પોતાની કમાણી પર પોતાનો અધિકાર

સરકાર તરફથી મહિલા સશક્તિકરણ માટે ઘણા સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
  • વુમન્સ ડે સ્પેશિયલ

ગ્રામીણ મહિલાઓના કામ પર જવાને લઈને આજે પણ સંકુચિત માનસિકતા પ્રવર્તતી જોવા મળે છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલએ મધ્ય પ્રદેશમાં એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં વસતા લોકોનો કામકાજી મહિલા પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયત્ન અને મહિલાઓને કામ કરવાની રુચિ જાગે તેમજ પ્રોત્સાહન મળે તે માટેના કેટલાક મુદ્દા આવરવામાં આવ્યા હતા.

મહિલાઓ ઘરની જવાબદારી નિભાવવાની સાથે હવે બહાર નીકળીને કામ કરવાની ઇચ્છા રાખે છે, પણ ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓનું કામ કરવું આજે પણ સારું નથી માનવામાં આવતું. એમને એવા ટોણા સાંભળવા પડે છે કે તે એક સારી મા સાબિત નથી થઈ રહી કે તેનો પતિ ઘર ચલાવી શકે તેટલું નથી કમાતો. જોકે સરકાર તરફથી મહિલા સશક્તિકરણ માટે ઘણા સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેને પરિણામે મહિલાઓની સ્થિતિમાં સુધારો આવ્યો છે. આ વર્ષે ચૂંટાઈને આવેલાં સાંસદોમાં મહિલા સાંસદોની સંખ્યા ભૂતકાળનાં વર્ષોની સરખાણીમાં વધારે છે. તેમ છતાં કાર્યસ્થળે મહિલાઓની સંખ્યામાં જોઈએ તેવો વધારો નથી જોવા મળતો. વર્ષ ૧૯૯૦માં ૩૭ ટકા મહિલાઓ કાર્યશીલ હતી તેની સરખામણીમાં વર્ષ ૨૦૧૫માં આ ટકાવારી ઘટીને ૨૮ ટકા નોંધાઈ હતી.

સામાજિક કલંક
સરકાર મહિલા સશક્તિકરણ માટે ઘણા બધાં પગલાં ભરે છે, યોજનાઓ લાગુ કરે છે તેમ છતાં શા માટે મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરવામાં નથી જોતરાઈ રહી. તો તેની પાછળનું એક કારણ છે કે ગ્રામીણ ભારતમાં આજે પણ સ્ત્રીઓનું કામ કરવું સામાજિક કલંક માનવામાં આવે છે. જોકે, એક તૃતીયાંશ મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરવાની ઇચ્છા રાખે છે. તો પછી એવું તો શું કરી શકાય કે મહિલાઓ પણ કાર્યક્ષેત્રમાં સરખી ભાગીદાર બને અને આર્થિક રીતે સ્વનિર્ભર બને.

મહિલાઓની કાર્યક્ષેત્રમાં ભાગીદારીની જરૃરત અને તેમને સ્વનિર્ભર બનાવવામાં મદદ કરવાના સંદર્ભમાં હાવર્ડ બિઝનેસ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર નતાલિયા રિગોલ અને અન્ય ચાર પ્રોફેસરોએ સાથે મળીને એક વર્કિંગ પેપર રજૂ કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ મહિલાઓને જો ઘર ચલાવવા માટે અપાતાં નાણામાં વધારે છૂટછાટ કે અધિકાર આપવામાં આવે તો કામકાજી મહિલાઓ તરફ સમાજની સીમિત વિચારધારા છે, તે બદલવામાં મદદ મળશે. આ વર્કિંગ પેપરમાં એમ કહેવામાં આવ્યું છે કે મહિલાઓ જે પણ કમાણી કરે છે, તેના પર જો તેનું પોતાનું જ નિયંત્રણ હોય એટલે કે તે પોતે જેમ ઇચ્છે તે પ્રમાણે ખર્ચ કરી શકે તો તેને લઈને પણ મહિલાઓમાં કામ કરવાની ઇચ્છા જાગૃત થશે અને તેમની આસપાસ સંકુચિત માનસિકતાના જે જાળા ગૂંથાયેલા છે તેમાં પણ ઘટાડો થશે.

આખરે સંશોધન છે શું…
વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ની વચ્ચે હાવર્ડ બિઝનેસ સ્કૂલએ સ્ટેટ અને બેન્ક ઑથોરિટી સાથે મળીને આ અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં મધ્ય પ્રદેશનાં ૧૯ ગામોની ૫,૮૫૧ મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પાંચ જુદા જુદા વિભાગો પાડીને કરવામાં આવ્યો હતો. પહેલા વિભાગમાં ઘરમાં મહિલાઓનાં નામ પર બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું. બીજા વિભાગમાં મહિલાઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલવાની સાથે તેમને બેન્ક સંબંધિત વિવિધ સેવાઓની તાલીમ આપવામાં આવી. ત્રીજા વિભાગમાં સરકારી યોજનાઓ દ્વારા મહિલાઓએ કરેલી કમાણીને તેમના ખાતામાં જમા કરવામાં આવી અને ચોથા વિભાગમાં ખાતું ખોલવાની સાથે, મહિલાઓને તાલીમ આપવામાં આવી અને તેમની કમાણી ખાતામાં જમા કરવામાં આવી. પાંચમાં વિભાગમાં કન્ટ્રોલ ગ્રૂપે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કર્યો. ત્યાર બાદ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો.

અભ્યાસમાં જાણવા મળ્યું કે જે મહિલાઓનું પોતાનું બેન્ક એકાઉન્ટ હતું, જેમની કમાણી તેમના ખાતામાં જ આવતી હતી, તેઓ અન્ય મહિલાઓ કે જેમની પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ હતું પરંતુ તેમની કમાણી એકાઉન્ટમાં જમા નહોતી થતી, તેમની સરખામણીમાં વધુ પ્રગતિશીલ અને પ્રોત્સાહી જોવા મળી. આવી મહિલાઓમાં કામ કરવાની ઇચ્છાનો સંચાર થતો જોવા મળ્યો. આ મહિલાઓએ સરકારી યોજનાઓ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પણ કામ કરવા માટે ઇચ્છા દર્શાવી. બાજુ બાજુ પુરુષોની વાત કરીએ તો આ મહિલાઓને જોવાના તેમના દૃષ્ટિકોણમાં કોઈ પરિવર્તન ન આવ્યું, પણ તેમની સંકુચિત માનસિકતામાં ચોક્કસ બદલાવ જોવા મળ્યો.

દૃષ્ટિકોણ બદલવો જરૃરી
 પુરુષ માનસિકતા ધરાવતા સમાજમાં કામકાજી મહિલાઓ તરફના અભિગમને બદલવો જરૃરી છે. જ્યારે મહિલાઓ પોતાની જરૃરિયાતો અને ઘરવપરાશ માટે પોતાના નાણા વાપરતી થશે, તેમણે પોતે કરેલી કમાણી પર તેમનો અધિકાર મળશે, ત્યારે ઘણી બધી વસ્તુઓમાં પરિવર્તન જોવા મળશે.

ભારતના ઉત્તરપૂર્વી રાજ્યોમાં આજે પણ મહિલાઓના કામ કરવાનો દર દસ ટકા જ છે. જે સંશોધન હાવર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, હવે સરકાર પણ એવો પ્રયોગ હાથ ધરવાની તૈયારી કરી રહી છે, જેમાં મહિલા શ્રમિકોનું ખાતું હોવું, તેની કમાણી તેના ખાતામાં જ જમા થવી અને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલી સર્વિસની બેઝિક ટ્રેનિંગ આપવાનું કામ કરવામાં આવશે.
————————————-

મહિલા દિવસ
Comments (0)
Add Comment