મારી માટે અભ્યાસ કરાવવો એ યોગ જ છે. આજે જ્યારે અભ્યાસ કરાવતી હોઉં છું અને ક્લાસમાં યુવતીઓ પર નજર જાય છે, ત્યારે મને ઘણો જ આનંદ થાય છે. દીકરીઓને આગળ વધવા માટે આનાથી બીજું સારું શું હોઈ શકે. આ શબ્દો છે ભૂકંપને જીવનારી અને ભૂકંપને જીતનારી મહિલા કુશલ રાજેન્દ્રનો.
ભારત ભૂકંપ વિશે જેટલું પણ જાણે છે તેનો શ્રેય વૈજ્ઞાનિક કુશલ રાજેન્દ્રને જાય છે. વૈજ્ઞાનિક તરીકેની ત્રીસ વર્ષની યાત્રા પૂર્ણ કરનારા કુશલે ઘણા બધા મહત્ત્વનાં રિસર્ચ કર્યાં છે. ભૂકંપનું નામ સાંંભળતા જ આપણા દિલ-દિમાગમાં જુદા પ્રકારનો જ ડર ઉદ્ભવે છે. જ્યારે કુશલનું જીવન તો ભૂકંપને સુનામીની આસપાસ જ ફરે છે. તેઓ પોતાના પતિની સાથે રહીને આ સંદર્ભે ઘણા મહત્ત્વનાં કામ કરી ચૂક્યાં છે. આ કાર્ય માટે તેમને ભારત સરકારે નેશનલ ઍવૉર્ડ ફોર વુમન સાયન્ટિસ્ટથી સન્માનિત પણ કર્યા છે. ૨૦૦૪માં દક્ષિણ ભારતના કાવેરીપટ્ટનમમાં સુનામી આવી ત્યારે કુશલ અને તેમના પતિ બંનેએ સાથે મળીને રિસર્ચ કર્યું જેના દ્વારા સ્પષ્ટ થયું કે એક હજાર વર્ષ પહેલાં પણ આ જગ્યા પર આ જ રીતની કોઈ ઘટના બની હતી. મિટ્ટીના અવરોધ દ્વારા આ વાતની સાબિતી મળી હતી.
કુશલનો જન્મ એવા દક્ષિણ ભારતીય પરિવારમાં થયો હતો, જ્યાં દીકરીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ સ્નાતક થયા પછી તેમનાં લગ્ન કરાવી દેવામાં આવતાં હતાં. જોકે આ બાબતમાં કુશલ નસીબદાર હતાં, તેમને માસ્ટર્સ સુધીનો અભ્યાસ કરવાની તક મળી. એટલું જ નહીં, આગળ અભ્યાસ માટે તેઓને તિરુવનંતપુરમથી કેરલા અને પછી આઇઆઇટી રુડકી મોકલવામાં આવ્યાં. કુશલનાં બહેન ત્યાં નોકરી કરી રહ્યાં હતાં, માટે આ વાત શક્ય બની શકી. તેમણે ભૂભૌતિક (જિયોફિઝિક્સ)નો અભ્યાસ કર્યો. આ વિષય પર અભ્યાસ કરનારા ત્યાં માત્ર છ વિદ્યાર્થીઓ હતા, જેમાંથી એક માત્ર મહિલા કુશલ હતી.
૧૯૮૭માં સિસ્મોલોજી વિષયમાં પીએચ.ડી. કરવા માટે કુશલ અમેરિકા ગયાં. ૧૯૯૩માં તેઓ પરત ફર્યાં અને નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝની સાથે કામ કર્યું. પછી એસોસીએટ પ્રોફેસર તરીકે ભારતીય વિજ્ઞાન સંસ્થામાં જોડાયાં. આ સમય દરમિયાન તેમની મુલાકાત પ્રસિદ્ધ ભૂવિજ્ઞાન સી.પી. રાજેન્દ્ર સાથે થઈ અને તેઓ લગ્નગ્રંથિએ જોડાયાં. લગ્ન પહેલાં પણ બંનેએ સાથે મળીને ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.
——————————-