- કવર સ્ટોરી – તરુણ દત્તાણી
કોરોના વાઇરસ – જેને હવે કોવિદ-૧૯ રોગનું નામ આપવામાં આવ્યું છે – તેની સામેના જંગમાં ભારત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. આ વાઇરસના સંક્રમણના જે ચાર તબક્કા ગણાવાય છે તેમાં ભારત હજુ બીજા તબક્કામાં છે અને ત્રીજા તબક્કામાં દેશને જતો અટકાવવાનો છે. કેટલાકના મતે ભારતમાં ત્રીજા તબક્કાનો આરંભ થઈ ગયો છે. સંક્રમણના પહેલા – બીજા તબક્કામાં વિદેશથી વાઇરસના સંક્રમણ સાથે ભારતમાં આવતા લોકોથી સાવચેત રહેવાનું હતું. તેમની ઓળખ પણ સરળ હતી, પરંતુ ત્રીજો તબક્કો – જેને કોમ્યુનિટી સંક્રમણ કહે છે – એ તબક્કામાં તો જેનો કોઈ વિદેશ પ્રવાસ કે અન્ય કોઈ પ્રવાસનો રેકોર્ડ નથી એવા લોકોમાં કોરોના વાઇરસનું સંક્રમણ શરૃ થાય ત્યારે પરિસ્થિતિ ઝડપભેર ખતરનાક બનવા લાગે છે. ભારતમાં આવા કેટલાક કેસ જોવા મળ્યા છે અને એટલે જ દેશમાં ત્રીજા તબક્કાનું સંક્રમણ શરૃ થઈ ગયું હોવાનો અભિપ્રાય છે. એ વિશે વાદ-વિવાદ કરવાનો સમય નથી. મહત્ત્વની વાત માત્ર એટલી જ છે કે હવે પછીના દિવસો ભારતે વધુ સાવચેતી રાખવાની અનિવાર્યતા ઊભી થઈ છે. કોમ્યુનિટી સંક્રમણ યાને સંક્રમણનો ત્રીજો તબક્કો એટલો ખતરનાક હોય છે કે તેમાં સર્વત્ર ઝડપભેર સંક્રમક લોકોની સંખ્યામાં વધારો થવા લાગે છે અને જે ઝડપથી રોજ સંખ્યા વધતી જાય એટલા પ્રમાણમાં સૌને માટે સારવાર અને તેમને અલાયદા રાખવાની વ્યવસ્થા કરવામાં આપણા તમામ સંસાધનો ઓછા પડવા લાગે.
ઇટલીમાં આજે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોરોના સંક્રમક લોકો માટે હૉસ્પિટલમાં જગા નથી અને દર્દીઓને બહાર ખુલ્લામાં રાખવાની ફરજ પડી રહી છે. એ સ્થિતિ પણ અનેક જોખમોથી ભરેલી હોય છે. કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો અત્યંત ખતરનાક એટલા માટે પણ બની રહે છે કે આવા સંક્રમક વ્યક્તિને કેટલાક દિવસ સુધી તો પોતાને જ ખબર પડતી નથી કારણ કે તેનાં લક્ષણો તત્કાલ દેખાતાં નથી. એ સ્થિતિમાં આવી સંક્રમક વ્યક્તિ પરિવાર, મિત્રો, પાડોશી અને તેના સંપર્કમાં આવનાર તમામને માટે જોખમી બની રહે છે. એટલા માટે જ તેને હરતા-ફરતા કોરોના બોમ્બ હોવાની ઉપમા આપવામાં આવે છે. આ સ્થિતિને અટકાવવા માટે જ સમગ્ર દેશમાં ત્રણ સપ્તાહના લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. કેટલાકને એમ લાગે છે કે આ પગલું વહેલું લેવાની જરૃર હતી. વડાપ્રધાને જ્યારે પહેલી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું એ વીસમી માર્ચે જ આવી જાહેરાત કરવાની જરૃર હતી. ભારત જેવા અપાર વૈવિધ્ય ધરાવતા દેશમાં એકાએક આવું કડક પગલું લેવાના પણ અનેક જોખમો હોય છે. કદાચ એટલે જ ધીમે પગલે ધીરજપૂર્વક લોકોને આવી સ્થિતિ માટે માનસિક રીતે સજ્જ કરવા માટે સૌ પ્રથમ એક દિવસના જનતા કરફ્યુનો પ્રયોગ કરવામાં આવ્યો. સરકાર કદાચ લોકોના પ્રતિસાદનો અંદાજ મેળવવા માગતી હતી. એ જનતા કરફ્યુ અને આરોગ્ય સેવામાં સંલગ્ન લોકોના અભિવાદનના આહ્વાનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ પછી ત્રણ સપ્તાહના ફરજિયાત લૉકડાઉનની દિશામાં આગળ વધવાનું વિચારવામાં આવ્યું હોય.
સરકાર માટે પણ એક અબજ ત્રીસ કરોડની વસતી ધરાવતા દેશ માટે આવો નિર્ણય લેવામાં મુશ્કેલી પડી હશે. અનેક પાસાંઓનો વિચાર પણ કરવો પડ્યો હશે. અનેક વ્યાવહારિક મુશ્કેલી તેમજ સામાજિક વિડંબનાઓને નજરઅંદાજ કરીને સરકાર આવા નિર્ણય પર પહોંચી હશે અને ત્યારે સરકારનું એક માત્ર લક્ષ્ય તમામ દેશવાસીઓના નિરામય જીવનનું રહ્યું હશે. નીચલા મધ્યમ વર્ગ અને રોજ કામ કરીને સાંજે રોકડ લાવીને ઘર ચલાવનારા દેશના વિશાળ શ્રમજીવી વર્ગને માટે આ દિવસો અત્યંત કપરા બની રહેવાના છે. તેને માટે કેટલીક રાજ્ય સરકારો સક્રિય થઈ છે, પરંતુ આ વિરાટ કાર્યને પહોંચી વળવાનું સરકારી તંત્રનું ગજું નથી. તેને માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય પ્રજાજનોનો સક્રિય સહયોગ મેળવવો રહ્યો. કેટલાક સમજદાર અને સેવાવ્રતી લોકો સ્વયંભૂ રીતે આ કાર્યમાં પ્રવૃત્ત બન્યા છે. કોઈ નાગરિક આ દિવસોમાં ભૂખ્યો ન સૂવે તેની કાળજી લેવી પડશે. જનતા કરફ્યુના દિવસે સાંજે એકલ-દોકલ ભિખારી કે ગરીબ ઝૂંપડાવાસીને આપણે તાળી કે થાળી વગાડતા જોયા છે. એમના યોગક્ષેમની ચિંતા પણ સરકાર અને સમાજે કરવી જ જોઈએ.
ભારતમાં અને વિશ્વમાં વાઇરસના સંક્રમિત લોકો અને મૃત્યુ પામનારાઓના આંકડા રોજ સવાર-સાંજ અપડેટ થતા રહે છે. એટલે અહીં એવા કોઈ આંકડા આપવાનો અર્થ નથી. એ તુરત જ ભૂતકાળ બની જાય છે, પરંતુ કેટલાક એવું પણ માને છે કે ભારતના સંક્રમણના આંકડા વાસ્તવિક નથી. કેમ કે ભારતમાં તેને માટે ઓછા ટેસ્ટ થાય છે. કોરોના ટેસ્ટ માટે હવે સરકારે ખાનગી લેબને પણ સ્વીકૃતિ આપી છે. વિશ્વના અન્ય કેટલાક દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ આ બાબતમાં નિષ્ણાતો પણ ભિન્ન-ભિન્ન મત ધરાવે છે. આરોગ્ય ક્ષેત્રના અનેક નિષ્ણાતો એવા મતના છે કે વધુ પડતા ટેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. કેટલાકને આ ટેસ્ટ મોંઘો હોવાથી સરકારે વિનામૂલ્યે કરી આપવો જોઈએ એવી અપેક્ષા પણ દર્શાવી છે. આ બધું સરકારના ધ્યાનમાં નહીં હોય એવું પણ નથી.
આપણો દેશ અનેક વિચિત્રતાઓથી ભરેલો છે. કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી બની છે અને ચોતરફ તેનો આતંક છવાયા પછી આપણા અનેક પંડિતોએ કોઈ શાસ્ત્રમાં કે જ્યોતિષમાં અથવા કોઈ સંત-મહાત્માની આર્ષવાણીમાં તેના ઉલ્લેખ અને ભવિષ્યવાણી થઈ હોવાનું શોધી કાઢ્યુ છે. આવા બૌદ્ધિક વ્યાયામનો પણ કોઈ અર્થ નથી. મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા પછી આવું જ્ઞાન લાધે તેનો શો મતલબ? આવી આત્મ મુગ્ધતામાંથી જલ્દી બહાર આવી જવું જોઈએ અને જે સંકટ સર્જાયું છે તેમાંથી બચવાના જે ઉપાયો સૂચવાયા છે તેના પ્રત્યે લક્ષ આપવું જોઈએ. ખરી વાત તો એ છે કે આપણા શાસ્ત્રોની ઘણી વાતો અને ઘણા સૂચિતાર્થો આપણે સમજતા જ નથી. જો એવી બુદ્ધિમત્તા હોત તો આપણે તેનાથી બચવાના ઉપાયો અને ઔષધો પણ અગાઉથી તૈયાર કરી રાખ્યા હોત, પરંતુ એવું બન્યું નથી અને બનવાનું પણ નથી. સંજોગોના સાક્ષાત્કાર વિના શાણપણ આવી ન શકે.
આજે હવે જ્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટેના નિર્ણાયક તબક્કામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે હજુ સુધી જેની કોઈ અસરકારક દવા શોધાઈ નથી અને જે શોધો થઈ રહી હોવાની કે થઈ ગઈ હોવાની ચર્ચા છે એ દવાઓ પણ જ્યારે બજારમાં ઉપલબ્ધ નથી અને તેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન શરૃ થયું નથી ત્યારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની અને પરિવારની આત્મરક્ષા માટે તત્પર રહેવું એ જ પરમ કર્તવ્ય છે. આ પ્રકારની બીમારી અને તેના આવા સાવ અનોખા – સ્વેચ્છાએ ઘરમાં કેદ રહેવાના ઉપાયનો અનુભવ ન હોય. યુગાન્તરોમાં માનવ સમાજ સામે જ્યારે જ્યારે આ પ્રકારની અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ત્યારે સમાજે સ્વયં સ્થિતિસ્થાપકતા કેળવીને તેના નિવારણો પણ શોધી કાઢ્યા છે.
આજના માનવને સંજોગો સાથે સાનુકૂળ થવાનું વધુ કપરું એટલા માટે લાગે છે કે અનેક પ્રકારનાં સંસાધનો, વાહનો, યંત્રો અને જનસંપર્કનાં માધ્યમોના ઉપયોગની અતિરેકપૂર્ણ આદતો પછી તેના પર સ્વનિયંત્રણનો સમય આવ્યો છે ત્યારે અસ્વસ્થતા અનુભવાય છે. આખરે તો એ જાત સાથે સમાધાનો કરવાનો જ વિષય છે. મનને એ દિશામાં નિશ્ચયપૂર્વક વાળવાથી કશું અશક્ય નહીં લાગે. ધરાર બહાર નીકળીને પોલીસના દંડા ખાઈને આપણે આપણી જાતને દંડાને લાયક શા માટે પુરવાર કરવી જોઈએ? પ્રત્યેક પરિવારમાં આધ્યાત્મિક વારસો હોય જ છે. તેનો આશ્રય લઈને આત્મ સંયમના પાઠ સ્વયં શીખી શકાય છે. જે લોકો આ લૉકડાઉન દરમિયાનના સમયનો સદુપયોગ કરી શકશે, એ લોકો આ સમયગાળાને અંતે કશંુક નવું પામીને સ્વયંમાં પરિવર્તન લાવીને આંતર-બાહ્ય વ્યક્તિત્વની નવી સજ્જતા સાથે બહાર આવશે, એ નિશ્ચિત છે. જેમાં પ્રત્યેક પરિવાર અને વ્યક્તિ એક સૈનિકની ભૂમિકામાં હોય, એવા જંગ અને એવા અવસર તો વિરલા જ હોય. વિજયી ભવ.
————————–