- કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર
કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે કચ્છના ઉદ્યોગો પર બહુ જ ખરાબ અસર પડી રહી છે. ઉદ્યોગોની ૬૦ ટકા પ્રવૃત્તિ બંધ થઈ છે. વિશ્વભરમાંથી થતી આયાત નિકાસ પર પડેલી અસરના કારણે ઉદ્યોગો ટૂંક સમયમાં પોતાના ઉત્પાદનો બંધ કરવા મજબૂર થશે અને તેની સીધા પરિણામસ્વરૃપ બેકારીની સમસ્યા વધવાની શક્યતા છે. માર્ચ મહિનાના પહેલા ૨૦ દિવસો દરમિયાન કચ્છનાં બે મહાબંદરો પર જહાજોના આવાગમન પર વધુ અસર પડી નથી, પરંતુ કોરોનાના ફેલાવાની સ્થિતિમાં સુધારો નહીં થાય તો કપરા દિવસો આવી શકે છે.
ગુજરાતના ઝડપથી વિકસતા જિલ્લા તરીકે કચ્છ છેલ્લા બે દાયકાથી ઊભરી રહ્યું છે. લોકોને ઉદ્યોગો થકી સીધી કે આડકતરી રોજગારી મળવા લાગી છે. જિલ્લા અને રાજ્ય બહારના અનેક લોકો કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી રહ્યા છે. વૈશ્વિક મંદીના પગલે છેલ્લાં થોડાં વર્ષોથી નવા ઉદ્યોગો આવવાની ગતિમાં ઘટાડો જરૃર થયો છે, પરંતુ તેની બહુ મોટી અસર લોકોની રોજગારી પર દેખાતી નથી, પરંતુ વિશ્વને બાનમાં લીધેલી કોરોના વાઇરસની મહામારીના કારણે કચ્છના ઉદ્યોગો થકી મળતી રોજગારી પર મોટી અસર થવાની શક્યતા છે. કચ્છમાં ઉદ્યોગોનું રોકાણ અંદાજે રૃ. ૧.૫ લાખ કરોડનું છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન રૃ. ૩.૫૦ લાખ કરોડનું અંદાજાય છે. કોરોનાની સ્થિતિમાં ૨૦મી માર્ચ સુધીમાં કચ્છના ઉદ્યોગોને અંદાજે ૩૦થી ૩૫ હજાર કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
કચ્છના તમામ ઉદ્યોગોનો વિદેશ સાથે સીધો સંબંધ છે. અમુક ઉદ્યોગો કાચા માલની આયાત કરે છે તો અમુક ઉદ્યોગો તૈયાર ઉત્પાદનોની નિકાસ કરે છે. હાલ વિશ્વભરમાં કોરોના વાઇરસ ભયજનક રીતે ફેલાયેલો હોવાથી આયાત – નિકાસ પર અસર પડી રહી છે. ભલે માર્ચ માસના શરૃઆતના ૨૦ દિવસોમાં આ અસર બહુ મોટા પાયે જણાતી નથી, પરંતુ જો કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં જલ્દી સફળતા ન મળી તો તેના બહુ ગંભીર અને દૂરગામી પરિણામો જોવા મળી શકે છે. અત્યારે તો ઉદ્યોગો પાસે કાચો માલ હોવાથી ઉત્પાદન થાય છે, પરંતુ જહાજોના આવાગમન પર આ જોખમી વાઇરસની અસર પડશે તો ઉદ્યોગો પાસેનો કાચો માલ ખલાસ થઈ જશે. નવું ઉત્પાદન કેવી રીતે કરવું તે પ્રશ્ન ઊભો થશે. તેના કારણે ઉદ્યોગોને પોતાના મજદૂરો, કર્મચારીઓ અને અધિકારીઓને છૂટા કરવાની ફરજ પણ પડી શકે છે. આમ કોરોના વાઇરસ પોતાની સાથે બેકારીની મોટી સમસ્યા પણ સર્જશે તેવી દહેશત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જે રીતે આ મહામારી ગુજરાતમાં વધી રહી છે, ગુજરાતનાં મોટાં શહેરોમાં લૉકડાઉન કરાયું છે, કચ્છમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે, અહીંના મોટા ભાગના ઉદ્યોગોએ જ્યાં શક્ય છે ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સહુલિયત આપી છે. અનેક ઉદ્યોગોએ કર્મચારીઓને થોડા દિવસની રજા આપી છે. તે જોતાં કચ્છના ઉદ્યોગો પર કોરોનાની અસર વધુ ને વધુ નકારાત્મક થવાની છે, તે નક્કી છે.
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિઆ)ના મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકે સાથે આ અંગે વાત કરતાં તેમણે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની દહેશત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘કચ્છમાં અત્યારે ૨૫૦થી ૩૦૦ જેટલા મોટા અને મધ્યમ ઉદ્યોગો છે, જ્યારે ૩૦૦૦થી ૪૦૦૦ જેટલા નાના ઉદ્યોગો છે. જેમાં ૧.૧૦ લાખ લોકોને સીધી રોજગારી મળે છે, જ્યારે ૩ લાખ લોકો આડકતરી રોજગારી મેળવે છે. ૧૦૦ ટકા ઉદ્યોગ વિદેશો સાથે આયાત અથવા નિકાસ કરે છે. તેથી કોરોનાની બહુ મોટી અસર થશે. વિદેશથી આવતા કાચા માલનો પુરવઠો અટકી જશે અને તૈયાર માલની નિકાસ પણ બંધ થશે. તેથી ખૂબ મોટા પ્રમાણમાં નાણા અટકી પડશે. અત્યારે તો વિશ્વ આખાની પુરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે. ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાની અસર દેખાવાની ચાલુ થઈ છે અને હવે તે ચરમસીમા ભણી આગળ વધી રહી છે. અત્યારે જ કચ્છના ઉદ્યોગોની ૬૦ ટકા જેવી પ્રવૃત્તિઓ અટકી ગઈ છે.’
જિલ્લામાં કંડલા અને મુન્દ્રા અદાણી એ બે મહાબંદરો છે. તેથી કચ્છમાં કાર્યરત ઉદ્યોગોની આયાત નિકાસ અહીંથી જ થાય છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના ઉદ્યોગો પણ પોતાની પસંદગી આ બે મહાબંદરો પર જ ઉતારે છે. આ બંદરો અંગે વાત કરતાં ફોકિઆના મેનેજિંગ ડાયરેક્ટર વધુમાં જણાવે છે કે, ‘આ બંદરો પરથી દેશના ૩૫ ટકા કાર્ગોનું પરિવહન થાય છે. આ બંદરો પર પણ કોરોનાની અસર થઈ રહી છે. તેના કારણે કચ્છ, ગુજરાત સહિત આખા ઉત્તર ભારતને ફટકો પડવાની દહેશત છે.’
બેકારી વધવાની દહેશત અંગે વાત કરતાં તેઓ કહે છે, ‘કોરોનાની અસર સર્વિસ સેક્ટર પર પણ પડશે. અત્યારે ભલે કોરોનાના કારણે સર્જાયેલી બેકારી દેખાતી નથી, પરંતુ નજીકના સમયમાં કોરોનાને નાથવામાં વિશ્વવ્યાપી સફળતા નહીં મળે તો આગામી એકાદ- બે માસમાં જ તમામ ઉદ્યોગો પાસેનો કાચો માલ ખલાસ થઈ ગયો હશે. તેથી ઉત્પાદન પણ બંધ કરવું પડશે અને તેની સીધી અસર રૃપે બેરોજગારીનું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યાં ઘરે બેસીને કામ કરી શકાય તેમ હોય ત્યાં આ અસર ઓછી દેખાશે, પરંતુ જ્યાં વ્યક્તિની પ્રત્યક્ષ હાજરી જરૃરી હોય તેવી ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોને બેકારીના રૃપમાં કોરોનાનું વધુ વરવું સ્વરૃપ જોવું પડશે. કચ્છમાં જ્યાં ૫૦૦થી ૧૦૦૦ લોકો કામ કરતાં હોય તેવા પણ ઉદ્યોગો છે. અહીં ઉત્પાદન કેવી રીતે શક્ય બને? જો કોરોનાની સ્થિતિ વધુ વકરે તો ઉદ્યોગો પર તવાઈ આવવાની પૂરી શક્યતા છે.’
આવી જ વાત કરતાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ જૈન કહે છે, ‘કચ્છના તમામ ઉદ્યોગો વિશ્વભરના દેશો સાથે સંકળાયેલા છે. કોરોનાની અસર થવાની શરૃઆત તો થઈ ગઈ છે. ઉદ્યોગોની તમામ આર્થિક પ્રવૃત્તિઓ ધીમી થઈ ગઈ છે. શિપિંગ ઉદ્યોગ પણ ખૂબ અસરગ્રસ્ત છે. નવા જહાજોમાં માલસામાન ભરાતો નથી. આગામી સમયમાં શું થશે તેની ચિંતા સાથે બધા રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. નવા ઓર્ડર સ્વીકારવાની પણ ના પડાઈ રહી છે. અત્યારે જે સ્થિતિ છે તે જોતા તો કચ્છના ઉદ્યોગો પર તેની અસર આગામી ૬થી ૮ મહિના સુધી ચાલશે. જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો ઉત્પાદન અટકશે અને તેથી રોજગારી પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. આ સ્થિતિ વૈશ્વિક મંદી કરતાં પણ વધુ ભયાનક હશે.’
અત્યારે સ્થિતિ ભયાવહ હોવાની વાત ઉદ્યોગોના પ્રતિનિધિઓ વર્ણવી રહ્યા છે, પરંતુ ૨૦મી માર્ચ સુધી જહાજોના આવાગમન પર બહુ અસર થઈ ન હોવાનું બંદર સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. મુન્દ્રા બંદરેથી મળતાં આંકડા મુજબ ફેબ્રુઆરી માસમાં ૨૫૪ જેટલાં જહાજો અદાણી બંદર પર આવ્યાં હતાં. જ્યારે ૨૦મી માર્ચ સુધીમાં ૧૮૦ જહાજો અહીં બર્થ થયાં હતાં. જોકે એનું એક કારણ એ પણ હોઈ શકે કે ચીનમાં કોરોનાની મહત્તમ અસરના કારણે ત્યાં કાર્ગોની મૂવમેન્ટ અટકી હતી. તેથી કચ્છમાં જહાજોનું આવાગમન વધ્યું હોઈ શકે. આવા જ આંકડા મુન્દ્રાના જૂના બંદરના છે. અહીં દેશી વહાણોની અવરજવર હોય છે. ફેબ્રુઆરીમાં ૧૮ જેટલાં વહાણો આવ્યાં હતાં. ૨૦મી માર્ચ સુધીમાં ૮ વહાણો આવ્યાં હતાં. આમ ૧૦-૧૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કંડલા બંદર પર આવી જ સ્થિતિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હવે ચીનમાં સ્થિતિ કાબૂમાં છે અને ત્યાં જહાજોનું આવાગમન ચાલુ થઈ ગયું છે. બીજી બાજુ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, તેથી આગામી દિવસોમાં વિદેશમાંથી જહાજો આવવાનું કે જવાનું પ્રમાણ ઘટી શકે છે.
તેવી જ રીતે ઉદ્યોગોમાં વપરાતી વીજળીના આંકડા પણ હજુ કોરોનાની ભયાવહ અસર દેખાડતાં નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં અસર જોવા મળવાની શક્યતા ગેટકો સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે. અંજાર અને મુન્દ્રા તાલુકામાં આવેલા પાંચ મોટા ઉદ્યોગોએ ફેબ્રુઆરીમાં ૨૧,૯૦૬.૭૮ એમ.ડબ્લ્યુ.એચ. (મેગાવૉટ અવર) જેટલી વીજળી વાપરી હતી. જ્યારે આ જ ઉદ્યોગોએ ૧૮મી માર્ચ સુધીમાં ૧૩૨૪૨.૮૧ એમ.ડબ્લ્યુ.એચ. જેટલી વીજળી વાપરી છે. આમ, અત્યાર સુધી વીજવપરાશમાં પણ ખૂબ વધુ ફરક જણાતો નથી, પરંતુ અત્યારની કથળેલી સ્થિતિ જોતાં આગામી દિવસોમાં વીજવપરાશ ઘટવાની પૂરી શક્યતા છે.
જોકે પ્રવાસન ઉદ્યોગ પર આગામી સિઝન સુધી કોરોનાની અસર દેખાવાની શક્યતા છે. કચ્છ એક્સપિડિશન સંસ્થાના પ્રવીણ ડાંગેરા જણાવે છે, ‘અત્યારે કચ્છમાં પ્રવાસન બિલકુલ બંધ છે. વિદેશથી આવેલા પ્રવાસીઓને પણ અચાનક જ પરત ફરવું પડ્યું છે. અહીં સામાન્ય રીતે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિત્ઝરલેન્ડ જેવા યુરોપિયન દેશોના તથા અમેરિકાના પ્રવાસીઓ વધુ આવે છે. અત્યારે ઉનાળાની સિઝનમાં ડોક્યુમેન્ટરી બનાવનારા, કચ્છના હસ્તઉદ્યોગ પર કામ કરનારા પ્રવાસીઓ વધુ હોય છે. જ્યારે ઑગસ્ટ, સપ્ટેમ્બરથી શરૃ થતી મેળાઓની સિઝનમાં ફોટોગ્રાફર્સ વધુ આવે છે. તેઓ પોતાનું બુકિંગ બહુ વહેલા કરાવતા હોય છે, પરંતુ આ વખતે તેમણે પોતાનું એડવાન્સ બુકિંગ પણ કૅન્સલ કરાવ્યું છે. આમ, અત્યારની ઉનાળાની અને આગામી સિઝન પણ પ્રવાસનની દૃષ્ટિએ ખરાબ જવાની પૂરી બીક છે.’
કચ્છમાં પ્રવાસનના કારણે ટૂર ઓપરેટર્સ, ગાઇડ તરીકે અનેક લોકોને રોજી રોટી તો મળે જ છે, સાથે-સાથે અન્ય નાના મોટા ધંધાર્થીઓ પણ તેના પર આધારેલા હોય છે. આમ, કોરોનાના કારણે બે સિઝનમાં મંદી રહેવાની શક્યતાથી અનેક લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે તેવું લાગી રહ્યું છે.
કોરોનાના વાઇરસે કચ્છના લોકોનું આરોગ્ય તો જોખમમાં મૂક્યું છે જ, તો નજીકના ભવિષ્યમાં બેકારીની સમસ્યા પણ ઊભી કરશે તેવું ભયાવહ ભાવિ ઉદ્યોગકારોને ડરાવી રહ્યું છે.
——————–