- વુમન્સ ડે સ્પેશિયલ – ઋતુ સારસ્વત
ફિનલેન્ડે લૈંગિક સમાનતાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે. આ પગલું એવું છે કે ત્યાં માતૃત્વ અવકાશ એટલે કે મેટરનિટી લીવની જેમ જ પિતૃત્વ અવકાશ એટલે કે પેટર્નિટી લીવને સાત મહિના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં પેટર્નિટી લીવને બિનજરૃરી માનવામાં આવે છે અને તેની પાછળ સીધું અને સ્પષ્ટ કારણ છે કે આજે પણ બાળકોની સારસંભાળની જવાબદારી ફક્ત ‘મા‘ની જ છે એવું માનવામાં આવે છે. છેલ્લા કેટલાય દાયકાઓથી વિશ્વભરમાં ઘણા બધા સામાજિક – સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં છે. આર્થિક-રાજકીય સંસ્થાઓમાં મહિલાઓની સક્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. કશું નથી બદલાયું તો એ છે મહિલાઓનું પારિવારિક દાયિત્વ અને તેમની પાસેથી રાખવામાં આવતી પારિવારિક અપેક્ષાઓ.
ગયા મહિને યુનિવર્સિટી ઓફ ટેક્સાસ તેમજ મેરીલેન્ડમાં જેન્ડરફ્લેક્સિબિલિટી બટ નોટ ઇક્વોલિટીઃ યંગ એડલ્ટ્સ ડિવિઝન ઓફ લેબર પ્રેફરન્સ શીર્ષક હેઠળ કરવામાં આવેલું એક સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું. આ સંશોધન હેઠળ જ્યારે શાળામાં ભણતા કિશોર વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેમની દૃષ્ટિએ આદર્શ પરિવારમાં કાર્યવ્યવસ્થા કઈ રીતની હોવી જોઈએ, તો લગભગ પંચોતેર ટકા વિદ્યાર્થીઓનો જવાબ હતો કે ઘરના પુરુષો બહાર જઈને કામ કરે અને મહિલાઓ ઘરમાં રહીને બાળકોની દેખભાળ કરે.
આ સંશોધન પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પિતૃ-સત્તાત્મક સમાજમાં લૈંગિક ભેદભાવના મૂળિયાં આજે પણ એટલાં જ ઊંડાં છે જેટલાં પહેલાં હતાં. કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો. શું આ બાળકોને શીખવાડવામાં આવ્યું હતું કે મહિલાઓની ફરજ ઘરની સારસંભાળ રાખવાની જ છે. ના. આ બાળકો પોતાના ઘરે, મિત્રોના ઘરે, અડોશપડોશમાં અને સંબંધીઓના ઘરે આ બધું જોતાં આવ્યાં છે, જ્યાં માતા જ ઘરના કામકાજ અને બાળકોની સારસંભાળ રાખતી આવી છે અને તેથી જ તેમના મને સ્વીકારી લીધું કે તેઓ જે જોઈ રહ્યાં છે તે જ આદર્શ કૌટુંબિક વ્યવસ્થા છે. લૈંગિક સમાનતાને લઈને ચિંતિત વિશ્વ એ સત્ય જોઈ જ નથી રહ્યું કે માત્ર નારેબાજી અને ભાષણોથી ક્યારેય લૈંગિક સમાનતા નહીં આવે. તેના માટે વાસ્તવિક ધરાતળ પર પ્રયત્નો કરવા જરૃરી છે અને પેટર્નિટી લીવ આ દિશામાં કામ કરવા માટેનું યોગ્ય પગલું છે. ડૈડ્સ બેબીસીટ ઃ ટુવાર્ડ્સ ઇક્વોલ પેરેન્ટિંગ પુસ્તકના લેખકે પુસ્તકમાં એ વાતની ચર્ચા કરી છે જ્યાં
પુરુષો જો બાળકોની સારસંભાળ કરે કે ઉછેરમાં સક્રિયતા દાખવે તો તેને સમાજ મર્દાનગી નથી માનતો. એટલે કે જો ઘરમાં પિતા બાળકની સારસંભાળ રાખે તો પુરુષની મર્દાનગી પર કલંક સમાન કામ ગણવામાં આવે છે.
પરિવારમાં છોકરાઓને બાળપણથી જ જાણે-અજાણે શીખવાડવામાં આવે છે કે તેઓ પરિવારના ભાવિ મુખિયા છે અને છોકરીઓએ એમ શીખવાડવામાં આવે છે કે તેમણે જીવનમાં સૌથી પહેલી પ્રાથમિકતા પરિવારને આપવાની. જો તેઓ આમ કરશે તો જ તેઓ સંસ્કારી અને સારી છે એમ માનવામાં આવશે. સમગ્ર સમસ્યાનું મૂળ આ પારિવારિક અને સામાજિક વિચારધારા છે. પ્રભુત્વનો ભાવ પુરુષોના ભાગમાં અને દેખભાળનો ભાવ સ્ત્રીઓના ભાગે આપવામાં આવે છે. આ બંને ભાવ સ્ત્રી અને પુરુષના દિમાગમાં એ હદે ઘર કરી ચૂક્યા હોય છે કે તેઓ આ સામાજિક ઢાંચામાંથી બહાર નીકળવાનો કે કોઈક સારી કે નવી પહેલ કરવાનો પ્રયત્ન કરવાનો વિચાર પણ નથી કરી શકતા.
શું ખરેખર પુરુષો બાળકોની દેખભાળ કરવા સક્ષમ નથી. સામાજિક અને પરંપરાગત માન્યતાઓને બાદ કરતાં પુરુષોની બાળકોની દેખભાળની ક્ષમતાને નીચી આંકવાનું કોઈ કારણ નથી. પુરુષો સક્ષમ નથી તેની પાછળ કોઈ તાર્કિક કે વૈજ્ઞાનિક કારણ જવાબદાર નથી. સામાજિક વિચારધારા પુરુષોને બાળકોની દેખભાળ કરતાં રોકે છે. વર્ષ ૨૦૧૩માં કેનેડામાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જે પુરુષે સામાજિક બંધનો તોડીને બાળકોની દેખભાળ કરી હોય તેને કાર્યસ્થળ પર બહિષ્કાર અને અપમાન સહન કરવું પડ્યું હતું. સામાજિક પરિવર્તન એક લાંબી પ્રક્રિયા બાદ જ પોતાનો આકાર ગ્રહણ કરે છે અને તે સહજ અને સ્વાભાવિક છે. લોકો એકાએક પરિવર્તનો સ્વીકારવા ટેવાયેલા નથી. આજથી ચાલીસ વર્ષ પહેલાં જ્યારે સ્વીડને પેટર્નિટી લીવની અવધારણા આપી તો તેનો લાભ લેનારા પુરુષોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી હતી, પણ આજે હવે દરેક પિતા આ પેટર્નિટી લીવ લે છે અને ઘરે બાળકની સારસંભાળમાં સક્રિય ભાગ ભજવે છે. જે પિતા પેટર્નિટી લીવ નથી લેતાં તેમણે સરકારને સ્પષ્ટીકરણ આપવું પડે છે.
યુનિસેફનું માનવું છે કે શરૃઆતથી જ માતા-પિતાનો સકારાત્મક સાથ અને સંપર્ક બાળકના દિમાગી વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ વધુ સ્વસ્થ અને સુખી રહે છે અને તેમની નવું નવું શીખવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ઘર તેમજ બહાર – બંને જગ્યાઓ પર કામનું ભારણ સ્ત્રીઓને શારીરિક અને માનસિક રીતે બીમાર કરી રહ્યું છે. તો શું હવે જરૃરી નથી કે ઘરમાં પુરુષો પણ સ્ત્રીઓના કામમાં અને જવાબદારીમાં સરખા ભાગીદાર બને. પિતાનું દાયિત્વ માત્ર આર્થિક જરૃરિયાતો પૂરી કરવા પૂરતું જ નથી, શરૃઆતના સમયમાં બાળકોની દેખભાળમાં પણ સક્રિય ભૂમિકા ભજવવાનું પણ છે. માતા-પિતા સાથે મળીને બાળકની સાસંભાળ રાખે છે ત્યારે બાળક પણ આનંદ અનુભવે છે. પુરુષની મદદ મળતી થાય તો માતાના સ્વાસ્થ્યમાં તો સુધારો નોંધાય જ છે સાથે જ બાળકનું મન પણ પ્રફુલ્લિત રહે છે અને શારીરિક તેમજ માનસિક વિકાસ ઝડપથી થતો જોવા મળે છે.
વર્કિંગ વુમનના શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે પુરુષો પણ સરખી જ જવાબદારી નિભાવે તે માટે ભારતે પણ પેટર્નિટી લીવમાં વધારો કરવાની દિશામાં વિચાર કરવાની જરૃર છે. જો આવું થશે તો લૈંગિક સમાનતાની દિશામાં તે ખરેખર મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.
(લેખિકા સમાજશાસ્ત્રી છે)
——————————–