મનની દુનિયા ભેદી છે

ફ્રોઇડનો વૈજ્ઞાનિક ભૌતિકવાદ જ્યોતિષને વહેમ કે અંધશ્રદ્ધાના ખાનામાં ફેંકી દે છે
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

મનોવિજ્ઞાનના પિતા સિગ્મંડ ફ્રોઇડના સાથી-શિષ્ય અને થોડાંક વર્ષોમાં તેનાથી અલગ પડનારા કાર્લ ગુસ્તેવ યુંગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નથી. કેમ કે યુંગમાં પૂર્વની ધાર્મિક માન્યતાઓ, જુદા જુદા ધર્મોની પુરાણકથાઓ અને ગૂઢ વિદ્યાઓની એટલી બધી છાંટ જોવા મળે છે કે પશ્ચિમના જગતને એ મનોવિજ્ઞાની કરતાં તત્ત્વજ્ઞાની કે રહસ્યવાદી વધુ લાગે છે. ફ્રોઇડ અને યુંગની સરખામણીમાં એડલર કંઈક નાનો લાગે છે અને એડલરનું કંઈ નક્કર પ્રદાન હોય તો તે માણસની લઘુતાગ્રંથિનો ખ્યાલ તેમ જ અતૃપ્ત ઇચ્છાઓનું વળતર વાળતાં વર્તનનો ખ્યાલ ગણી શકાય.

ફ્રોઇડના કેટલાક ખ્યાલોની નક્કરતા કબૂલ કરીએ તો પણ માનવીનું મુખ્ય પ્રેરકચાલક બળ તેની કામવૃત્તિ જ છે, તે ખ્યાલ કંઈક વધુ પડતો લાગે છે. યુંગની માન્યતા વધુ સાચી છે કે એક જમાનામાં જ્યારે માનવીની મૂળભૂત વૃત્તિઓમાંની એક ભૂખને સંતોષવાની વાત જ મુખ્ય હતી, ત્યારે ખોરાક મેળવવાની બાબત જ કેન્દ્રમાં હતી. માણસ જંગલમાંથી બહાર આવ્યો અને નગરસમાજમાં દાખલ થયો પછી રોટી સુલભ બની અને જાતીય વૃત્તિની તૃપ્તિમાં તેની નિસ્બત વધી. આહારની બાબતમાં તે ઠીક ઠીક નિશ્ચિંત બની જતાં તેની મુખ્ય ચિંતા અને રસની બાબત જાતીય વૃત્તિ બની હોય તે બનવાજોગ છે, પણ માનવીના વર્તનના તમામ તાણાવાણામાં આ જ ભાત મુખ્ય ગણવાનું કંઈક ભૂલભરેલું છે. એવી જ રીતે સત્તાપ્રભાવની ભૂખને પણ માનવવર્તનની પ્રેરણાનું મહાકેન્દ્ર ગણીને તેનું શાસ્ત્ર રચવાનું ખોટું છે. આ એકાંગી દર્શન છે અને તેથી સમગ્ર દર્શન માટે યુંગ વધુ પ્રસ્તુત બને છે. યુંગ પોતાના કેટલાક ખ્યાલોને આગ્રહપૂર્વક ચોક્કસ આગળ કરે છે, પણ વખતોવખત એ કબૂલ કરે જ છે કે મનની દુનિયા એટલી મોટી છે કે થોડીક ગુરુચાવીઓનો ઝૂડો લઈનેે એવું માની શકાય એમ નથી કે તેના બધા જ ખંડોના ભેદ પકડી શકાશે. એવી રીતે માણસના મનને દાગીનો પણ ગણી શકાય તેવું નથી. બધા ખેલ અંદરના જ છે, બહારનું કંઈ નથી!

દાખલા તરીકે જ્યોતિષ વિજ્ઞાન સાચું કે ખોટું? ફ્રોઇડનો વૈજ્ઞાનિક ભૌતિકવાદ જ્યોતિષને વહેમ કે અંધશ્રદ્ધાના ખાનામાં ફેંકી દે છે, પણ યુંગ કહે છે કે આમાં તથ્ય નથી તેવું છાતી ઠોકીને કહી શકાય તેવું નથી. તે સો ટકા સાચું વિજ્ઞાન છે તેમ કહેવા વૈજ્ઞાનિક તૈયાર નહીં હોય, પણ તે ખોટું જ છે એમ જો તે કહેતા હોય તો તેનો ચુકાદો મર્યાદિત અને મનપસંદ પુરાવાઓ તપાસનારા ન્યાયાધીશના જેવો છે. એ જ વાત આત્માની અને પુનર્જન્મની બાબતને લાગુ પડે છે. યુંગ જરાય સંકોચ વગર કહે છે, માણસને ડગલે ને પગલે ચઢિયાતા બળનો અનુભવ થાય છે. માણસ, પોતાની ઇચ્છા અને સંકલ્પ પ્રમાણે બધું કરી શકતો નથી. કોઈક ચઢિયાતી તાકાત ડગલે ને પગલે તેની સામે આવે છે. યુંગ કહે છે કે હું આને ઈશ્વર કહીશ. આ માત્ર માન્યતાની બાબત નથી. હું અનુભવું છું કે ઈશ્વર છે.

યુંગની એક બીજી વાત પણ સાચી છે. તે કહે છે કે બાળક જન્મે છે ત્યારે શું તેને મગજ જેવું કંઈ હોતું જ નથી? બાળકનું મગજ શું ખાલી કે કોરી પાટી જેવું હોય છે? નવજાત બાળકનું મગજ શું ખાલી ફૂલદાની જેવું છે કે તમે તેમાં પસંદગીનાં ફૂલો ગોઠવી શકો? કેટલાક માને છે કે બાળક જન્મે છે ત્યારે તેના મનમાં કંઈ જ નથી, પણ યુંગ કહે છે કે હું માનું છું કે બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બધું જ છે. તે હજુ જાગૃત નથી, પણ બધી ગુંજાશ ત્યાં પડી છે. પૂર્વમાં આ જ ખ્યાલ છે અને મને સાચો લાગ્યો છે.

કાર્લ ગુસ્તેવ યુંગ ઈ.સ. ૧૮૭૫ની ૨૬મી જુલાઈએ જન્મ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડનો યુંગ સિગ્મંડ ફ્રોઇડ કરતાં ૧૯ વર્ષ નાનો હતો. ફ્રોઇડ બહુ જવલ્લે જ પંડિતાઈના ચીલાની બહાર પગ મૂકે છે, પણ યુંગ આપસૂઝવાળા ખેડૂત જેવો છે. તે પોતાનું મન ખુલ્લું રાખીને બેઠો છે ને પોતાનાં પૃથક્કરણો અને માન્યતાઓની બહાર ઘણીબધી શક્યતાઓ વધુ ચઢિયાતા ઉકેલના દાવા સાથે ઊભી હોવાનું માનવા માટે તૈયાર છે. માણસનાં સ્વપ્નોમાં તે માત્ર માણસની કામવૃત્તિની જ માયાજાળ કે વૃત્તિઓના દમનમાંથી છટકેલી કમાનોની કળા જ હોવાનું તે માનતો નથી. સ્વપ્નો પણ માત્ર માણસની અંદરની જ રમત નથી. યુંગ કહે છે કે મેં એક વાર ધરતીકંપ જોયો ત્યારે મને પૃથ્વી પોતે જ એક મહાન પ્રાણી જેવી લાગી હતી. પૃથ્વી શેષનાગના માથા પર છે તેવી હિંદની પુરાણી માન્યતા કે આ અંગેની ચીન-જાપાનની જૂની માન્યતાઓને હસી કાઢવા એ તૈયાર નથી.

વૈજ્ઞાનિક પોતાની બહુ જ નાનકડી પાટી લઈને બેસી જાય અને પોતાના અભ્યાસક્રમની બહારનો કોઈ દાખલો સાંભળવા કે ગણવા જ તૈયાર ના થાય અને આવા પ્રત્યેક સવાલને તે પરીક્ષા બહારનો અને ‘માત્ર વહેમ’ ગણાવી દે તેવો અભિગમ કાર્લ ગુસ્તેવ યુંગને મંજૂર નથી.
—————————

પંચામૃત. ભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment