના વાયરસ સામેની લડાઇખુશીનો માપદંડહેપીનેસ
Comments (0)
Add Comment