આંબાડાળે હીંચકો રે કંઈ ઝૂલે ઊંચે આભ સૈયર….

એક જમાનામાં ચૈત્ર-વૈશાખને મામા મહિનો કહેવાતો.
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

આપણે પ્રયત્નપૂર્વક જે ગામડાંઓ ભાંગી નાંખ્યા છે તે હવે પછીના પચાસ વરસેય ફરી વસાવવા પડશે, કારણ કે શહેરોમાં તો મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ ચાલુ થવાનું છે

આમ્રકુંજોમાં કોયલના ટહુકારથી બપોર હિલ્લોળા લઈ રહી છે. સીમ ચાલુ થાય કે તરત કોયલનો સાદ સંભળાય. જે બોલે છે તે નરકોકિલ હોય છે. કોકિલા એટલે કે કોયલ તો ચૂપ જ રહે છે ને એના આયુષ્યકાળમાં ભાગ્યે જ બોલે છે. કોકિલ અને કોકિલાનું દામ્પત્ય માનવજાતના નરને ઈર્ષ્યા આવે એવું છે. સહધર્મચારિણી માત્ર શ્રોતા હોય તો એના જેવી ધન્યતા બીજી શું હોય? મોટા ભાગના કિસ્સાઓમાં ગૃહસ્થ શ્રોતા હોય છે અને ગૃહિણી અખંડ વક્તા હોય છે! ગીરકાંઠાનાં ગામડાંઓમાં પણ આ વખતે આંબા પર લીલી ચટ્ટાક કેરીઓના ફાલ આવ્યા છે. હમણા ભલે જરાક વરસાદી છાલક ઊડી તોય આંબાડાળે વસંતમંજરી ખિલી છે. બધા જ આંબા કેરીના ભારથી ઝૂકી ગયા છે. જેઓ આ જગતને પોતાના સત્કર્મના ફળરૃપે માધુર્ય આપવા ચાહે છે તેઓ સહુ ઝૂકેલા રહે છે.

એક જમાનામાં ચૈત્ર-વૈશાખને મામા મહિનો કહેવાતો. આપણા ગુજરાતમાં હજીય મામા મહિનો કહેવાય છે. મામા મહિનાનું માહાત્મ્ય ઓછું થયું છે, પણ નામશેષ થયું નથી. હજુ સાસરવગી દીકરીઓ ઉનાળાની રજાઓમાં ભાણેજરુને લઈને પિયરમાં આવે છે. દીકરી આખી જિંદગી સુખ આપે છે. સાસરે ગયા પછી રજાઓમાં જ્યારે એ પિયર આવે છે ત્યારે એક જ નજરમાં એ જોઈ લે છે કે ભાઈ-ભાભી વડીલોને કેવાક સાચવે છે. મા કેટલી રાજી રહે છે ને કેટલી મૂંઝાયેલી છે એ દીકરીને ખબર પડી જાય છે. બહારના ઠાઠભપકા વચ્ચેય જો માનું હૃદય પ્રસન્ન ન હોય તો દીકરીને ચેન પડતું નથી. ક્યારેક દીકરીની નજરમાં ઘરમાં ન કહેવાયેલી બધી વાતો પણ તરવા લાગે છે.

ઉનાળાની આ મોસમ ગુજરાતી પ્રજાએ પરિવારને વીંટળાઈને પસાર કરવા માટે પસંદ કરેલી છે. એક વાર ઉનાળે ને ફરી દિવાળીએ ગુજરાતી પ્રજા પોતાના સવિસ્તરિત બૃહદ પરિવાર વિના રહી શકતી નથી. એકલા આનંદ લેવાની ટેવ હોય ઈ સાત જન્મેય ગુજરાતી ન હોય. જ્યારે ગ્રામ સંસ્કૃતિ સોળેય કળાએ ખિલેલી હતી ત્યારે તો ઉનાળામાં સાસરવગી એવી ગામની બધીય દીકરીઓ પિયરના ગામમાં ટોળે વળે ને એકબીજાના ફળિયે એવી વાતોએ વળગે કે જાણે કુંવારકાઓ જ ન હોય! ત્યારે ફોન તો હતા નહિ એટલે વરને વીસરીને

પિયરમાં મહાલવાનું બહુ સહેલું હતું. એ જ સાચી પિયરવાટ હતી. જાણે કે પિતાના ઘરે પસાર થઈ ગયેલા શૈશવકાળમાં પ્રવેશવાની ફરી તક! જીવાઈ ગયેલી જિંદગીને સહેજ રિવાઇન્ડ કરીને ફરી ફરી માણવાની મઝા. નદીએ જવું, વાડીએ જવું, સાંજે મંદિરની ઝાલર વાગે ત્યારે આરતીમાં દોડી જવું અને રાત પડે શીતળ પવનોની લહેર સાથે એય ને ફળિયામાં મોડે સુધી વાતોના વહેણ પૂરપાટ વહેતા રહેતા.

એ જિંદગી સૌરાષ્ટ્ર-ગુજરાતની પોતાની અજાયબ પરંપરા હતી જે હવે આપણે લગભગ ગુમાવી દીધી છે. એટલું જ નહીં, બીજું ય ઘણુ બધું ગુમાવવાની આપણા વતને તૈયારી કરી લીધી હોય એવું દેખાય છે. કેરી તો મામાને ઘેર ખાવાનું જ ફળ છે. જૂના કાઠિયાવાડમાં કહેવાતું કે બાપની કેરી ખાઈ મોટા થ્યા હોય ઈ ગાયુંના ધણ પાછા ન વાળી શકે. ગાયુંના ધણ વાળવા એટલે બાવડે ભરપૂર વીરતા હોવી. લૂંટારાઓ ગામની ગાયુંને લઈ જાય પછી ઈ ધણ પાછા લાવવા માટે ગામના જુવાનિયાઓ ‘જુદ્ધે’ ચડતા. એમ કરવા જતાં ખપી ગયેલા કંઈક નરબંકાઓના પાળિયા આજે અનેક ગામના પાદરે દેખા દે છે. મામાને ઘેર બાળકોને વહાલ અને વાત્સલ્યની એક અલગ જ અમૃતધારા, અલગ જ ફ્લેવર મળે છે. બાળકની નજરમાં માતાપિતા, કાકા-કાકી અને દાદા-દાદી હોય છે એ પિતૃપક્ષ થયો. એમાં માતૃપક્ષનાં નાના-નાની અને મામા-મામીની વ્હાલપ ભળે એટલે જાણે શેત્રુંજીમાં ગાગરિયો ભળ્યો ને સંસ્કાર મેળવવાનો તથા ઘડતરનો પટ બહુ મોટો થઈ જાય. એવા ખાલી કોઈ ઝાડ હોય તોય એ ઘેઘૂર બને ને યુગો સુધી છાંયો આપનારા બને.

હજારો વરસોની માણસજાતની મથામણથી તૈયાર થયેલી બધી જ શ્રેષ્ઠ પરંપરાઓ હવે અસ્તાચળને આરે છે. આમ્રકુંજો તો અનેક હતી અને બધાને ઘરેય બે-પાંચ આંબા પણ હતા. આપણે પ્રયત્નપૂર્વક જે ગામડાંઓ ભાંગી નાંખ્યા છે તે હવે પછીના પચાસ વરસેય ફરી વસાવવા પડશે, કારણ કે શહેરોમાં તો મોંઘેરા મોતનું ડિસ્કાઉન્ટ સેલ ચાલુ થવાનું છે. બસ, હવે થોડાં વરસોની જ રાહ જોવાની છે. જેમને ગામડે ઘર નહીં હોય એની હાલત તો ઈરાક અને સિરિયાના શરણાર્થીઓ જેવી થવાની છે. ભૂખ્યા રહેવું પડે તો ભલે પણ ખોટું તો કંઈ કરવું જ નથી એવા લોકો જે સમાજમાં ન હોય એ આખા સમાજે ભૂખ્યા રહેવાનો વારો આવે. ચારે બાજુ તારવી લેવાવાળા લોકો દેખાય છે. બધામાં પોતાનું જોનારાઓ છે, પોતાનામાં બધાનો જે છૂપો ભાગ છે એ તો એને પછી ક્યાંથી દેખાય?

ભાગ બહુ મોટો ન હોય, જરીક હોય, પણ ઈ રખાય નહિ હો, આપી દેવું પડે. આપણા જ મલકની કહેવત છે કે મજિયારું રાખવું કોઈને સદે નહીં એટલે કે પચે નહીં. ગામડાંઓ જ્યારે ધબકતાં જીવંત હતાં ત્યારે જે માનવહૈયાંઓ હતાં એ તો હવે ઇતિહાસ થઈ ગયાં. હજુ ક્યાંક છે, પણ ગામ રહ્યાં નથી ને એના સંસ્કારો ઝિલનારી નવી પેઢી જ ગામ અને સીમમાંથી લાપતા થઈ ગઈ છે. હજુય વગડો તો ખિલ્યો છે. કેરીને એક જમાનામાં આંબુ કહેતા. આંબુ, જાંબુ અને લીંબુની ફળત્રિપુટી આપણા આરોગ્યની આધારશિલા હતી. કેરીનો સૌથી મોટો ચમત્કાર એ છે કે જો એને પ્રમાણસર લેવામાં આવે તો શરીરના સમગ્ર લોહીનું વિશુદ્ધીકરણ એનાથી થઈ જાય છે. જૂના સૌરાષ્ટ્રમાં કેરીનો દાબો નાંખવા માટે ખાસ ઊભા લાકડાના ઘોડા હતા. એ ગયા પછી કોથળા આવ્યા અને હવે એય ગયા ત્યાં ઓછાડ અને પસ્તી પ્રવેશ્યા.

કેરી એ પરિવારના મોભી માટે કસોટીનો વિષય છે. મોભીમાં જો આંટા ઓછા હોય તો પરિવારને અસલ મધુર કેરી મળતી નથી. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત સમજવામાં પણ આપણે ઉતાવળ કરી છે. ખરેખર તો ધીરજનાં ફળ મીઠાં એ કહેવત પણ કેરી ઉપરથી જ પડી હોય એમ લાગે છે. જેઓ ઉતાવળા છે તેઓ અસલ કેરી કદી માણી શકતા નથી. ઉતાવળે આંબા ન પાકે, એમાં કેરીના પાકવાની વાત છે, આંબાના ઊગવાની વાત નથી. દાબો નાંખવા માટે કેરીની પસંદગી પણ સહેલી નથી. બધી જ કાચી કેરી લીલી ચટ્ટાક અને આંખને ગમી જાય એવી હોય છે તોય એને ઓળખવાની આંખ તો કોઈ કોઈ પાસે જ હોય. કેરીનો સૌથી પ્રથમ સિદ્ધાન્ત જ એ છે કે સીધી પાકી કેરી ઘરમાં લાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ. તમારી નજર બહાર પરિપક્વ થયેલી કેરી આહાર યોગ્ય માનવામાં આવતી નથી.

કેરીની પસંદગીમાં મૂળભૂત આધાર જ ઘરધણીના અનુભવ ઉપર છે અને જરૃરી નથી કે આપણને બધી જ ભાન પડતી હોય, પણ આપણી અણઆવડત હોય એમાં જાણકારોને અગ્રદૂત બનાવીને જ કેરી લેવા નીકળાય. નહિતર તો આજકાલ ઓર્ગેનિકને નામે કંઈનું કંઈ પધરાવી દેનારા વેપારીઓની ફોજ પણ ગામેગામ તૈયાર જ બેઠી હોય છે. આજકાલ આછા કાર્બનનું ચલણ છે. આછો કાર્બન એટલે પ્રતિબંધિત રસાયણોથી એવી રીતે કેરી પકાવવામાં આવે કે ઉપભોક્તાને એની ગંધ સુદ્ધાં ન આવે. બજારમાં ક્યાંક જે કાચીપાકી મિશ્ર રંગની કેરી હોય છે તે આવી જ હોવાની દહેશત રહે છે. કેરીમાં ભલભલા ખાં સાહેબો ગોથા ખાય છે. એટલે જ કેરી એ બધી રીતે ઘરના મોભીની કસોટી છે. તમે કેરી ઓછી ખાઓ છો કે વધુ એ વાત જ નથી, પરંતુ ખાઓ ત્યારની અસલિયત છે કે નહીં એનો જ આ જંગ છે.

હવે તો દરેક ખાદ્ય પદાર્થોમાં ગૃહસ્થની કસોટી છે. સહેજ ભૂલ કરો એટલે પરિવારે દૂધને બદલે યુરિયાનું પાણી અને લાલ મરચાંને બદલે લાકડાનો ઝીણો ભૂકો આરોગવાનો આવે. મધને બદલે સાકરની ચાસણી અને બ્રેડને બદલે રાસાયણિક પદાર્થો પેટમાં પધરાવવાના થાય. જેનો જંગલ સાથે કે વગડા સાથે સંબંધ નથી એને તો આહારમાં કંઈ ભાન ન પડે. ખેતરમાં ઊગેલી કોબીને જોવા જે ઘરધણી ખેતરે ન જાય એને તો ખબર જ કેમ પડે કે આ શાકમાં તો અઢારસો હોર્સપાવરની દવા છાંટવામાં આવે છે. એને આપણાથી તો અડાય જ કેમ? પણ જેઓ ઘેર બેઠા હીંચકે ઠેસ માર્યા કરે છે કે બજારમાંથી રૃપિયાના પાવરમાં આમતેમ વટથી ખરીદી કરે છે એમનું સ્વાગત કરવા માટે જાયન્ટ કોર્પોરેટ હૉસ્પિટલો તૈયાર જ છે. ઘરના રસોડામાં એક પણ વસ્તુ વિચાર્યા વિના દાખલ કરી કે એવા ફસાઈ ગયા સમજો કે વારાફરતે આખો પરિવાર ભાંગી જાય. ગામડાં આપણે ભાંગ્યા. હવે ગામડાંનો અભાવ આપણને ભાંગશે. દરરોજ ઓછામાં ઓછી બેત્રણ કલાક પ્રકૃતિને ન આપો તો જિંદગીની કોઈ દિશા સૂઝે એમ નથી. કંઈ ભણવાની કે વાંચવા-લખવાની જરૃર ન રહે જો કુદરતને ખોળે ફરી રમતા થઈએ તો!

રિમાર્ક –

ફાગુન કી ડાલી પે આયો રે પિયુજી
કેસૂડે મ્હોર્યા મોરા જોબનવા સૈયરિયા
———————————

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment